May 21, 2019

કાંશીરામ ઔર બીએસપી: દલિત આંદોલન કા વૈચારિક આધાર બ્રાહ્મણવાદ વિરોધ’ - Part 2

By Raju Solanki  || Written on 16 May 2019







આ વાત કાંશીરામ ના સમયની છે, તમે વાંચો ત્યારે નજર સમક્ષ 1990નો સમય રાખજો. અહીં જે વર્ણન કર્યું છે એવી સક્રિયતા હાલ તમને જોવા ના પણ મળે. કેમ કે ત્યારે કાંશીરામ નો ચાબૂક વીંઝાતો હતો.


બહુજન વિચારધારાના પ્રચાર માટે કાંશીરામે પક્ષમાં વિવિધ મોરચા (હિન્દીમાં દસ્તા , અંગ્રેજીમાં ફ્રન્ટ) ઉભા કર્યા. જેમ કે,


  • સાઇકલ દસ્તા: બસપાનો આ સૌથી સશક્ત ફ્રન્ટ છે. પક્ષના કાર્યકરો સમૂહમાં સૂત્રો પોકારતા નીકળે છે. એમાં ‘બમન, બનીયા, ઠાકુર છોડ, બાકી સબ ડીએસફોર’નો નારો બહુ જ લોકપ્રિય છે. જોકે, કાંશીરામ  આ નારા પર ભાર મૂકતા નથી અને તેઓ કાર્યકરોને આ નારો બોલવાની ના પાડે છે.

    સાઇકલ દસ્તો સભાઓ કરવા કરતાં લોકોને વ્યક્તિગતરૂપે મળવા ઉપર વધારે ભાર મૂકે છે. બહુ મોટી સભાઓ કરતા નાની નાની સભાઓ કરે છે. એક દિવસમાં 50-60 કિમી.ની યાત્રા તેઓ સાયકલ પર કરે છે. રોજ દસ્તાના કાર્યક્રમો નક્કી થાય છે. રસ્તામાં તેમના જમવાની અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ દસ્તામાં માત્ર પુરુષો જ હોય છે, સ્ત્રીઓ હોતી નથી. એમાં 10થી 15 વર્ષના તરુણો પણ ભાગ લેતા હોય છે. આ તરુણો નાની સભાઓમાં બહુજન વિચારધારા, કાંશીરામ ના મિશન પર ભાષણો આપે છે. સાઇકલ દસ્તો બસપાના તમામ દસ્તાઓમાં સૌથી મોટો છે.

  • ભિખારી દસ્તા: આ દસ્તો પક્ષના ચૂંટણી પ્રચાર માટે ભંડોળ એકઠું કરે છે. એનો નારો છે, ‘એક વોટ, એક નોટ’. આ મોરચો બહુજન સમાજની વસતીમાં પદયાત્રા કરે છે. વચ્ચે વચ્ચે રોકાઈને સભાઓ કરે છે. ચૂંટણીમાં કાળા ધનના ઉપયોગ સામે આ દસ્તો લોકોને જાગૃત કરે છે અને લોકોને વિશ્વાસ આપે છે કે બસપા પોતાના નાના નાના સંસાધનોથી ચૂંટણી લડશે.

  • જાગૃતિ દસ્તા: ગીતો, નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું કામ આ મોરચો કરે છે. બહુજન સમાજના મહાન નાયકો ફૂલે, શાહુ મહારાજ, પેરિયાર, બાબાસાહેબ, કાંશીરામ ના મિશન વિષે ગીતો દ્વારા જાણકારી આપે છે. મોરચો દલિતો પર થતા અત્યાચારો ઉપર પિક્ચર, વીડીયો કેસેટ બતાવે છે. પ્રકાશ ઝાની ‘દામુલ’ ફિલ્મ પણ ગામે ગામ બતાવવામાં આવે છે.

  • ભાષણ દસ્તા: પક્ષના બુદ્ધિજીવી લોકો આ મોરચામાં કામ કરે છે. તેઓ સ્નાતક થયેલા હોય છે. આ મોરચો વર્તમાન બામણવાદી વ્યવસ્થા, સવર્ણ ઉત્પીડન પર પ્રકાશ પાડે છે.

  • પેન્ટિંગ દસ્તા: આ મોરચો શહેરોથી માંડીને ગામડાઓમાં પક્ષના ચૂંટણી ચિહ્ન, નારા દિવાલ પર લખે છે.

  • ગુપ્તચર દસ્તા: બીજા પક્ષોની ગતિવિધિઓ, રણનીતિઓની જાણકારી રાખે છે અને પક્ષને તેની માહિતી પૂરી પાડે છે.

  • સુરક્ષા દસ્તા: પક્ષની કચેરીઓ તથા સભાઓમાં સુરક્ષાની કામગીરી પૂરી પાડે છે.

  • જીપ દસ્તા: તે સમગ્ર ક્ષેત્રનો પ્રવાસ કરીને અભ્યાસ કરે છે. ઉમેદવારોની સ્થિતિ, ક્ષમતાની માહિતી પૂરી પાડે છે. ચૂંટણીની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે. તેમાં પક્ષના મુખ્ય કાર્યકરો હોય છે.

  • રણનીતિ દસ્તા: ચૂંટણી વખતે પક્ષની રણનીતિ તૈયાર કરે છે અને કાર્યકરોને માર્ગદર્શન આપે છે. બીજા દસ્તાના લોકો આ દસ્તાને તેમની માહિતી પૂરી પાડે છે. એટલે આ દસ્તો મુખ્ય દસ્તો છે. તેમાં પક્ષના હોદ્દેદારો હોય છે.

  • ચૂંટણી દસ્તો: તેમાં બામસેફના સભ્યો હોય છે, તેઓ ચૂંટણી કાર્યાલયોની વ્યવસ્થા સંભાળે છે.


આર. કે. સિંહના પુસ્તકમાં આવા વિવિધ મોરચાઓની વિગતે જાણકારી તમને મળશે. એ વાંચીને તમને આશ્ચર્ય થશે કે આવું કશું આપણે હાલ બસપામાં જોતા નથી. માન્યવરના નિધન પછી પક્ષે બહુધા માયાવતીના કરિશ્મા પર બધું છોડી દીધું છે. હવે પક્ષમાં નવું લોહી ફરતું થવું જોઇએ.

- રાજુ સોલંકી