By Rushang Borisa || 11 August 2017 at 10:33
જન્માષ્ટમી છેલ્લા કેટલાક સૈકાઓથી હિન્દુઓનો માનીતો તહેવાર બન્યો છે. હિન્દૂ ધર્મમાં આ તહેવાર પ્રત્યે વિશેષ માન છે, કારણ કે આ તિથિએ વિષ્ણુના અવતાર એવા કૃષ્ણનો જન્મ થયો હતો; જેમની કહેવાતી લીલાઓ-ચમત્કારો-નીતિઓ અને ખાસ તો ગીતાનો મહિમા લોકોમાં પ્રિય હોય, તહેવાર પણ ઘણો લાડકો છે.
બ્રાહ્મણ-પુરાણો મુજબ એવું કહેવાય છે કે વસુદેવ અને દેવકીના આઠમા પુત્ર તરીકે કારાગારમાં કૃષ્ણનો જન્મ થયો.ચમત્કારિક રીતે જન્મેલ કૃષ્ણને વસુદેવ ગોકુલ લઈ જઈ તેને યશોદાના નવજાત પુત્રી સાથે બદલે છે. એવી માન્યતા પ્રચલિત છે કે જે રાત્રી એ કૃષ્ણનો જન્મ થયો તે શ્રાવણ વદ-૮ હોય, કૃષ્ણ જન્મને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે.
પણ જો આપણે આ વિષયે થોડો ક્રિટિકલ અભ્યાસ કરીયે તો જાણી શકીયે કે આ નર્યો બ્રાહ્મણીક પ્રોપગેન્ડા જ છે; જેને પછીથી લોકોમાં પ્રભાવ પાથર્યો હોય તેવું જણાય છે. વધુ ઊંડા જઈએ તો સમજી શકાય કે કૃષ્ણને અનહદ મહત્વ આપવાનું કારણ બીજું કશું નથી પણ બુદ્ધિઝમના પતનની સાથે પુનઃ બ્રાહ્મણ વર્ચસ્વ મજબૂત બનાવવા માટેના બ્રાહ્મણોના દાવ-ચાલો હોવા રહ્યા.
ભારતીય ઇતિહાસમાં જૈન સાહિત્યો,બૌદ્ધ સાહિત્યો અને બ્રાહ્મણ સાહિત્યોમાં ઘણા મુદ્દે વિસંગતતાઓ જોવા મળે છે.પણ ખબર નહીં કેમ પ્રચારતંત્ર માત્ર બ્રાહ્મણોના સાહિત્યોને વિશેષ પ્રાથમિકતા આપી તેનો પ્રસાર કરતા રહે છે. એક રીતે ભારતીય ઇતિહાસકારોએ (જેમાં મુખ્યત્વે સવર્ણો અને તેમાં પણ બ્રાહ્મણો વિશેષ જોવા મળે) બૌદ્ધ અને જૈન સાહિત્યોની અવગણના કરી ઈરાદાપૂર્વક બ્રાહ્મણધર્મને ટકાવી રાખવા યથાશક્તિ પ્રયાસો કર્યા છે.અત્યારે દેશનું સઘળું તંત્ર બ્રાહ્મણવાદીઓના હાથમાં હોય સહજ છે કે છુપાવવામાં આવેલા તથ્યો-હકીકતો જમીન નીચે જ સડતા રહે... જો કે આ બધું લાંબો સમય ચાલશે નહીં તેવી સંભાવના વધતી જાય છે.
હવે પોસ્ટના મૂળ મુદ્દે પાછા ફરતા શરૂઆત બૌદ્ધ સાહિત્યોથી કરીયે...
- લગભગ પાંચમી સદીની આસપાસ લખાયેલ બૌદ્ધ ગ્રંથ "મહાવંશ" માં બૌદ્ધ રાજાઓના રાજ્યાભિષેક(વંશાવલી) અને અન્ય વાર્તાઓનું સંકલન છે. આ ગ્રંથ ધાર્મિક ઓછો અને ઇતિહાસિક વધુ જણાય છે. ગ્રંથમાં કૃષ્ણ જન્મને મળતી અદ્દલ વાર્તા જોવા મળે છે, જેમાં પાત્રોના નામ અને અન્ય વર્ણનમાં તફાવતો છે. જો કે જન્મની રીત તે જ છે
મહાવંશ મુજબ રાજા સુમિત્રના સૌથી નાના પુત્ર પાંડુવાસુદેવ લંકાના રાજા બને છે. પાંડુવાસુદેવ ના લગ્ન ભદ્રાકન્યા(?) સાથે થાય છે. તેઓને ૧૦ પુત્ર અને ૧ પુત્રી હોય છે. સૌથી મોટા પુત્રનું નામ અભય અને પુત્રીનું નામ ચિત્રા(?) હોય છે. ચિત્રાના જન્મ બાદ બ્રાહ્મણ જ્યોતિષો ભવિષ્યવાણી કરે છે કે ચિત્રાનો પુત્ર તેના દસેય મામાઓનો વધ કરશે. જેથી ભયભીત બનેલ અભય બહેન ચિત્રાને અલાયદા ગૃહમાં કેદ કરે છે અને તેના લગ્ન કરાવતાં નથી. પણ એક વખત રાજકુમાર દીર્ઘમણિ શહેરમાં મહેમાન બની આવ્યા હોય છે અને ફરતા-ફરતા ચિત્રાને કેદ કર્યા હોય તે ઇમારતમાં આવી ચડે છે.બંનેને પ્રેમ થતા તેઓ સંભોગ કરે છે. જયારે ચિત્રા ગર્ભવતી થાય છે ત્યારે દસેય રાજાઓ નવાય પામે છે. આખરે હકીકતની જાણ થતા રાજા અભય નક્કી કરે છે કે જો પુત્રી જન્મશે તો તેને જીવિત રહેવા દઈશું ,પણ પુત્ર જન્મશે તો તેની હત્યા કરીશું. ચિત્રાને પુત્ર જન્મે છે, ત્યારે ચિત્રા ના કલાવેલા નામક સેવિકા તે જ દિવસે નગરમાં જે સ્ત્રીને પુત્રી જન્મ્યા હોય તેને પૈસા આપી પુત્ર-પુત્રીની અદલાબદલી કરે છે.પુત્રનું નામ પાન્ડુઅભય રાખવામાં આવે છે. આ રીતે ચિત્રાના પુત્રને જીવનદાન મળે છે. જો કે એક સમયે રાજા અભયને જાણકારી મળે છે કે પોતાનો ભાણિયો જીવે છે. દસેય મામાઓ ૩ વખત પાંડુઅભય ની હત્યા કરવાની યોજના બનાવે છે પણ ત્રણેય વખત સંયોગ-નસીબજોગે પાંડુઅભય બચી જાય છે.(લીલા કે ચમત્કારે નહીં) આખરે એક બ્રાહ્મણની સહાય થી પાંડુઅભય સેના બનાવે છે અને યુદ્ધમાં ષડયંત્રના સહારે પોતાના ૮ મામાઓનો વધ કરે છે. રાજા અભય સન્યાસ લે છે અને અન્ય એક મામા પાન્ડુઅભય સાથે સંધિ કરી રાજ્ય ભાણિયાને સોંપે છે. બાદમાં પાંડુઅભય એક સારો રાજા બની રાજ કરે છે.
- બીજી લગતી વળગતી એક કથા બૌદ્ધ-સાહિત્ય “જાતકકથા”માં પણ જોવા મળે છે.થોડા ફેરફારોની સાથે જન્મની રીત અહીં પણ સમાન જોવા મળે છે.જો કે જાતકકથાઓ ઉપદેશાત્મક વાર્તાઓનો સંગ્રહ છે. એટલે કે કથાનો મૂળહેતુ તો કૈક અલગ છે; પણ અન્ય કેટલાક વર્ણનો કૃષ્ણના જીવન સાથે મેળ ખાય છે.કથા મુજબ આસિતજન નગરમાં મહાકંશ રાજા રાજ કરે છે. તેમના ૨ પુત્રો-કંસ અને ઉપકંશ તેમજ પુત્રી- દેવગર્ભા(?) હોય છે.દેવગર્ભાના જન્મ સમયે બ્રાહ્મણ આગાહી કરે છે કે આ કન્યાનો પુત્ર તેના મામાઓનો વધ કરી વંશનો નાશ કરશે. રાજા કંશ પોતાની બહેનને અવિવાહિત રાખે છે જેથી તેને પુત્રપ્રાપ્તિ ના થાય. પરંતુ એક સમયે રાજકુમાર ઉપકંશ ના મિત્ર ઉપસાગર રાજ્યમાં મહેમાન હોય તેને દેવગર્ભા સાથે પ્રેમ થાય છે અને બંને સંભોગ કરે છે.આ વાતની જાણ રાજા ને થતા તે નક્કી કરે છે કે જો છોકરી જન્મશે તો તેને જીવિત રાખીશું ,પણ છોકરો જન્મશે તો તેની હત્યા કરીશું.જો કે જયારે દેવગર્ભાને પુત્ર જન્મે છે ત્યારે જ તેમના સેવિકા નંદગોપીને પુત્રી જન્મે છે.દેવગર્ભા પુત્ર-પુત્રીની અદલાબદલી કરાવે છે.આ રીતે પુત્રને જીવનદાન મળે છે અને તેનું નંદગોપીના પતિને ત્યાં પાલન થાય છે.દેવગર્ભાનો તે જ્યેષ્ઠ પુત્ર-વાસુદેવ. દેવગર્ભાના આ રીતે ૧૦ પુત્રો જન્મે છે જેનું પાલન સેવિકાના પતિ કરે છે.જો કે આ પુત્રો સમય જતા તોફાની બને છે અને ગામવાસીઓની જમીનો પચાવી પાડે છે. લોકોની ફરિયાદ રાજા કંશ પાસે જતા રાજા દસેય કુમારોની સાથે નંદગોપીના પતિને પણ સજા કરવાનો નિર્ણય કરે છે. ત્યારે પાલકપિતા રાજાને હકીકત જણાવી દે છે.આખરે રાજા કંશ દસેય પુત્રોને યુદ્ધ નું આમંત્રણ આપે છે ;અને જેના ફળસ્વરૂપ રાજા કંશનો વધ થાય છે.
આ બંને રચનામાં કૃષ્ણ જન્મની સામ્યતાઓ દેખી શકાય છે.
હવે અહીંથી અટકી પુરાણો તરફ જઈએ.
✴ કૃષ્ણ જન્મનું વર્ણન હરિવંશ પુરાણ, ભાગવદ પુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં છે.✴
➜ હરિવંશ પુરાણને મુખ્ય ૧૮ પુરાણમાં સ્થાન મળ્યું નથી જણાતું. જો કે હરિવંશમાં ૨ સ્થાને કૃષ્ણ જન્મનું વર્ણન છે. પ્રથમ હરિવંશપર્વ અને પછી વિષ્ણુપર્વ. અહીં હરિવંશપર્વનું વર્ણન ઘણું ટૂંકમાં પતાવ્યું જણાય છે. તેમાં કંશનો ઉલ્લેખ નથી. હરિવંશપર્વના વર્ણન મુજબ વસુદેવને ૧૪ રાણી હોય છે; જેમાં પ્રથમ પત્ની રોહિણી તેને પ્રિય હોય છે. સાતમા રાણી એટલે દેવકી.જેમાં બલરામ અને સુભદ્રા વસુદેવ અને રોહિણીના પુત્ર-પુત્રી બતાવ્યા છે.જયારે વસુદેવ અને દેવકીના એકમાત્ર પુત્ર કૃષ્ણને બતાવેલ છે. પછીના પર્વ વિષ્ણુપર્વમાં વિસ્તૃત વર્ણન છે.જેમાં ચમત્કારિક રીતે કૃષ્ણનો જન્મ થાય છે અને વસુદેવ કૃષ્ણને યશોદાના પુત્રી સાથે બદલે છે.જન્મની રાત્રી અસાધારણ-જાદુમય જણાય છે.
➜ ભાગવદ પુરાણ અને બ્રહ્નવૈવર્ત પુરાણનું વર્ણન વિષ્ણુપર્વના વર્ણન સાથે મેળ ખાય છે.
હવે અહીંથી થોડો ક્રિટિકલ અભ્યાસ કરીયે ,જે પૌરાણિક લેખકોના કાવાદાવા અથવા ભૂલો તરફ નિર્દેશ કરે છે.સૌ પ્રથમ તો પુરાણોની કાળરચના પોસ્ટ-બુદ્ધિઝમ સમયની છે.પુરાણોની સંસ્કૃત ભાષા ઘણીખરી આધુનિક સંસ્કૃત જેવી જણાય છે. એટલે કે બહુધા પુરાણો ત્રીજી સદી બાદ લખાયેલ છે. વળી, પુરાણો કાંઈ એક વારમાં લખાયેલ નથી, સમય મુજબ તેમાં સુધારા-વધારા થતા આવ્યા છે. ટૂંકમાં, પુરાણો ત્રીજી સદીથી લઈને તેરમી સદી સુધી એડિટિંગ સાથે લખાયેલ છે. નિષ્ણાતોએ અલગ-અલગ પુરાણની રચનાનો સમય પણ જણાવ્યો છે. જેમાં હરિવંશ પુરાણની માહિતી મારી પાસે નથી. પણ ભાગવદ પુરાણ પાંચમી સદીથી લઈને ૧૦મી સદી સુધી લખાતું રહ્યું હતું; જયારે બ્રહ્નવૈવર્ત પુરાણ આઠમી સદી બાદની રચના જણાય છે.અહીં નોંધનીય છે કે ભાગવદ પુરાણમાં ક્યાંય રાધાનું વર્ણન નથી, જયારે બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાધા-કૃષ્ણના સંબંધો સ્પષ્ટ દેખી શકાય છે.
➤ હવે પહેલો અને સૌથી મોટો આંચકો આપું તો પુરાણો મુજબ કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ-૮ થયો જ નથી! ભાગવદ પુરાણમાં જન્મના રાત્રિની તિથિ દર્શાવી છે, પણ માસ નો ઉલ્લેખ નથી.જયારે હરિવંશ પુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ કૃષ્ણ જન્મ ભાદરવો વદ-૮ માં થયો હતો તેવું સ્પષ્ટ લખ્યું છે. (બ્રહ્મવૈવર્ત>કૃષ્ણજન્મ ખંડ> અધ્યાય-૮ અને હરિવંશ>વિષ્ણુપર્વ>અધ્યાય-૨.૩૫) તો પછી આ શ્રાવણ વદ-૮ માં કોની જન્માષ્ટમી ઉજવવામાં આવે છે?
➤ વળી, હરિવંશ પુરાણ મુજબ વસુદેવ રાજા માહીશના પુત્ર હોય છે ;જયારે ભાગવદ પુરાણ મુજબ વસુદેવને રાજા સુરસેનના પુત્ર કહ્યા છે!
➤ હરિવંશ મુજબ દેવકીના સાતમા પુત્રનો ગર્ભ ચમત્કારિક રીતે રોહિણીના ગર્ભમાં જતો રહે છે.પણ લેખકે અહીં ફરી ભૂલ કરી છે. ચાલો હમ્બક-ચમત્કારિક વાતોને અવગણીએ,પણ રોહિણી વસુદેવના પત્ની હોય વસુદેવ તો કારાગારમાં કેદ હોય છે. તો પતિરહિત સ્ત્રીના ગર્ભવતી હોવા ઉપર ગામવાસીઓએ શંકા જ ના કરી!? ગ્રંથકાર બ્રાહ્મણોએ જે તુત ચલાવ્યા - બેતૂકી વાર્તાઓ કરી, લોકો માની પણ ગયા! (હા, બની શકે કે નિયોગ વિધિ મુજબ બ્રાહ્મણ-પુરુષો વિવાહિત સ્ત્રી સાથે પણ સંભોગ કરવા સ્વતંત્ર હોય ,લોકોએ એવું માન્યું હશે કે યદુવંશના બ્રાહ્મણપુરોહિત દ્વારા રોહિણી ગર્ભવતી થયા હોય.)
➤ ઉપરાંત, બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર દેવકીના ગર્ભ ધારણના ૧૦માં મહિને કૃષ્ણ જન્મે છે. જયારે હરિવંશ મુજબ કૃષ્ણનો જન્મ ગર્ભધારણના ૮માં મહિને બતાવ્યો છે.બની શકે અલગ અલગ ગ્રન્થકારે પોત-પોતાની કલ્પના મુજબ ચમત્કારિક જન્મનું વર્ણન કર્યું હોય ભેદ હોય.છતાં પણ આટલી સામ્યતાઓ વચ્ચે આવા તફાવતથી લાગે છે ગ્રંથકારો વચ્ચે કો-ઓર્ડિનેશન નહિ હોય, ગફલત થઇ હશે.
➤ આખરે, કૃષ્ણને ઈશ્વરનો દરજ્જો આપવા અતિશયોક્તિયુક્ત અને અવાસ્તવિક મનઘડત બાબતો ઉમેરવામાં ગ્રંથકાર એટલા મશગુલ થઇ ગયા કે બીજી એક ગરબડ કરી બેઠા.ભાગવદ પુરાણ મુજબ કૃષ્ણ-જન્મ મધ્યરાત્રીએ થયો હતો. જયારે હરિવંશ પુરાણમાં લેખકે જન્મનું મુહૂર્ત પણ બતાવ્યું છે; તે પ્રમાણે જન્મ અભિજીત મુહૂર્તમાં થયો હતો.પરંતુ, અભિજીત મુહૂર્ત મધ્યરાત્રિ નહિ, પણ મધ્યાહ્નનો સમય હોય તે દિવસનું મુહૂર્ત છે. અહીં, અભિજીત મુહૂર્તને રાત્રે બતાવી લેખકે ગરબડ કરી.વળી, વૈવર્ત પુરાણ મુજબ જન્મ પૂર્ણ મધ્યરાત્રીએ નહીં,પણ મધ્યરાત્રિ પછી થયો હતો.
જો કે મારે એટલું જ જણાવવાનું હતું કે કૃષ્ણજન્મ શ્રાવણ વદ-૮ ઉપર થયો નહતો. બાકીના તથ્યો વધારાના છે, કારણ કે જે ગ્રંથો કોઈ ચોક્કસ હેતુ માટેના કલ્પનાઓનો ભંડાર હોય ત્યાં ત્રુટીઓ સહજ રીતે ઉપસી આવવાની જ.પણ જન્માષ્ટમીને શ્રાવણ વદ- ૮ મેં ઉજવવાનું રહસ્ય શું હશે? જરૂર કોઈ અસલને કફનમાં દફન કરી, નકલ પેદા કરવામાં આવી હોય શકે.
હવે, થોડા ટોપિક-ઓફ જઈને વધુ ફંફોળવાનો પ્રયાસ કરીયે...
✡ વૈદિકકાળમાં જન્મજયંતિ ઉજવવાની પ્રથા નહતી. કેટલાક નિષ્ણાતોએ અનુમાન કર્યું છે કે જન્મજયંતિ ઉજવવાની પરંપરા સમ્રાટ અશોકે શરૂ કરી હતી. નોંધનીય છે કે જન્માષ્ટમી વિષે વિસ્તારમાં કથાઓ-વ્રત-વિધિઓ દર્શાવતા બ્રાહ્મણગ્રંથોએ, વધુ પ્રાચીન એવી રામનવમીને તે દરજ્જે માન-મહિમા નથી આપ્યો. એટલે સહજ છે કે બુદ્ધિઝમના મધ્યભાગની આસપાસ જન્મદિનનું મહત્વ વધ્યું હોય, પાંચમી સદી બાદ રચાયેલા પુરાણોમાં કૃષ્ણજન્મને લઈને કુત્રિમ વાતો રચી તેનો પ્રચાર કરવામાં આવ્યો હોય.
✡ જ્યાં સુધી બૌદ્ધગ્રન્થોની વાત છે તો તેઓ બ્રાહ્મણગ્રંથો જેમ અવાસ્તવિક-ચમત્કારિક બાબતોને ખાસ પ્રાધાન્ય આપતા નથી. મહાવંશ અને જાતકકથામાં જન્મને લઈને ક્યાંય ઉંટ-પટાંગ કે અસાધારણ ઘટના ઘટી નથી. હા,જાતકકથાને મિથીહાસ ગણવામાં આવતી હોય,પણ તે ઉપદેશાત્મક કથાઓનો સમૂહ હોય નજરઅંદાજ કરી શકાય.વળી, તે જાતકકથાનો મુખ્ય ઉપદેશ મુજબ કોઈ સ્વજનના મૃત્યુનો વિયોગ ના કરવો જોઈએ તેવું બુદ્ધ સૂચવે છે.બુદ્ધ કહે છે કે જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત હોય ,વિલાપ કરવો વ્યર્થ છે. પોતાના પુત્રના અવસાન બદલ શોકાતુર થયેલ કેશવને રાજ્યભાર સંભાળવા માટે બુદ્ધ તેવો ઉપદેશ આપે છે.
✡ ઉપરાંત, બૌદ્ધ સાહિત્ય મુજબ પાન્ડુઅભય અને પાંડુવાસુદેવ (કૃષ્ણ) શરૂઆતમાં તોફાની તેમજ બેશિસ્ત હતા.મહાવંશમાં ક્યાંય પાંડુઅભયના મામાઓને દુરાચારી બતાવ્યા નથી, છતાં પણ તેમની હત્યા કરવામાં આવે છે. જો ઊંડા ઉતરીએ તો અહીં બુદ્ધિઝમના બ્રાહ્મણીકરણનો દાવો પણ સાચો સાબિત થાય છે. એવું કહેવાય છે કે અશોકના મુર્ત્યું પછી બુદ્ધિઝમનું બ્રાહ્મણીકરણ થયું હતું અને ધીમે ધીમે પતન પણ થયું. પાન્ડુઅભયે બ્રાહ્મણને ત્યાં આશરો લઇ યુદ્ધ કર્યું અને બાદમાં રાજા બનતા તે જ બ્રાહ્મણના પુત્રને મુખ્યપુરોહિત(પાદરી) પદે નિમણુંક કરે છે.એટલે કે પાંડુંઅભયના નાનાએ એ જે બૌદ્ધ રાજ સ્થાપ્યું હતું તેમાં લૂણો લગાવ્યો.
✡ સાથે સાથે અહીં આંબેડકરે અછૂતોના ઉત્પત્તિની જે થિયરી આપી હતી તેનું આડકતરું સમર્થન જોવા મળે છે. આંબેડકરની થિયરી મુજબ વર્તમાન દલિતો (એક્સ-અનટચેબલ) ભૂતકાળમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ હતા.બ્રાહ્મણો અને બૌદ્ધોની તકરારમાં બુદ્ધિઝમના બ્રાહ્મણીકરણ તેમજ રાજસત્તાના બદલાવથી બૌદ્ધોની હાર થઇ અને તે હારેલા બૌદ્ધોને અછૂત બનાવવામાં આવ્યા. જયારે પાન્ડુઅભય રાજા બને છે ત્યારે તે ચાંડાલોને મેલું ઉપાડવાનું કામ કરવાનો આદેશ આપે છે. ચાંડાલ શબ્દના જેટલા પણ અર્થ છે તેમાં મને અહીં એક અર્થ બંધબેસતો જણાય છે. ચાંડાલનો એક અર્થ થાય છે કે બ્રાહ્મણ સ્ત્રી અને શુદ્ર પુરુષનું વર્ણશંકર સંતાન.બુદ્ધે વર્ણ-વ્યવસ્થાનું સમર્થન કર્યું નહતું.બુદ્ધે જે સમાનતાનો સિદ્ધાંત આપ્યો હતો તેમાં તેમને ત્રિગુણ આધારિત ચાતુર્ય વર્ણ-વ્યવસ્થા નકારી હતી.એટલે કે બૌદ્ધકાળ દરમ્યાન ચારેય વર્ણની જ્ઞાતિઓ વચ્ચે લગ્ન-સંબંધો વધ્યા હશે. જેથી બ્રાહ્મણોની સર્વોપરિતા જોખમાયી.મૌર્ય-વંશના અંત બાદ બ્રાહ્મણોએ વર્ણો આધારિત સામાજિક વ્યવસ્થાના વધુ ચુસ્ત નિયમો બનાવ્યા હોય તેવા તથ્યો પણ મળી આવ્યા છે.એટલે કે બુદ્ધિઝમના બ્રાહ્મણીકરણ ભાગરૂપે રાજા બનેલ પાન્ડુઅભ્યે જે ચાંડાલોને મેલું ઉપાડવા વગેરે જેવા હીન કામોનો ભાર થોપ્યો તે ખરેખર તો બ્રાહ્મણ-ધર્મ અનુસાર (કડક) સામાજિક વ્યવસ્થા રચવાની તજવીજ હોવી રહી. પાંડુઅભયના મુખ્ય સલાહકાર અને પુરોહિત એક બ્રાહ્મણ તો હતા.
વળી, નોંધનીય છે કે પુરાણમાં ક્યાંય પહેલેથી કંશનાં અત્યાચાર-દુર્જનતાને લઈને વર્ણનો જોવા મળતા નથી. ઉલટું,આકાશવાણી બાદ તે અત્યાચારી બને છે. સામાન્ય રીતે એવું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ કે કોઈ દુષ્ટ-અત્યાચારી વ્યક્તિ પહેલેથી અધર્મ ફેલાવતો હોય અને તેને રોકવા/નાશ કરવા માટે કોઈ મહાન વ્યક્તિનો જન્મ થાય. પણ પુરાણોમાં પહેલા જન્મ થાય છે અને બાદમાં તેની ક્રૂરતાનું વર્ણન થયું છે. એટલે કે ઇરાદાપૂર્વક કૃષ્ણની મહાનતા વધારવા માટે પછીથી કંશને દુરાચારી બતાવવામાં આવ્યો હોય. ફરી ધ્યાન આપવા જેવી બાબત પુરાણોમાં જણાય છે કે કંસે ક્યારેય પ્રજાને પરેશાન કે અન્યાય-અત્યાચાર કર્યો હોય તેવા તથ્યો દેખાતા નથી. કંશનાં ચરિત્રને બગાડવા માટે જે વર્ણનો ઉમેરવામાં આવ્યા હતા તેમાં લખ્યું હતું કે કંસે બ્રાહ્મણોના યજ્ઞો બંધ કરાવ્યા હતા. બાકીના વર્ણનો વ્યક્તિગત દુષચારિત્ર્યના હોય એક રાજા તરીકે કોઈ નબળાઈ દેખાતી નથી.
બીજું ધ્યાન આપવા જેવું એ છે કે કૃષ્ણની લીલાઓ માટે ભાગવદ પુરાણ પ્રખ્યાત છે.જેટલો કૃષ્ણ મહિમા આ ગ્રંથમાં આલેખાયો છે તેટલો બીજે ક્યાંય નથી.પણ વિચિત્ર બાબત એ છે કે આ ગ્રંથમાં કુલ ૧૨ સ્કંદ છે, જેમાં ૧૦માં સ્કંદને બાદ કરતા બાકીના સ્કંદના લખાણની માત્રા સરવાળે એક સમાન છે. જયારે કૃષ્ણની કથાઓનું વર્ણન જે દસમા સ્કંદમાં થયું છે તે અસાધારણ રીતે લાંબો છે.એકલો ૧૦મો સ્કંદ જ લખાણમાં ૩ સ્કંદને બરાબર છે !એટલે કે ભાદવદપુરાણમાં જે કઈ સમયની સાથે વધારો થયો હશે તે આ સ્કંદમાં જ થયો હોવો રહ્યો, જેથી કૃષ્ણને બને તેટલું વધારે મહત્વ મળે અને તે ઈશ્વર સમકક્ષ પૂજવામાં આવે.ખરેખર તો બૌદ્ધકાળ દરમ્યાન જે ફટકો બ્રાહ્મણોને પડ્યો હતો તેને સરભર કરવા માટેની તરકીબ જણાય છે.
મારા ઉપરોક્ત તર્કના આધાર માટે વજનદાર તથ્ય ઉમેરું... ઇતિહાસકારો દ્વારા સાબિત થઇ ગયું છે કે પુરીનું જગન્નાથ મંદિર હકીકતે બૌદ્ધ સ્તૂપ હતું. જયારે ભારતમાં બુદ્દિસમનું પતન થયું (કે બોલોને કરવામાં આવ્યું) ત્યારે પુનઃસત્તા મેળવેલ બ્રાહ્મણોએ સૈકડ઼ોં બૌદ્ધ સ્તૂપોને નષ્ટ કર્યા હતા(બૌદ્ધ ગ્રંથોને પણ). આ પ્રક્રિયામાં પુરીના બૌદ્ધ સ્તૂપનું બ્રાહ્મણ મંદિરમાં પરિવર્તન કરવામાં આવ્યું અને ત્યાં કૃષ્ણ બિરાજમાન થયા.(આ હકીકત ખુદ વિવેકાનંદે પણ કબૂલી હતી.) એટલે કે બૌદ્ધના પતનનો લાભ ઉઠાવી પોતાની સત્તા(બ્રાહ્મણ સત્તા) મજબૂત કરવા જે ધર્મ-હથિયાર વપરાયું તેમાં સુદર્શનચક્ર વિશેષ છે.
ટૂંકમાં, કૃષ્ણ જન્મનું ગતકડું મનઘડત ભલે હોય, પણ ઇરાદાપૂર્વક બ્રાહ્મણોએ પ્રતિ-ક્રાંતિના ભાગરૂપે રચેલ વ્યૂહરચના જણાય છે.પરંતુ તિથિનો તફાવત એ બાબત તરફ નિર્દેશ કરે છે કે નક્કી શ્રાવણ વદ-૮ ઉપર કોઈ બહુજન નાયકનો જન્મ થયો હશે.જેને સ્પર્ધા આપવા બ્રાહ્મણોએ ભાદરવો વદ-૮ ને આધાર બનાવી કૃષ્ણજન્મની ચમત્કારિક કથા રચી પ્રચાર કર્યો. પણ તે અસરકારક ના થતા ,પાછળથી તેને શ્રાવણ વદ-૮ સાથે બદલવામાં આવ્યું હોય... કુછ તો ગરબડ હે !