ત્રણ ચાર દિવસ પહેલા એક મિત્રએ મને કહ્યું હતું કે દલિત રાજનીતિ વિશે કઇંક લખો. તેમના થોડા પ્રશ્નો ના જવાબ આપી આગળ વધુ.
ગુજરાતમાં બામસેફ નામની સંગઠનની પ્રવુતિઓ વર્ષોથી ચાલે છે. બામસેફની રચના કરવામાં કાશીરામનો મુખ્ય ફાળો રહ્યો છે. તેમના જનઆંદોલને ખાસ કરીને ઉતર પ્રદેશના શોષિત વર્ગને જગાડવામાં સફળ થયા હતા અને બાબાના વિચારો અનુસાર સત્તા પ્રાપ્ત કરવા માટે રાજકીય પક્ષ બહુજન સમાજ પાર્ટી એટલે કે BSP ની પણ સ્થાપના કરી. પરંતુ આ વર્ગને જગાડ્યા પછી તેમને જો કોઇ ચોક્કસ દિશા ના મળે તો આ ટોળું ઇતર બિતર થઇ જાય. તેથી કાશીરામના હકારાત્મક પ્રયાસો ઉતર પ્રદેશમાં સફળ નીવડ્યા અને બીએસપીને સત્તા મળી. આ એક બહુ મોટો તમાચો હતો ભારતીય રાજકારણના ધુરંધરોને, કારણ કે સતાનું રિજર્વેશન કરાવીને આવ્યા હતા આ માન્યતા ને કાશીરામે તોડી હતી. પણ કાશીરામ જેવો શકિતશાળી નેતા આપણે બીજા રાજ્યમાં પેદા કરી શક્યા નથી તે હકીકત છે. બીજા રાજ્યો કરતા હુ માત્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને વાત કરીશ.
ગુજરાતમાં બીએસપી કરતા બામસેફ પર લોકોને વધુ ભરોસો હતો તેથી તેની પ્રવુતિ સારી હતી. પણ મીટીગો સિવાય પ્રજાની નજરમાં આવે તેવા કાર્યો બામસેફે કર્યા હોય તેમ જણાતું નથી. ભુલ હોય તો મને સુધારજો.
બીજું બામસેફ માત્ર શહેરો પુરતુ સીમિત રહ્યું. તેની સાથે સાથે દલિત પેન્થર નામનું સંગઠન ગુજરાતના અમદાવાદથી ખુબ પ્રખ્યાત થયું. નવસર્જન ટ્રસ્ટ જેના ટ્રસ્ટી માર્ટિન મેકવાન ખુબ જ બુદ્ધિશાળી વ્યકિત છે. રાજીવ ગાંધી સાથે પણ તેમના સંબંધો સરસ હતા. ખાસ કરીને ગોલાણા હત્યાકાંડ ના આરોપીઓને સજા અપાવવામાં નવસર્જનની ભુમિકા ખુબ અસરકારક રહી છે. તદઉપરાંત ઉતર ગુજરાતમાં વણકરોના બહુ સક્રિય સંગઠનો કાર્ય કરતા હતા. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રોહિતોના સંગઠનો સામાજિક ક્ષેત્રે સક્રિય દેખાય છે. તેથી એક અનેક સંગઠનો શોષિત વર્ગના દરેક જગ્યાએ કામ કરતા હોવા છતા રોહિત વણકરનો ભેદ મટાડી શક્યા નહી અને તેને લીધે રાજ્ય લેવલનું એક મોટું સંગઠન ઉભુ થઇ શક્યુ નહી તેમ જણાય છે.
વણકરો અને રોહિતોમાં, વણકરોને સામાજિક લાભ વધુ મળ્યો હોવાથી તેમની પ્રજા ભણી ગણીને રોહિતોની સરખામણીએ ઘણી આગળ હતી. અનામત વ્યવસ્થા નો લાભ લઇને તેઓ સારી જગ્યાએ નિમણૂક પામ્યા. પણ Pay back to Society ના નિયમમાં પણ તેમણે વણકરોને જ ધ્યાનમાં રાખ્યા. રોહિતો એ પણ ધીમે ધીમે પ્રગતિ કરી છે.દક્ષિણ ગુજરાતમાંથી કેટલાય વિદ્યાર્થીઓ પરદેશ જઇને સેટલ થવામાં અગ્રેસર છે. પણ બંને બહુમતી જાતિની એક જ ખામી રહી કે તેઓ પોતામાંથી પણ એક સર્વસામાન્ય નેતા પેદા ના કરી શક્યા. એવું નથી કે પ્રયાસો નથી થયા પરંતુ તે પ્રયત્નો સટિક પરિણામ લાવી શક્યા નથી.
બીજું સામાજિક સંગઠનોમાં કેડર બેજ કાર્ય નથી. RSS એક સામાજિક સંગઠન જ છે પણ તેની કેડર વ્યવસ્થા અને શિસ્તબદ્ધતા એ નવી નેતાગીરી પુરી પાડી છે. એવું નથી કે ટાંટિયા ખેંચ પ્રવુતિ માત્ર શોષિતોમાં જ છે. દરેક જગ્યાએ ઓછા વત્તા પ્રમાણમાં છે જ પણ જ્યારે રાજકીય લાભ લેવાનો હોય ત્યારે આ ડાહી મા ના દીકરા એક થયેલા જોવા મળે છે. જ્યારે આપણે લાભ તો દુર, લડવા માટે પણ ભેગા થઇ શક્યા નથી.
મને પુછયુ નહી, મને બોલાવ્યો નહી તે અભિગમે આપણે એકબીજાનાથી દુર રાખ્યા. હુ એકલો બની બેઠેલો નેતા છુ, મારી પાસે કોઇ પદ હોય કે ના હોય તમારે મને સૌથી વધુ માન આપવું પડશે. મને જ નેતા ગણવો પડશે. આ પ્રકારની મનોવૃત્તિ થી કોઇ પણ ઠેકાણે આપણે એક પણ નેતા ઉભો કરી શક્યા નથી તે હકીકત છે.
સમય જતી શોષિત વર્ગની પેટા જાતિઓમાં એકતા જોવા મળે છે પણ કોઇ એક પ્રસંગ મા સાથે કામ કરતા જોવા મળતા નથી. જે બની બેઠેલો નેતા છે તેને ડાયસ પર જ ખુરશી જોઇએ છે. એક સંગઠનના હોદ્દેદારો પોતાના સમાજના બીજા સંગઠનોના કાર્યક્રમમાં હાજરી આપતા નથી ત્યારે નવી નેતાગીરી ઉભી કેવી રીતે થશે? આ અનુભવો અમને વડોદરામા ખાસ થયા છે.
ઉતર પ્રદેશમાં શોષિતોમાં સૌથી વધુ વસતી જાટવોની છે તેથી ત્યાં તેઓ સર્વસામાન્ય નેતા ઉભો કરી શક્યા અને ત્ને કારણે બીજી શોષિત પ્રજાએ સત્તા ખાતર સહકાર આપ્યો છે. બીજું ત્યાં વણકરો કે બુનકરો મોટે ભાગે મુસ્લિમ છે. તેથી જાટવ સાથે હરીફો નહી હોવાથી બીએસપીને સમર્થન આપ્યું.
ગુજરાતમાં જે રોહિતો બીએસપી તરફ વળ્યા તો વણકરોએ જોઇએ તેટલો સહકાર નથી આપ્યો તે દેખાય છે. ગુજરાત ની આર્થિક રીત હવે મજબુત ગણાતા વણકર અને રોહિત વચ્ચે સમન્વય નહિવત્ હોવાથી આ પરિસ્થિતિ ઉભી થઇ છે.
વાલ્મિકી બંધુઓની નેતાગીરી એક ક્ષેત્ર પુરતી મર્યાદિત રહી. તે પણ ખાસ કરીને નગરપાલિકા કે મહાનગરપાલિકા પુરતી સીમિત રહી. તેમના કેટલાય નેતાઓની ફરિયાદ છે કે માત્ર વાલ્મિકી હોવાને કારણે કેટલીય જગ્યાએ તેમને બોલાવવામાં આવતા નહોતા કે તેમને યોગ્ય સ્થાન આપવામાં આવતુ નહોતુ. તેઓનું દરેક બાબતમાં એક જ રટણ રહેતું કે પહેલા બધા એક પ્લેટફોર્મ પર તો આવો. પણ આંતરિક ભેદભાવ ને કારણે સર્વસામાન્ય નેતા ઊભો ના કરી શક્યા.
ગરોડા બ્રાહમણ અને દેવીપુજક જાતિઓમાં આગળ પડીને કામ કરવાની ઇચ્છા ઓછી દેખાય છે. જેને માંગીને ઘર ચલાવવાનું હોય તે નેતા ના બની શકે. તે માત્ર તેની જ્ઞાતિ પુરતા કોઇ ખાસ હેતુ માટે બની શકે પણ બીજી બાબતોમાં તે પાછળ રહે. દેવીપુજકોનુ પણ તેવું જ રહ્યું. કેટલાક કામો કેટલીક જાતિઓને વહેંચી આપ્યા છે જેના કારણે આ જાતિઓમાં એક પ્રકારની લઘુતાગ્રંથી દેખાય છે અને તેથી તેઓ એકબીજા સાથે આસાનીથી ભળી શકી નહી. જ્યારે ભળી જ ના શકો ત્યારે નેતાગીરી કેવી રીતે પેદા થાય.
હવે આ જાતિઓમાં નવી પેઢી શિક્ષિત થઇ રહી છે, સારી પોસ્ટ પર કાર્ય કરી રહી છે અને નવા વિચારો સમજી રહી છે.
પણ નવી પેઢી આમાં બાકાત થઇ રહી છે હવે વસતી વધુ હોય તો નેતાગીરી તેમને આપતા બંને પક્ષ ખચકાતા નથી. તેથી કેટલાય ગામમાં બંને પ્રજા પરસ્પર સહકારથી કાર્ય કરે છે. હવે રોહિત વણકરોનો ભેદ ભુલીને એક ગ્રુપ પર ચર્ચા કરે છે તે સારી નિશાની છે. પણ જે ખાઇ વર્ષોથી પડેલી છે તેને પુરાતા સમય તો લાગશે જ.
પણ નવી શરુઆત કરવી પડશે જ, જો સત્તામાં આવવું હોય તો નાના મોટા સંગઠનોને એક પ્લેટફોર્મ પર લાવવા પડશે. સારુ કામ કરતા વ્યકિતઓને નેતા તરીકે સ્વીકારવા પડશે. આપણે નેતા ઘણા છે પણ જયા પ્રસંશા મળે ત્યારે સૌથી આગળ હોય છે પણ મુશ્કેલીમાં પાછળ હોય છે.
નવી પેઢી દરેક રીતે તૈયાર થઇ રહી છે. મંઝીલ દુર છે પણ ઝડપી પ્રયત્નો પરિણામ લાવી શકે. અબ્રાહમ લિંકન પ્રમુખ બનતા પહેલા ૧૭ ચુટણી હારી ગયા હતા.
નવી આશા સાથે, નવા સ્વપ્ના સાથે
આપ સૌને સમર્પિત
-- દિનેશ મકવાણા (૧૯/૪/૨૦૧૭)