July 22, 2018

વર્ણવ્યવસ્થા અને કેટલીક ભ્રાંતિઓ....

By Jigar Shyamlan ||  Written on 9 April 2018


जन्मना जायते शुद्र: संस्काराद् द्विज उच्यतो
वेदाध्ययनाद् विप्रस्तु ब्रह्मज्ञानाद् ब्राह्मण: ||
(અર્થાત- જન્મથી બધા શુદ્ર જન્મે છે, સંસ્કારથી જ દ્વિજ કહેવાય છે, વેદાધ્યન કરવાથી વિપ્ર અને બ્રહ્મજ્ઞાન થાય તેને બ્રાહ્મણ કહેવાય છે.)

વર્ણવ્યવસ્થાના બચાવમાં કેટલાય વિધ્વાનો એવી દલિલ અને વકીલાત કરે છે કે એ જન્મ આધારિત નહી પણ ગુણ અને કર્મ આધારિત હતી. આ દલિલ પર મને હંમેશા હસવુ આવ્યુ છે, અને આ દલિલને હુ એક જોકથી વિશેષ નથી ગણતો.

વર્ણ વ્યવસ્થા જન્મ આધારિત નહી પણ કર્મ આધારિત હતી એવો સાવ લૂલો બચાવ કરનારા અને આવી દલિલો કરનાર પોતાના બચાવને ઝાઝો ટકાવી રાખવામાં સફળ નિવડતા નથી.

પોતાને હિન્દુ અને સનાતન ધર્મી તરીકે ઓળખાવતા મિત્રો હિન્દુ ધર્મ બાબતે બહુ બે-જવાબદારીપૂર્ણ અને પ્રતિદલીલમાં એક મિનીટ પણ ટકી ન શકે તેવી રજુઆત કરે છે કે હિન્દુ ધર્મમાં જાતિ વિભાજન જન્મને આધારે નહી પણ કર્મને આધારે હતું. ટુંકમાં વર્ણ વ્યવસ્થા કર્મ આધારીત હતી, જન્મ આધારીત નહી.

કારણ જો ખરેખર તેમની વર્ણ વ્યવસ્થા કર્મ આધારિત હતી જન્મ આધારિત નહી વાળી વાત સાચી હોય તો એમની આવી ખોટી અને સત્યથી વિપરીત રજૂઆત સાંભળ્યા પછી શંબૂક, એકલવ્ય કર્ણ અને વિદૂર મારી નજર સામે આવી જાય છે.

શંબૂક, એકલવ્ય, કર્ણ અને વિદુરને શા માટે અપમાન સહન કરવાનો વારો આવેલો...???

  • શંબૂક શુદ્ર હતો, વેદાભ્યાસ કરી રહ્યો હતો. મતલબ બ્રાહ્મણનુ કર્મ કરી રહ્યો હતો. પણ હું પુછવા માંગીશ કે શુદ્ર શંબૂકને બ્રાહ્મણ તરીકે માન્યતા મળી...??? શંબૂક વિધ્યા અભ્યાસ કરી રહ્યો હતો... તો તેને પોતે કરી રહેલ કર્મ મુજબ બ્રાહ્મણ ઘોષિત શા માટે ન કરવામાં આવ્યો..????
    ઉલટાનું શંબૂકને બ્રાહ્મણનુ કર્મ કરવા બદલ રામ દ્વારા હત્યા કરવામાં આવેલી.
  • એકલવ્ય પણ શુદ્ર હતો, ધર્નુવિધ્યા શીખી રહ્યો હતો. મતલબ ક્ષત્રિયનુ કર્મ કરી રહ્યો હતો. શું તેને કદીય ક્ષત્રિય તરીકે માન્યતા મળી..??
    ના.. એકલવ્યને પણ સજાના રૂપે પ્રત્યક્ષ દ્રોણ પાસે ભણ્યો ન હોવા છતાં અંગુઠાની ગુરૂદક્ષિણા આપવી પડી.
    આવો જ અનુભવ વિદ્વાન ધર્નુધારી કર્ણને પણ દ્રોપદીના સ્વયંવર વખતે થયો હતો, સૂતપુત્ર કહીને તેને સ્વયંવરમાં ભાગ લેવાની મનાઈ કરવામાં આવી હતી.
    એકલવ્ય અને કર્ણ બન્ને શસ્ત્રવિધ્યામાં નિપૂર્ણ હતા તો પણ તેમને કદી ક્ષત્રિય બનવા દેવાયા ન હતા.
  • વિદુર પોતે દાસીપુત્ર હોવાના કારણે રાજનિતીનાં એકદમ નિપૂર્ણ હોવા છતાં હસ્તિનાપુરના સિંહાસન પર કદી આરૂઢ ન થઈ શક્યા.


મતલબ હિન્દુ ધર્મમાં જાતિ જન્મ આધારીત નહી પરંતુ કર્મ આધારીત હતી.. એ દલીલોની તો રેવડી દાણ દાણ જ થઈ ગઈ ને.

હા.. એક વસ્તુ ખાતરી આપી કહી શકુ એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. ગમે તેટલા કર્મ કરે પણ તેમનો વર્ણ શુદ્ર અને ગણ રાક્ષસ જ રહેવાનો.

એવા કેટલાય દુરાચારી, બળાત્કારી, પાપાચારી બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યો હતા પણ તેમને નીચલા વર્ણમાં ધકેલી શુદ્ર બનાવી દીધાનો દાખલો કેમ શોધ્યોય જડતો નથી.??

આવી બધી દલિલોના જવાબ આપી નથી શકતા એટલે પછી એમની પેલી 
"અમે તો જાતિમાં માનતા નથી. મારા કેટલાય મિત્રો પછાત સમાજમાંથી છે. અમે સાથે જમીએ છીએ" જેવી વાતો કરવા માંડે.

જો કે આ બધી વાતો કહેવા પાછળ એ એ લોકોનો આડકતરો અર્થ એવો હોય છે કે હવે એવા ઉચ્ચનીચના ભેદભાવ નથી. જો કે હવે જાતિવાદ નથી એવી સુફીયાણી વાતો કરવાવાળાઓનો ગોળ ગોળ પણ સીધો હુમલો સંવિધાનની પ્રતિનિધીત્વની જોગવાઈઓ પર હોય છે. આવા લોકો મને હંમેશા સ્યૂડો હ્યુમિનીસ્ટ જ લાગ્યા છે.

વૈદિક સંસ્કૃતિમાં કે વેદ, પુરાણ, સ્મૃતિ, શ્રુતિ જે પણ સાહિત્ય પોતે શાસ્ત્ર છે કે એવા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તેમાં કોઈ જગ્યાએ વર્ણ પરિવર્તન કે નીચલા વર્ણમાંથી ઉપરના વર્ણમાં જવાની કોઈ વિધી વિધાન શા માટે નથી..??

જન્મથી તો સૌ શુદ્ર છે એવી વાત માત્ર શુદ્રોને નિમ્ન બતાવવા માટે જ ઉલ્લેખ કરાઈ છે. વળી તેમાં બ્રાહ્મણ થવા સંસ્કાર, વેદ અભ્યાસ, બ્રહ્મજ્ઞાન વગેરે જેવી વાતો કહેવામાં આવી છે. પરંતુ મહત્વની વાત એ હતી કે શુદ્રોની સંસ્કારવિધી, વેદા અભ્યાસ પર પાબંધી હતી. આ સદંતર બેવડા ધોરણો હતા.

જો જન્મથી જ શુદ્રોને ઉપનયન અને વેદા અભ્યાસનો અધિકાર આપવામાં આવ્યો હોત તો એ પણ યોગ્યતા મુજબ આગળ વધી શક્યા હોત..પણ એવુ નથી થયું
શુદ્રને ઉપનયન સંસ્કાર નહી, ઉપનયન સંસ્કાર વિના વિધ્યા નહી, વિધ્યા વિના વેદાધ્યન નહી, અને વેદાધ્યાન નહી મતલબ બ્રહ્મજ્ઞાન નહી. સીધો જ સાર મતલબ બ્રાહ્મણ નહી.

વર્ણવ્યવસ્થા જન્મ આધારિત જ હતી, કર્મઆધારિત તો કદીય નહી. તેમ છતાં તેવી દલિલો, અને તેને અનુમોદન આપતા સાહિત્યો માત્ર અને માત્ર ભ્રમ ફેલાવે છે બીજુ કંઈ નહી..
- જિગર શ્યામલન



Facebook Post :

No comments:

Post a Comment