May 13, 2017

બહુજ લાંબી મંઝિલ લાગી રહી છે હિન્દૂ થી બૌદ્ધ બનવાની : પ્રગ્નેશ લેઉવા

સમાજ ની નીતિ રીતી રિવાજો  માનવાની ઈચ્છા જરીક પણ નથી હોતી .. પણ માનવી પડે છે .. કારણ એક જ.. આપણે સામાજિક પ્રાણી , ફેમિલી ફર્સ્ટ વાળા ... વિરોધ કરીને નીતિ રિતી રિવાજો નું અનાદર અને વિરોધ કરવો એટલે ફેમિલી ની પણ અવમાનના કરવી .હવે આપણે બધું જ કરી શકીયે પણ પોતીકા ની નજરમાં ન ઉતરી શકીયે નીચા ...એટલે મને- કમને પણ બધાજ નાતી જાતિના રીવાજો માનવા જ પડે છે ...

આપણા વિચારો અનુસાર બૌદ્ધ ધર્મ સર્વોત્તમ લાગી રહ્યો છે અને ફેમિલી હજુ હિન્દૂ રીત રિવાજ માતા , દેવી , ભગવાન , પાઠ પૂજા , ધર્મ કર્મ મા માનનાર હોય આપણો રસ્તો સાઈડમાં મુકવો પડે છે ..

એક માણસ 6 જણ ને સમજાવી શકે એ હજુ આપણા અનુસૂચિત જાતિના સમાજમાં શક્ય નથી...
હાલ પૂરતું તો નથી જ...

આપણી ડગર લાંબી છે ..
આપણી ડગરમાં આપણા જ લોકો સાથે નથી તેનું દુઃખ છે ...
આપણી મેહનત પ્રયત્ન ચાલુ જ છે ...

બુદ્ધુ ...થી.. બુદ્ધ... ની સફર ...

પ્રગ્નેશ લેઉવા :: અમદાવાદઃ




સુખ, દુખ અને મોક્ષ - દિનેશ મકવાણા

ગઇ કાલે એક ડોક્ટર મિત્રએ એક વીડીયો મોકલ્યો. લગભગ ૨૬ મિનિટના વિડીયોમાં સુખ શુ છે તેની ચર્ચા કરી છે. 

સુખ શુ છે?? તમારી ઇચ્છા પુરી થવી તે.

આખા વીડીયોમાં જુદી જુદી વ્યકિતની ઇચ્છા કેવી રીતે પરિપૂર્ણ થાય છે અને તેમાથી તેમને સુખ પ્રાપ્ત થાય છે તે દર્શાવવામાં આવ્યું છે. 

દાખલા તરીકે એક ગુજરાતીને રસગુલ્લા ખાવાની ઇચ્છા હોય છે તેને પહેલા રસગુલ્લા માં સ્વર્ગનો અનુભવ થાય છે પણ જેમ જેમ રસગુલ્લાની સંખ્યા વધતી જાય છે તેમ તેમ તેના સુખમાં ઘટાડો થતો જાય છે. કહેવાનો ભાવાર્થ એટલો જ છે જે વસ્તુ તેને સુખ આપતી હતી તે એક સમયે દુખ આપતી થઇ જાય છે.

બીજા આવા દાખલાઓ બતાવીને તે કહેવા માંગે છે કે સુખ માત્ર તમારી ઇચ્છાની આપુર્તિ છે. જીવનમાં તમે જે ધ્યેય સાથે જીવો છો અને તેને પ્રાપ્ત કરવા સખત મહેનત કરો છો અને જો ના મળે તો દુખી છો અને જો મળી જાય તો ક્ષણિક સુખને અનુભવીને બીજા ધ્યેય તરફ આગળ વધો છો. મતલબ તમે પાછા દુખી થવાની દિશા તરફ આગળ વધો છે. અને જીવનનું ચક્ર આ રીતે ચાલતુ રહે છે. 

વીડીયોની આખરી ક્ષણોમાં તે કહેવા માંગે છે આપણા આખા જીવનના સંઘર્ષથી પણ એવું કોઇ સુખ મળતું નથી જેનાથી આપણે ઉબાઇ ના જઇએ. સુખની વિભાવના દરેક ઉંમરે બદલાતી જાય છે. સુખને અનુભવવા શુ દુખને અનુભવવું જરુરી છે? શુ સુખ તે દુખ ની ગેરહાજરી નથી? 

આપણે બધા સુખની ભ્રમણામાં જીવીયે છે. હજુ સુધી એવું સુખ મળી શક્યુ નથી જે નિરંતર હોય, સતત હોય. સાચું સુખ કયાં અને કેવી રીતે મળી શકે. અને આ વીડીયોમાં કહે છે કે સાચું સુખ મેળવવા આ સંસારનો ત્યાગ કરો, આ મોહમાંથી છુટો અન્ મોક્ષની પ્રાપ્તિમાં લાગી જાઓ. પહેલાના સમયમાં રુષિમુનિઓ જંગલમાં સંપુર્ણ સુખની શોધમાં તપસ્યા કરવા જતા. તેથી આવો આપણે સાચા સુખની શોધમાં આ બધામાંથી મુક્ત થઇએ.

૨૬ મિનિટનો વીડીયો મને ૧૯૯૦ મા લઇ ગયો. જ્યારે તે સમયે જેટલા પણ સાધુઓની કથા સાંભળી કે તેમને રુબરુ સાંભળવાનો મોકો મળ્યો તો બધાએ આજ ઢોંગની વાત કરી કરીને આપણને બેવકૂફ બનાવ્યા. જો જંગલમાં જઇને તપસ્યા કરવાથી સુખ મળતા હોય તો આ બધુ ભણવાની કે પૈસા કમાવાની જરુર શુ છે. જે લોકોએ આ કોરા ત્યાગની વાત કરી તે બધાએ પાછલા બારણે આ બધી ભૌતિક સગવડો માટે પ્રયત્નો કર્યા છે અને તેમાથી બહાર નીકળી શક્યા નથી.

દરેક સાધુ જેણે ઉપરથી તે બતાવાનો પ્રયત્ન કર્યો કે હુ સ્ત્રીઓથી દુર રહુ છુ તે તમામ સાધુઓ પર બળાત્કાર કે શોષણના આરોપો લાગ્યા છે. જ્હોનસન કેલર નામની અમેરિકન લેખિકા પોતાના પુસ્તક Sex, Love and Two Hindu Guru મા પ્રકાશાનંદ સરસ્વતી અને જગદ ગુરુ કૃપાળુ મહારાજ વિશે લખે છે. બરસાના આશ્રમમાં ૨૦ વર્ષ રહીને આ પુસ્તક લખ્યું છે કહે છે નરકમાંથી સ્વર્ગ તરફ ની યાત્રા. આ બંને સાધુઓને ભારત સરકારે પદ્મ શ્રીના એવોર્ડ થી નવાજ્યા છે. પ્રકાશાનંદ સરસ્વતી પર ૨૦ પોઇન્ટનો બાળ શોષણ નો ગંભીર ગુનો છે અને તેમને અમેરિકાની સરકારે ભાગેડુ જાહેર કર્યા છે. 

જગદ્દગુરુ કૃપાળુ મહારાજનો સ્વર્ગવાસ થઇ ગયો પરંતુ તેમના મૃત્યુ પહેલા એન્ટિગુઆમાં એક ૨૬ વર્ષની યુવતીએ રેપનો આરોપ લગાવ્યો હતો. લાંચ આપીને દેશ છોડીને ભાગે છે. 

આવા કેટલાય સાધુ છે. જેમની વાત કરુ તો આખુ પુસ્તક બને. પણ આત્મીય સુખ તે માત્ર કલ્પના છે. પશ્ચિમના દેશોમાં ભૌતિક સુખ સગવડો ઘણી બધી હોવાથી તે લોકો કદાચ ઉબાઇ જતા હશે પણ કોઇ ભારતીય આવા સુખથી ઉબાયો હશે તે માનવું મુશ્કેલ છે.

આપણે સુખની શોધમાં સંઘર્ષ કરતા નથી. આપણો સંઘર્ષ માત્ર આપણા માટે પણ નથી. સુખની અપેક્ષા રાખવી અને તેના માટે પ્રયત્નો કરવા તે સામાન્ય બાબત છે. 

અમદાવાદની સીટી બસની પાછળ લખ્યું હતું પ્રેમ કે સુખ ક્યારેય ઓછા નથી હોતા માત્ર આપણી ઇચ્છાઓ જ વધારે હોય છે. પણ કોને વધુ પૈસા કમાવાની, આગળ વધવાની ઇચ્છા ના હોય? શુ બેસી રહીને એક કાલ્પનિક સુખની તલાશમાં લાગી જવું તે મોક્ષ છે. 

અમારી પેઢીની અડધી જિંદગી આ મોક્ષ નામના શબ્દએ બગાડી છે. મોક્ષ મેળવો, મોક્ષ મેળવો સાંભળી સાંભળીને અમે થાકી ગયા પણ જે અમને કહેતો હતો તેને પણ ક્યારેય મોક્ષ મળી શક્યો નહી.

તમે નાનાથી મોટા થાઓ, શિક્ષિત થાઓ, લગ્ન કરો, બાળકોને શિક્ષિત કરો, સમાજ પ્રત્યે કોઇ ફરજ અદા કરો તે એકદમ સામાન્ય અને કુદરતી કાર્ય છે. આ પ્રમાણે જ કુદરતનો ક્રમ ચાલે છે અને તે ચાલવું જ જોઇએ. મોક્ષ માટે બધા બેસી રહ્યા હોત કે બાબા સાહેબ બેસી રહ્યા તો શુ થાત તેની કલ્પના કરી છે? 

મોક્ષની પ્રાપ્તિમાં ઘણા બધા સામાન્ય લોકો હિમાલયમાં જઇને સાધુ બની ગયા. ૧૯૭૫ સુધી આ દર સૌથી વધુ ઉંચો હતો અને ત્યારબાદ તેમાં ગિરાવટ આવવાનું શરુ થયું. હવે કેટલા સાધુઓ બને છે, તમારા ઘેર આવે છે? 

છેલ્લે એક ઉદાહરણ આપીને વાત પુરી કરુ. સોમા હરિજન ને કશુ કામ ના મળતા પોતાના ગામ ચકલાસીને છોડીને સાધુ બનવા હરદ્રાર જતો રહ્યો. સાધુ બનીને બીજા સાધુઓ સાથે નડીયાદની પાસે આવેલા ઉતરસંડા ગામમાં પટેલના આમંત્રણને માન આપી સમુહ ભોજન માટે આવ્યા.

પંગતમાં સોમાને બેઠેલો જોઇને ચકલાસીના મંગળ પટેલે ભોજન બાદ સોમાને પુછયુ, "અલ્યા સોમા તને બિલકુલ શરમ ના આવી આ સાધુઓ સાથે ભોજન કરતા?"

સોમાનો જવાબ આંખ ઉઘાડી નાંખે તેવો છે, "મંગળકાકા આ તો તમે મને ઓળખી લીધો બાકી તો સબ સોમલે હી હે."

-- દિનેશ મકવાણા (૩૧/૩/૨૦૧૭, દિલ્હી)



વધારે જરૂરી શું?? મદિર કે પુસ્તકાલય?? - નિકુંજ મકવાણા

મસ્ત મજાનો ઠંડો વાયરો વહી રહ્યો હતો.. અને એ પવન ની મજા લેતા હું અગાશી માં આરામ થી સુતો હતો.. વેકેશન ના લીધે સવારે વેહલા ઉઠવાનો કોઈ પ્રશ્ન જ નહોતો.. ધીમે ધીમે સુરજ આકાશ માં ચડવા લાગ્યો અને સુરજ ના કિરણો મારી ઉપર પડવા લાગ્યા, એટલે ઉઠીને હું  નીચે આવ્યો.. 

મારા ઘર મા એક નાનુ મંદિર છે ત્યાં દીવા પ્રગટતા હતા, આ એક નિત્ય ક્રમ છે.. હું પોતે તો આ બાબતો થી ઘણો દુર છું પણ માતા પિતા ને આ ઉંમરે સમજાવવા થોડું અઘરું કામ છે.. ઘણી વખત આ બાબતો નો વિરોધ ઘર માં કલહ પેદા કરે છે અને એટલે હું આ બાબતો ને ટાળું છું..

હુ અહી આસ્થા, વિશ્વાસ, ધર્મ નો વિરોધ નથી કરતો પણ અહી વાત છે તર્ક ની.. એક વિચારવાલાયક અને તર્કસંગત વાત.. 

આજ થી સદીઓ પેહલા જ્યારે આપને ગુલામ હતા, ત્યારે પણ આ દેવી-દેવતાઓ, માતાઓ, ભગવાનો હતા જ.. આપણે ગુલામો ના પણ ગુલામ હતા. આપણ ને બહાર હરવા ફરવા નો અધિકાર નહોતો.. વાંચવા લખવાનો ભણવાનો શિક્ષા મેળવવાનો અધિકાર નહોતો.. જાહેર સ્થળ પર જવાનો અધિકાર નહોતો.. જે કુવા તળાવ નું પાણી કુતરા બિલાડા પી સકતા હોય એ પાણી પીવાનો પણ આપણને અધિકાર નહોતો.. ગળા મા આગળ કુડલી હોય જેમાં થુકવાનું અને પાછલ બાંધેલું ઝાડુ જેના થી તમે ચાલો એના નિશાન ભૂસી જાય જમીન પર થી.. દિવસે ઘર મા રહેવુ પડતુ અને રાત્રે જ બહાર નીકળવુ પડતુ.. 

આવી એકદમ દયનીય જાનવરો થી પણ બદતર પરિસ્થિતિ માં, મંદિર માં પેસવાની, તથાકથિત દેવી દેવતાઓ ના દર્શન ની તો વાત જ ક્યાંથી આવે!!! 

અને પછી 14 એપ્રિલ 1891 ના રોજ એક મસીહા નો જન્મ થયો.. જેણે અથાક મેહનત, અતુલનીય ત્યાગ, સંઘર્ષ અને બલિદાન થકી પોતાની વિદ્વતા ના જોરે, આ અસમાનતાવાદી, જાતીવાદી, મનુવાદી વિચારધારા સામે સામે લડીને આપણને આ જંજીરો માંથી મુક્ત કરાવ્યા અને સંવૈધાનિક સંરક્ષણ થકી અધિકારો અને હકો અપાવ્યા.. જાનવરો કરતા ખરાબ જીંદગી જીવતા ગુલામો ને મનુષ્યો બનાવ્યા..


આજે આ જ સમાજ એ વ્યક્તિ ને ભૂલી ગાયો છે અને સાંજ સવાર 33 કરોડ દેવી દેવતા ની પૂજા કરવા મા વ્યસ્ત બની ગયો છે.. આઝાદી પેહલા જેમને મંદિરો માં જવાનો પૂજા પાઠ કરવાનો કોઈ અધિકાર નહોતો, આજે આઝાદી પછી એમના કરોડો ભગવાન પેદા થઇ ગયા..

આખુ વર્ષ માત્ર તહેવારો મા વ્યસ્ત હોય છે અને 14 એપ્રિલ ના દિવસે કોઇની પાસે સમય નથી હોતો 14 એપ્રિલ ની રજા મા પરિવાર ને લઈને ફરવા નીકળી પડે છે, પણ જેના ત્યાગ બલિદાન થકી આજે આ ગાડી બંગલા, શરીર પર સારા કપડા, હાથ માં મોંઘા મોંઘા સ્માર્ટ ફોન છે એ બાબાસાહેબ, અન્ય મહાપુરુષો અને માતાઓ વિશે પોતાના સંતાનો ને જણાવવાનો સમય નથી મળતો.. 

જે સમાજ માટે બાબાસાહેબ એ કહ્યું હતું કે, “જિસ દિન મંદિર જાને વાલે લોગો કી કતારે પુસ્તકાલય કી ઔર બઢેગી, ઉસ દિન મેરે ઇસ દેશ કો મહાશક્તિ બનને સે કોઈ નહિ રોક શકતા..”, અને એ જ સમાજ આજે તથાકથિત દેવી દેવતાઓ, માતાઓ ના દર્શન માટે મંદિરો ની બહાર લાંબી લાંબી લઈને લગાવે છે.. 

ક્યારેક જીંદગી ની વ્યસ્તતા માંથી, પરિવાર ની બાબતો માંથી નવરા પડો, સમય મળે ત્યારે શાંતિ થી તર્ક કરજો વિચારજો કે આજે સમાજ ને દેશ ને આપણા સંતાનો ને શેની વધારે જરૂર છે, મંદિરો ની લાઈન માં ઉભા રેહવાની કે પુસ્તકાલય તરફ જવાની??

 - નિકુંજ મકવાણા