July 30, 2017

ડૉ બાબાસાહેબ આંબેડકરનાં અંતિમ દિવસો.. - રાકેશ પ્રિયદર્શી

સન ૧૯૫૨ માં રાજ્યસભાના સભ્ય તરીકે ચુંટાયા બાદ ડૉ.બાબાસાહેબ આંબેડકર ૨૬,અલીપોર રોડ દિલ્હી ખાતેના નિવાસ સ્થાને રહેતા હતા. તેમણે અહીજ 5 ડિસેમ્બર 1956ની મધરાતે અંતિમ શ્વાસ લીધા હતા.

18 માર્ચ 1956 આગરા માં પોતાના સમાજના લોકોને ધ્યાનમાં રાખીને બાબાસાહેબે રડતી આંખે કહ્યું હતું કે મારા સમાજના ભણેલા-ગણેલા લોકોએ મને દગો દીધો છે, મારી સાથે ગદ્દારી કરી છે, મને એમ કે મારા સમાજના લોકો ભણી-ગણી સરકારી નોકરીઓ કરશે અને પોતાની આવકનો અમુક હિસ્સો સમાજના ઉત્થાન માટે તથા સમાજના છેવાડાના માણસને આગળ લાવામાં વાપરશે, પણ અફસોસ મારા સમાજના ભણેલા-ગણેલા લોકોએ મને દગો દીધો છે.

બહુજનોના કલ્યાણ માટે જન્મ લેનાર મહામાનવ તા:-૧૪/૪/૧૮૯૧ થી મુત્યુ તા:-૬/૧૨/૧૯૫૬ ની વચ્ચે ૬૫ વર્ષનાં આયખામાં ક્ષણે-ક્ષણ સઘર્ષ કરનાર મહામાનવ, વિશ્વ વિભૂતિ, ભારતરત્ન ડૉ.બાબાસાહેબનાં જીવનના  છેલ્લા દિવસોની કલ્પના કરતાજ આંખમાંથી આંસુ નીકળી જાય છે.

તા:-૧૪/૧૦/૧૯૫૬ નાં રોજ અંદાજે 8 લાખ બહુજનો સાથે બૌદ્ધ ધમ્મમાં દીક્ષા લીધા બાદ ડૉ.બાબાસાહેબ આંબેડકર ૧ માસ ૨૨ દિવસ જ જીવેલા. આ 52 દિવસના ગાળામાં તેમનું શરીર સાથ નહોતું આપતું છતાં પણ તેઓ લોકોને બૌદ્ધ ધમ્મની દિક્ષા અપાવામાં વ્યસ્ત રહેતા હતા.

તા:-૩/૧૨/૧૯૫૬ નાં રોજ તેમના લખેલા છેલ્લા પુસ્તક બુધ્ધ અને તેમનો ધમ્મનું છેલ્લું પ્રકરણ પૂરું કરી ટાઈપમાં આપ્યું અને રાજય સભાના સભ્ય તરીકે રાજય સભામાં તા:-૪/૧૨/૧૯૫૬ નાં રોજ છેલ્લી હાજરી આપેલી.

6 ડિસેમ્બરે સવારે તેમના સેવક રત્તૂએ સાહેબને જગાડવા ખુબજ પ્રયત્ન કરેલ પણ સાહેબ ક્યાંથી ઉઠે. આખા સમાજની જવાબદારી પોતાના ખભે લઇ 24 કલ્લાક માંથી 20-20 કલ્લાક કામ કરનાર માણસને પણ થાક લાગે કે નહિ ?


તા:-૬/૧૨/૫૬ નાં રોજ બહુજનોના મસીહા તારણહાર એક જ આયખામાં અનેક જીવન જીવનાર અનંતની યાત્રાએ રવાના થઇ ગયા.

ખાસ પ્લેન મારફતે સવિતા આંબેડકર અને રતું બાબાસાહેબના પાર્થિવ દેહને દિલ્લીથી લઇ મુબઈ રવાના થયા. લાખો લોકો મુંબઇ એરપોર્ટ પર બાબાસાહેબના પાર્થિવ દેહની રાહ જોઈએ બેઠેલા.  બીજા દિવસે ૭/૧૨/૧૯૫૬ ના રોજ નીકળેલી સ્મશાન યાત્રામાં અંદાજે 20 લાખથી પણ વધારે લોકો જોડાયેલ, બાબાસાહેબના ચહેરાના છેલ્લા દર્શન કરવા આખા દેશ માંથી લોકો મુંબઇ આવેલા. જેને જે સાધન મળ્યું, કોઈ બસમાં તો કોઈ ટ્રેનમાં બધા વાહનો ખીચો-ખીચ. મુંબઈના રોડ રસ્તામાં માનવ મહેરામણ, જ્યાં જોવો ત્યાં ટ્રાફિક અને ભીડ, પણ એ ભીડની વચ્ચે એક સન્નાટો હતો, બાબાસાહેબના ના હોવાનો.

બીજી બાજુ જે લોકો પોત-પોતાના ઘરે હતા એ લોકો પણ વ્યથિત અને દુઃખી હતા, બધા અંદરો-અંદર પોતાના આંશુને રોકવાનો પ્રયત્ન કરતા હતા, બાબાસાહેબ હવે નથી રહ્યા એ સમાચાર સાંભળીને ઘણા લોકોના ઘરના ચૂલા ઓલવાઈ ગયા.

કેમ કે એ બધાને ખબર હતી કે જેમણે અમને પશુ માંથી માણસ બનાવ્યા એ બાબાસાહેબ આ ધરતી ઉપર ફરી પેદા થશે કે કેમ ?

 7 ડિસેમ્બરે બાબાસાહેબની અંતિમયાત્રા આખા મુંબઈમાં ફરી, અને એ અંતિમ યાત્રામાં શરૂઆતથી અંત સુધી એવી કોઈ આંખ નહિ હોય કે આંખમાં આંશુ ના હોય, દાદરનો અરબી સમુદ્ર પણ જાણે પોતાનો કિનારો છોડીને બહાર આવવા માંગતો હતો સાહેબના છેલ્લા દર્શન કરવા.

કેમ કે સાહેબ હવે નથી રહ્યા...

બૌદ્ધ વિધિ પ્રમાણે સાંજે જયારે અંતિમ ક્રિયા અને વિધિ પુરી થઇ ત્યારે લાખો લોકો બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. અને 10 લાખથી પણ વધારે લોકો બાબાસાહેબના પાર્થિવ દેહને સાક્ષી માની બૌદ્ધ બનેલા.

બાબાસાહેબને અણસાર આવી ગયો હશે એટલેજ કદાચ એમણે આ ફાની દુનિયામાં વધારે ના રહેવાનું પસંદ કર્યું હોઈ શકે. કારણકે એ વધારે જીવ્યા હોત તો આ સમાજે જ એમને બદનામ કરી દીધા હોત.

સુરજ અને ચાંદ રહે કે નાં રહે પણ બાબાસાહેબની ક્રાંતી અને તેમનું નામ ચોક્કસ રહેશે.

હું આજે પણ નવરાશની પળોમાં દાદરમાં બાબાસાહેબની સમાધી પાસે બેસીને અરબી સમુદ્રના ઉછળતા મોજાને જોઈ સાહેબનો આભાર માનવાનું નથી ચુકતો, કે જેમના થકી હું અને મારો સમાજ ઉજળો છે. સાહેબ તમે નથી પણ ભારતીય સંવિધાનમાં તમે  અમારા માટે કાયમ જીવતા છો અને રહેશો. સાહેબ તમે અમર છો અને અમર રહેશો.

હવે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો કે બાબાસાહેબે તો આપણને ઘણું બધું આપ્યું, સામે આપણે બાબાસાહેબને શું આપ્યું ?

-- રાકેશ પ્રિયદર્શી

સ્મૃતી અને સહનશીલતા

By Dinesh Makwana  || 28 July at 08:20

અજય દેવગનનુ એક પિકચર આવ્યુ હતું. DRISHYAM. મુળ સંસ્કૃત શબ્દનો અર્થ એવો થાય છે તમારી નજર સમક્ષ રહેવું. મનોવૈજ્ઞાનિક દષ્ટિએ આ પિકચર ઘણી બાબત શીખવાડી જાય છે. તમારી નજરની આસપાસ સતત જે ફરતું રહે તેને તમે જલદી યાદ રાખો છો, તેની જ ચર્ચા કરતા રહો છો.

દુનિયામાં સૌથી વધુ ભારતના લોકો વાતને ભુલી જાય છે. વિરાટ કોહલી દસ ઇનિંગમાં નિષ્ફળ જાય અને અગિયારમી ઇનિંગમાં સદી મારે એટલે આપણે આગળની તમામ દસ ભુલીને હાલમાં મારેલી સદીને યાદ કરતા રહીયે છે અને તેની જ ચર્ચા કરીયે છે.

આ બાબત કહેવાતા સવર્ણો બહુ પહેલા સમજી ગયા હતા અને તેથી આપણે કેવી રીતે જીવન જીવતા હતા તેને કોઇ યાદ કરતું નથી. ઇતિહાસની વાતો કેમ બાબાના અનુયાયી સતત કરતા રહે છે? વાત પાછી બહુ જુની પણ નથી. જે તકલીફ કે અત્યાચાર ની વાતો કરીયે છે તે માત્ર ૧૦૦ વર્ષ પહેલાની જ છે પણ આપણે ભુલી ગયા છે. તે તકલીફો અને અત્યાચાર માથી બહાર કાઢનારને આપણે ભુલી ગયા છે. બાબાના અનુયાયીઓ ઘાંટા પાડી પાડીને કહે છે કે આ તો યાદ રાખો. પણ આપણે ભુલવાનુ કામ કરી રહ્યા છે. આપણે કોઇના હાથા બનીને કામ કરી રહ્યા છીએ. આપણે કોઇના અજન્ડા પર કામ કરી રહ્યા છે.

બાબાની મુર્તિ કોઇ જગ્યાએ તોડી હોય તો તેના ફોટા અને કડવા શબ્દો જુદા જુદા ગ્રુપ પર ફરતા રહે છે. માત્ર વોટ્સ અપ પર આક્રોશ વ્યક્ત કરાતો રહે છે. પણ આની પાછળના હેતુને આપણે ક્યારેય સમજી શક્યા નહી. આપણે સહનશીલ નથી, નવી પેઢી તો બિલકુલ સહનશીલ નથી, તેથી તે ઘટનાની પ્રતિક્રિયા આપવામાં આપણે પોતાનો સમય બરબાદ કરતા રહીયે છે, પણ મુળ હેતુ આપણને વિચલિત કરીને મુખ્ય મુદ્દામાંથી તમને બધાને બીજે હટાવવાનો છે.

એક ઉદાહરણ આપું: આખા ગુજરાતમાં વરસાદે માઝા મુકી છે. બનાસકાંઠા અમદાવાદ મહેસાણા જેવા વિસ્તારોમાં ભયંકર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના લોકોને અત્યારે સૌથી વધુ રાહત સામગ્રીની જરુર છે. દરેક લોકો આગળ આવી રહ્યા છે, પણ સરકારની નિષ્ફળતા ના દેખાય એટલે ગઇ કાલે ત્રણ કોગ્રેસ ના ધારાસભ્યો ભાજપમાં ગયા તેના વિશે સતત સમાચાર જુદી જુદી ગુજરાતી ચેનલ પર આવતા રહે છે. તમારું ધ્યાન હટાવવામા તેઓ સફળ થાય છે અને દરેક ગ્રુપ પર આ મેસેજ ફરતા થાય છે.

મોદી સાહેબે સંસદમાં સૌ પ્રથમ ભાષણ આપ્યું ત્યારે કહ્યુ હતું પહેલા ત્રણ વર્ષ આપણે બધા વિકાસની વાતો કરીયે. છેલ્લું વર્ષ આપણે રાજનીતિની વાતો કરીશું. આ દર્શાવે છે તમે પહેલા ત્રણ કે ચાર વર્ષની નિષ્ફળતા ભુલી જજો.

હકીકતમા આપણે તેજ યાદ રાખીયે છે જે અત્યારે બન્યું હોય અને સતત તમારી આસપાસ ફરતું રહે. આ કમજોરીનો લાભ રાજકીય ક્ષેત્રે લેવામા આવતો રહ્યો છે અને તમે તેના ભોગ બની રહ્યા છો.

પણ સારુ છે કે સોશિયલ મીડીયા ના કારણે આપણે ઘણું બાદ યાદ કરી શકીયે છે. કારણ કે પ્રિન્ટ મિડીયા અને ચેનલ પર તો સંપુર્ણ નિયંત્રણ છે ત્યારે આ સોશિયલ મીડીયા જ તમને સાચી અને તાજેતરની માહિતી આપી શકે છે.

આખી વાતનો હેતુ છે કે તમે લાગણીના પ્રવાહમાં કે બીજા સમાચાર મા તમારા ઇતિહાસને ભુલો નહી. જિગરે બહુ સરસ વાત મને કહી હતી અત્યારે બાબાના સૌથી વધુ મેસેજ દરેક ગ્રુપ પર ફરે છે તેના કારણે હેમરિંગ જેવું લાગે ખરું પણ તે જરુરી છે. કારણ કે જેઓએ મહાભારત કે રામાયણ વાંચ્યા નથી તેમને તે ગ્રંથોના દરેક પ્રસંગો યાદ છે કારણ કે તે તેમને સતત સંભળાવવામા આવતા. તેનો સતત મારો થતો રહેતો.

આપણે આપણા ઇતિહાસ ને અને બાબાના સંઘર્ષને યાદ કરતા રહીયે.


દિનેશ મકવાણા
૨૮/૭/૨૦૧૭ સવારે ૮.૨૦
અજમેર રાજસ્થાન