ઘણાં લોકો મારા ફેસબુક સ્ટેટસ નિચે આવી લખી જાય છે. તમે માત્ર ફેસબુક પરના મહાન ક્રાંતિકારી છો. તમે સમાજ ઉપયોગી કોઇ કાર્ય કરતાં હોય તો કહો. માત્ર મોટી મોટી વાતોના વડાં કરો છો! તમારી વાતોથી ફાયદો શું? પ્રથમ તો હું પહેલેથી મારા નિયમ મુજબ કોઇ સામાજિક ઉત્કર્ષના કાર્યની જાહેરાત નથી કરતો. બીજું હું હંમેશા કાર્યક્ષેત્ર નાનું રાખું છું. ત્રીજું નાના કાર્યક્ષેત્રમાં નાની ટીમ હોય છે. દા.ત એકવાર અનુભવ્યું કે પ્રા.શાળામાં આપણાં બાળકોનો શૈક્ષણિક પાયો કાચો રહે છે. અંદાજે 60 બાળકો હતાં. અમે છ-સાત દોસ્ત હતાં વિચાર્યું કે શાળાનાં સમયબાદ આપણે જ ભણાવીએ! ભણાવવામાં શું જોઇએ? બોર્ડ, ચોક, ડસ્ટર અને મેદાન! 'સાથી પરિવાર' નામ રાખી દીધું..લગાતાર પાંચ વર્ષ ચલાવ્યું..અમે નિકળી ગયાં તો બીજાં દોસ્તો હવે ચલાવે છે. અમારો 'સાથી પરિવાર' કોન્સેપ્ટ બીજા ગામોમાં પણ ફેલાયો. અંદાજે 6-7 ગામોમાં હજીપણ કોન્સેપ્ટ કાર્યરત છે. અા પ્રકારના બીજા પણ ઘણાં કોન્સેપ્ટ છે જે નાના નાના કાર્યક્ષેત્રમાં ચાલી રહ્યાં છે. જે તમારા દ્વારા પણ ઓછા ખર્ચે, નાની ટીમ દ્વારા ચલાવી શકાય.
અહીં આ મંચ પર લખવાથી ઘણો ફરક પડે છે. લગભગ ત્રણસો થી સાડા ત્રણસો જેટલાં મિત્રો જે આ મંચ પર મૌજૂદ છે જેઓ મને રુબરું મળ્યાં છે. કોલ પણ નિયમિત કરે છે. તેઓ પણ આવા નાના પાયા પર કામ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, આ મંચ પરથી તેઓને સામાજિક કાર્યોની પ્રેરણા મળી રહે છે. એક મિત્ર મહેન્દ્રભાઇ 'નેકનામ' તો માત્ર ધો-12 ભણેલાં છે. નાનકડી હોસ્પિટલ ચલાવે છે! વિજય જાદવ અને તેમનું ગૃપ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરાવે છે સાથોસાથ બીજી ઘણી શૈક્ષણિક પ્રવૃતિઓ ચલાવે છે. એક દોસ્ત પિયુષ જાદુગર છે જે અંધશ્રદ્ધા મુક્તિના નાટકો તથા કાર્યક્રમો આપે છે. બીજા કેટલાંય મિત્રો છે..જે નાના મોટા પાયા પર સામાજિક નિર્માણનું કામ કરી રહ્યાં છે..વિશાલ સોનારા, રાહુલ વાઘેલા, વિનોદ સોલંકી, શૈલેષ સોલંકી..ડો. ડાયાલાલ છાસીયા, કેવલ ચાંડપા, ડો. હરેશ પરમાર..અગણિત મિત્રો છે જે 'મૂક નાયકો' છે. હજી ગઇકાલે જ એક અજાણ્યો દોસ્ત મળવા આવ્યો મને કહે સાહેબ તમે લખો છો તો પ્રેરણા મળે છે. એક સુદ્રઢ સામાજિક નિર્માણ માટે લેખકો વિચારકોની જરુર હોય છે. તમે લખતા રહેજો! અમે તમારામાંથી પ્રેરણા લઇ એક ગૃપ બનાવ્યું છે...હું એનું નામ ભૂલી ગયો..પણ એની આંખોમાં ચમક હતી.. મને એ ચમક ગમે છે..હું સ્વર્ણિમ રાષ્ટ્રના નિર્માણ માટે લખતો રહીશ..
-વિજય મકવાણા
વર્ષ 2004માં સાથી પરિવાર શરું કર્યાને બે ચાર માસ થયાં. બાળકોની સંખ્યાં દિવસે દિવસે ઘટતી હતી. અમે તાલિમ પામેલ શિક્ષકો ન હતાં. હું અને દોસ્તો ચિંતામાં હતાં. મેં પપ્પા સાથે વાત કરી. પપ્પા કહે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત કરાવ. શાળા સમયબાદ પણ ભણવાનું? બાળકોને તે પસંદ નથી પડતું..પપ્પાએ 'તોતોચાન' નામનું પુસ્તક પકડાવી દીધું! ગિજુભાઇ બધેકાની પુસ્તક શ્રેણીઓ પણ શાળાની 'વખાર' માંથી શોધી લાવ્યો. બે દિવસ વાંચ્યું. મંથન કર્યું. પછી નિર્ણય લીધો બાળકોને બાળક બની ભણાવીશું. સામાજિક કાર્યમાં ભંડોળની મારે ક્યારેય ચિંતા કરવી પડી નથી. મેં સ્વર્ગસ્થ મિત્ર દલાભાઇને વાત કરી તેમનો પાનનો ગલ્લો. એક મોટો 135 તંબાકુનો ડબ્બો લીધો. ઢાંકણ પર સેલોટેપ મારી ઉપર મોટો કાપો મૂક્યો. દાન પેટી! જે ત્યાંથી પસાર થાય તેને કહીએ 'એય ભઇલું ચાલ! અમને ખબર ન પડે એમ શક્તિ મુજબ ડબ્બામાં પૈસા નાખ!' ડબ્બો ત્યાંજ રાખ્યો કોઇ પુરુષ ગ્રાહકને બે રુપિયા સુધીનું પરચૂરણ પાછું નહી આપવાનું! તે સીધું ડબ્બામાં! કોઇ 'ચૂં ચૂં કરે તો 'માસ્તરના છોકરા' હારે લપ કરવી! લોકો પ્રેમથી ચૂપચાપ નાખીને ચાલ્યાં જાય! બે દિવસમાં બાળકોના શૈક્ષણિક રમત-ગમતનાં સાધનો આવી ગયાં..વધું એક કલાક ક્રિકેટ, ફુટબોલ વિગેરે રમત રમતાં રમતાં બાળકો ભણવા લાગ્યાં.. ઘણી વાતો છે.. આ રીતે દસ થી વધારે ગામમાં મારું સંપૂર્ણ જીવન વીત્યું છે..દરેક ગામને મારું ગામ બનાવ્યું છે. અસંખ્ય લોકોનો સાથ, સહકાર, પ્રેમ, લાગણી, સ્નેહ મને મળ્યો છે. મારા દરેક ગામમાં જુદા જુદા નામ છે.!!
- વજો ઉર્ફ વિજય મકવાણા
Facebook Post : -
No comments:
Post a Comment