શુકન-અપશુકન
“બહાર જતા રસ્તામાં સામે વિષ્ટાનો ટોપલો લઇને જતાં ઢેડ કે ઢેયડી મળે તો માનવું કે તે જે કામ કરવા જાય છે તેમાં જશ નહીં સાંપડતા ઉલટો માથે આરોપ મુકાશે.”
વિક્રમ સંવત 2041 એટલે કે વર્ષ 1984-85માં બહાર પડેલા ગાયત્રી પ્રત્યક્ષ પંચાગમાં શુકન-અપશુકન પ્રકરણમાં એક અપશુકન આવું પણ હતું. પંચાગંના સંપાદક રઘુનાથ ચુનીલાલ શાસ્ત્રી આમ તો વીસેક વર્ષથી આ પંચાંગ બહાર પાડતો હતો અને એમાં શુકન-અપશુકનની યાદીમાં આવું હાડોહાડ જાતિવાદી દ્વેષથી ઝળહળતું અપશુકન છાપ્યે રાખતો હતો. એને ક્યારેય કોઇએ ટોક્યો નહોતો કે રોક્યો નહોતો. પરતું, 1984-85નું એ પંચાંગ રઘુનાથ શાસ્ત્રીનું આખરી પંચાંગ હતું, કેમ કે, એ પંચાંગ સામે 11 જાન્યુઆરી, 1985ના રોજ અમદાવાદના કાલુપુર પોલિસ સ્ટેશનમાં અમારા જેવા ચળવળીયા (એ વખતે કર્મશીલ શબ્દ પ્રચલિત નહોતો) લોકોએ FIR નોંધાવી હતી, જેના પરિણામે અમદાવાદના ચીફ મેટ્રોપોલિયન મેજિસ્ટ્રેટ શ્રી. એન. આર. તાતીયાએ રઘુનાથ શાસ્ત્રીને ”પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટની કલમ 7 (1) ડી હેઠળ ગુનેગાર” ઠરાવીને એક માસની સાદી કેદની સજા અને રૂ. 100 દંડ ફટકાર્યો હતો. અને દંડ ના ભરે તો વધુ સાત દિવસની સજા કરી હતી.
સજા સાંભળીને રઘુનાથ શાસ્ત્રીના હોશકોશ ઉડી ગયા હતા. કેમ કે અત્યાર સુધી તો તે એમ જ માનતો હતો કે રસ્તે જતા બિલાડી આડી ઉતરે એ જેમ અપશુકન છે એમ કોઈ નીચ જાતિની વ્યક્તિ આડી ઉતરે તો એ પણ અપશુકન જ છે. રઘુનાથને ખબર નહોતી કે દુનિયા બદલાઈ ગઈ છે અને ભારત દેશમાં હવે ડો. બાબાસાહેબ આઁબેડકરનું સંવિધાન અમલમાં મુકાઈ ગયું છે. અમારી જાતિ નિર્મૂલન સમિતિએ તાતીયા સાહેબનો એ ઐતિહાસિક ચૂકાદો ત્યારે 1986માં મુદ્રીત કર્યો હતો. કેમ કે હું દ્રઢપણે માનતો હતો કે આવા ચૂકાદા પબ્લિક ડોમેઇનમાં જેટલા વધારે મુકાય તેટલું વંચિત સમુદાયોનું નૈતિક મનોબળ વધશે.
આ કેસ શરુ થયો એ જ અરસામાં 23 વર્ષની ઉંમરે હું ગાંધીનગર સચિવાલયમાં આસિસ્ટન્ટની નોકરીમાં જોડાયો હતો. એ મારો પ્રોબેશન પીરીયડ હતો. રજા પાડવી મુશ્કેલ હતી, છતાં, હું દર મુદતે રજા પાડીને કોર્ટમાં નિયમિત જતો હતો. કોર્ટમાં સુનાવણી બાદ સરકારી વકીલ રઘુનાથ શાસ્ત્રીના વકીલ પાસેથી મને ‘ભથ્થુ’ અપાવતા હતા. આમ તો એ સાવ મામુલી હોય, છતાં મને બહુમૂલ્ય લાગતું હતું. હું વ્યવસાયે વકીલ નહોતો પરંતુ કાનૂની હસ્તક્ષેપની સંભાવનાઓ ત્યારથી મારા મનમાં વસી ગઈ હતી. આ કેસમાં કમનસીબે ઉપલી અદાલતે શાસ્ત્રીને નિર્દોષ ઠેરવ્યો હતો, પરંતુ આ કેસ પછી પંચાંગોની દુનિયામાં આવા ગંદા, જાતિવાદી અપશુકન નેસ્તનાબૂદ થઈ ગયા.
-Raju Solanki
"While walking on road, if you find a dhed (man scavenger) or a dheyadi (woman scavenger) carrying human excreta on his/her head, it is a bad omen"
Gayatri Pratyaksh Panchang (Hindu calendar book) published this as a bad omen in 1984-85. We filed FIR against the editor of the panchang, Raghunath Shastri. He was convicted by Ahmedabad metropolitan court and given the sentence of one month and fined 100 Rs.
I published the judgement as I firmly believed that such reports in public domain can inspire marginalised communities.
Though upper court later freed Shastri, such panchangs were erased from the market. I was 23 years old at that time.
Facebook Post :-