“એક જ સ્કુલમાં તમારા ત્રણ બાળકો ભણતા હોય તો એકની ફી માફી. એવો કોઈ નિયમ છે આરટીઈમાં?”
“ના. કેમ?”
“અમારા વિસ્તારની સ્કુલો આવું કરે છે.”
“શોપિંગ મૉલમાં બે શર્ટ ખરીદો તો એક ફ્રી નથી આપતા? હવે આ વેપારીકરણ શિક્ષણમાં શરૂ થયું છે.”
પૌત્ર અંશની અરજીની ઝેરોક્સ આપવા મારા ઘરે આવેલા રમણભાઈ પરમારે જ્યારે મને આ વાત કરી ત્યારે મારા મોંઢેથી પહેલા તો “ના હોય”નો ઉદગાર નીકળી ગયો, પરંતુ ગુજરાતમાં જે રીતે શિક્ષણની અધોગતિ થઈ રહી છે, તેવી સ્થિતિમાં આવી અવનવી સ્કીમોની આવનારા દિવસોમાં મોટા પાયે જાહેરાતો થવાની પૂરેપુરી વકી છે.
રમણદાદા સાથે વાત કરી ને હું ચાલીસ વર્ષ પહેલાના અમદાવાદમાં જતો રહ્યો. જ્યુપીટર, રૂસ્તમ જહાંગીર જેવી મિલોમાં કામ કરીને છેવટે રોહિત મિલમાં પાંત્રીસ વર્ષ ફીટર તરીકે નોકરી કરનારા રમણદાદા હાલ સિત્તેર વર્ષના છે. કૃષ્ણનગરની અંકુર સોસાયટીમાં ટેનામેન્ટ બનાવનારા રમણદાદાએ અમદાવાદની એક વેળાની કાપડ મિલોની જાહોજલાલી જોઈ છે, એટલે હાલની સ્થિતિ પર નિસાસો નાંખતા કહે છે, “હવે તો મશિને મશિને કેમેરા. મૂતરવા જાવ તો ત્યાં પણ કેમેરો. કેન્ટિનમાં ચા પીવા જાવ તો ત્યાં પણ કેમેરો. પગાર રૂપિયા રોજનો ચારસો અને એ પણ કોન્ટ્રાક્ટ પર. કાયમીના કોઈ લાભ નહીં.”
મૂળ સૈજપુર ગામના વતની રમણદાદાનું પરગણું છે દસકોશી. એમનું નવું ઘર જૂના મહોલ્લાથી થોડુંક જ દૂર છે. મહોલ્લામાં છેલ્લા એક વર્ષમાં પાંચ યુવાનો દારૂના વ્યસનને લીધે મરી ગયા એનો અફસોસ વ્યક્ત કરતા એમણે કહ્યું કે, “હવે દારૂના અડ્ડાવાળા એમના ગ્રાહકનો વીમો ઉતરાવે છે અને પછી એને પુષ્કળ દારુ પીવડાવે છે. પેલો મરી જાય એટલે એનો વીમો પોતે લઈ લે છે.” મારા માટે આ તદ્દન નવી વાત હતી. ખાનગી શાળાઓના સંચાલકો અને દારૂના અડ્ડાવાળાઓ આટલા સર્જનાત્મક થઈ ગયા છે અને આપણે સાવ ડોબાના ડોબા રહી ગયા.