July 07, 2018

દિવંગત લીના પટેલની સ્મૃિતમાં

By Raju Solanki  || Written on 3 June 2018

‘એક ટુકડો આકાશનો’, લીના પટેલના લેખોનો સંગ્રહ છે. ‘સેવા’ સંસ્થાના મુખપત્ર ‘અનસુયા’માં લીનાએ શાકભાજી વેચતી, માર્કેટમાં માથે વજન ઉંચકીને ફેરા કરતી ને માથોડા કામદારના નામે ઓળખાતી, અગરબત્તી બનાવતી, બીડી બનાવતી સ્ત્રીઓના જીવલેણ જીવતરની વ્યથાકથાઓ આલેખી હતી. એમની રોજિંદી એવી સમસ્યાઓ કે જે ક્યારેય સભ્ય સમાજને સમસ્યા લાગી જ નથી, જેમ કે માર્કેટમાં આખો દિવસ શાકભાજી વેચતી સ્ત્રીઓ માટે ટોઇલેટની નાની અમથી વ્યવસ્થા હોવી જોઇએ એ આપણને સમજાયું જ નથી. લીનાએ આ બધા પ્રશ્નોની ભીતરમાં જઇને ફીલ્ડ વર્ક કરેલું અને આ અભણ સ્ત્રીઓને સમજાય એવી બોલચાલની ભાષામાં એમની જિંદગીનો નિચોડ શબ્દસ્થ કરેલો. લીનાની સ્મૃિતમાં એના લેખો ગ્રંથસ્થ થાય એવી લાગણીથી પ્રેરાઈને સંગીતા પટેલે સંપાદન કર્યું. એ આ નાનકડું પુસ્તક.
સેવાની કાર્યકર બહેનોને સિવિલ હોસ્પિટલમાં કેન્સરની તપાસ અર્થે લઈ જતાં અને કેન્સરની આગોતરી જાણ સારુ યોજેલી તાલીમ દરમિયાન લીનાને પોતાને ખબર પડી કે તેને પણ સ્તન કેન્સર થયું છે અને અહીંથી શરૂ થયો હતો તેનો મહાભયાનક કેન્સર સામેનો જંગ. કેન્સર થયું છે એવું ‘સેવા’ના એકપણ સહકાર્યકરને તેણે જણાવેલું નહીં. માત્ર તેના આપ્તજનોને જ રોગની ખબર હતી. ઓપરેશન પછી ધીરે ધીરે સૌને ખબર પડેલી. કેન્સરનો મહાવજ્રપાત જીરવવો સહેલો નહોતો.
મુદ્રણ કળાની નિષ્ણાત લીનાએ જે ખંતથી અને લગનથી વાલજીભાઈ પટેલનો લેખ સંગ્રહ ‘કર્મશીલની કલમે’ કે દિવંગત ટીકેશ મકવાણાનો લેખ સંગ્રહ ‘પથ્થર તો તબિયત સે ઉછાલો યારો’ કે ‘સેવાના ચાંદ’ જેવા ગ્રંથો તૈયાર કરેલા એટલી ચીવટથી એના લેખોનો આ સંગ્રહ અલબત્ત, બહાર પાડી શકાયો નથી. થોડીક પ્રુફની ભૂલો રહી ગઈ છે. એ બદલ ક્ષમા પ્રાર્થનાસહ લીનાના મિત્રો, શુભેચ્છકો, એના સુખદુખના સાથીદારો સમક્ષ મુકીએ છીએ આ ‘એક ટુકડો આકાશનો.’

ખાનપરના દલિતોની સ્મશાનભૂમિ માટેની લડાઈ

By Raju Solanki  || Written on 26 May 2018


ગયા વર્ષે બરોબ્બર આ જ સમયે ઉનાળાની કાળઝાળ ગરમીમાં મોરબી જિલ્લાના ખાનપર ગામના દલિતોએ મારો દરવાજો ખખડાવેલો. આંખો લાલચોળ ને ઉંઘથી ભરેલી. ધૂળિયા, અસ્તવ્યસ્ત કપડાં. રાત માથે લઇને બસોથી વધારે કિલોમીટરની મુસાફરી કરીને તેઓ અમદાવાદ આવેલા. થોડોક પોરો ખાઈ એમાંના એકે ધીમા, ધ્રૂજતા અવાજમાં માંડી હતી એમની વિતકકથા, જે આજે પણ રડાવી રહી છે ગુજરાતના ગામડાઓમાં વસતા લાખો દલિતોને.

એમના ગામના પ્રભુત્વશીલ પટેલોએ એમની સ્મશાનભૂમિ નષ્ટ કરી હતી. પટેલોનો દાવો હતો કે એ જમીન એમના બાપદાદાઓની હતી. ખરેખર તો રાજાશાહીના વખતમાં આ જમીન ખળાવાડની હતી અને આઝાદી પછી સાર્વભૌમ, પ્રજાસત્તાક સરકારની માલિકીની જ ગણાય. ખાનપરના દલિતો પાસે આના પુરાવારૂપે ગુજરાત હાઇકોર્ટનો એક ચૂકાદો પણ હતો. પરંતુ, પટેલો આ જમીન પર એમનો કોમ્યુનિટી હૉલ બનાવવા માંગતા હતા. અને આ સરકારી જમીન રેવન્યૂ દફતરે ‘કબ્રસ્તાન’ તરીકે નોંધવાની એક પુખ્ત અને ન્યાયી પ્રક્રિયા પછી પણ પટેલો તેને યેનકેન પ્રકારેણ ‘વિવાદગ્રસ્ત’ બનાવવા માંગતા હતા.
ખાનપરના દલિતોએ મારી સમક્ષ રજુ કરેલા તમામ દસ્તાવેજોના આધારે હું તૂર્ત જ એ ફરિયાદનો મુસદ્દો ઘડવા બેઠો. જમીન ‘કબ્રસ્તાન’ તરીકે નીમ કરવા માટેનો ગ્રામ પંચાયતનો ઠરાવ, જમીનની માપણીનો નકસો, જમીન સરકારી હોવાનું દર્શાવતું 6 હક્કપત્રક, જમીન અધિકારીનું ‘બિન-વાંધા પ્રમાણપત્ર’, સર્કલ ઇન્સપેક્ટરે ભરેલું ચેકલસ્ટ, ટીડીઓ અને મામલતદારે સંયુક્ત રીતે ભરેલું ચેકલિસ્ટ, દલિતોને જમીનની ફાળવણી કરતો નાયબ કલેક્ટરનો હુકમ. તમામ દસ્તાવેજો ઉપલબ્ધ હતાં અને છતાં ભાજપના સાંસદ મોહન કુંડારીયાના માત્ર એક પત્રથી સમગ્ર પ્રક્રિયા ખોરંભે પડી હતી. પટેલ જાતિના કલેક્ટરે સમગ્ર ફાઇલ ગાંધીનગરમાં ‘અભિપ્રાય અર્થે’ મોકલી દીધી.
સંવર્ધિત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારો, 2015ની કલમ (1) (ઝેડ-એ) અને કલમ (1) (એફ) હેઠલ કલેક્ટર તથા નાયબ કલેક્ટર સામે ફરિયાદનો મેં મુસદ્દો તૈયાર કરી દીધો. ફરિયાદ કોના નામે કરવી એના અંગે ખાનપરના દલિતોમાં મતભેદ પડ્યા, કેમ કે ગામ સામે લડવાનું હતું. છેવટે રમેશ દુદાભાઈ પરમાર નામના બહાદુર યુવકે પોતાના નામે ફરિયાદ કરવા સંમતિ આપી. ફરિયાદના પ્રથમ જ મુદ્દામાં મેં ડૉ. બાબાસાહેબ આંબેડકરના ગ્રંથ ‘અસ્પૃશ્યો અથવા ભારતીય વાડાના બાળકો,’માં ઉજાગર થયેલા ઐતિહાસિક તથ્યનો નિર્દેશ કર્યો હતો. જેમાં જણાવેલું કે, 1901માં જ્યારે ત્રીજી વસતી ગણતરી કરવામાં આવી ત્યારે સેન્સસ કમિશનરે અછૂતોને અલગ તારવવા માટે દસ માપદંડોનો ઉપયોગ કરેલો, જેમાં નવમો માપદંડ એ હતો કે “તેઓ તેમના મૃતક સ્વજનોને દાટે છે.” (they bury their dead.)
બીજા દિવસે અમે ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી આત્મારામ પરમારને મળવા ગાંધીનગર ગયા હતા. મંત્રીનો પ્રથમ પ્રતિભાવ જ અત્યંત અપમાનજનક હતો. સહાનુભૂતિ દાખવવાના બદલે તેમણે ખાનપરના દલિતોને ઉલ્ટો પ્રશ્ન કર્યો કે “તમે લોકો શા માટે દફનાવો છો, બાળતા કેમ નથી?” ભારતના ગામડાઓમાં સદીઓથી દલિતોને ક્યારેય એક ઇંચ જમીન મળી નથી, જેના પર તેઓ તેમના સ્વજનોની અંતિમ ક્રિયા કરી શકે. સવર્ણ હિન્દુઓ કે મુસલમાનોની જેમ દલિતો પાસે બાળવા કે દાટવા માટે કોઈ અલગ કબ્રસ્તાન ⁄ સ્મશાનભૂમિ નથી. અને સવર્ણ હિન્દુઓ દલિતોને એમના સ્મશાનમાં ઘુસવા દેતા નથી. શહેરોમાં પરિસ્થિતિ બદલાઈ છે, પરંતુ ગામડાઓમાં હજુ પણ આ સ્થિતિમાં ઝાઝો ફેર પડ્યો નથી. અને અહીં એક દલિત મંત્રી એના પોતાના સમુદાયના લોકોને એક અસંભવ કામ કરવાનું જણાવી રહ્યા હતા.
મંત્રી પોતે જ્યારે કલેક્ટર સામે પગલાં ભરવા તૈયાર નહોતા, ત્યારે હાઇકોર્ટમાં જવા સિવાય બીજો કોઈ વિકલ્પ અમારી પાસે નહોતો. મેં મારા વકીલ મિત્ર ગીરીશ દાસને ખાનપરનો કેસ હાથ ધરવા વિનંતી કરી હતી. દાસ અગાઉ રચના સ્કુલના કેસમાં ગરીબ વાલીઓને ન્યાય અપાવવામાં સફળ થયા હતા. તેમણે ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશીયલ સિવિલ એપ્લીકેશન નં. 22244 (2017) દાખલ કરી, જેમાં ગુરજાર સરકાર, મોરબી જિલ્લા કલેક્ટર અને મામલતદાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તેમ જ ખાનપરના સરપંચને પક્ષકારો બનાવવામાં આવ્યા. 22 ડીસેમ્બર, 2017એ ન્યાયમૂર્તિ શ્રી. આર. એમ. છાયાએ અરજદારની પ્રેયરના આધારે અધિક મુખ્ય સચિવને આદેશ કર્યો કે તેઓ મૃતકોના દફન માટે જમીન ફાળવવા સહિતની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવા કલેક્ટરને આદેશે. આ પ્રક્રિયા ચાર મહિનામાં પૂરી કરવાની હતી અને જો ના થાય તો કલેક્ટર સહિતના કસુરવાર અધિકારી સામે જરૂરી શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરવાની હતી. અદાલતે ફાળવણીની પ્રક્રિયાનો પ્રોગ્રેસ રીપોર્ટ પણ રજુ કરવા અધિક મુખ્ય સચિવને આદેશ કર્યો હતો.
ચૂકાદો બિલકુલ સ્પષ્ટ અને અસંદિગ્ધ હતો, છતાં મોરબીના કલેક્ટરે દલિતોને નદીના પટમાં જમીન ફાળવવાનો જુદો જ આદેશ કર્યો. ગ્રામજનોની ધમકીઓથી અને વહીવટીતંત્રની ઉપેક્ષાથી પરેશાન દલિતો પાછા અમદાવાદ આવ્યા હતા. અમે ફરી વકીલ ગીરીશ દાસ સાથે બેઠક કરી અને નક્કી કર્યું કે આ વખતે ખાનપરમાં જો કોઈ દલિતનું મરણ થાય તો કલેક્ટરે ફાળવેલી નવી જગ્યાએ દફન કરવાના બદલે દલિતો મૃતકની લાશને લઇને સીધા કલેક્ટર કચેરીએ ધરણા જ કરશે અને જ્યાં સુધી અગાઉના આદેશ પ્રમાણેની નક્કી કરેલી જગ્યા નહીં ફાળવવામાં આવે ત્યાં સુધી દલિતો સત્યાગ્રહ ચાલુ રાખશે. દલિતોએ આ અંગે ચેતવણી આપતો પત્ર પણ કલેક્ટરને મોકલી દીધો હતો.
સંયોગવશાત 9 મે, 2018એ ખાનપરમાં એક દલિત વૃદ્ધનું મૃત્યુ થયું હતું. નક્કી કર્યા પ્રમાણે દલિતો તેમની લાશ લઇને કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા. તેમના આ મરણીયા પગલાંથી કલેક્ટર, જિલ્લા પોલિસ વડા સહિતનું સમગ્ર વહીવટીતંત્ર ખળભળી ઉઠ્યું હતું. ગામના પટેલો પણ દલિતોના વિરોધમાં રજુઆત કરવા પહોંચી ગયા હતા. ચારેબાજુ હોબાળો મચી ગયો હતો. માધ્યમોમાં ઘટનાની નોંધ પણ લેવાઈ હતી. હવે દલિતોને તેમની મૂળ જગ્યાએ કબ્રસ્તાન માટેની જમીન ફાળવ્યા સિવાય કલેક્ટરનો છૂટકો નહોતો.
આ કથા છે ગુજરાતની, જ્યાં ભાજપ છેલ્લા બે દાયકાથી શાસન કરે છે. અહીં દલિતોને તેમના સ્વજનોની અંતિમ વિધિ માટે નાનકડા જમીનના ટુકડા માટે પણ મરણીયા થઈને લડવું પડે છે.
- Raju Solanki

Read In English: Fight for the burial ground



Facebook post :- 

Who is backward?

By Raju Solanki  || Written on 26 May 2018


He who believes in caste-system is backward.
He who is proud of his caste is backward.
He who considers his caste higher than other caste is backward.
A Brahmin who considers his Janeu as a symbol of the superiority of his caste is backward.
Similarly, he who believes his caste lower than other caste is backward.
He who imitates so-called higher castes is backward.
I reject the theory of ‘sanskirtization’ mooted by M. N. Srinivas.
The process of emulating rituals and practices of upper caste is actually ‘backwardisation.’