May 20, 2019

‘કાંશીરામ ઔર બીએસપી: દલિત આંદોલન કા વૈચારિક આધાર બ્રાહ્મણવાદ વિરોધ’ - Part 1

By Raju Solanki  || Written on 16 May 2019




‘કાંશીરામ ઔર બીએસપી: દલિત આંદોલન કા વૈચારિક આધાર બ્રાહ્મણવાદ વિરોધ’ પુસ્તક માન્યવરના બહુજન આંદોલનની જાણકારી આપતું સર્વપ્રથમ પ્રમાણભૂત પુસ્તક છે. એના લેખક આર. કે. સિંહ અલ્હાબાદના ગોવિંદ વલ્લભ પંત સામાજિક વિજ્ઞાન સંસ્થાનમાં સંશોધનનું કાર્ય કરતા હતા. માન્યવર અલ્હાબાદની સંસદીય પેટાચૂંટણીમાં ઉભા રહ્યા તે સમયે આર. કે. સિંહે બસપા પર થીસિસ લખવાનો નિર્ણય કર્યો હતો. તેની ફળશ્રુતિ એટલે આ પુસ્તક.

આ પુસ્તક લેખકની પાંચ વર્ષની કઠોર તપસ્યાના અંતે લખાયું અને લેખક કહે છે તેમ એમને આ પુસ્તક લખવામાં પારાવાર અડચણો પડેલી. સૌથી પહેલી અડચણ તો બહુ જ વિશિષ્ટ હતી. લેખકના પોતાના શબ્દોમાં, “આમ પણ મારા જેવા સામાન્ય વિદ્યાર્થી માટે પુસ્તક લેખન પોતે એક મુશ્કેલ કાર્ય હતું. અને અહીં મુશ્કેલીનું મુખ્ય કારણ એ હતું કે બસપાનું સમગ્ર કાર્ય ગોપનીય ઢંગથી ચાલતું હતું. ગુપ્તતા બસપાનું મુખ્ય લક્ષણ હતું. લાખ પ્રયાસ કરવા છતાં એની ગુપ્તતા ભેદવી એ લગભગ અશક્ય કામ હતુ. હું સવર્ણ હોવાથી વળી આ કામ વધારે મુશ્કેલ થઈ ગયું હતું. એના નેતા અને કાર્યકર્તા મને શંકાની નજરે જોતા હતા. કેટલાક મને સરકારી ઇન્ફોર્મર, સીઆઈડી, સીબીઆઈનો એજન્ટ કહેતા હતા. તો કોક સવર્ણોનો એજન્ટ કહેતા હતા. ક્યારેક ક્યારેક તો અશ્લીલ શબ્દોનો પણ સામનો કરવો પડતો હતો. મારી ઉપર ચાંપતી નજર રાખવામાં આવતી હતી.”

લેખક આગળ જણાવે છે કે, તેઓ પછી બેત્રણ વાર કાંશીરામને મળ્યા, તેમનો ઇન્ટરવ્યૂ લીધો. એમને તથા કેન્દ્રીય કચેરીને વિશ્વાસમાં લીધી કે પોતે એક સંશોધક છે. લેખક પોતે માર્ક્સવાદી હતા અને તેને કારણે પણ તેમના પર બસપાના કાર્યકરો વિશ્વાસ મુકતા નહોતા. 1987થી માંડીને 1993માં પુસ્તક પ્રગટ થયું ત્યાં સુધી લેખકે અપાર પરિશ્રમ કરીને બસપા અને કાંશીરામ  વિચારધારા વિષે સંશોધન કર્યું.

આ પુસ્તક બસપાના સ્થાપકની વિચારધારા સમજવા માટે અત્યંત મૂલ્યવાન છે. તમે જુઓ કે માન્યવરે એક સંસદીય પક્ષને સામ્યવાદીઓના અન્ડરગ્રાઉન્ડ સંગઠન જેવી લોખંડી શિસ્તથી ચલાવ્યો અને એક પોલાદી સંગઠન ઉભું કર્યું, જે આજે પણ ભયાનક ઝંઝાવાતો વચ્ચે ઉત્તર પ્રદેશમાં મનુવાદીઓને પડકારી રહ્યું છે અને એ પણ અખબારી નિવેદનોથી કે પત્રકાર પરિષદો ભરીને પોકળ અલ્ટિમેટમો આપીને નહીં, બલ્કે જમીન પર ચુનૌતી આપી રહ્યું છે.

માન્યવર દલિતો પર અત્યાચારો થાય એટલે મીડીયામાં ફોટા છપાવવા કે ટીવીની ચેનલો પર બાઇટ્સ આપવા થનગનતા નહોતા. તેઓ પોતાની વ્યક્તિગત મહત્તા ઉભી કરવા, નામ મોટું કરવા જીવતા નહોતા, તેઓ બહુજનોને સત્તા પર બેસાડવા માટે ટીવી-મીડીયાની ઝાકઝમાળથી દૂર રહીને ગ્રાઉન્ડ લેવલે કાર્યરત હતા.

આ કિતાબ મને બહુ જ મહત્વની લાગી છે અને હજુ આવી દસ પોસ્ટ આ પુસ્તક પર હું કરવા માગુ છું, જેથી આજની યુવા પેઢીને બસપાના જનકની કાર્યશૈલીનો અંદાજ આવશે.