December 07, 2017

બાબા સાહેબની વિચારધારા અને વાસ્તવિકતા

By Jigar Shyamlan ||  4 December 2017 at 10:17 


આજનો મુદ્દો બાબા સાહેબની વિચારધારા પર છે. બાબા સાહેબની વિચારધારા પર કામ કરતા ઘણાં બધા સંગઠનો છે જે દરેકનો ઉદ્દેશ બાબા સાહેબના વિચારોને વ્યકિત સુધી લઇ જવાનો છે. પણ આટલો સમય વિતવા છતાં ધાર્યા પરિણામ મળતા નથી. ગ્રાઉન્ડ વર્ક, સોશિયલ મીડિયા પર એક લાબાં અભ્યાસ પછી કેટલીક એવી બાબતો નજર સામે આવી જે રજૂ છે..
  1. આપણી પાસે સંખ્યા તો છે પણ આ સંખ્યા નાનાં નાનાં અસંખ્ય જુદાજુદા સંગઠનોમાં વહેંચાયેલી છે. વળી પાછા આ સંગઠનો વચ્ચે અંદરોઅંદર ટાંટીયાખેંચ ચાલે છે. એક જ મહાપુરુષની વિચારધારા પર ચાલવાની વાત કરતા સંગઠનોના લોકોમાં પણ વૈચારિક ઐક્ય નથી.
  2. જે પણ લોકો કોઈને કોઈ સંગઠન સાથે જોડાયેલ છે તેઓ પોતે જે વિચારોને સમાજમાં ફેલાવવા માંગે છે તે ખુદના વ્યવહારમાં યોગ્ય અમલી બનાવી શક્યા નથી.
  3. સંગઠનમાં કેટલાક માણસો સંગઠનનો ઉપયોગ સ્વ પ્રસિધ્ધી અને આપ વડાઈ માટે કરે છે. આવા લોકો તેમાંથી ઉંચા નથી આવતા. આવા લોકો પોતાનો કક્કો ખરો કરાવવા પ્રયત્નશીલ રહે છે.
  4. એક જ વિચારધારાને પ્રસરાવવા માટે વધારે સંગઠન હોય તો એ આમ તો સારી વાત કહી શકાય કારણ.. વધુમાં વધું લોકો સુધી વિચારધારાનો ફેલાવો કરી શકાય. દા.ત. - એક સંગઠન એક દિવસમાં વધુમાં વધુ ત્રણ કે ચાર ગામમાં જઈ કામ કરી શકે પણ એવા ચાર સંગઠનો હોય તો એક દિવસમાં ૪ x ૪ = ૧૬ ગામોમાં વિચાર પ્રચાર પ્રસાર થઈ શકે. પણ અહીં સંગઠન વચ્ચે પરસ્પર એકતા કે સંકલનને બદલે મતભેદ અને મનભેદ છે.
  5. સંગઠનોમાં સંકળાયેલા લોકો જે તે જગ્યાએ વિચારધારા પ્રચાર પ્રસાર કરવા જાય તેઓ ત્યાં પેલા આમંત્રણ આપી બોલાવેલ ભાષણકારની જેમ વિચારધારા પર ભાષણ આપી જતા રહે છે. આપણે લોકો શું સમજે છે..? લોકો શું વિચારે છે તેની ઝાઝી પરવા કરતા નથી. લોકોની સમસ્યા બાબતે બહુ રસ બતાવતા નથી. આપણે માત્ર વાતો કરીને જાગૃતિ ફેલાવી દીધાનો સંતોષ માની લઈએ છીએ, લોકો ને પરસ્પર જોડી શકતા નથી. દા.ત. - ગામમાં જઈ પછાત સમાજના એક મહોલ્લામાં જઈ, બે-ચાર કલાક વિચારધારાની સમજણ આપીએ છીએ પણ ગામના પછાત સમાજના તમામ વણકર, ચમાર, તુરી, બારોટ, સેનમાં અને ભંગી જેવા પેટા જાતિગત ભેદને દૂર કરવાનું વાતાવરણ પેદા કરી શકતા નથી.
  6. આપણે માત્ર જાગૃતિ ફેલાવવાને જ મહત્વ આપીએ છીએ લોકોની નાની નાની સ્થાનિક પણ ઉકેલી શકાય તેવી સમસ્યાઓને હલ કરવામાં રસ દાખવી શકતા નથી. લોકોની મહોલ્લાઓની સામાન્ય સમસ્યાઓ જેમ કે સ્વચ્છતા, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, વ્યસનો અને કૂરિવાજો વગેરે બાબતે આપણે દુલઁક્ષ સેવીએ છીએ. આ માટે કોઇ ખાસ પ્રયત્ન કરતા નથી.
  7. બાબા સાહેબના નામે ઉભા થયેલા કેટલાક સંગઠનો સમાજમાંથી ફાળા સ્વરૂપે નાંણા પણ ઉઘરાવે છે. જેમાં અંતે પૈસા ચવાઈ જવાના બનાવ બને છે. આવા બનાવો લોકોને સંગઠનથી દૂર કરે છે.
  8. આપણે માત્ર મીટીંગોમાં જ આપણી એકતા બતાવી શકીએ છીએ. બાબા સાહેબના વિચારો પર અમલ કરવામાં આળસુ છીએ. એટલે જ તો ખરાખરીના ખેલ, દશેરાના દિવસે એટલે કે ચુંટણીના સમયે જ આપણું ઘોડુ દોડતું નથી. રાજકીય પક્ષને સમઁથન આપવા બાબતે આપણે એકતા સાધી શક્યા નથી.
  9.  છેલ્લી અને મહત્વની વાત.. બાબા સાહેબના વિચારો સાથે કેટલાય વોટ્સ એપ્પ, ફેસબુક ગ્રુપ જોડાયેલા છે. આમાં પણ કેટલાક મિત્રો જાણે પોતે એકલાએ જ જયોતિબા, આંબેડકર, કાશીરામને વાંચ્યા હોય એમ પોતાને સવાયા આંબેડકરવાદી સાબિત કરવાની પ્રવૃતિ કરતા રહે છે. તેઓ બીજાની વાતોને, વિચારને સાંભળવાની, સમજવાની સહેજ પણ દરકાર નથી લેતા વાંચ્યા કે સમજ્યા વગર સતત કાપતા રહે છે, ટ્રોલ કરતા રહે છે.
મિત્રો...મારી દરેક પોસ્ટની જેમ જ આ પોસ્ટ પણ લાઈક મેળવવા નથી મૂકી.. પણ આ વિષય બાબતે કમેન્ટમાં જય ભીમ નહી પરંતુ મિત્રોના અભિપ્રાય જાણવા ખાતર મૂકી છે. 
- જિગર શ્યામલન

ભારતીય લોકશાહી ની બલિહારી

By Jigar Shyamlan ||  2 December 2017 at 11:36 


આપણી ચુંટણી ખરેખર લોકોએ પસંદ કરેલ કે ચૂંટેલા લોકપ્રતિનીધીઓ પસંદ કરે છે..?
આ સવાલનો જવાબ મોટાભાગના લોકો હા... કેમ નહી એમ જ આપે છે અને કદાચ એવો જ આપવાનાં..
ભારતમાં ચુંટણી પધ્ધતિથી આપણે સૌ પરિચીત છીએ...
ચુંટણી પંચ તારીખ જાહેર કરે, 
પક્ષો પોતાના ઉમેદવારોને ટીકીટો આપે, 
ચુંટણીના દિવસે મતદાન થાય પછી મત ગણતરી અને સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર વિજેતા જાહેર થાય.
આ રીતે વિજેતા થનાર વ્યક્તિ જે તે વિધાનસભા, લોકસભાનો લોકોએ પસંદ કરેલ ઉમેદવાર કે લોકોએ ચુંટેલ પ્રતિનીધી છે તેવું માની લેવામાં આવે છે.
પણ બારીકતાથી વિચારીએ તો શું આ રીતે ચુંટણીમાં સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર ને ખરેખર લોકોએ પસંદ કરી પોતાનું પ્રતિનીધીત્વ કરવા મોકલેલ છે..??
જવાબ છે.. ના, 
હવે આ વાતને એક સામાન્ય ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરીએ...
ઉદાહરણ:-
માની લો કોઈ એક વિધાનસભામાં ૧૦,૦૦૦ મતદારો છે. હવે અહીં ચુંટણીમાં ૪ ઉમેદવારો ઉભા છે.
(૧). રમણ
(૨). મગન
(૩). છગન
(૪). મોહન
હવે ચુંટણીના દિવસે ૧૦,૦૦૦માંથી ૯,૦૦૦ લોકો પોતાનો મત આપે છે, જેમાં...
(૧). રમણને ૩૨૦૦ મત મળે છે
(૨). મગનને ૩૧૦૦ મત મળે છે
(૩). છગનને ૨૬૦૦ મત મળે છે અને
(૪). મોહનને ૧૦૦ મત મળે છે
હવે નિયમ મુજબ ૩૨૦૦ મત મેળવનાર રમણ ચુંટણીનો વિજેતા જાહેર થાય જે વિધાનસભામાં જવા લાયક છે. 
હવે જરીક એક વાત પર વિચાર કરીએ 
૯,૦૦૦માંથી ૩,૨૦૦ મતદારોએ (૩૫.૫૫%) રમણને મત આપ્યો મતલબ એ સીટ પર મતદારોએ રમણને પ્રતિનિધી તરીકે ચૂંટયો છે..એ સાચી વાત પરંતું
મગનને મત આપનારા ૩૧,૦૦, છગનને મત આપનારા ૨૬,૦૦ અને મોહનને મત આપનારા ૧૦૦ મતદારો મળી કુલ ૫,૮૦૦ (૬૪.૪૪%) લોકો તો રમણને પોતાના પ્રતિનિધી તરીકે નકારે છે. 
આમ કુલ.૯,૦૦૦ મતદારોમાંથી ૫,૮૦૦ મતદારો રમણને પોતાનો પ્રતિનિધી નકારે છે તેમ છતાં રમણ ધારાસભ્ય તરીકે પસંદ થાય છે. 
આ આપણી લોકશાહી અને ચુંટણી પધ્ધતિની બલિહારી છે.
જય હો..
- જિગર શ્યામલન..