સન ૧૯૫૨ માં રાજ્યસભાના સભ્ય તરીકે ચુંટાયા બાદ ડૉ.બાબાસાહેબ આંબેડકર ૨૬,અલીપોર રોડ દિલ્હી ખાતેના નિવાસ સ્થાને રહેતા હતા. તેમણે અહીજ 5 ડિસેમ્બર 1956ની મધરાતે અંતિમ શ્વાસ લીધા હતા.
18 માર્ચ 1956 આગરા માં પોતાના સમાજના લોકોને ધ્યાનમાં રાખીને બાબાસાહેબે રડતી આંખે કહ્યું હતું કે મારા સમાજના ભણેલા-ગણેલા લોકોએ મને દગો દીધો છે, મારી સાથે ગદ્દારી કરી છે, મને એમ કે મારા સમાજના લોકો ભણી-ગણી સરકારી નોકરીઓ કરશે અને પોતાની આવકનો અમુક હિસ્સો સમાજના ઉત્થાન માટે તથા સમાજના છેવાડાના માણસને આગળ લાવામાં વાપરશે, પણ અફસોસ મારા સમાજના ભણેલા-ગણેલા લોકોએ મને દગો દીધો છે.
બહુજનોના કલ્યાણ માટે જન્મ લેનાર મહામાનવ તા:-૧૪/૪/૧૮૯૧ થી મુત્યુ તા:-૬/૧૨/૧૯૫૬ ની વચ્ચે ૬૫ વર્ષનાં આયખામાં ક્ષણે-ક્ષણ સઘર્ષ કરનાર મહામાનવ, વિશ્વ વિભૂતિ, ભારતરત્ન ડૉ.બાબાસાહેબનાં જીવનના છેલ્લા દિવસોની કલ્પના કરતાજ આંખમાંથી આંસુ નીકળી જાય છે.
તા:-૧૪/૧૦/૧૯૫૬ નાં રોજ અંદાજે 8 લાખ બહુજનો સાથે બૌદ્ધ ધમ્મમાં દીક્ષા લીધા બાદ ડૉ.બાબાસાહેબ આંબેડકર ૧ માસ ૨૨ દિવસ જ જીવેલા. આ 52 દિવસના ગાળામાં તેમનું શરીર સાથ નહોતું આપતું છતાં પણ તેઓ લોકોને બૌદ્ધ ધમ્મની દિક્ષા અપાવામાં વ્યસ્ત રહેતા હતા.
તા:-૩/૧૨/૧૯૫૬ નાં રોજ તેમના લખેલા છેલ્લા પુસ્તક બુધ્ધ અને તેમનો ધમ્મનું છેલ્લું પ્રકરણ પૂરું કરી ટાઈપમાં આપ્યું અને રાજય સભાના સભ્ય તરીકે રાજય સભામાં તા:-૪/૧૨/૧૯૫૬ નાં રોજ છેલ્લી હાજરી આપેલી.
6 ડિસેમ્બરે સવારે તેમના સેવક રત્તૂએ સાહેબને જગાડવા ખુબજ પ્રયત્ન કરેલ પણ સાહેબ ક્યાંથી ઉઠે. આખા સમાજની જવાબદારી પોતાના ખભે લઇ 24 કલ્લાક માંથી 20-20 કલ્લાક કામ કરનાર માણસને પણ થાક લાગે કે નહિ ?
તા:-૬/૧૨/૫૬ નાં રોજ બહુજનોના મસીહા તારણહાર એક જ આયખામાં અનેક જીવન જીવનાર અનંતની યાત્રાએ રવાના થઇ ગયા.
ખાસ પ્લેન મારફતે સવિતા આંબેડકર અને રતું બાબાસાહેબના પાર્થિવ દેહને દિલ્લીથી લઇ મુબઈ રવાના થયા. લાખો લોકો મુંબઇ એરપોર્ટ પર બાબાસાહેબના પાર્થિવ દેહની રાહ જોઈએ બેઠેલા. બીજા દિવસે ૭/૧૨/૧૯૫૬ ના રોજ નીકળેલી સ્મશાન યાત્રામાં અંદાજે 20 લાખથી પણ વધારે લોકો જોડાયેલ, બાબાસાહેબના ચહેરાના છેલ્લા દર્શન કરવા આખા દેશ માંથી લોકો મુંબઇ આવેલા. જેને જે સાધન મળ્યું, કોઈ બસમાં તો કોઈ ટ્રેનમાં બધા વાહનો ખીચો-ખીચ. મુંબઈના રોડ રસ્તામાં માનવ મહેરામણ, જ્યાં જોવો ત્યાં ટ્રાફિક અને ભીડ, પણ એ ભીડની વચ્ચે એક સન્નાટો હતો, બાબાસાહેબના ના હોવાનો.
બીજી બાજુ જે લોકો પોત-પોતાના ઘરે હતા એ લોકો પણ વ્યથિત અને દુઃખી હતા, બધા અંદરો-અંદર પોતાના આંશુને રોકવાનો પ્રયત્ન કરતા હતા, બાબાસાહેબ હવે નથી રહ્યા એ સમાચાર સાંભળીને ઘણા લોકોના ઘરના ચૂલા ઓલવાઈ ગયા.
કેમ કે એ બધાને ખબર હતી કે જેમણે અમને પશુ માંથી માણસ બનાવ્યા એ બાબાસાહેબ આ ધરતી ઉપર ફરી પેદા થશે કે કેમ ?
7 ડિસેમ્બરે બાબાસાહેબની અંતિમયાત્રા આખા મુંબઈમાં ફરી, અને એ અંતિમ યાત્રામાં શરૂઆતથી અંત સુધી એવી કોઈ આંખ નહિ હોય કે આંખમાં આંશુ ના હોય, દાદરનો અરબી સમુદ્ર પણ જાણે પોતાનો કિનારો છોડીને બહાર આવવા માંગતો હતો સાહેબના છેલ્લા દર્શન કરવા.
કેમ કે સાહેબ હવે નથી રહ્યા...
બૌદ્ધ વિધિ પ્રમાણે સાંજે જયારે અંતિમ ક્રિયા અને વિધિ પુરી થઇ ત્યારે લાખો લોકો બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. અને 10 લાખથી પણ વધારે લોકો બાબાસાહેબના પાર્થિવ દેહને સાક્ષી માની બૌદ્ધ બનેલા.
બાબાસાહેબને અણસાર આવી ગયો હશે એટલેજ કદાચ એમણે આ ફાની દુનિયામાં વધારે ના રહેવાનું પસંદ કર્યું હોઈ શકે. કારણકે એ વધારે જીવ્યા હોત તો આ સમાજે જ એમને બદનામ કરી દીધા હોત.
સુરજ અને ચાંદ રહે કે નાં રહે પણ બાબાસાહેબની ક્રાંતી અને તેમનું નામ ચોક્કસ રહેશે.
હું આજે પણ નવરાશની પળોમાં દાદરમાં બાબાસાહેબની સમાધી પાસે બેસીને અરબી સમુદ્રના ઉછળતા મોજાને જોઈ સાહેબનો આભાર માનવાનું નથી ચુકતો, કે જેમના થકી હું અને મારો સમાજ ઉજળો છે. સાહેબ તમે નથી પણ ભારતીય સંવિધાનમાં તમે અમારા માટે કાયમ જીવતા છો અને રહેશો. સાહેબ તમે અમર છો અને અમર રહેશો.
હવે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો કે બાબાસાહેબે તો આપણને ઘણું બધું આપ્યું, સામે આપણે બાબાસાહેબને શું આપ્યું ?
-- રાકેશ પ્રિયદર્શી
No comments:
Post a Comment