July 09, 2018

બેટીપઢાવો, બેટી બચાવો સૂત્ર કોના માટે?

By Raju Solanki  || Written on 20 June 2018



એક દેવીપૂજક પરીવાર આજે મારા ઘરે આવ્યો. મેં એમની સાથે વાતો કરી. તેમના દિલમાં પોતાના સંતાનોને ભણાવવાની કેવી તાલાવેલી છે એની મને ખબર પડી. પિતા રાજેશ પટણી છૂટક મજુરી કરે છે. તડકામાં રખડી રખડીને એનો ચહેરો કાળોમેશ થઈ ગયો છે. સૂકલકડી બાંધાની ને માંડ ચાલીસ કિલો વજનની જણાતી માતા અરુણા અગરબત્તીનો વેપાર કરે છે. શેર લાવીને શેર ખાય છે. એમની દીકરી આરુષીને આ વર્ષે આરટીઈ એક્ટ હેઠળ 25 ટકા ક્વૉટામાં બાપુનગરના સર્વોદય વિદ્યાલયમાં પ્રવેશ મળ્યો હતો. 
હવે તેમણે ઘર બદલ્યું છે. તેઓ મેઘાણીનગરમાં શાંતિનગરની ચાલીમાં રહેવા આવ્યા છે. શાળા ટ્રાંસફર માટે છેલ્લા એક પંદર દિવસમાં એમણે વસ્ત્રાપુરની ડીઈઓ કચેરીમાં વારંવાર ધક્કા ખાધા, પણ કોઈ સાંભળે જ નહીં. ગત તેરમીએ આપણે સામૂહિક અરજીઓ આપવાનો કાર્યક્રમ રાખ્યો અને એમની અરજી સ્વીકારાઈ. આજે એની ઝેરોક્સ કોપી આપવા મારું ઘર શોધતા શોધતા આવ્યા. મેં બેસવા ખુરશી આપી, પણ અરુણાબેન નીચે ભોંય પર જ બેસી ગયા. 
આ એક સાવ સામાન્ય, નગણ્ય, ક્ષુલ્લક મુદ્દો છે. મોટાભાગના લોકોને આમાં લગીરે રસ નહીં પડે. પણ એક દેવીપૂજક દંપતિ માટે અત્યારે આ અત્યંત ગંભીર સવાલ છે. અરુણાબેન કહેતા હતા કે આરુષી રોજ રઢ પકડે છે, સ્કુલે જવાની. એને ભણવાની બહુ ઇચ્છા છે. ડીઈઓ કચેરીમાં કોઈ સાંભળતું નથી. મેં કહ્યું, તમારું કામ થશે જ, ડીઈઓ કચેરીનો કાન પકડીને આપણે આ કામ કરાવીશું. 
એક દેવીપૂજક દીકરીના ભણતરનો સવાલ છે.
“બેટી પઢાવો, બેટી બચાવો,” સૂત્ર શું ગ્લોબલ ગુજરાતી, એનઆરઆઈ, એનઆરજી માટે છે? ટાઇમ્સ ઑફ ઇન્ડીયાના વાચકો માટે જ છે? દેવીપૂજકને નથી લાગુ પડતું? 
રૂપાણી સાંભળો છો?


Facebook Post :-

No comments:

Post a Comment