June 27, 2018

આખુ વર્ષ ચાલે એટલી ઉર્જા મળે

By Raju Solanki  || 16 April 2018



ગુજરાતના આંબેડકરી આંદોલનના તેમ જ ભૂમિ આંદોલનના ઇતિહાસમાં નરોડા રોડ પર આવેલા અમદુપુરાનું ઔતિહાસિક મહત્વ છે. 1960ની 18મી ઓગસ્ટે બરોબર બપોરે 11 વાગે અમદુપુરાના ચોકમાં વાદળી ટોપીઓનું વાદળ છવાઈ ગયું હતું. રીપબ્લિકન પક્ષના હજારો કાર્યકરો હાથમાં વાદળી ઝંડા સાથે, માથે વાદળી ટોપીઓ પહેરીને, ઉઘાડા પગે ‘ડો. બાબાસાહેબ આઁબેડકર અમર રહો’, ‘નહીં રૂકેગા, નહીં રૂકેગા ભૂમિહીનોં કા મોર્ચા નહીં રૂકેગા’ જેવા નારાઓ સાથે તે વખતની ગુજરાત વિધાનસભા (હાલની સિવિલ હોસ્પિટલ)ને ઘેરો ઘાલવા નીકળી પડ્યા હતા.

ત્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદીનેય શરમાવે એવી તુમાખી ધરાવતા, તોછડા મુખ્યપ્રધાન કોંગ્રેસના જીવરાજ મહેતા હતા, જેમણે આ આંદોલનના એક મહિના પહેલા આવેદનપત્ર આપવા આવેલા રીપબ્લિકન પક્ષના પ્રતિનિધિમંડળ સામે બાબાસાહેબ વિષે અસભ્ય ઉચ્ચારણો કરેલા. પરીણામે વીફરેલા દલિતોએ ઇતિહાસમાં ક્યારેય ના થયું હોય તેવું અભૂતપૂર્વ ભૂમિ આંદોલન કરેલું, હજારો લોકોએ કારાવાસ વેઠલો, ગામડાઓમાં દલિતોએ હજારો એકર સરકારી જમીનનો કબજો લઇને ખેતી કરવા માંડેલી, સરકાર ત્રાહિમામ પોકારી ગયેલી અને છેવટે સરકારને ગુજરાત ખેતી જમીન ટોચમર્યાદા કાયદો, 1961 ઘડવાની ફરજ પડેલી.

આવા ઐતિહાસિક અમદુપુરાના ચોકમાં આ 14મી એપ્રિલે આંબેડકરી યુવા સંગઠને બાબાસાહેબની 127મી જન્મજયંતીની શાનદાર ઉજવણી કરી. આંબેડકરી ચળવળના જુના જોગી જયંતી ઉસ્તાદનું જાહેર સન્માન કર્યું. જયંતી ઉસ્તાદ એટલે 1985માં ગાંધીનગરમાં નીકળેલી ચાર લાખની દલિત-આદિવાસીની રેલી ટાણે ગુજરાત વિધાનસભા પર વાદળી ઝંડો ફરકાવવા ચડેલો એક ઝુઝારુ યુવાન. રાજુ સોલંકીએ એ રેલીને યાદ કરીને જણાવ્યું કે તેઓ ત્યારે જયંતી ઉસ્તાદની સાથે હતા. હાલ એમના 65 વર્ષ થયા છે. પરંતુ હજુ એ જ મિજાજ સાથે સભાઓ સંબોધે છે. આવા જયંતી ઉસ્તાદનું સન્માન કરીને આંબેડકરી યુવા સંગઠને સરસ કામ કર્યું.

અમદુપુરામાં સભા થાય અને દલિત પેંથરના લડાકુ નેતા નારણ વોરાને યાદ કરવામાં ના આવે તો કેમ ચાલે? રાજુ સોલંકીએ પ્રવચનમાં નારણ વોરાને યાદ કર્યા અને કહ્યું કે આખી જિંદગી મીલમાં નોકરી કર્યા પછી નિવૃત્તિ ટાણે એ માણસને પીએફ અને ગ્રેજ્યુઇટી ના મળે, કેમ કે એણે દલિત આંદોલન પાછળ એટલી બધી રજાઓ પાડી હોય. આવા માણસના પરીવારને મદદ કરવા ‘નારણ વોરા સન્માન સમિતિ’ની રચના કરવામાં આવે. લોકોએ આ દરખાસ્તને તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલી અને સ્થાનિક આંબેડકરી યુવા સંગઠન હવે આ યોજના સૌના સહકારથી અમલમાં મુકશે.

અમદુપુરા નરોડા રોડનો એક અર્થમાં ગેટવે છે. અહીંથી શરૂ થતા નરોડા રોડ પર સહેજેય એક લાખ દલિતો વસે છે. અહીં શિક્ષણ માટે એક સેન્ટર શરૂ કરવામાં આવે તો સમગ્ર રોડ પર વસતા દલિતો જ નહીં દેવીપૂજક જેવી અન્ય પછાત જાતિઓ બાળકોને પણ એનો લાભ મળે, એવું સૂચન રાજુ સોલંકીએ કર્યું. ટૂંક સમયમાં આ સૂચનને પણ યોગ્ય રીતે અમલમાં મુકવા સૌ સક્રિય થશે. સભાના અંતે બાબાસાહેબના શિક્ષિત બનોના સૂત્રને સાકાર કરવા સૌએ શપથ લીધા. આખુ વર્ષ ચાલે એટલી ઉર્જા આ એક કાર્યક્રમથી મળી ગઈ.

ભરત ડોડીયા અને એમની ટીમને જય ભીમ. નીલા સલામ.





કોણ કોની પ્રસિદ્ધિ કરી રહ્યું છે?

By Raju Solanki  || 15 April 2018




રાજુ સોલંકી એનો સાક્ષી છે

આજે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડીયા’ લખે છે, “For the first time in years, there were huge queues at Sarangpur to garland the statue of Babasaheb.” એટલે કે પ્રથમવાર સારંગપુર ખાતે બાબાસાહેબની પ્રતિમાએ લાંબી લાઇનો લાગી હતી.

આમને બિચારાઓને ખબર જ નથી કે 1981 અને 1985ના મીડીયા-પ્રેરિત અનામતવિરોધી રમખાણો વખતે લાખો દલિતો અમદાવાદમાં સારંગપુર ખાતેની પ્રતિમાએ ઉમટી પડતા હતા અને મીડીયા એક લીટી છાપતું નહોતુ. ત્યારે ફેસબુક ન હતું અને માર્ક ઝુકરબર્ગ જન્મ્યો પણ ન હતો. પણ નિષ્ઠા, પ્રતિબદ્ધતા અને બાબાસાહેબ પરત્વેનો ઉમળકો લગીરે ઓછો નહોતો. રાજુ સોલંકી એનો સાક્ષી છે.

મજાની વાત તો એ છે કે અત્યાર સુધી રમણ વોરા કે આર. એમ. પટેલ જેવા ભાજપના દલિત નેતાઓ પ્રતિમાએ આવતા અને જતા રહેતા, એમની કોઈ નોંધ લેવાતી નહોતી. તેઓ આવતા અને પોતાના કેટલાક ટેકેદારો સાથે બાબાસાહેબને ફુલહાર પહેરાવીને રવાના થઈ જતા હતા. આ વખતે જ કહેવાતા વિરોધને કારણે એમના તરફ સૌનું ધ્યાન ગયું છે અને મીડીયામાં એમના ફોટા પણ આવ્યા છે. કોણ કોની પ્રસિદ્ધિ કરી રહ્યું છે?



ડૉ આંબેડકર અને તેમનો બૌદ્ધ ધમ્મ - (The Beginning)

By Vishal Sonara || 27 Jun 2018


ડો ભીમરાવ આંબેડકર વિશે ફેસબુક તથા અન્ય માધ્યમો દ્વારા ઘણી બધી માહિતી લોકોને મળતી હોય છે. પણ આશ્ચર્યજનક વાત એ છે કે આ માહિતી મા સૌથી વધારે જો કંઈ હોય તો તે ભગવાન અને હિન્દુ ધર્મ વિરોધી વિચારો જ જોવા મળે છે. એમા કોઈ શંકા નથી કે બાબા સાહેબે વર્ણ વ્યવસ્થા જેવા અન્યાયપુર્ણ સિદ્ધાંતો નુ રક્ષણ તથા પોષણ કરતા હિન્દુ ધર્મ ના વિરોધ મા ઘણું બધું લખેલું છે. પણ એ પણ એક હકીકત છે કે એના સિવાય પણ બાબા સાહેબ ઘણું બધું અન્ય સાહિત્ય સર્જન કરતા ગયા છે. બાબા સાહેબે અન્ય જે વિષયો પર પ્રકાશ ફેંક્યો છે એ જો જાણીએ તો તે છે કાયદા શાસ્ત્ર, ઈતિહાસ, અર્થશાસ્ત્ર , સમાજ પરિવર્તન, ધર્મ અને ફિલોસોફી, રાજ્યશાસ્ત્ર, રાજકારણ વગેરે વગેરે... આ બધું છોડીને આંબેડકરના ફક્ત હિન્દુ વિરોધી વિચારો નો જ આટલો ભયંકર પ્રચાર પ્રસાર કેમ?? આંબેડકર ને માનનારા લોકો ના અન્યાય તથા અસમાનતા પ્રત્યે ના આક્રોશ ના કારણે આમ થાય છે કે કોઈ ષડયંત્ર ના ભાગ સ્વરૂપે થાય છે તે એક તપાસ નો વિષય છે. અત્યાર ના આ માહિતી ના યુગમાં આંબેડકર ને માનતા લોકોએ સતર્કતા થી એમના વિચારોને સાચી રીતે સમજીને લોકો સમક્ષ રજૂ કરવા પડશે. નહીં તો વિરોધી વિચારધારા ધરાવતા તત્વો એ વિચારોને અલગ અલગ રીતે મુકતા રહેશે અને જે સાચે જ આ વિચારધારા ને સમજવા માંગે છે એ ગેરમાર્ગે દોરાતા રહેશે. આંબેડકર એક વિશાળ દરિયો છે, વ્યક્તિ ના સ્વરૂપમાં એક આખી લાઈબ્રેરી છે. એ લાઈબ્રેરી માંથી પોતાને મનગમતા વિષય પર લોકોને માહિતગાર કરવા એ હર એક કર્મશીલ ની ફરજ છે.

બાબા સાહેબ માટે નૈતિકતા અને સદાચાર અત્યંત મહત્વપુર્ણ ગુણધર્મો હતા. એમણે ખુદ એ પ્રકાર નુ જીવન જીવ્યા છે. માટે સમાજ અને આ દેશના લોકો પણ એ જ પ્રમાણે સદાચારી જીવન જીવે એવું એમનું સ્વપ્ન હતું. બુદ્ધ ના ધમ્મ નો મૂળભૂત પાયો જ અન્ય ધર્મો જેમ ભગવાન નહી પરંતુ નૈતિકતા અને સદાચાર છે માટે બાબા સાહેબને દુનીયા ના દરેક ધર્મો નો અભ્યાસ કર્યા બાદ બુદ્ધ નો ધમ્મ જ એમના આંદોલન અને વિચારધારા ને અનુરુપ લાગ્યો. બાબા સાહેબ ના જીવન નો અભ્યાસ કરીએ તો આપણને પ્રતિત થશે કે જે રીતે ગૌતમ બુદ્ધે પોતાના સમયમાં પાખંડ, અંધશ્રદ્ધા, હિંસા, શોષણ, અસમાનતા, નફરત વગેરે જેવા દુર્ગુણો સામે ક્રાંતિ કરી હતી એ જ પ્રકારની ક્રાંતિ બાબા સાહેબે પણ પોતાના સમગ્ર જીવન દરમિયાન કરી હતી.

ડો ભીમરાવ આંબેડકરે સમગ્ર પરિસ્થિતિ નો તાગ મેળવ્યા બાદ ઈસવીસન 1935 માં જ જાહેર કરેલુ કે હું હિન્દુ તરીકે જનમ્યો જરુર છું પરંતુ એક હિંદુ તરીકે કદાપી મરીશ નહીં. બાબા સાહેબે પોતાના જીવનમાં 25 વર્ષો સુધી વિવિધ ધર્મો નો અભ્યાસ કર્યો હતો. ધર્મ પરિવર્તન માટે વિવિધ ધર્મો ના ધર્મગુરુઓ ની સમજાવટ ને ધ્યાનમાં લીધા બાદ એમણે 14 ઓક્ટોબર 1956 ના દિવસે વિધિવત રીતે જગ પ્રસિદ્ધ બૌદ્ધ ધમ્મ નો સ્વિકાર કર્યો હતો. કમનસીબે 2 મહીના જેવા ટુંકા ગાળામાં જ 6 ડિસેમ્બર 1956 ના રોજ એમણે આ દુનિયા છોડી દીધી હતી. પરંતુ અંત સમયમાં પણ એમણે પોતાની 1935 મા લીધેલી 21 વર્ષ જુની પ્રતિજ્ઞા પુરી કરી હતી.

આપણે હંમેશા સાંભળ્યું છે કે રાવણને 10 મસ્તક હતા, આજના આ તર્ક અને વિચારોના યુગમાં હવે સમજી શકાય છે કે દસ મસ્તક એટલે એ નહીં કે જે જે ટીવી પર અને નાટકોમાં 10 મહોરા પહેરે છે પણ 10 દિમાગ જેટલી બુદ્ધિમત્તા ધરાવતો વ્યક્તિ એટલે દસ સર વાળો રાવણ. પણ આવા દ્રષ્ટાંતો ને કલમ કસાઈઓ દ્વારા પોતાના લાભ માટે અલગ રીતે ઉપયોગ થયો છે એ હકિકત આપણે હવે સારી રીતે જાણતા થયા છીએ. બાબા સાહેબ આવી જ કુશાગ્ર બુદ્ધિ ધરાવતા વ્યક્તિ હતા. એમણે પોતાના જીવન ના અનેક તબક્કાઓ મા પોતાની દિર્ઘ દ્રષ્ટી નો પરીચય આપ્યો છે. અને એના ભાગ રૂપે જ એમણે ભારત દેશ ને બુદ્ધ ના સિદ્ધાંતો પર ચાલવાની રાહ દેખાડી છે. એક વાત અત્યારે જ ક્લિયર કરીએ બાબા સાહેબે બુદ્ધના નામ પર જે ચમત્કારિક કહાનીઓ અને અંધશ્રદ્ધા છે એનો સંપૂર્ણ અસ્વીકાર કર્યો છે અને એમનો ઓરિજિનલ વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો છે. ગૌતમ બુદ્ધ ને Light of Asia એટલે કે એશિયા નો પ્રકાશ પુંજ કહેવાય છે. એ જ પ્રકાશ પુંજ ડો ભીમરાવ આંબેડકર ના સ્વરૂપે આ દેશને એક નવી દિશા દેખાડી રહ્યો છે. અને બાબા સાહેબ ને પુરી ખાતરી હતી કે એમના બાદ ભારતવાસીઓ આ દેશને પ્રબુદ્ધ રાષ્ટ્ર બનાવીને રહેશે. એમના અનુયાયી તરીકે આપણે પણ એ દિશામાં ચોક્કસથી કામ કરવું જ જોઈએ, અને કરીશું જ.