June 25, 2017

'અતુલ્ય' ચાણક્ય

By Rushang Borisa


✨ 'અતુલ્ય' ચાણક્ય 

રાજનીતિ અને અર્થનીતિ વિષે જો નિબંધ લખવામાં આવે તો ચાણક્યનું નામ અચૂક લખાઈ જવાય.એવું કહેવામાં આવે છે કે ચાણક્ય એક મહાન રાજનીતિજ્ઞ હતા. તેઓ કુશળ પ્રબંધકની સાથે અર્થશાસ્ત્રી પણ હતા. પ્રાચીન ભારતમાં ચાણક્યની રાજનીતિ બેજોડ હતી.

ચાણક્ય આશરે ઈસ્વીસન પૂર્વે ૩જી સદીની આસપાસ થયા હશે તેવું માનવામાં આવે છે.તેમનું મુળનામ વિષ્ણુગુપ્ત હતું અને તેમને કૌટિલ્ય પણ કહેવામાં આવે છે.નંદવંશના શાસન દરમ્યાન રાજા ધનનંદે ચાણક્યનું અપમાન કરેલ હોય ચાણક્ય અપમાનનો બદલો લેવા નંદવંશ નો સફાયો કરે છે અને રાજા ધનનંદની હત્યા કરાવે છે. બાદમાં પોતાના વિશ્વાસુ અનાથ ચંદ્રગુપ્તને પાટલિપુત્રના રાજા બનાવે છે.આ સાથે ઇતિહાસમાં મૌયવંશની સ્થાપના થાય છે. ચાણક્ય પોતે સ્થાપેલ રાજ્ય ઉપર કોઈ આંચ ના આવે તેની વિશેષ તકેદારી રાખે છે.

આ તથ્યો ઉપર આજકાલ અતિશયોક્તિ ભરેલ પ્રચાર કરવામાં આવે છે. ચાણક્ય ને લઈને સાચા-ખોટા વિધાનો ટાંકી પ્રચાર કરાય છે. પ્રચાર-માધ્યમો બને તેટલું મીઠું-મરચું ઉમેરી ચાણક્યના ગુણગાન-મહિમા ગાતા રહે. અત્યારે આપણને જે જાણકારીઓ આપવામાં આવે છે તે આધુનિક લેખકોના અભિપ્રાય અને સંશોધનનું પરિણામ છે.
🔯ચાણક્યનો ઉલ્લેખ બૌદ્ધ સાહિત્ય, જૈન સાહિત્ય અને સંસ્કૃત નાટક "મુદ્રારાક્ષસ" માં જોવા મળે છે.

🔯 આશરે છઠ્ઠી સદીની આસપાસ રચાયેલ બૌદ્ધ ઇતિહાસિક ગ્રંથ "મહાવંશ" માં ચાણક્યનો સંદર્ભ જોવા મળે છે. મૂળ પાલી ભાષામાં લખેલ આ ગ્રંથમાં ચાણક્યને "ચાનક્કા" નામ અપાયેલ છે.જેમાં ચાનક્કા એક બ્રાહ્મણ હોય છે, જેને ધનનંદની હત્યા કરી મૌર્ય યુવાન "ચંદ્વગુટ્ટા" (ચંદ્રગુપ્ત) ને રાજા બનાવે છે. આથી વિશેષ કોઈ જાણકારી મહાવંશમાં જોવા મળતી નથી.

🔯 ૧૨ મી સદીમાં લખાયેલ હેમચંદ્રાચાર્ય રચિત "સ્થવિરાવલિ ચરિત્ર" માં ચાણક્યનો ઉલ્લેખ છે.મૂળ કથાની સમાનતા સાથે ઘણી વિસંગતતાઓ આ ગ્રંથમાં જોવા મળે છે. જેમ કે ચાણક્ય બ્રાહ્મણ નહીં, પણ જૈનપુત્ર હતા.ચાણક્યે ધનનંદની હત્યા કરવાને બદલે દેશનિકાલ કરાવ્યો. વળી, એવું કહેવાય છે કે નંદ રાજાએ ચાણક્યનું અપમાન કર્યું હતું , પણ અહીં ચાણક્ય પોતે પહેલા રાજાના આસાન ઉપર બેસી નંદનું અપમાન કરે છે.એક વિચિત્ર તથ્ય એ પણ છે કે પત્નીના મૃત્યુ બાદ ચંદ્રગૃપ્ત રાજપાટનો ત્યાગ કરી જૈન ભિક્ષુ બને છે. ચાહે નાની-મોટી અસંગતતાઓ જોવા મળે પણ આ ગ્રંથમાં ચાણક્યની ચતુરાઈભરી નીતિઓ સ્પષ્ટ છે.ઉપરાંત અહીં ચાણક્યના મૃત્યુના સંદર્ભો જોવા મળે છે જેનું બીજે ક્યાંય વર્ણન નથી. ચંદ્રગુપ્ત બાદ રાજા બનેલ બિન્દુસાર અને ચાણક્ય વચ્ચે મેળ પડતો ના હોય ,આખરે ચાણક્ય અન્ન-જળ નો ત્યાગ કરી મોતને ભેટે છે.

🔯 "મુદ્રારાક્ષસ" એ ચોથી સદી પછીનું વિશાખદત્ત રચિત ડ્રામાપ્લે (નાટક) છે.અહીં મુખ્ય બે પાત્રો ચાણક્ય અને રાક્ષસ છે. રાક્ષસ(તમે સમજો છો તે નહીં, નામ જ "રાક્ષસ" છે) નંદ વંશના મુખ્ય મંત્રી હતા.ચાણક્ય ધનનંદની હત્યા કરી મૌર્યને રાજા બનાવે છે; તેથી સ્તબ્ધ થયેલ રાક્ષસ બદલો લેવા ચંદ્રગુપ્તની હત્યા માટેના પ્રપંચો કરે છે. રાક્ષસ મલયકેતુ નામક રાજકુમારને પાટલિપુત્રના રાજા બનાવી પુનઃ મુખ્યમંત્રી બનવા ઈચ્છે છે. જયારે ચાણક્ય પોતે સ્થાપેલ રાજતંત્રને અડીખમ બનાવવા પ્રયાસો કરે છે.અહીં ચાણક્ય અને રાક્ષસ બંને રાજનીતિ-કુનિતીમાં ટક્કરનાં હરીફ જણાય છે. ચાણક્ય અને રાક્ષસ જાણે પ્રખર શતરંજબાજની જેમ સામ-સામી રમતો રમે છે.આખરે રાક્ષસના કેટલાક વિશ્વાસુ ગુપ્તચરો ફૂટી જતા તેઓ પછડાટ ખાય છે અને આત્મસમર્પણ કરવા ચંદ્રગુપ્ત પાસે જાય છે.ચંદ્રગુપ્ત રાક્ષસને મુખ્યપ્રધાન બનાવે છે અને નાટકનો સુખદ અંત આવે છે. જો તટસ્થ રીતે મૂલ્યાંકન કરીયે તો આ નાટકમાં મુખ્યપાત્ર રાક્ષસ જણાય છે(નામ પણ "મુદ્રારાક્ષસ" તો છે) જે નંદવંશના વિનાશ બાદ પોતાનું પદ પરત મેળવવા ચાલો ચલે છે; જયારે અંતમાં નાટકીય રીતે પોતાનું પદ પરત મળી પણ જાય છે.

જે ચાણક્યનું વર્ણન પ્રચાર-માધ્યમો કરે છે તેમાં જૈન સાહિત્યના તથ્યો વધુ જણાય છે. મુદ્રારાક્ષસ એક મર્યાદિત ભાગ સુધીની રચના હોય તેમાંથી ચાણક્ય અને તેની ચતુરાયથી વિશેષ કઈ મળી શકે તેમ નથી.

છતાં એક નોંધનીય બાબત એ રહી કે "ચાણક્ય નીતિ" નામક ગ્રંથનો જે રીતે પ્રચાર કરવામાં આવે છે તેનું કોઈ ઐતિહાસિક અસ્તિત્વ જ નથી. કોઈ પણ પ્રાચીન સાહિત્યમાં તેનો સ્વતંત્ર ઉલ્લેખ નથી. ના કોઈ લખાણનું પ્રમાણ.જો આપણે "ચાણક્ય નીતિ" ને પ્રાચીન ગ્રંથ માનતા હોઈએ તો મોટી ગેરસમજ છે. "ચાણક્ય નીતિ" એ વીસમી સદીમાં રચાયેલ 'બી.કે. ચતુર્વેદી' રચિત પુસ્તક છે.જેના સૂત્રોનું કોઈ પ્રાચીન પ્રમાણ નથી, માત્ર ચાણક્ય કથાથી પ્રભાવિત થઈ રચેલ સાહિત્ય છે.લેખક ચતુર્વેદીજી એ ચાણક્યના નામે સંબંધિત-અસંબંધિત-સાચું-ખોટું ચગાવી દીધું છે.આ સદી દરમ્યાન ચાણક્યનો જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો.

હમણાં "ચક્રવર્તી સમ્રાટ અશોક" નામની ટીવી સિરિયલ આવેલ. તેમાં જે બતાવવામાં આવ્યું તેમાં મુખ્યકથાનો સમાવેશ હતો પણ સમગ્રપણે તો તદ્દન અતિશયોક્તિ ભરેલ વાતો હતી. ચાણક્યનો પ્રભાવ માત્ર ચંદ્રગુપ્તના શાશન દરમ્યાન હતો. જયારે અહીં તો ચંદ્રગુપ્તના પૌત્ર સુધી સિરિયલ નિર્માતાઓ પહોંચી ગયા હતા!

નોંધ- તમામ ઐતિહાસિક સંદર્ભો ચાણક્યે સ્થાપેલ મૌર્યવંશના અંત બાદ અને ચાણક્યના અંદાજિત મૃત્યુકાળના ૬૦૦ વર્ષ બાદ આશરે ૪ થી સદી પછીના છે.જો કે તેમાં રહેલ વિસંગતતાઓ સાથે જોવા મળતી સમાનતાઓ "યથાર્થતા" તરફ નિર્દેશ કરે છે.