November 20, 2019

રૈદાસ અને કબીર : ભક્તિ આંદોલનના મહારથીઓની ગાથા!

By Vijay Makwana  || 26 Oct 2019



જ્યારે એ લોકો બીરબલ, ટોડરમલ, તાનસેન, માનસિંહ, જય સિંહ.. બની પાંચ હજારી, દશ હજારી ગુલામીના પટ્ટા સમી મનસુબદારી મેળવી રહ્યાં હતાં. જ્યારે એ લોકો નિર્માલ્ય બની મોગલાઈ ચિકનમટન ની દાવત માણી રહ્યાં હતાં.. ત્યારે સામાન્ય જનતા અને લોકો વચ્ચે રહેલા શીલવંત સાધુ સંતોએ જાણી લીધું કે દેશની પ્રજાને નિર્માલ્ય અને કાયર બનાવનારી વ્યવસ્થા કઈ છે.. અને પછી શરૂ થયું રૈદાસ અને કબીરનું ભક્તિ આંદોલન...

આ ભક્તિ આંદોલનનો એક છેડો રાજસ્થાનમાં મીરાબાઈ છે. બીજો સૌરાષ્ટ્રમાં છે.. અને તે છે ગંગાસતી અને પાનબાઈ!

ગંગાસતીએ પોતાની પુત્રવધુ પાનબાઈ ને ઉદ્દેશીને કહ્યું છે..કે,

જાતિ પાતી છોડી અજાતિ થાવું ને
કાઢવો વર્ણ વિકાર રે,
જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં
એવી રીતે રહેવું નિર્માન રે..

સીધો ને સરળ અર્થ છે.. જાતિ થી મુક્તિ મેળવી જાતિ નો વિનાશ કરવો... વેદોમાં દર્શાવેલ વર્ણવ્યવસ્થા ત્યાગવી.. જાતિ એ ભ્રમણા છે.. કબીર અને રૈદાસ ના અમર દેશ અને બેગમપુરા જેવા જાતિવિહિન નિર્વાણ નગરમાં વાસ કરવો..

લોકો તમને આધ્યાત્મ સમજાવે તો કબીરના અમરદેશ અને બેગમપુરાનો વાસ્તવિક અર્થ સમજાવી દેવો.. ગંગાસતી, પાનબાઈ, અને મીરાંબાઈની કથાઓમાં સામ્યતા એ છે કે, તે તમામ રાજપૂતાણી હતા. ભક્તિમય જીવન પસાર કરતા હતાં. તેમ છતાંય તેમના પરિવાર જનો તેમના પર અસહ્ય ત્રાસ ગુજારતાં.. તર્ક કરો ભક્તિમય જીવન પસાર કરતી ઘરની કુલવધુઓ કયા પરિવારને નાપસંદ હોય?

દુર્ભાગ્ય છે કે, આ દેશનો ઈતિહાસ રાજ પુરોહિતો, રાજ દીવાનો, રાજ કવિઓએ લખ્યો છે. ચામડું ચુંથતા, માથે મેલું ઉપાડનાર, ઢોર ચરાવવા વાળા, ખેતમજૂરી કરતા, હુન્નર અજમાવી, જાત જાત ના કસબ કરી પેટિયું રળનાર મહેનતું લોકોએ આ દેશનો ઈતિહાસ નથી લખ્યો..નહિ તો સત્ય ખૂબ જુદું હોત..

અને છેલ્લે! પાનબાઈ જવાબ આપે છે! જેને હું લાસ્ટ પંચ મારવામાં ઉપયોગ કરું છું!

છુટ્ટા છુટ્ટા તીર મુને મારો ના બાઈજી!

- વિજય મકવાણા