July 03, 2017

બંધારણવાળો બાબો ભાગ ૯

By Raju Solanki




“દુનિયાના કોઈપણ દેશનું બંધારણ (ભારતના) બંધારણના મુસદ્દા (draft constitution) જેટલું દળદાર નથી એ વાતનો સ્વીકાર કરવો જ જોઇએ અને જે લોકોએ આ મુસદ્દાનો અભ્યાસ ના કર્યો હોય તેમના માટે તેના વિશિષ્ટ અને ખાસ લક્ષણો સમજવા અઘરા હશે.”
ડો. બાબાસાહેબ આંબેડકરે જ્યારે બંધારણસભામાં દેશના બંધારણનો મુસદ્દો રજુ કર્યો ત્યારે ઉપરોક્ત શબ્દો ઉચ્ચાર્યા હતા. આઠ મહિના સુધી મુસદ્દો પબ્લિક ડોમેનમાં મુકાયો હતો અને તેના અંગે થયેલી ટીકાઓથી બાબાસાહેબ સૂપેરે અવગત હતા. આ દેશની રગેરગ જેમની જાણમાં હતી તેવા આ મહામાનવને એ હકીકતની પણ ખબર હતી કે સિત્તરે વર્ષ પછી પણ આ દેશમાં જાતિવાદી ટુણીયાટ કટારલેખકો આ પવિત્ર ગ્રંથ પર કીચડ ઉછાળશે અને ગાયનું મૂતર પીને જેમના મગજમાં ન્યુરોન્સની જગ્યાએ પોદળા જામી ગયા છે તેવા લોકો આ બંધારણને અરબી સમુદ્રમાં ફગાવી દેવાની પણ માગણી કરશે.
અમેરિકા, સ્વિસ અને બ્રિટિશ લોકશાહીઓ સાથે ભારતની લોકશાહીની તુલના કરતા તેમણે જણાવેલું કે,
“અમેરિકા અને સ્વિસ વ્યવસ્થાઓ વધારે સ્થિરતા અને ઓછી જવાબદારી આપે છે. જ્યારે બ્રિટિશ વ્યવસ્થા વધારે જવાબદારી અને ઓછી સ્થિરતા આપે છે. કારણ સ્પષ્ટ છે. અમેરિકી કારોબારી તેના અસ્તિત્વ માટે કોંગ્રેસની બહુમતી પર નિર્ભર નથી. જ્યારે બ્રિટનની વ્યવસ્થામાં સંસદીય કારોબારી છે, જે સંસદમાં બહુમતી પર નિર્ભર છે. અમેરિકાની કોંગ્રેસ કારોબારીને બરખાસ્ત કરી શકતી નથી. જ્યારે સંસદીય સરકાર જે ઘડીએ સંસદની બહુમતીનો વિશ્વાસ ગુમાવે છે તે જ ક્ષણે તેણે રાજીનામુ આપી દેવું પડે છે.” 
અને આ તુલના દ્વારા તેમણે જણાવ્યું કે શા માટે આપણે ભારતમાં બ્રિટન જેવી સંસદીય પ્રણાલી અપનાવી છે.
(ફોટો - બ્રિટનનું હાઉસ ઓફ કોમન્સ)

- રાજુ સોલંકી



Facebook Post :-

બંધારણવાળો બાબો ભાગ ૮

By Raju Solanki




4 નવેમ્બર, 1948ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણસભામાં બંધારણની મુસદ્દા સમિતિના ચેરમેન તરીકે દેશના બંધારણનો મુસદ્દો રજુ કર્યો ત્યારે એમણે એમના ઐતિહાસિક પ્રવચનમાં ભારતને મહાન બનાવવાનો રોડ મેપ આપ્યો હતો. કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી ડીબેટ્સના ત્રીજા વોલ્યૂમના પેઇજ 31થી 44 પર નોંધાયેલું આ વક્તવ્ય પોતાને બુદ્ધિજીવી માનતા દરેક ભારતીયે વાંચવા જેવું છે. અકાટ્ય તર્ક, પારદર્શક દલીલો અને બુદ્ધિના ચમકારા જેના એક એક શબ્દમાં છે એવા આ પ્રવચનમાં આર્ષદ્રષ્ટા આંબેડકર સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા.
ભારતનું બંધારણ દુનિયાના બીજા દેશો અને ખાસ કરીને અમેરિકા અને બ્રિટનના (અલેખિત) બંધારણ કરતા કઈ રીતે જુદું પડે છે એના ખાસ લક્ષણો બાબાસાહેબે તારવી બતાવ્યા હતા. અત્યારે નાગપુરની ગોબરમંડળી જે આક્ષેપ કરી રહી છે એ ગંદો, ગલીચ આક્ષેપ એ વખતે પણ થતો હતો કે ભારતનું બંધારણ તો દુનિયાના બીજા દેશોના બંધારણોની કોપી માત્ર છે. એ અપપ્રચારનો જવાબ આપતાં બાબાસાહેબે કહ્યું હતું કે, “બીજા દેશોના બંધારણોની આંધળી નકલ કરવાનો આરોપ, મને ખાત્રી છે કે (આપણા) બંધારણના અપૂરતા અભ્યાસને આભારી છે. બંધારણના મુસદ્દામાં શું નવીન છે તે મેં દર્શાવ્યું છે અને મને ખાત્રી છે કે જે લોકોએ બીજા દેશોના બંધારણોનો અભ્યાસ કર્યો છે અને જેઓ આ સમગ્ર બાબતને તટસ્થતાપૂર્વક વિચારવા તૈયાર છે તેઓ સંમત થશે કે જે રીતે ચીતરવામાં આવે છે તે રીતે મુસદ્દા સમિતિ પોતાની ફરજ બજાવવામાં આવી કોઈ આંધળી કે ગુલામ નકલની શિકાર બની નથી.”
(તસવીર - અમેરિકી બંધારણસભા)

- રાજુ સોલંકી


Facebook Post :-

બંધારણવાળો બાબો ભાગ ૭

By Raju Solanki


30 જુન, 1947ના રોજ બંધારણસભાના અધ્યક્ષ ડો. રાજેન્દ્રપ્રસાદે બોમ્બે રાજ્યના તત્કાલીન વડાપ્રધાન બી. જી. ખેરને એક પત્ર પાઠવીને ડો. આંબેડકરને તાત્કાલિક ચૂંટી લાવવાનો અનુરોધ કર્યો હતો. તેઓ લખે છે,
“અન્ય કોઈપણ ગણતરીઓ ઉપરાંત, અમને જણાયું છે કે બંધારણસભામાં તેમ જ અન્ય સમિતિઓ કે જેમાં તેમની નિમણૂંક થઈ હતી તેમાં ડો. આંબેડકરનું કાર્ય એવા દરજ્જાનું છે કે એ જરૂરી છે કે તેમની સેવાઓથી આપણે વંચિત રહેવું જોઇએ નહીં. તમે જાણો છો તેમ, તેઓ બંગાળથી ચૂંટાયા હતા અને પ્રાંતના ભાગલા પછી તેઓ બંધારણસભાના સભ્ય તરીકે મટી ગયા છે. તેઓ આગામી 14મી જુલાઈથી શરૂ થતા બંધારણસભાના સત્રમાં હાજર રહેવા જોઇએ તે બાબતે હું અત્યંત આતુર છું અને તેથી તેઓ તાત્કાલિક ચૂંટાવા જોઇએ તે જરૂરી છે.”
જે માણસનું રાજકીય અસ્તિત્વ ખતમ કરી દેવા કોંગ્રેસીઓએ આકાશ પાતાળ એક કર્યા હતા તે જ માણસને બંધારણસભામાં પાછા બોલાવવા માટે બંધારણસભાના અધ્યક્ષ પોતે બેચેન હતા. બાબાસાહેબ બંધારણના ઘડવૈયા હતા તેનો આનાથી મોટો પુરાવો કયો જોઇએ તમારે? 
(ફોટો - બંધારણસભામાં બાબાસાહેબ સાથે ડો. રાજેન્દ્રપ્રસાદ)




- રાજુ સોલંકી

બંધારણવાળો બાબો ભાગ ૬

By Raju Solanki



બંધારણસભામાં માનવ વેપાર અને બેગારી સહિતની ફરજિયાત મજુરી પર પ્રતિબંધ મુકતા અનુચ્છેદ 11 પર ચર્ચા થઈ હતી. આ અનુચ્છેદની નીચે તેની સમજુતી (explanation)માં રાજ્યને જાહેર હેતુ માટે ફરજિયાત સેવા લાદવાની છૂટ આપવામાં આવી હતી.
કનૈયાલાલ માણેકલાલ મુનશી સહિતના કોંગ્રેસી સભ્યોએ આ સમજુતી ઉડાડી દેવાનું સૂચન કર્યું હતું. તેમના મતે આ સમજુતી પડતી મુકવામાં આવે તો પણ ફરજિયાત લશ્કરી સેવા લાદતા રાજ્યને કોઈ રોકી શકશે નહીં.
ત્યારે બાબાસાહેબે તેમના સૂચનનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, “હું જાણું છું ત્યાં સુધી મુંબઈ રાજ્યમાં ચોક્કસ જાહેર હેતુ માટે રાજ્ય દ્વારા બેગારી (વેઠ) કરાવવામાં આવે છે. એટલે જો રાજ્ય દ્વારા કરાવવામાં આવતી બેગારી પ્રથા પર પ્રતિબંધ મુકવામાં આવે તો કોઈપણ વ્યક્તિ એવી દલીલ કરશે કે ફરજિયાત લશ્કરી સેવા પણ બેગારી છે. તેથી આ તબક્કે સમજુતી (explanation) પડતી મુકવા બાબતે હું પર્યાપ્ત સંતુષ્ટ નથી.”
હાલ, ઉપરોક્ત સમજુતી બંધારણના અનુચ્છેદ 23ની પેટા કલમ (2) તરીકે જળવાઈ રહી છે. એ બાબાસાહેબની દેન છે.
આ સમજુતી પર બાબાસાહેબનું સવિસ્તર વક્તવ્ય કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી ડીબેટ્સના ગ્રંથ ત્રણના પાના 480 પર છે. ફુરસદ મળે તો વાંચી લેજો.

Facebook Post :- 

બંધારણવાળો બાબો ભાગ ૫

By Raju Solanki


બંધારણસભામાં જે વક્તવ્યથી ડો. બાબાસાહેબ આંબેડકરે સૌના મન હરી લીધા હતા એ વક્તવ્ય તમે વાંચો તો જ તમને ખબર પડે કે બાબાસાહેબને બંધારણના ઘડવૈયાનું બિરુદ કેમ મળ્યું હતું. આ વક્તવ્ય કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી ડીબેટ્સના પ્રથમ ગ્રંથના 99થી 103 નંબરના પેઇજીસ પર છે.
બંધારણસભામાં જવાહરલાલ નેહરુએ મૂકેલા આઠ ઠરાવોે પર જયકરે સુધારો મુક્યો હતો કે મુસ્લિમ લીગ બંધારણસભામાં ભાગ ના લે ત્યાં સુધી ઠરાવો મુલતવી રાખવામાં આવે.
સભાના અધ્યક્ષ રાજેન્દ્રપ્રસાદે બાબાસાહેબની આગળ આઠ જણા બોલનારા હતા છતાં એમને બોલવા માટે ઉભા કર્યા, કેમ કે રાજેન્દ્રબાબુને ખબર હતી કે ડો. આંબેડકર બંધારણસભાની નાવ હેમખેમ કિનારા સુધી પહોંચાડશે.
બાબાસાહેબ જયકર જોડે તો સંમત ના થયા, પરંતુ તેમણે નેહરુના ઠરાવોની પોલ ખોલી નાંખી હતી. તેમણે કહ્યું કે આ ઠરાવોમાં અધિકારો આપવામાં આવ્યા છે, પરંતુ તેના અમલ માટે કોઈપણ પ્રકારના ઉપાયો, ઉપચારો આપ્યા નથી.
અહીં એમણે એક અત્યંત મહત્વનું વાક્ય ઉચ્ચાર્યું હતું. તેમણે કહ્યું કે, 
“Rights are nothing unless remedies are provided whereby people can seek to obtain redress when rights are invaded” 
આનો સીધો સાદો અર્થ એવો થયો કે નાગરિકના અધિકારો છીનવાઈ જવાના સંજોગો ઉભા થાય ત્યારે તે પોતાના અધિકારોનું રક્ષણ કરી શકે તે માટે બંધારણમાં જોગવાઈ હોવી જોઇએ. નહીંતર આ અધિકારો નકામા છે.
ત્યાર બાદ તેમણે એક મહત્વની વાત ઉચ્ચારી કે "દેશમાં સામાજિક, આર્થિક, રાજકીય ન્યાયને ચરિતાર્થ કરવા જમીનનું રાષ્ટ્રીયકરણ અને ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ થવું જોઇએ. મને અપેક્ષા હતી કે ઠરાવોમાં આનો ઉલ્લેખ થશે, પરંતુ મારી આશા ઠગારી નીવડી."
અહીં બાબાસાહેબે આડકતરી રીતે જણાવી દીધું કે નેહરુ પોતે સમાજવાદી હોવાનો દાવો કરે છે, પરંતુ એમણે મૂકેલ ઠરાવોમાં એમની કહેવાતી વિચારધારાનું પ્રતિબિંબ પડતું નથી.


Facebook Post:-