વડોદરામા આર્થિક રીતે પછાત પરંતુ તેજસ્વી બાળકોને મદદ કરવા અમે અને અમારા મિત્રોએ સંકલ્પ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ બનાવ્યું. ગયા વર્ષે ૪૩ વિધ્યાર્થીઓને આ ટ્રસ્ટે લગભગ ત્રણ લાખ રૂપિયાની મદદ કરી. વડોદરામા કેટલાય સંગઠનો છે પણ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત નથી, આણંદ અને ઠાસરામાં આવા સંગઠન કામ કરી રહ્યું છે. પણ સક્રિય નથી.
ધોળકા જઇને અમે ત્યાના મિત્રો જે નોકરી માટેની ટ્રેનિંગ ના કલાસ ચલાવે છે જેમાં GPSC ના ભુતપુર્વ સચિવ છે. તેઓને મળ્યા અને શક્ય તેટલો સહયોગ આપ્યો. વણકર કે રોહિતનો કે SC ની કોઇ પણ જાતિનો ભેદભાવ રાખ્યા સિવાય આ SPAV કાર્ય કરી રહ્યું છે. કેટલાય દેશોમાંથી ડોનેશન મળે છે.
કનુભાઇ વ્યાસ સાહેબની અભિયાનની ટીમ બાબા સાહેબના વિચારો લઇને SC ના દરેક જાતિના લોકોને એક પ્લેટફોરમ પર લાવવાનો ઉમદા પ્રયાસ કરી રહ્યા છે. કોઇ જાતના ભેદભાવ કે ગ્રંથિથી મુક્ત રહીને આ સરાહનીય કાર્ય કરે જાય છે.
પરંતુ ઉમરેઠમાં હાલની પેઢીમાં કોઇ કોલેજ સુધી શિક્ષણ લેતું નથી. છોકરીઓ ઉચ્ચ શિક્ષણ તરફ જઇ રહી છે પણ છોકરાઓમાં તેના પ્રત્યે ઉદાસીનતા દેખાય રહી છે. દસ છોકરામાંથી નવ શરાબને રવાડે ચડીને જીવન બરબાદ કરી રહ્યા છે.
આપણે પાયાના પ્રશ્નો પકડ્યા જ નથી. માત્ર ૧૪/૪ ના દિવસે બાબાને હાર પહેરાવી દેવાથી આ કામ નહી થઇ શકે.
પંચમહાલમા અમે જ્યારે ગયા ત્યારે ખબર પડી કે ગામડામાં Drop Out રેશિયો બહુ મોટો છે. આ રેશિયો એટલે પહેલા ધોરણમાં ૧૦૦ વિદ્યાર્થીઓ એડમીશન લે પણ માંડ ૨૦ વિદ્યાર્થીઓ જ ધો૧૦ સુધી પહોંચી શકે તેને ચિંતાજનક રેશિયો કહેવાય છે. આ સરકારની જવાબદારી છે તેમ કહીને આપણે છટકી જઇએ છે. એક નિવૃત IAS અધિકારીએ આની પર ભાર મુકીને તે અંગે ગામડે ગામડે જાગૃતિ ફેલાવવાનું કામ કરો તેમ કહ્યું. આ કામ કોણ કરશે? આપણે બાબાના વિચારો ફેલાવવામાં વ્યસ્ત છે.
અજીત મર્ચન્ટ ના કહેવાથી અમારી સંકલ્પ ની ટીમ વસો ગામમાં એક મીટીંગ કરવા ગઇ હતી. અમારી સાથે ઉમંગ વાઘેલા અને જીતેન્દ્ર રોહિત પણ હતા. અજીતનુ કહેવું હતું આ ગામમાં ૯૦ટકા યુવાનો શરાબના રવાડે ચડી ગયા છે. મીટીગમા તમે આ વ્યસન વિશે વાત કરજો. બે કલાક ચાલેલી મીટીગમા બાબાના વિચારો સાથે વ્યસન મુક્તિની પણ વાત કરી. પણ હુ માનું છુ એકાદ બે મીટીગમા કાઇ ના થાય. સતત મીટીંગોનો દોર કોઇ પરિણામ લાવી શકે. પણ તેમાં કેટલાને રસ છે કારણ કે બાબા સિવાયની વાતો યશ આપી શકતી નથી.
થોડા દિવસ પહેલા ડોક્ટર મિત્રએ મને કહ્યું હતું કે તમે ફ્રી કેમ્પનુ આયોજન કરો. તેમની જુદા જુદા ડોકટરોની ટીમ આવીને એક દિવસ મફત સારવાર કરશે. પણ મને કોઇનો સાથ ના મળ્યો. કારણ કે આમાં પ્રસંશા નહી મળે. કારણ કે આપણું કામ તો બાબાના વિચારો ફેલાવવાનું જ છે.
કેટલાય ગામોમાં આજે પણ તડપ્રથા કામ કરી રહી છે. ફળિયામાં દસ ઘર હોય પણ સંપ નથી, એકબીજાના શુભ પ્રસંગે જતા નથી. SC ની જાતિઓ દુર થવી જ જોઇએ પણ આ એક જ જાતિના લોકો એક પ્લેટફોરમ પર નથી. પરગણા વાદમાંથી બહાર નથી. હુ આ પરગણાનો, તું પેલા પરગણાનો જેવી જિદમાંથી બહાર નથી. આના વિશે કેમ મીટીંગ થતી નથી? આ સમાજનો પ્રશ્ન નથી?
વડોદરામા કે બીજા શહેરોમાં બાબાની જન્મ જયંતિ નિમિતે આવા મેડિકલ કેમ્પ કે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કેમ રાખી શકતા નથી?
એક ગામમાં નાની ઉંમરના છોકરાઓને મસાલા, ગુટકા ખાવાનો અને સિગારેટ પીવાનો શોખ છે. કેટલાક જુગાર રમીને દિવસો પસાર કરે છે. તેમને આવી આદતોમાંથી મુક્ત કરવા માટેની કોઇ મીટીંગ થતી નથી. આપણે નવી પેઢીને શુ આપીને જઇશુ.
બાબાને જાણતો દારુડિયો સારો કે જેને બાબા વિશે ખબર નથી પણ આવા વ્યસનોથી મુક્ત છે તે સારો?
આપણે માત્ર જાગ્રુત કરવા માગીયે છે. કારણ કે જાગૃત હશે તો તમામ સમસ્યામાંથી મુક્ત થઇ જશે તેમ માનીયે છે. જો શિક્ષણની જવાબદારી મા બાપની હોય બાબાની વિચાર આપવાની કેમ નહી. કેટલાય મિત્રો આ કામ કરી રહ્યા છે.
કચ્છમાં અેક વ્યસન મુકિતનુ ગ્રુપ ચાલે છે. ૩૦ થી ૩૫ વર્ષની વચ્ચેના યુવાનો આ ગ્રુપ ચલાવે છે. ગ્રુપ પર વ્યસન મુકિત સિવાયના કોઇ મેસેજ નથી કરતા. દર અઠવાડિયે એક ગામમાં મીટીંગ કરે છે.ઓછામાં ઓછા પાંચ વ્યક્તિને વ્યસન ને છોડવા માટે સમજાવે અને તેમની પાસે પ્રતિજ્ઞા લેવડાવે છે. અત્યાર સુધી ૧૦૦૦ યુવાનોને પ્રતિજ્ઞા લેવડાવી ચુક્યા છે. ગ્રુપ એડમીન કહે છે જય ભીમ કે જય મુલનિવાસી બોલવાથી પાયાના પ્રશ્નો ઉકેલાવાના નથી. વધુ ઉમેરે છે કદાચ માતા મહાદેવની પુજા કરતા હશે પણ વ્યસન મુકિત એ અમારો ધ્યેય છે.
આપણે અંધશ્રદ્ધા દુર કરવા માટે સીધી ગાળો જ બોલીયે છે. પાયાના પ્રશ્નો ઉકેલવા માટે આપણે કેમ બીજા રસ્તા અપનાવતા નથી?
જુદી જુદી પરીક્ષામાં ઉપયોગી થાય તેવી માહિતી પીરસતા બે ગ્રુપો બનાવીને કુન્દને ખરેખર ક્રીએટીવ કાર્ય કર્યું હતું. પણ બાબાના મેસેજ જેમ કોઇ વાંચતું નથી તેમ તે મેસેજ પણ કોઇ ધ્યાનથી વાંચતું નહોતુ. માત્ર પાંચ ટકા ગંભીર હતા. પણ તેની જગ્યાએ આપણે કોઇ પ્રશિક્ષણ માટેની વ્યવસ્થા કરી નથી. આપણી પાસે કેટલાય શિક્ષકો છે જેમને આપણે આવા કાર્યક્રમમાં બોલાવીને તેમનો ઉપયોગ કરી શકીયે. ઓછામા ઓછા દસ શિક્ષકોએ તૈયારી બતાવી હતી. આ દિશામાં યોગ્ય આયોજનથી કામ થઇ શકે.
મહેશભાઇનુ કહેવું છે કે શિક્ષણ બધા લઇ રહ્યા છે પણ જાગૃત નથી. મારે તેમને પુછવુ છે કેટલાની પાસે ક્વાલિટી એજ્યુકેશન છે. શિક્ષણ ઉચ્ચ હશે તો પોસ્ટ પણ ઉચ્ચ મળશે. કેટલા વિદ્યાર્થીઓ સીધી ભરતીમાં કલાસ ટુ કે કલાસ વન અધિકારી તરીકે નિમણૂક પામ્યા છે. અપવાદો હશે પણ મોટે વર્ગ કારકુન તલાટી કે ત્રીજા વર્ગની નોકરીઓમાં સંતુષ્ટ થઇ જાય છે.
બાબાના શિક્ષણ પરથી એ જ શિખવાનુ છે તમે એટલા શિક્ષિત બનો કે તમારું કોઇ નામ ના લે. આપણે બાબા જેટલું શિક્ષણ ના જ લઇ શકીયે પરંતુ ક્વાલિટી એજ્યુકેશનનો અભાવ દેખાઇ રહ્યો છે તેના વિશે પણ જાગૃતિ લાવવી પડશે.
વડોદરામા લગ્ન બ્યુરો સમિતિ તરફથી બહાર પાડવામા આવેલ લગ્નોચ્છુક યુવક યુવતીઓની માહિતિ આપતી પુસ્તિકામાં જોતા ખ્યાલ આવે છે છોકરામાં માત્ર ૪૨ ટકા યુવકો ગ્રેજ્યુએટ કે તેથી વધુ શિક્ષિત હતા જ્યારે યુવતીઓનું પ્રમાણ ૭૨% થી વધુ હતું. તેના પરથી કહી શકાય કે શિક્ષણનું સ્તર કેટલા લેવલ સુધી છે?
ઉતરપ્રદેશ મા એક બહેનને મળવાનું થયું. તેમનો બાબાના વિચારો ફેલાવવાનો આઇડીયા ગમ્યો. તે ગામડામાં ફરી ફરીને એક નાનું પુસ્તકાલય બનાવે છે. પુસ્તકાલય મા મનોરંજનના પુસ્તકની સાથે બાબા વિશે લખાયેલા નાના પુસ્તકો પણ રાખ્યા છે. બહેનનું કહેવું હતું ઇતર વાંચનની સાથે સાથે નાની ઉંમરમા જ બાબા વિશે વાંચતા થશે તો આગળ જતા તેમને કશુ શિખવાડવાની જરુર નહી પડે. આપણે ત્યાં ઇતર વાંચન કેટલાની પાસે? કેટલાને રસ છે? પણ મને આ વિચાર ખરેખર અદ્ભુત લાગ્યો.
આખી વાતમાં મે સમસ્યા પર વધુ ધ્યાન કેન્દ્રૂીત કર્યું છે. સમસ્યાને ઉકેલવાના દરેકની પાસે જુદા જુદા ઉપાયો હોઇ શકે. અને સમસ્યા દરેકના સહિયારા પ્રયાસોથી જ ઉકેલાય શકે. તેથી બાબાના વિચારોની સાથે સાથે પાયાના પ્રશ્નો ઉકેલવાનું કાર્ય કરતા રહો તે હાલના સમયની માંગ છે.
વાત મારી મરજી તમારી..
-- દિનેશ મકવાણા
No comments:
Post a Comment