By Raju Solanki
બંધારણસભામાં જે વક્તવ્યથી ડો. બાબાસાહેબ આંબેડકરે સૌના મન હરી લીધા હતા એ વક્તવ્ય તમે વાંચો તો જ તમને ખબર પડે કે બાબાસાહેબને બંધારણના ઘડવૈયાનું બિરુદ કેમ મળ્યું હતું. આ વક્તવ્ય કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી ડીબેટ્સના પ્રથમ ગ્રંથના 99થી 103 નંબરના પેઇજીસ પર છે.
બંધારણસભામાં જવાહરલાલ નેહરુએ મૂકેલા આઠ ઠરાવોે પર જયકરે સુધારો મુક્યો હતો કે મુસ્લિમ લીગ બંધારણસભામાં ભાગ ના લે ત્યાં સુધી ઠરાવો મુલતવી રાખવામાં આવે.
સભાના અધ્યક્ષ રાજેન્દ્રપ્રસાદે બાબાસાહેબની આગળ આઠ જણા બોલનારા હતા છતાં એમને બોલવા માટે ઉભા કર્યા, કેમ કે રાજેન્દ્રબાબુને ખબર હતી કે ડો. આંબેડકર બંધારણસભાની નાવ હેમખેમ કિનારા સુધી પહોંચાડશે.
બાબાસાહેબ જયકર જોડે તો સંમત ના થયા, પરંતુ તેમણે નેહરુના ઠરાવોની પોલ ખોલી નાંખી હતી. તેમણે કહ્યું કે આ ઠરાવોમાં અધિકારો આપવામાં આવ્યા છે, પરંતુ તેના અમલ માટે કોઈપણ પ્રકારના ઉપાયો, ઉપચારો આપ્યા નથી.
અહીં એમણે એક અત્યંત મહત્વનું વાક્ય ઉચ્ચાર્યું હતું. તેમણે કહ્યું કે,
“Rights are nothing unless remedies are provided whereby people can seek to obtain redress when rights are invaded”
આનો સીધો સાદો અર્થ એવો થયો કે નાગરિકના અધિકારો છીનવાઈ જવાના સંજોગો ઉભા થાય ત્યારે તે પોતાના અધિકારોનું રક્ષણ કરી શકે તે માટે બંધારણમાં જોગવાઈ હોવી જોઇએ. નહીંતર આ અધિકારો નકામા છે.
ત્યાર બાદ તેમણે એક મહત્વની વાત ઉચ્ચારી કે "દેશમાં સામાજિક, આર્થિક, રાજકીય ન્યાયને ચરિતાર્થ કરવા જમીનનું રાષ્ટ્રીયકરણ અને ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ થવું જોઇએ. મને અપેક્ષા હતી કે ઠરાવોમાં આનો ઉલ્લેખ થશે, પરંતુ મારી આશા ઠગારી નીવડી."
અહીં બાબાસાહેબે આડકતરી રીતે જણાવી દીધું કે નેહરુ પોતે સમાજવાદી હોવાનો દાવો કરે છે, પરંતુ એમણે મૂકેલ ઠરાવોમાં એમની કહેવાતી વિચારધારાનું પ્રતિબિંબ પડતું નથી.
Facebook Post:-
No comments:
Post a Comment