By Raju Solanki || 29 Aug 2019
રાત્રે ડબલામાં ગળી પલાળીને હાથમાં કૂચડો લઇને અમે નીકળતા. કૂચડો એટલે બાવળના દાતણને એક છેડેથી કૂટીને બનાવેલી પીંછી કે પછી ઘરના માળીયે પડી રહેલા વર્ષો જૂના બ્રશ. અમદુપુરાના ચોકથી શરૂ કરીને સી કોલોની અને ત્યાંથી રેલ્વે ક્રોસિંગ વટાવીને ઓમનગર. રસ્તામાં જ્યાં કોઈપણ દિવાલ કોરી દેખાય ત્યાં લખતા, બુદ્ધનગરની દિવાલ પર મેં ભીત લખાણ કરેલું એ હજુય યાદ છે. એ સૂત્રો હતા,
“કુમ્હેર હત્યાકાંડનો વિરોધ કરો”
ભૈરોંસિંહ શેખાવતની ઠાઠડી બાળવાના કાર્યક્રમમાં જોડાવ”
કુમ્હેર હત્યાકાંડ વખતે રાજસ્થાનના મુખ્યમંત્રી હતા ભૈરોંસિંહ શેખાવત.
કુમ્હેર હત્યાકાંડ આઝાદી પછી રાજસ્થાનમાં થયેલો સૌથી મોટો ઘાતકી નરસંહાર હતો, જેમાં જાટોએ 18 જાટવ (દલિતો)ની કત્લેઆમ કરી હતી. એમના ઝુંપડા સળગાવીને રાખ કરી દીધા હતા.
આ ઘટના 1992માં બની હતી.
અમે અમદુપુરા, સી કોલોની અને ઓમનગર ત્રણ ઠેકાણે ધરણા કરીને શેખાવતની ઠાઠડી બાળી હતી અને સામૂહિક ધરપકડો વહોરી હતી. ત્રણેય વખતે હજારો યુવાનોએ ધરણાંમાં ભાગ લીધો હતો. ચારે તરફ પોલિસનો કાફલો ખડકી દેવાતો હતો. પાંચ-છ ડબ્બા ભરી ભરીને આંદોલનકારીઓને પોલિસ પકડતી હતી અને શહેર કોટડા પોલિસ સ્ટેશને લઈ જતી હતી.
શેખાવતની સાથે તત્કાલીન ભાજપ અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાની પણ ઠાઠડી અમે બાળી હતી. કારણ કે શંકરસિંહે રાજન પ્રિયદર્શીને નોકરીમાંથી બરખાસ્ત કરવાની માગણી કરી હતી. પ્રિયદર્શી ત્યારે પાલનપુરમાં જિલ્લા પોલિસ વડા હતા અને એક કોમી છમકલામાં એમણે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોની અટકાયત કરી હતી.
ત્યારે અમદુપુરાના જયંતી ફકીર, રજનીકાંત ડોડીયા, સી કોલોનીના મુકેશ વોરા, ઓમનગરના મંગળદાસ કાપડીયા, ઇશ્વર પરમાર, પ્રવીણ તપોધન, રમેશ નાગર, જયંતી દવે, શ્રીકાંત ડોડીયા, કિસ્મત સોસાયટીના હસુ વોરા, મજુરગામના નરેશ રેવર, જયંતી ચૌહાણ, રાયખડના કનુ સુમરા, ખાનપુરના ભરત વાઘેલા, અરવિંદ પરમાર, કૌશિક પરમાર જેવા યુવા આંદોલનકારીઓ જોડાયા હતા. એક પત્રીકા છાપી હતી, એમાં સૌના નામે અપીલ કરવામાં આવી હતી. સૌનો ઉત્સાહ ગજબનો હતો.
દેખાવોમાં સામેલ થયેલા સંગઠનોમાં નરોડા રોડના યુવાનો, દલિત અધિકાર મંચ, જાતિ નિર્મૂલન સમિતિ, માસ મુવમેન્ટ સહિતના સંગઠનોના નામ પણ પત્રીકામાં લખેલા. (જુઓ પત્રીકાની તસવીર)
અત્યારે ફેસબુક પર લાઇવ થાવ, સો-બસો ગ્રુપ્સમાં મેસેજ ફેંકો, કાર્યક્રમમાં જોડાવા માટે લોકોના મોબાઇલ નંબરો પર ઓડિયો મેસેજ મોકલો, તો પણ પાંચસો માણસો ભેગા થતા ફાંફા પડી જાય છે. એ વખતે એક પત્રીકા અને ભીંત લખાણથી બહુ જ અસરકારક રીતે સંદેશો જતો હતો.
મૂળે 1981-85ના અનામતવિરોધી આંદોલનો વખતે મેં ભીંત લખાણોની શરૂઆત કરી હતી. એની વાત પછી ક્યારેક કરીશ.
- રાજુ સોલંકી (29 ઓગસ્ટ, 2019)