શિક્ષણથી જાગૃતિ આવી શકે છે પણ હકીકત એ છે કે શિક્ષિત જ સૌથી વધુ જાગૃતિથી દુર છે. તો શિક્ષિત થવાના પ્રયત્ન નહી કરવાના? જે સંગઠનો શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છે તેઓ ખોટા છે? ના બિલકુલ નહી. દરેક સમયે સમયે સાચા છે. દરેકની પોતાની જરુરિયાત અને મહત્તા છે. તો પછી જાગૃત થવા અને કરવા શુ કરવું જોઇએ. કેમ ના થઇ શક્યા? કેટલાક કારણો અને તેના ઉપાયો. બીજા અનુભવી મિત્રો તેમાં ઉમેરી શકે કે જરુર ના હોય તેને રીમુવ કરી શકે.
૧. જે સંગઠનો, યુનિયનો કે મંડળો બન્યા તેમાં મોટા ભાગનાનો હેતુ ખુબ સારો હોવા છતા બે કે ત્રણ વર્ષની કામગીરી બાદ ક્યાંક તે બંધ થઇ ગયા અથવા નબળા પડી ગયા. તેના લીધે આપણે આપણા સમાજમાં વિશ્વાસનું વાતાવરણ પેદા ના કરી શક્યા.
૨. કેટલાક સંગઠનો કે મંડળોએ પોતાને દાનમાં મળતી રકમનો ગેરઉપયોગ કર્યો. ખોટા ખોટા વાઉચર બનાવીને કેટલાય નાણા સગેવગે કર્યા. પણ આ જ મંડળના બીજા સભ્યો જેમને આ તક નથી મળી તેમણે આ ઉચાપત ને ઉજાગર કરી. બીજું તમને દાન આપનારા મુર્ખ નથી હોતા. તેઓ પણ તમારા ખર્ચને બહુ બારીકાઈથી જોતા હોય છે. અત્યારે દરેક વ્યકિત બજારમાં મળતી તમામ પ્રકારની ચીજો ના ભાવ કે કિંમતથી વાકેફ હોય છે. તેથી તેઓ જાણતા હોય છે કે નાણાંની હેરફેર ક્યાં અને કેવી રીતે થઇ.
આના કારણે એવી સ્થિતિ ઉત્પન્ન થઇ કે જે મંડળો કે સંગઠનો પ્રામાણિક્તાથી કામ કરતા હતા તેની તરફ પ્રજા શંકાની નજરે જોવા લાગી. દરેક મંડળના હેતુ સારા હોવા છતા પ્રજાનો બહોળો વર્ગ આ મંડળોથી દુર રહ્યો અને જાગૃતિ છોડો, તેમની સાથે જોડાવાથી પણ દુર રહ્યા. જે સાથે જોડાઇ ના શકે તે જાગૃત તો ના જ બની શકે.
૩. આવા મંડળો કે સંગઠનો માત્ર ત્રણ ચાર વ્યકિતની આસપાસ ફરતા હોય તેવું લાગે છે. બંધારણ કે બીજી રીતે કહેવા ખાતર હોદેદારો બદલાયા ખરા પણ મુળ કન્ટ્રોલ પેલા ચારના હાથમાં રહ્યો. આપણે બીજી લાઇનને તૈયાર કરવામાં ઉણા ઉતર્યા. જે સ્થિતિ AIDMK કે BSP ની છે તે આપણે સ્થાનિક લેવલે કરી જેથી વિદ્રોહની સ્થિતિ અંદર જ પેદા થવા માંડી. જો અંદર જ વિદ્રોહ હોય તો તમને બહારથી સમર્થન મળે તેમાં શંકા છે. હુ સૌથી મોટો નેતા તે ભાવના હોવાના કારણે બીજા તેમનાથી દુર રહ્યા. નેતા એવો હોવો જોઇએ જેને બધા અનુસરતા હોય પણ અહીં તમારે મારુ માનવું જ પડશે તે ભાવના પ્રબળ રીતે દેખાય છે. એક ઉદાહરણ ગઇ કાલે જ જયંતભાઇ ને પુછીને આપ્યું હતું. જે પત્રિકા કમિટી મેમ્બર ના હાથમાં નથી તે બહાર ફરતી થઇ. પ્રચાર થવો જ જોઇએ પણ હુ સૌથી પહેલો આગળ રહુ કે મને બધા ઓળખે તે ભાવના વધારે દેખાય છે.
૪. મુશ્કેલીના સમયમાં આપણે એકબીજા સાથે રહેવાને બદલે એકબીજાથી દુર રહ્યા. ફળિયામાં કોઇ વ્યકિત સાથે બીજી કોમ સાથે ઝઘડો થયો હોય તો આપણે તેને સહકાર નથી આપ્યો. આપણે શુ કહીને અળગા રહ્યા? ભલે તે વ્યક્તિનો કોઇ વાંક હોય પણ બધાએ ભેગા થઇને સપોર્ટ કર્યો હોય તો બહારની કોઇ પણ વ્યકિત બીજી વાર આપણા વિસ્તારમાં પણ આવતા વિચાર કરે. આપણી પણ અત્યાચારના કારણોમાં સૌથી મોટું કારણ આજ દેખાય છે. આપણે એકતા બતાવી શક્યા નથી તે હકીકત છે. જે બળવાન હોય તે સંધિ કરે છે તે ચાણક્યની વાત આપણે યાદ રાખવી પડશે. કેટલાક ગામો છે જેમ કે બાલાશિનેર કે તેવા બીજા જયા આજે પણ એકતા અખંડિત છે. પણ ક્યારેક અતિરેકથી બચવું જરુરી છે. માત્ર એટલો મેસેજ જવો જોઇએ કે આ લોકોનું નામ ના દેવાય જે હજુ સુધી આપણે આપી નથી શક્યા.
આણંદ જિલ્લા ના એક ગામના પટેલને અમેરિકા જવું હતું પણ પૈસા નહોતા. કારણ કે ગેરકાયદેસર જવુ હોય તો આજે ૪૫ થી ૬૦ લાખ લાગે છે. બધા ગામના લોકોએ પોતાની શકિત પ્રમાણે આ ખર્ચની રકમ ભેગી કરી આપી. હવે આ વ્યક્તિને કશુંય કહેવું પડશે કારણ કે પોતાપણાની ભાવના ખાલી શબ્દોથી નહી પણ જરુર પડે આવી મદદ કરીને પણ બતાવી છે. આ વ્યક્તિ સમાજ જેમ કહેશે તેમ જ કરશે. આપણે આવી ભાવના પેદા નથી કરી શક્યા તે કડવી હકીકત છે.
૫. જે લોકો શિક્ષિત થઇને થોડા આર્થિક સંપન્ન થઇ ગયા તેમણે સમાજનો સંપર્ક માત્ર દીકરા દીકરીના લગ્ન પુરતો જ રાખ્યો. તેમને આપણે તે સમજાવવામા નિષ્ફળ નીવડ્યા કે ભાઇ તમારી આર્થિક સંપનન્તા બાબા સાહેબને આભારી છે. જેટલી સરળતા થી તે માતા મહાદેવને માને છે તેટલી સરળતાથી બાબાનો સ્વીકાર નથી કરતો કારણ કે તે ઉઘાડો પડી જશે. અને તે બીજાને જણાવવા માંગતો નથી કે તે ખાસ વર્ગનો છે. નડીયાદમા રહેતો ત્યારે ૧૪/૪ ના કાર્યક્રમ મા બધા હાજર રહેતા પણ કેટલાય એવી રીતે ઉભા રહેતા કે તેઓ આ કાર્યક્રમનો હિસ્સો નથી અને બીજા કોઇ કામે અહીં આવ્યા હોય. કેટલાક જલદીથી આ કાર્યક્રમ પુરો થાય તેની રાહ જેતા હતા. આ મારી નજરે જોયું છે તેથી મહેશભાઇએ કહ્યું તેમ શિક્ષિત પણ જાગૃત કે સમર્પિત નહી.
૬. જે લોકો બાબાના સાચા અનુયાયી છે તેમણે કટ્ટરવાદ ને વઘારે પડતુ સમર્થન કર્યું. જે લેોકો માતા મહાદેવને માને છે તેમના માટે નકામા શબ્દોનો ઉપયોગ કર્યો. પણ ઉદાહરણીય રુપ કાર્ય ના કર્યું. મારે સૌથી પહેલા મારા માતા પિતા કે ભાઇને બદલીને લોકોને ઉદાહરણ પુરુ પાડવાનું હતું તેના બદલે તેમને છોડીને આપણે સમાજ ને બદલવાની વાતો કરવા લાગ્યા. બાબાના વિચારો માત્ર પચાસ કે સાઇઠ વર્ષ જુના છે જ્યારે આ માતા મહાદેવ ની વાતો હજારો વર્ષ જુની છે જે અચાનક દુર નહી જ થાય. આપણે તાલિબાની હુકમો ચલાવીને પરિવર્તન લાવવા માગીયે છે પણ તે વિચારતા નથી શ્રધ્ધા તેમની કમજોરી છે અને તેઓ તેના સાથે વિશેષ લાગણીથી જેડાયેલા છે. અને જ્યારે તેમને આ દુર કરવાનું કડવી ભાષામાં કહ્યું ત્યારે તેઓ પેલાને છોડી ના શક્યા પણ તમારાથી અળગા થઇ ગયા. ભીમકથાના એક કાર્યક્રમમાં મારે કથાકારને કહેવું પડ્યું કે તમે માત્ર બાબા ને કેન્દ્રમાં રાખજો પણ ભાઇ વધુ પડતા ઉત્સાહિત થઇને માતા મહાદેવ અને હિન્દુ ધર્મ વિશે બેફામ બોલવા લાગ્યા જેના કારણે કથામાં આવેલા લોકો ગુસ્સે થઇ ગયા. માંડ સમજાવીને કથા આટોપી લેવી પડી.
૭. બાબાના વિચારો ફેલાવવાની રીતમાં પણ ઘણો ફેરફાર જરુરી છે. મે હંમેશા કહ્યું છે અને કહેતો રહીશ કે લોકોને જોડવા હોય તો તેમની વાતો કરો બીજાની નહી. હજુ ગામડામાં આપણો રોજગાર બીજાની પાસે જ છે. ત્યારે તે રોજગાર છીનવાઇ જાય તેવી વાતો ના કરીયે. એક પટેલ કોઇ માતાને માનતો હોય અને તેના ખેતરમાં મજુરી કરતા આપણા માણસોને તેના કોઇ ધાર્મિક કાર્યક્રમમાં બોલાવતો હોય તો તેમને રોકવાની જરુર નથી. પુરાણોનુ એક જ પાત્ર મને હંમેશા ગમ્યું છે તે કૃષ્ણ. તમે તેને વાંચી લો. જે પોતાના મતલબ માટે પરિસ્થિતિ અનુસાર પોતાને ઢાળી દે છે, ખુશ રહે છે અને બીજાને ખુશ રાખે છે અને સૌથી વધુ માન મેળવે છે.
૮. કેટલાય શહેરમાં વસતા આપણા લોકોનો રોજગાર બીજી જનરલ કેટેગરીના હાથમાં છે. યાદ રાખો બધા સરકારી નોકરી કરતા નથી. જે કાઇ ઘંધો કે રોજગાર છે તેમના માલિકો બ્રાહ્મણો કે વાણિયા કે પટેલો છે. હજુ એટલી બધી સ્થિતિ ખરાબ નથી થઇ કે આ લોકો તમને રોજગાર આપવાનું બંધ કરી દે. પણ બાબાના વિચાર ફેલાવવાના આંધળુકિયામા જો આપણે તેમનો વિરોધ કરતા રહીશું તો તેમની સહાનુભૂતિ તો જશે જ સાથે સાથે આપણા ભાઇઓ પણ દુર જશે. તમે જ્યારે માતા મહાદેવ કે મંદિરનો વિરોધ કરો છો ત્યારે અજાણે તેમનો પણવિરોધ કરો છો. જાગૃતિ લાવવાના આપણો પ્રયાસોમાં બેલેન્સ જાળવવું બહુ જરુરી છે. પારસી કે વહોરા કોમે જે પ્રગતિ કરી છે તે કોઇનાય વિરુદ્ધ બોલ્યા વિના કરી છે અને તેથી તેઓ લોકપ્રિય છે. જેમને જાગૃત કરવા છે તેમને માત્ર આપણી કે બાબાની વાતો કરો. કોઇનેય સીધું માતા મહાદેવને ના માનવાનું કહેશે. કેટલાય ટ્રસ્ટ કે સંગઠનોમાં મે એવા મિત્રો જોયા છે કે તેઓ અત્યંત શ્રધ્ધાળુ હોવા થતા સૌથી વધુ સક્રિય રીતે કામ કરતા જોયા છે. ટુંકમા કશુ મેળવવાની લ્હાયમાં આપણે બધુ ગુમાવી ના દઇએ તેને ખ્યાલ રાખવો જરુરી છે.
-- દિનેશ મકવાણા (દિલ્હી એરપોર્ટ સવારે ૦૮.૪૫)