July 19, 2018

બાબા સાહેબે ધર્મવિહીન અવસ્થા શા માટે ન અપનાવી..?

By Jigar Shyamlan ||  Written on 7 April 2018


બાબા સાહેબ અને બૌધ્ધ ધમ્મની વાત આવે ત્યારે આ બન્ને સવાલો અતિ મહત્વના બની રહે છે.

બાબા સાહેબ પોતે અતિ અભ્યાસુ હતા, વિદ્વાન હતા તેમ છતાં ખુદને ધર્મવિહીન ન રાખી શક્યા. દુનિયાના વિશેષ કરીને પશ્ચિમમાં અનેક લોકો કોઈ પણ જાતના ધર્મ વગરની અવસ્થામાં છે એમનુ ઉદાહરણ બાબા સાહેબે કેમ ન અપનાવ્યુ..?

બીજી રીતે કહીએ તો

(1). બાબા સાહેબે ધર્મવિહીન અવસ્થા શા માટે ન અપનાવી..?

(2). એક વખત હિન્દુ ધર્મનો ત્યાગ કરી દીધા પછી કોઈ પણ ધર્મ સ્વિકાર્યા વગર કેમ ન રહી શક્યા..?

આ બન્ને સવાલો મહત્વના બની રહે છે, આપણે એનો જવાબ મેળવવાની કોશિશ કરીશું.

પહેલી વાત એ કહેવી પડશે કે બાબા સાહેબ એવુ માનતા હતા કે મનુષ્યના જીવનમાં ધર્મની જરૂરીયાત અતિ આવશ્યક છે.

બીજી વાત સમાજની ધારણા માટે નૈતિકતાના અર્થમાં ધર્મ અતિ આવશ્યક છે એવો બાબા સાહેબનો વિશ્વાસ હતો.

બાબા સાહેબને વિશ્વાસ હતો કે નીતિ નિયામકતા થવાથી જ સમાજની ધારણા થઈ શકે છે. માત્ર કાયદાની નિયામકતા એટલે કે એક જાતની શક્તિ પર આધારિત નિયામકતા પુરતી નથી.

બાબા સાહેબનુ માનવુ હતુ કે સમાજ ત્યારે જ સલામત રહી શકે જ્યારે સમાજના બહુસંખ્યક લોકો ધર્મના અધિકાર સ્વિકારે, બીજા અર્થમાં કહીએ તો નૈતિકતાના અધિકારને સ્વિકારે અને માને.

બાબા સાહેબ એ વાત સ્થાપિત કરવામાં સફળ હતા કે નૈતિકતાના અર્થમાં ધર્મ એ પ્રત્યેક સમાજનું નિયામક તત્વ હોય છે.

એમને એ પણ કહ્યું કે સમાજમાં અનુશાસન કરવાનું સામર્થ્ય મેળવવા માટે ધર્મે કેટલીક શરતોનું પાલન કરવાનું હોય છે.

એ શરતો જોઈયે તો ધર્મ વિજ્ઞાન સંગત અને બુધ્ધિ સંગત હોવો જોઈયે. ધર્મ સ્વતંત્રતા, સમતા, સમાનતા અને બંધુત્વના મૂળભુત તત્વોને માન્યતા આપતો હોવો જોઈયે. ધર્મ ગરીબી અને શોષણને સમર્થન કરે કે તેને મહત્વ આપે તેવો ન હોવો જોઈયે.

બાબા સાહેબે વિશ્વના તમામ ધર્મોનો પુરો અભ્યાસ કર્યો હતો અને એકમાત્ર બૌધ્ધનો ધમ્મ જ આ તમામ શરતોનું પાલન કરતો હતો અને તમામ કસૌટીઓમાં પાર ઉતરતો હોવાનું જણાયુ હતું.

બાબા સાહેબેને વિશ્વાસ હતો કે વિશ્વને ધર્મની જરૂર છે, નવા અને આધુનિક એકવીસમી સદીના વિશ્વને તો પ્રાચિન કાળના વિશ્વ કરતા પણ ધર્મની જરૂર વધુ છે.

બાબા સાહેબના મત મુજબ તથાગત બુધ્ધે માત્ર અહિંસાના સિધ્ધાંત નો જ ઉપદેશ નથી આપ્યો. બુધ્ધે સ્વતંત્રતાના તત્વનો પણ પાઠ શીખવ્યો છે. સામાજીક, વૈચારીક, આર્થિક અને રાજનૈતિક સ્વતંત્રતાની સાથે સાથે સમતાનો સિધ્ધાંત પણ આપ્યો છે.

બુધ્ધની શિક્ષા માનવના સામાજીક જીવનની દરેક બાબતોને સ્પર્શે છે.

મનુષ્યને મૃત્યુ પછી સ્વર્ગમાં મુક્તિ મેળવવાનો કોઈ માર્ગ બતાવવા બાબતે બુધ્ધે કદી કોઈ વચન આપ્યુ નથી.
બુધ્ધનું મુખ્ય ચિંતન એ છે કે મનુષ્ય પોતાના વર્તમાન જીવનમાં જ, આ જ ધરતી ઉપર નિર્વાણ પ્રાપ્ત કરી લે.

બુધ્ધે પોતાને માત્ર પથદર્શક તરીકે જ રજુ કર્યા છે. કોઈ મુક્તિદાતા તરીકે નહી.


FB Post :

વર્તમાનમાં રહેલો નજીકનો ફાયદો જોતા પહેલા ભવિષ્યમાં પડેલા દૂરના નુકશાનને જોવુ જોઈયે..

By Jigar Shyamlan ||  Written on 5 April 2018



આજે સોશિયલ મીડિયા ફેસબુક અને વોટ્સએપ્પ પર બાબા સાહેબના વિચારોનો ફેલાવો જોઈને મન પ્રસન્ન બની જાય છે. દિલમાં એક હાશકારો થાય છે કે આંબેડકરવાદ હજી જીવંત છે, અને વધુને વધુ ફેલાઈ રહ્યો છે.

પણ..!!! બીજી જ ક્ષણે મનમાં એક વિચાર ઘેરી વળે છે, અને મુંઝવણ વધારી દે છે.

શું આજના સોશિયલ મીડિયામાં પ્રસરી રહેલ અને મિનીટે મિનીટ ફોરવર્ડ થઈ રહેલ આંબેડકરવાદ એ ખરેખર બાબા સાહેબને વાંચીને, સમજીને વ્યક્તિના અંતર થી પ્રગટ થયેલ આંબેડકરવાદ છે કે કોઈના ઉધાર લીધેલા વિચારોમાંથી પેદા થયેલ ક્ષણીક રેડીમેઈડ આંબેડકરવાદ..????

કારણ બાબા સાહેબને વાંચ્યા વગર, સમજ્યા વગર પોતાના અંતર મનથી પેદા થયેલ આંબેડકરવાદને બદલે કોઈ બીજાના વિચારોને ઉધાર લઈને અપનાવેલ રેડીમેઈડ આંબેડકરવાદ ખતરનાક સિધ્ધ થશે.

મિત્રો... ગણીતનો ભારેખમ દાખલો કે સવાલ સોલ્વ કરવા માટે ગાણિતીય સુત્રો અને રીતને વાંચવી, સમજવી ખુબ જ જરૂરી છે. પણ મોટા ભાગે શું કરવામા આવે છે..???

આ કવાયત કર્યા વગર ગાણિતીય સુત્રો અને રીતને સમજ્યા તેની પર ગણતરી કર્યા વગર છેલ્લે પાને આપેલ જવાબ જોઈને સવાલ કે દાખલો સોલ્વ કરી દેવાની મોટા ભાગનાને ટેવ હોય છે. આવા રેડીમેઈડ જવાબ અને ઉકેલ મળવાને કારણે દાખલા કે સવાલને ઉકેલવાની રીતમાં બહુ રસ લેતા નથી.

એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે જવાબ કે ઉકેલ મહત્વનો નથી. મહત્વ એ વાતનું છે કે તમે કઈ રીત અને ક્યા સુત્રથી જવાબ લાવો છો. કારણ યોગ્ય રીત કે સુત્ર વગરના જવાબની કિંમત શૂન્ય છે.

આ રેડીમેઈડ જવાબ જોઈ લેવાની આપણી વૃત્તિ આપણને સવાલ પર વિચાર કરી વિચારવાની પ્રક્રિયાથી સાવ દુર રાખે છે.

આપણે ખરેખર બાબા સાહેબના મેસેજ ફોરવર્ડ કરતા પહેલા કે જયભીમ બોલતા પહેલા આપણે દિલ પર હાથ મુકીને અંતર મનને પુછવું જોઈયે કે આપણો આંબેડકરવાદ બાબા સાહેબને વાંચી, સમજીને પેદા થયેલ આંબેડકરવાદ છે કે કોક બીજાના વિચારો કે ફોરવર્ડ કરાયેલ મેસેજોમાંથી ઉધાર લીધેલ રેડીમેઈડ આંબેડકરવાદ.

કોક દિવસ અંતર મનને પુછી જો જો. કારણ વર્તમાનમાં રહેલો નજીકનો ફાયદો જોતા પહેલા ભવિષ્યમાં પડેલા દૂરના નુકશાનને જોવુ જોઈયે..
જય ભીમ
- જિગર શ્યામલન

સંવિધાન સભાની ચુંટણીમાં બાબા સાહેબ અને અસ્પૃશ્ય સમાજના લોકોનો સ્વયંભૂ સંધર્ષ

By Jigar Shyamlan ||  Written on 2 April 2018



State and Minorities: What are their Rights and How to secure them in the Constitution of free India? નામનાં ગ્રંથમાં બાબા સાહેબે આંકડાકીય હકીકતો અને યોગ્ય દલિલો પરથી પુના કરારના કારણે અસ્પૃશ્યોને કેટલું પારાવાર નુકશાન કર્યુ તેની વિગતો વર્ણવી હતી.

બાબા સાહેબે પુનાકરાર કરતી વખતે કરેલ ધારણા સો ટકા સાચી બની રહી હતી કે પુના કરારને કારણે અસ્પૃશ્યોના સાચા પ્રતિનિધી ચુંટાઈ નહી શકે. આથી પુના કરાર રદ કરવા તથા સ્વતંત્ર ભારતના ભાવિ સંવિધાનમાં અસ્પૃશ્યોના અધિકારોની જોગવાઈ કરવાની ખાત્રી માટે 1946માં શિડ્યુલ્ડ કાસ્ટ ફેટરેશન દ્વારા સત્યાગ્રહ શરૂ કરાયો હતો.

જે વાયા મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં પ્રસરી રહ્યો હતો. તેમાં હજારો અસ્પૃશ્યો ભાગ લેવા માંડ્યા હતા અને ધરપકડ વહોરી રહ્યા હતા.

જો કે એ વખતે પુના કરારના ફળ સ્વરૂપ ચુંટાયેલ અસ્પૃશ્ય પણ કોન્ગ્રેસી ''હરિજનો'' આ સત્યાગ્રહનો વિરોધ કરી રહ્યા હતા. એક તરફ આ સત્યાગ્રહ ચાલતો હતો બીજી તરફ સંવિધાન સભાની ચુંટણીઓ યોજાઈ રહી હતી. બાબા સાહેબે લંડન જઈ બ્રિટિશ નેતાઓની મુલાકાત લઈ અસ્પૃશ્યોની સ્થિતી વિશે માહિતગાર કરવા પ્રયાસ કરી જોયો પરંતું તેમાં સફળતા ન મળી. આ ફોગટના ફેરા પછી એક વાત સ્પષ્ટ હતી કે જો અસ્પૃશ્યો માટે ખરેખર કંઈક કરવું હોય તો સંવિધાન સભામાં જવુ એ જ એકમાત્ર રસ્તો હતો.

આ સમય ભારે કટોકટીનો હતો. કારણ એક તો ક્રિપ્સ મિશનમાં અસ્પૃશ્યોને કોઈ સ્થાન અપાયું ન હતું, અને બીજુ એ વખતના રાજકીય નેતાઓ અને પક્ષો અસ્પૃશ્યોના પ્રશ્ને સૌ મૌન હતા. કોઈને અસ્પૃશ્યોની કંઈ પડી ન હતી તેવો માહોલ સ્પષ્ટ હતો.

આવા સંજોગોમાં સંવિધાન સભા માટે ચુંટણી યોજાવા જઈ રહી હતી એટલે અસ્પૃશ્યોના અવાજને બુલંદ કરવા સંવિધાન સભામાં બાબા સાહેબનો પ્રવેશ થવો અત્યંત અનિવાર્ય બની ગયો હતો.

જો કે એ વાત ખાસ ઉલ્લેખનીય છે કે સંવિધાન સભામાં બાબા સાહેબના પ્રવેશ સામે જબરજસ્ત વિરોધ હતો. બાબા સાહેબ સંવિધાન સભામાં પ્રવેશ ન કરી શકે તે માટે કોન્ગ્રેસે શામ, દામ, દંડ અને ભેદ તમામ ઉપાય અજમાવ્યા હતા.

સરદાર વલ્લભભાઈ પટેલે તો ત્યાં સુધી કહી દીધુ હતુ કે- ''મેં સંવિધાન સભાનાં બારી-બારણાં અને વેન્ટિલેશન પણ બંધ કરી મણમણનાં તાળા લગાવ્યા છે, હવે જોઈયે ડો. આંબેડકર સંવિધાન સભામાં કેવી રીતે આવે છે?''
(સોર્સ: ડો. આંબેડકર જીવન ઔર મિશન (હિન્દી) લેખક- એલ.આર.બાલી, પેજ નંબર-25)

આવા કપરા સંજોગોમાં બંગાળી જોગેન્દ્રનાથ માંડલે બાબા સાહેબને સંવિધાન સભામાં મોકલવાનું બિડુ ઝડપ્યું હતુ અને બંગાળ વિધાનસભા મતદાર મંડળમાંથી બાબા સાહેબનુ ઉમેદવારી પત્ર ભરાવેલું.

એ વખતે કોલકાત્તાના પંજાબી અસ્પૃશ્યો ગમે તે ભોગે બાબા સાહેબને સંવિધાન સભામાં મોકલી આપવા મક્કમ નિર્ધાર કરીને બેઠા હતા. આ બધા અલગ અલગ જુથોમાં વહેંચાઈને અસ્પૃશ્ય ધારાસભ્યોના નિવાસસ્થાનોની ઘેરાબંધી કરીને બેઠા હતા. એ વખતે બાબા બુધ્ધસિંહ તલહનતો હાથમાં ખુલ્લી તલવાર સાથે ટોળાની વચ્ચે ઘુમી રહ્યા હતા.

એક એક ધારાસભ્યને ખુલ્લી ચિમકી આપવામાં આવી હતી કે બાબા સાહેબને મત નહી આપો તો તમારી ખેર નથી.
(સોર્સ: આંબેડકરી આંદોલનમાં પંજાબીઓનો ફાળો (હિન્દી) લેખક- કે.સી.લીલ, પેજ નંબર-25)

આખરે ગાંધીજી અને કોન્ગ્રેસના અપાર વિરોધ વચ્ચે બાબા સાહેબ સૌથી વધુ મતો મેળવી સંવિધાન સભામાં પહોંચ્યા હતા.

સંવિધાન સભાની આ ચુંટણી Do or Die સમાન હતી જેમાં બાબા સાહેબ વિજયી નિવડ્યા હતા.

એ વખતે આમ અસ્પૃશ્ય સમાજના લોકોએ બાબા સાહેબને સંવિધાન સભામાં પ્રવેશ મળે એ માટે સ્વયંભુ કહી શકાય તેવો સંધર્ષ કરેલો.

આ પ્રસંગ એટલા માટે જણાવવો જરૂરી છે કે અસ્પૃશ્યો ખરેખર એ વાત સારી રીતે સમજતા હતા કે બાબા સાહેબ સિવાય તેમનું કોઈ નથી.
- જિગર શ્યામલન




Facebook Post