June 27, 2018

આખુ વર્ષ ચાલે એટલી ઉર્જા મળે

By Raju Solanki  || 16 April 2018



ગુજરાતના આંબેડકરી આંદોલનના તેમ જ ભૂમિ આંદોલનના ઇતિહાસમાં નરોડા રોડ પર આવેલા અમદુપુરાનું ઔતિહાસિક મહત્વ છે. 1960ની 18મી ઓગસ્ટે બરોબર બપોરે 11 વાગે અમદુપુરાના ચોકમાં વાદળી ટોપીઓનું વાદળ છવાઈ ગયું હતું. રીપબ્લિકન પક્ષના હજારો કાર્યકરો હાથમાં વાદળી ઝંડા સાથે, માથે વાદળી ટોપીઓ પહેરીને, ઉઘાડા પગે ‘ડો. બાબાસાહેબ આઁબેડકર અમર રહો’, ‘નહીં રૂકેગા, નહીં રૂકેગા ભૂમિહીનોં કા મોર્ચા નહીં રૂકેગા’ જેવા નારાઓ સાથે તે વખતની ગુજરાત વિધાનસભા (હાલની સિવિલ હોસ્પિટલ)ને ઘેરો ઘાલવા નીકળી પડ્યા હતા.

ત્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદીનેય શરમાવે એવી તુમાખી ધરાવતા, તોછડા મુખ્યપ્રધાન કોંગ્રેસના જીવરાજ મહેતા હતા, જેમણે આ આંદોલનના એક મહિના પહેલા આવેદનપત્ર આપવા આવેલા રીપબ્લિકન પક્ષના પ્રતિનિધિમંડળ સામે બાબાસાહેબ વિષે અસભ્ય ઉચ્ચારણો કરેલા. પરીણામે વીફરેલા દલિતોએ ઇતિહાસમાં ક્યારેય ના થયું હોય તેવું અભૂતપૂર્વ ભૂમિ આંદોલન કરેલું, હજારો લોકોએ કારાવાસ વેઠલો, ગામડાઓમાં દલિતોએ હજારો એકર સરકારી જમીનનો કબજો લઇને ખેતી કરવા માંડેલી, સરકાર ત્રાહિમામ પોકારી ગયેલી અને છેવટે સરકારને ગુજરાત ખેતી જમીન ટોચમર્યાદા કાયદો, 1961 ઘડવાની ફરજ પડેલી.

આવા ઐતિહાસિક અમદુપુરાના ચોકમાં આ 14મી એપ્રિલે આંબેડકરી યુવા સંગઠને બાબાસાહેબની 127મી જન્મજયંતીની શાનદાર ઉજવણી કરી. આંબેડકરી ચળવળના જુના જોગી જયંતી ઉસ્તાદનું જાહેર સન્માન કર્યું. જયંતી ઉસ્તાદ એટલે 1985માં ગાંધીનગરમાં નીકળેલી ચાર લાખની દલિત-આદિવાસીની રેલી ટાણે ગુજરાત વિધાનસભા પર વાદળી ઝંડો ફરકાવવા ચડેલો એક ઝુઝારુ યુવાન. રાજુ સોલંકીએ એ રેલીને યાદ કરીને જણાવ્યું કે તેઓ ત્યારે જયંતી ઉસ્તાદની સાથે હતા. હાલ એમના 65 વર્ષ થયા છે. પરંતુ હજુ એ જ મિજાજ સાથે સભાઓ સંબોધે છે. આવા જયંતી ઉસ્તાદનું સન્માન કરીને આંબેડકરી યુવા સંગઠને સરસ કામ કર્યું.

અમદુપુરામાં સભા થાય અને દલિત પેંથરના લડાકુ નેતા નારણ વોરાને યાદ કરવામાં ના આવે તો કેમ ચાલે? રાજુ સોલંકીએ પ્રવચનમાં નારણ વોરાને યાદ કર્યા અને કહ્યું કે આખી જિંદગી મીલમાં નોકરી કર્યા પછી નિવૃત્તિ ટાણે એ માણસને પીએફ અને ગ્રેજ્યુઇટી ના મળે, કેમ કે એણે દલિત આંદોલન પાછળ એટલી બધી રજાઓ પાડી હોય. આવા માણસના પરીવારને મદદ કરવા ‘નારણ વોરા સન્માન સમિતિ’ની રચના કરવામાં આવે. લોકોએ આ દરખાસ્તને તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલી અને સ્થાનિક આંબેડકરી યુવા સંગઠન હવે આ યોજના સૌના સહકારથી અમલમાં મુકશે.

અમદુપુરા નરોડા રોડનો એક અર્થમાં ગેટવે છે. અહીંથી શરૂ થતા નરોડા રોડ પર સહેજેય એક લાખ દલિતો વસે છે. અહીં શિક્ષણ માટે એક સેન્ટર શરૂ કરવામાં આવે તો સમગ્ર રોડ પર વસતા દલિતો જ નહીં દેવીપૂજક જેવી અન્ય પછાત જાતિઓ બાળકોને પણ એનો લાભ મળે, એવું સૂચન રાજુ સોલંકીએ કર્યું. ટૂંક સમયમાં આ સૂચનને પણ યોગ્ય રીતે અમલમાં મુકવા સૌ સક્રિય થશે. સભાના અંતે બાબાસાહેબના શિક્ષિત બનોના સૂત્રને સાકાર કરવા સૌએ શપથ લીધા. આખુ વર્ષ ચાલે એટલી ઉર્જા આ એક કાર્યક્રમથી મળી ગઈ.

ભરત ડોડીયા અને એમની ટીમને જય ભીમ. નીલા સલામ.





No comments:

Post a Comment