Showing posts with label Minority. Show all posts
Showing posts with label Minority. Show all posts

July 11, 2018

માઇનોરિટી દરજ્જો અને માઇનોરિટી ટ્રસ્ટનો ફરક શું છે?

By Raju Solanki  || Written on 25 June 2018


અમદાવાદના અસારવા વિસ્તારમાં બાબુ જગજીવનરામ બ્રિજના એક છેડે ઇદગા સર્કલ છે. બીજા છેડે જ્યુબીલી બ્લોક્સ (અગાઉની પારસીની ચાલી) છે. તેની બરોબર સામે બ્રિજની નીચે પ્રેરક વિદ્યાલય નામની ખાનગી, નોન-ગ્રાન્ટેડ શાળા છે. શાળાના સંચાલક આરટીઈ હેઠળ એક બાળકને પ્રવેશ આપતા નહોતા એવી વાલીએ ફરિયાદ કરતાં એડવોકેટ મિત્રો નરેન્દ્ર સોલંકી અને પ્રતીક સોલંકી સાથે મેં શાળાની મુલાકાત લીધી. સ્કુલનું નામ પહેલીવાર સાંભળ્યું. શિક્ષણના ખાનગીકરણના જોરદાર પવનમાં કેવા કેવા ખૂણા ખાંચરામાં વેપારી વૃત્તિના લોકોએ ખાનગી શાળાઓ ઉભી કરી દીધી છે.
સ્કુલના માલિક પંજાબી હિન્દુ છે. વાલી પર ચીડાયેલા. મોટે મોટેથી બોલતા જાય, “તમને કહ્યું તો ખરું કે તમે વિદ્યાર્થીના પિતાનું પાન કાર્ડ, પગારની સ્લિપ લેતા આવો. પ્રવેશ આપી દઇશ. એના બદલે તમે તો ધારાસભ્ય પ્રમોદ પરમારને ફોન કર્યો. ઓલાને ફોન કર્યો અને પોલાને ફોન કર્યો.” સ્કુલના માલિક એટલે ઘાંટા પાડવાનો તો મને જ હક્ક છે, એવી મગરૂબી એમના ચહેરા પર ડોકાતી હતી. નેવુ કિલો વજન. લગભગ સાઇઠ ઇંચની કમર. આ માણસ શાળાના સંચાલક કરતા વધારે તો ચણા-મમરા વેચતા ભાડભૂંજિયા જેવો લાગતો હતો.
મેં એમને શાંતિથી સમજાવ્યા. કાયદાની જોગવાઈઓની વાત કરી એટલે એમણે કહ્યું, “મારી સ્કુલ માઇનોરિટી સ્કુલ છે, તોય મેં માનવતાને ખાતર આરટીઈમાં એડમિશન આપ્યા છે.” મેં એમને માઇનોરિટી ટ્રસ્ટ અને માઇનોટરિટી દરજ્જા વચ્ચેનો ફરક સમજાવ્યો. કોઈ શાળાના ટ્રસ્ટમાં ચોક્કસ માઇનોરિટીના લોકો હોય એટલે તે માઇનોરિટી થઈ જતી નથી. એ સ્કુલે ગાંધીનગર શિક્ષણ વિભાગમાં લઘુમતી દરજ્જા માટે અરજી કરવી પડે છે. અને યોગ્ય ચકાસણી પછી સરકાર એ સ્કુલને માઇનોરિટીનું સ્ટેટસ ગ્રાન્ટ કરતો ખાસ પરિપત્ર બહાર પાડે છે. આ પરિપત્ર તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓને પહોંચતો હોય છે. એટલે જિલ્લામાં કેટલી શાળાઓ લઘુમતી દરજ્જો ધરાવે છે એની ડીઈઓને જાણ હોય જ. અને એવી શાળાને આરટીઈના ક્વૉટામાંથી બાકાત રાખી છે એટલે ડીઈઓ ત્યાં બાળકો મોકલે જ નહીં. મોકલે તો એની ફરજ ચૂક્યો છે એમ જ કહેવાય.
મારી વાત સાંભળીને એમની બોબડી બંધ થઈ ગઈ.

બીજા દિવસે વાલીનો ફોન આવ્યો કે બાળકને શાળામાં પ્રવેશ આપી દીધો છે.

July 19, 2017

બંધારણવાળો બાબો ભાગ ૧૨

By Raju Solanki





"Damn your safeguards, we don’t want to be ruled by you on any terms."

અત્યારે કેટલાક જુઠ્ઠા આંબેડકરવાદીઓ અને બનાવટી બૌદ્ધો બિલોરી કાચ લઇને બાબાસાહેબના ગ્રંથોમાં ક્યાં ક્યાં મુસ્લિમ-વિરોધી લખાણો છે તે શોધવાની રાત-દિવસ કવાયત કરી રહ્યા છે. તેઓ દેશમાં નફરતની રાજનીતિ ફેલાવવાના સંઘીય એજન્ડાનો અમલ કરી રહ્યા છે. આવા લોકોને બાબાસાહેબે બંધારણસભામાં જે શબ્દો ઉચ્ચાર્યા હતા તે ફરીથી યાદ દેવડાવવા જેવા છે.

બાબાસાહેબે કહેલું,
“બંધારણના મુસદ્દાની એટલા માટે પણ ટીકા થાય છે કે તે લઘુમતીઓ માટે સુરક્ષા કદમ (safeguards) પૂરાં પાડે છે. આમાં, મુસદ્દા સમિતિની કોઈ જ જવાબદારી નથી. તે તો બંધારણસભાના નિર્ણયોને માત્ર અનુસરે છે. હું મારી વાત કરું તો, મને એમાં લગીરે શંકા નથી કે બંધારણસભાએ આ રીતે લઘુમતીઓ માટે આવા સુરક્ષા કદમ (safeguards) પૂરાં પાડીને ડહાપણભરેલું કામ કર્યું છે. આ દેશમાં બહુમતી અને લઘુમતી બંને ખોટા માર્ગે ચાલ્યા છે. લઘુમતીનું અસ્તિત્વ નકારવું એ બહુમતી માટે ખોટું છે. લઘુમતી પણ અનંતકાળ સુધી પોતાની ઓળખ જાળવી રાખે એ પણ એટલું જ ખોટું છે. આનું નિરાકરણ આવવું જ જોઇએ, જેનાથી બે હેતુ સરશે. તેમાં સૌ પહેલાં તો લઘુમતીના અસ્તિત્વની સ્વીકૃતિ થવી જ જોઇએ. વળી તે એવું પણ હોવું જોઇએ કે લાંબે ગાળે બહુમતી અને લઘુમતી એકમેકમાં ભળવા સક્ષમ થાય. બંધારણસભા દ્વારા રજુ થયેલું નિરાકરણ આવકારદાયક છે કેમ કે તેનાથી આ બંને હેતુઓ સરે છે.”

આટલું કહીને બાબાસાહેબ જે શબ્દો ઉચ્ચારે છે તે શબ્દો અત્યાર દેશમાં ઉત્પાત મચાવતા ગૌગુંડાઓને ગોખાવવા જેવા છે. બાબાસાહેબ કહે છે, “લઘુમતી સુરક્ષા (safeguards) સામે એક પ્રકારનો કટ્ટરવાદ જેમણે વિકસાવ્યો છે તેવા કટ્ટરપંથીઓ માટે હું બે વાના કહીશ. એક તો, લઘુમતીઓ એક વિસ્ફોટક બળ છે, જે ફાટે તો, રાજ્યના સમગ્ર તાણાવાણાને છિન્નભિન્ન કરી શકે છે. યુરોપનો ઇતિહાસ આ હકીકતની પર્યાપ્ત અને ચોંકાવનારી સાબિતી પૂરી પાડે છે. બીજી બાબત એ છે કે, ભારતની લઘુમતીઓ બહુમતીના હાથમાં તેમનું અસ્તિત્વ સોંપવા સંમત થઈ છે. આયર્લેન્ડના ભાગલા અટકાવવા માટેની મંત્રણાઓના ઇતિહાસમાં રેડમોન્ડે કાર્સનને કહેલું, “પ્રોટેસ્ટન્ટ લઘુમતી માટે તમને ગમે તેવા સુરક્ષા કદમ (safeguards) માંગી લો, પરંતુ આપણે એક સંયુક્ત આયર્લેન્ડ રચીએ, ચાલો.” કાર્સનનો જવાબ હતો, “તમારા સુરક્ષા કદમ ભાડમાં જાય. અમે તમારા દ્વારા શાસિત થવા માંગતા નથી.” (Damn your safeguards, we don’t want to be ruled by you.) ભારતની કોઈપણ લઘુમતીએ આવું વલણ લીધું નથી. તેમણે બહુમતીના શાસનને વફાદારીપૂર્વક સ્વીકારી લીધો છે, જે બહુમતી મૂળભૂતપણે એક કોમી બહુમતી (communal majority) છે, રાજકીય બહુમતી (political majority) નથી.

યાદ રાખજો, અહીં લઘુમતી શબ્દ માત્ર મુસ્લિમ માટે બાબાસાહેબે વાપર્યો નથી. એસસી-એસટી પણ લઘુમતી જ છે.

(કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી ડીબેટ્સના ત્રીજા વોલ્યૂમના પેઇજ 31થી 44)

(ફોટો - આયરિશ નેતા કાર્સન)

- Raju Solanki

June 02, 2017

લઘુમતી: ભીમરાવ આંબેડકર V/S માધવ ગોલવાકર

By Rushang Borisa

🌟 લઘુમતી: ભીમરાવ આંબેડકર V/S માધવ ગોલવાકર :=


દેશમાં આઝાદી બાદ થયેલા પ્રચારથી પ્રભાવિત આજની પેઢી લઘુમતી પ્રત્યે મુખ્યત્વે ૨ પ્રકારની માનસિકતા ધરાવે છે: (૧)તેમના હિતોના સમર્થક (૨) લઘુમતીદ્રેષ. આ વિષયે "રાષ્ટ્રીયતા" ને લઈને phd લેવલે મનોમન્થન કરેલ ૨ પ્રતિભાઓના મંતવ્યો જણાવું.



🔯માધવ ગોલવાકર ( RSS ના માનીતા "ગુરુજી")ના લઘુમતી અંગેના વિચારો:-



➟ લઘુમતી નામની અલગ રાષ્ટ્રીયતા સ્વીકારવી કે જેઓ સામાન્ય નાગરિક હકો ભોગવે છે અને સાથે સાથે પોતાના ધર્મ,સંસ્કૃતિ,ભાષા વગેરેના રક્ષણ હેતુ વિશેષ જોગવાઈઓ મેળવે છે-તે સમગ્ર દેશના શાસકીય અધિકારોના પાલન માટે બાધારૂપ છે.



➟ ધર્મ આધારિત લઘુમતીની ધારણાનો ત્યાગ કરો.



➟ અમારી માટે રાષ્ટ્ર એટલે માત્ર "હિન્દૂ" રાષ્ટ્ર;બીજું કશું નહીં.



🔯આંબેડકરના લઘુમતી ઉપરના વિચારો:



➟ ભારતના લઘુમતીઓની બદનસીબી છે કે ભારતીય રાષ્ટ્રવાદે એક નવો સિદ્ધાંત વિકસાવ્યો છે ;જે દર્શાવે છે કે લઘુમતીઓ ઉપર બહુમતીએ મનફાવે તેમ શાસન કરવું તે બહુમતીનો પવિત્ર અધિકાર છે.એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે લઘુમતીઓને શાસનમાં હિસ્સો આપવો કોમવાદ કહેવાય; જયારે સમગ્ર શાસનવ્યવસ્થાનું બહુમતી દ્વારા એકહથ્થુકરણ કરવું રાષ્ટ્રવાદ કહેવાય !! આવી અન્યાયી રાજકીય વિચારધારાથી પ્રેરાયેલા બહુમતીઓ લઘુમતિવર્ગોને રાજકીય અધિકારો આપવા રાજી નથી...ના કે તેમનામાં લઘુમતીઓ માટે કરવામાં આવતી જોગવાઈઓ પ્રત્યે આદર છે.



➟ ભારત જેવા દેશમાં આ બાબત સ્વીકારવી પડશે કે ભારતમાં લઘુમતી અને બહુમતી વચ્ચે સતત વિષમતાઓ રહેલી છે; જેથી બહુમતીઓ દ્વારા લઘુમતી ઉપર કોમવાદી ભેદભાવનો ખતરો મંડાયેલો છે.જે વર્તમાન સ્થિતિ દેખતા લઘુમતીઓ માટે હાનિકારક છે.એટલા માટે લઘુમતીઓ અંગે વિશેષ રાજકીય પ્રબંધ કરવો તે લેજિસ્લેટિવ અધિકાર કરતા ઘણું વધુ મહત્વ ધરાવે છે.



➟ "મેજોરીટી રૂલ્સ" ની થિયરીનું સમર્થન ના કરી શકાય ;.તેને વ્યવહારુ બનાવવી અક્ષમ્ય અપરાધ છે. બહુમતી વર્ગ કદાચ સાપેક્ષ બહુમતી(રાજકીય) મેળવી શકે ;પરંતુ તે કદાપિ સંપૂર્ણ બહુમતીનો દાવો ના કરી શકે.



➟ બહુમતીના હસ્તે ઘણા લઘુમતી વર્ગો શોષણનો ભોગ બની રહ્યા છે.માટે દેશના દરેક નાગરિકને સમાન રીતે કાયદા,નિયમો અને રેગ્યુલેશનનો લાભ મળી રહે તે માટે જરૂરી છે કે લઘુમતી વર્ગો માટે ફાળવણીઓ કરવામાં આવે.



આંબેડકરે લઘુમતી-વર્ગોના હિતો માટે ધારદાર રજૂઆતો કરી હતી.તેમના મત મુજબ લઘુમતીનું અસ્તિત્વ ધાર્મિક,સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોને આધીન છે.(અહીં,પહેલો, ત્રીજો અને છેલ્લો ફકરો સામાન્ય લઘુમતીની વ્યાખ્યા સંબંધિત છે;જયારે બીજા પોઈન્ટમાં લઘુમતીના કેન્દ્રમાં વંચિત વર્ગને લીધા છે.)



માધવ ગોલવકરના લેખોમાં લઘુમતીદ્રેષ સ્પષ્ટ તરી આવે છે.લઘુમતીઓને રાજકીય રક્ષણ આપવાના તેઓ કટ્ટર વિરોધી હતા.આ મુદ્દે તેમણે અનેક દલીલો કરી છે.(વળી; ગોલવાકરે દલિતોને માત્ર ૧૦ વર્ષ સુધી વિશેષ સુવિધાઓ આપવામાં આવી હતી તેવો જૂઠી દલીલ પણ કરી છે !)



મુખ્ય મુદ્દો એ છે કે આંબેડકર અને ગોલવકર બંનેએ રાષ્ટ્રનો ખ્યાલ સમજાવેલો છે.(હું બંનેના વિચારોનું અર્થઘટન કરીશ તો પોસ્ટ ઘણી લંબાઈ જશે.)પણ ટૂંકમાં કહું તો ;રાષ્ટ્રવાદને લઈને ગોલવાકર થડ બતાવે છે; જયારે આંબેડકર મૂળિયાં સુધી પહોંચે છે.



RSS જે રીતે આંબેડકરને પચાવી પાડવાનો પ્રયાસ કરે છે....સાફ સાફ કહું -"સંઘ અને આંબેડકરની વિચારધારાનું સમન્વય પાણીમાં તેલ નાખવા બરોબર છે." આ વાત સંઘ સારી પેઠે જાણે જ છે.



{ગોલવાકરના વિધાનો "બંચ ઓફ થોટ્સ" અને "વી ઓર આર નેશનહૂડ ડીફાઈંડ" માંથી ;જયારે આંબેડકરનું લખાણ "Writings & speeches of Babasaheb :Volume -૧" માંથી લીધેલ છે.}