April 20, 2019

સૌથી કપરું કામ : સામાજિક ન્યાયની સ્થાપનાનું લક્ષ્ય પૂરુ કરવું

By Vijay Makwana  || 10 April 2019



સામાજિક ન્યાયની સ્થાપનાનું લક્ષ્ય પૂરુ કરવું એ સૌથી કપરું કામ છે. તેની સ્થાપના કરવા માટે સતત સંઘર્ષ કરતાં રહેવું પડે છે. તમે જરા પણ ગાફેલ રહો તો સામ્રાજ્યવાદી, મુડીવાદી, જાતિવાદી, રંગભેદી, સાંપ્રદાયિક કુત્સિત વિચારધારાઓ ફરી નવા ચહેરાઓ ધારણ કરી બેઠી થઇ જશે. તમે એમ સમજો કે સુસવાટા મારતી તેજ હવાઓ, અને સતત વરસતાં રહેતાં વાદળો વચ્ચે હલકીફુલકી આડશો ઉભી કરી તમે રેતીનો મહેલ ચણી રહ્યાં છો. એકાદ આડશ ખસી ગઇ તો તમારી સદીઓની મહેનત પર પાણી ફરી વળે. અને એટલે સામાજિક ન્યાય માટે લડતાં લોકોએ એક ક્ષણ પણ અટક્યાં વિના જાગૃત રહી સતત લડતું રહેવાનું છે. અહીં ઘણાં લોકોના મનમાં એવી ગ્રંથિ ઘર કરી ગઇ છે કે, નરેન્દ્ર મોદી અને ભાજપ સત્તા પરથી નિચે ઉતરી જાય એટલે સોનાનો સૂરજ ઉગી નિકળશે. પણ ખરેખર એવું નથી. સાંપ્રદાયિકતા, જાતિવાદ અને મુડીવાદ એ બલા છે કે જે તમારી સાથે જ તમારી ભિતર સફર કરી રહી હોય છે. મોકો મળતાં જ એ બહાર આવી જશે. આજે તમારી સાથે જે લોકો લડી રહ્યાં છે તે બેશક ખૂબ મહાન લોકો છે પણ ભવિષ્યમાં તેમનામાંથી અથવા તમારામાંથી જ કેટલાંક લોકો અથવા તેમના સંતાનો અથવા તમારા સંતાનો તમારી પર કુઠરાઘાત કરશે, દગો કરશે, માનવતા નેવે મુકશે... કારણ કો, મનુષ્ય સ્વભાવે અહંકારી,લોભી, લાલચુ, સ્વાર્થી પહેલાં છે ..

અબ્રાહમ લિંકન, માર્ટિન લ્યુથર કિંગ વિગેરે મહાન લોકો જ્યારે કાળા લોકો માટે સામાજિક ન્યાયની આદર્શ લડાઈ લડી રહેલાં ત્યારે કેટલાંક સારા અને સજ્જન ગોરા લોકો તેમની સાથે ખભે ખભો મિલાવી લડી રહ્યાં હતાં..આજે પરિસ્થિતિ જુદી છે. આજે એજ ગોરાઓના સંતાનો જુદી જુદી રીતે કાળાઓનું શોષણ કરી રહ્યાં છે. રંગભેદ કે જાતિવાદ દૂર કરવા માટે એફર્મેટીવ એક્શન લાગુ કરવાથી કે યોગ્ય પ્રતિનિધિત્વ આપી દેવાથી કે ગુલામો ખરીદવા વેચવા પર પ્રતિબંધ મુકી દેવાથી કે એટ્રોસીટી એક્ટ બનાવી દેવાથી શોષણની વ્યવસ્થા ખતમ નથી થતી. ગુલામીનો અધ્યાય કોઇ કાયદા, કાનુન, ઓર્ડીનન્સથી ખતમ નથી થતો.. માત્ર તમારી જાગરુકતા અને સતત પ્રતિકાર કરવાની ક્ષમતા જ તમને ગુલામ બનતા અટકાવી શકે આ નિર્વિવાદ સત્ય છે.


હમણાં જ આફ્રિકાથી ખૂબ ખરાબ સમાચાર આવ્યાં છે..CNN જેવી ન્યુઝ સંસ્થાએ તે માટે અમેરિકા અને યુરોપની મુડીવાદી વ્યવસ્થાને જવાબદાર ગણાવી છે. લિબિયાના કાળા નાગરિકો માત્ર 400$ જેવી નજીવી રકમમાં અમેરિકા સહિતના યુરોપિય દેશોના ગોરા લોકો ખરીદી રહ્યાં છે. તમને આ સમસ્યા તમારી પોતાની નથી લાગતીને? તો બીજા ખરાબ સમાચાર એ છે કે, અરુણાચલ પ્રદેશ થી ઓરીસ્સા સુધીની પટ્ટીના આદિવાસી વિસ્તારની મહિલાઓ આરબ કન્ટ્રિઝમાં 250$ જેવી મામુલી રકમમાં વેચાઇ રહી છે. જ્યારે નરેન્દ્ર મોદી વાલ્મિકીઓના ચરણ ધોઈ ચરણામૃત પી રહ્યાં હતાં તે જ દિવસે આસામના ચાર જિલ્લા ઓમાંથી 125 જેટલાં વેઠીયા મજુરોને સરકારી પ્રશાસને મહામહેનતે છોડાવેલાં..તમામ ઘટનાઓ રાષ્ટ્રવાદના શંખનાદ અને વિકાસના ઢોલનગારાંના શોરબકોરમાં ગુમ થઇ જાય છે. તમારા સુધી શોષિતો પિડીતોનો અવાજ ન પહોંચે તે માટે જાતિવાદ અને મુડીવાદ લાગણીભીના દેશભક્તિથી તરબોળ રાષ્ટ્રવાદના દોરડે છદ્મવેશે લટકી ગયાં છે. માત્ર સરકારો બદલવાથી, કાયદાઓ સુદ્રઢ કરવાથી આ સમસ્યા હલ નહી થાય. આ સમસ્યાનો એકજ ઇલાજ છે લોકોના દિમાગને જડ થતાં અટકાવો..સતત જાગૃત કરતાં રહો.. માનવીય સંવેદના બધિર સમાજ કે સમુદાય જલ્દી ગુલામ થઇ જાય છે. તમારે નરેન્દ્ર મોદી કે ભાજપ, કોંગ્રેસ કે રાહુલ ગાંધીઓને હરાવવા કે જીતાડવાનું આંદોલન હરગીજ નથી કરવાનું...વ્યવસ્થા પરિવર્તનનું આંદોલન કરતાં રહેવાનું છે. આંદોલન એ સતત નિરંતર ચાલતી પ્રક્રિયા છે..કેમ કે, માણસ એકમાત્ર પ્રાણી એવું છે જે સ્વાર્થી છે.