April 19, 2020

કોરોનાનો પડકાર

By Raju Solanki  || 17 April 2020



કોરોના વાયરસનું ઉત્પત્તિસ્થાન ચીન છે. અંગ્રેજીમાં તેને ગ્રાઉન્ડ ઝીરો કહે છે. ચીની વૈજ્ઞાનિકોએ વુહાનમાં કોરોના વાયરસનો ચેપી રોગચાળો ફાટી નીકળ્યો પછી જેને સૌથી પ્રથમ કોરોનાનો ચેપ લાગેલો એ વ્યક્તિને શોધી કાઢેલી. આવી વ્યક્તિને પેશન્ટ ઝીરો કહે છે. આવી વ્યક્તિ કે વ્યક્તિઓના શરીરમાંથી મળેલા કોરોના વાયરસના ડીએનએનું વિશ્લેષણ કરતાં ચીની વૈજ્ઞાનિકોને તેમાં ચામાચીડીયા અને પેંગોલિનના ડીએનએ મળી આવેલા. પેંગોલિન નષ્ટ થતું પ્રાણી છે. વિનાશના આરે ઉભેલી દુર્લભ પ્રજાતિ છે. પેંગોલિન અને ચામાચીડીયાનો આહાર કરતા લોકોને આ વાયરસનો ચેપ લાગેલો. ચીની સરકારે હાલ પેંગોલિન અને ચામાચીડીયાના આહાર પર પ્રતિબંધ મુકી દીધો છે.

ચીની વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની જીનોમ સીક્વન્સ શોધી કાઢી છે અને તેઓ તેની વેક્સિન બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે. સમગ્ર વિશ્વને આની ખબર છે. ગઈ કાલે ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ચૈતન્ય જોષીએ જણાવ્યું કે તેમની ટીમે કોરોના વાયરસના ત્રણ નવા સ્વરુપો (મ્યુટેશન) શોધી કાઢ્યા છે. છ સ્વરુપોની તો દુનિયાને જાણ હતી જ. જો આ સંશોધનનો અહેવાલ સાચો હોય તો એ અત્યંત ગંભીર બાબત છે. આનો અર્થ એવો થયો કે કોરોના વાયરસ ભારતમાં અને ગુજરાતમાં નવા સ્વરુપે આવ્યો છે. ચીફ મિનિસ્ટર ઓફિસ આ સમાચારની જાહેરાત કરતા જાણે આ કોઈ મોટી સિદ્ધિ હોય તેમ ફૂલીને ફાળકો થઈ ગઈ. પણ આમાં ફુલાવા જેવું કંઈ જ નથી. માનવજાતિ કદાચ એના ઇતિહાસમાં પહેલીવાર એક એવા ભયંકર રોગ સામે લડી રહી છે, જેનો અંદાજ માનવ જાતિને પોતાને નથી.

#રાજુસોલંકી

બાબાસાહેબના ચાહક: અભિનેતા દિલીપકુમાર

By Raju Solanki  || 19 April 2020



બોલીવુડના અભિનેતા દિલીપકુમાર ડો. બાબાસાહેબ આંબેડકરના મહાન ચાહક હતા. એકવાર દિલીપકુમાર ઔરંગાબાદમાં એક ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા. તેમને ખબર પડી કે બાબાસાહેબ બાજુના સુભેદરી ગેસ્ટ હાઉસમાં ઉતર્યા છે, તો તુરન્ત એમના શુટિંગના અત્યંત વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને દિલીપકુમાર બાબાસાહેબને મળવા ધસી ગયા હતા. ગેસ્ટહાઉસમાં બંને વચ્ચે બહુ લાંબી ચર્ચા થઈ હતી. વાતચીત દરમિયાન બાબાસાહેબે દિલીપકુમારને જણાવ્યું કે તમે મુસ્લિમ સમુદાયના ગરીબો માટે કશુંક કરવાનું વિચારો. બાબાસાહેબની વાત દિલીપકુમારના દિલમાં ઉતરી ગઈ હતી. એ વખતે તો તાત્કાલિક તેમણે કશું નહોતું કર્યું. પરંતુ, વર્ષો સુધી આ વાત એમના દિમાગમાં ઘોળાયા કરી હશે અને તે પાછળથી પસમાંદા મુસ્લિમો (ઓબીસી મુસ્લિમો)ના મંચ સુધી દિલીપકુમારને દોરી ગઈ હતી.

બહુ ઓછા લોકોને આ વાતની ખબર છે કે દિલીપકુમાર બોલીવુડની એક સર્વકાલીન મહાન સેલીબ્રીટી અને ઉચ્ચ વર્ગીય મુસલમાન હોવા છતાં મહારાષ્ટ્રમાં પછાત (પસમાંદા) મુસલમાનોના અધિકારો માટે ઓલ ઇન્ડીયા મુસ્લિમ ઓબીસી ઓર્ગેનાઇઝેશન (એઆઈએમઓબીસીઓ)ના કર્મશીલો સાથે કામ કર્યું હતું.

પસમાંદા મુસ્લિમો માટે કામ કરતા શબીર અન્સારી અને વિલાસરાવ સોનવણે દિલીપકુમારને સૌ પ્રથમવાર મુંબઈના ઇસ્લામ જીમખાનામાં મળ્યા હતા. દિલીપકુમારે તેમને શાંતિથી સાંભળ્યા હતા. દિલીપકુમાર સામાજિક રીતે અત્યંત સંવેદનશીલ હતા. દેશમાં દુકાળ, પુર જેવી આફતો આવે કે ઇન્ડીયન આર્મી નો કોઇપણ મુદ્દો હોય દિલીપકુમાર હંમેશાં આગલી હરોળમાં રહેતા. તેએ કહેતા હતા કે कोई भी फिल्मी हस्ती अगर सोशीयल इश्यूझ में सोसायटी के साथ नहीं रहेती तो लोग उसे स्क्रीन से उतरते ही भूला देंगे. ये सिर्फ सोशीयल एक्टीवीझम है जो उसे जिंदा रखेगा. શબીરભાઈ અને વિલાસભાઈએ દિલીપકુમારે મંડલ પંચની ભલામણો અંગે જણાવ્યું. અને તેમને કહ્યું કે મુસલમાનોના 85 ટકા પસમાંદા છે અને ઓલ ઇન્ડીયા મુસ્લિમ ઓબીસી સંગઠન આ દિશામાં કામ કરશે. 

1990માં દિલીપકુમાર ઓલ ઇન્ડીયા મુસ્લિમ ઓબીસી સંગઠનમાં સત્તાવાર રીતે જોડાયા અને પછી તો તેમણે સંગઠનની રોજબરોજની પ્રવૃત્તિમાં દિલ દઇને સાથ આપ્યો. દિલીપકુમારે સમગ્ર દેશમાં સંગઠનની સોથી વધારે રેલીઓમાં હાજરી આપી અને સંબોધન કર્યું. ઔરંગાબાદ અને લખનૌની તેમની રેલીઓએ તે સમયે રાજકીય ભૂકંપ પેદા કર્યો હતો. એમના સેલિબ્રિટી સ્ટેટસને કારણે હજારો લોકો સંગઠનની સભાઓમાં આવતા હતા અને રાજકીય વર્ગને પણ તેની નોંધ લેવાની ફરજ પડતી હતી. આ તમામ સભાઓમાં દિલીપકુમાર એક વાત ખાસ જણાવતા હતા કે અનામત પછાત મુસલમાનનો માટે ધાર્મિક મુદ્દો નથી, પરંતુ તેમના આર્થિક ઉત્કર્ષ માટેનું સામાજિક માધ્યમ છે. દિલીપકુમાર પસમાંદાનો પાવરફુલ અવાજ બન્યા હતા. દિલીપકુમારના પ્રયત્નોને કારણે મહારાષ્ટ્ર સરકારને 1990માં પસમાંદા મુસલમાનોને ઓબીસીમાં સમાવવાની ફરજ પડી હતી.

મહાન અભિનેતા દિલીપકુમાર વિષે હજુ ઘણું લખાય એમ છે. આ તો માત્ર શરુઆત છે. હાલ તો એટલું કહી દઉં કે આ પોસ્ટ લખવાની પ્રેરણા દિલીપકુમાર વિષે લખાયેલા એક ગંદા લેખમાંથી મને મળી છે. તમે આ ગંદો લેખ વાંચ્યો હશે. જેમાં બાબાસાહેબે દિલીપકુમારને ગાળો બોલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સત્ય એનાથી તદ્દન વિપરીત છે. હકીકતમાં, દિલીપકુમાર અને બાબાસાહેબના સંબંધો બહુજન ઇતિહાસનું એક મહત્વનું પ્રકરણ છે.

- રાજુસોલંકી

Image may contain: 4 people, people standing and indoor

Image may contain: 7 people

Image may contain: 3 people, people standing and child

કોરોના અંગે ગંભીરતા કેળવવા માટે આટલુ જરૂરથી વાંચો

By Manish Bhartiy  || 28 March 2020



વગર ચેતવણીએ આવ્યો અને ફેલાઈ ગયો નોવેલ કોરોના-19.
8 ડિસેમ્બર 2019ના દિવસે પ્રથમ કેસ ચીનના વુહાન શહેરમાં જોવામાં આવ્યો જે ટિપિકલ ન્યુમોનિયા જેવો લાગ્યો ડોકટરોને શરદી,ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં પડતી તકલીફો સાથે આવેલ 71 વર્ષીય પેશન્ટ એડમીટ કરવામાં આવ્યો પરંતુ એક્સરે અને બીજા રિપોર્ટના આધારે સાર્સ કોરોના(2003) હોવાનું સમજી તબીબી સારવાર શરૂ કરવામાં આવી.
સાર્સ વાયરસ 2003માં જોવામાં આવ્યો હતો જેમાં 8 થી 10 હજાર લોકો સક્રમિત્ત થયા હતા અને 774 લોકોનો ભોગ લીધો હતો અને તેના ઉપર કન્ટ્રોલ મેળવતા 10 મહિના લાગ્યા હતા. પરંતુ ચીની મેડિકલ સાયન્સ દ્વારા પરીક્ષણ કરતા જાણવા મળ્યું કે વુહનમાં જોવા મળેલ વાયરસ સાર્સ વાયરસ સાથે 76% જિનેટિકલ સમાનતા ધરાવે છે પરંતુ આ વાયરસ સાર્સ નથી સાર્સ કરતા ઓછો જીવલેણ છે પરંતુ સંક્રમણમાં ઝડપી છે અને જે પેશન્ટ સક્રમીત થયેલ છે તેના લક્ષણ વુહન શહેરના અલગ અલગ વન્ય જીવોના મટન માર્કેટમાં વેપાર કરતા બે વેપારીની બીમારી સાથે મળતા આવે છે તપાસ કરતા જાણવા મળ્યું કે પ્રથમ પેશન્ટ અવારનવાર મટન માર્કેટની મુલાકાત કરતા હતા ત્યા સુધીમાં ચાઈના મેડિકલ સાયન્સ જાણી ચૂક્યું હતું કે ઉટ અને ચામાચીડિયામાં જોવા મળતો વાયરસ કોરોના વાયરસ છે કેમકે સાર્સ સંક્રમિત પેશન્ટ સઁક્રમણના 7 દિવસ પછી તેનો ફેલાવો કરતો હતો અને સંપર્કમાં આવવાથી કે વાત કરવાથી ફેલાતો નહોતો જ્યારે કોવિડ-19 સઁક્રમણ થવાની સાથે જ પેશન્ટ દ્વારા ફેલાવવાનું શરૂ થઈ જતો હતો સંપર્ક અને વાત કરવા દરમિયાન પણ ફેલાઈ રહ્યો હતો.


  • 31 ડિસેમ્બર 2019ના દિવસે ચીન દ્વારા WHO ને આ વાયરસની જાણકારી આપવામાં આવી.
  • 12 જાન્યુઆરીએ ચીન દ્વારા કોરોના કોવિડ-19 નામ આપવામાં આવ્યું.
  • 20 જાન્યુઆરીએ ચીની હેલ્થ ડીપાર્ટમેન્ટ દ્વારા ખુલાસો થયો કે માણસથી માણસમાં ફેલાતો વાયરસ રોકવા વુહાન શહેરનો દુનિયાથી સંપર્ક કાપવામાં આવે.
  • WHO દ્વારા 29 જાન્યુઆરીએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી ત્યાં સુધી કોરોના 20 દેશોમાં પ્રસરી ચુક્યો હતો અને ત્યારે દુનિયાના બધા દેશોના નાગરિકો ચીનમાંથી પરત બોલાવવા માટે કામે લાગી ગયા.

ચાઈના ન્યુ યરના કારણે ડોક્ટર અને હોસ્પિટલમાં ઘણો બધો સ્ટાફ રજા ઉપર ઉતરેલો હોવાથી કોરોનાનો ફેલાવો ઘણો થઈ ગયેલો એટલે વુહનમાં તાત્કાલિક બધાજ હોસ્પિટલ સ્ટાફની રજા નામંજુર કરી પરત બોલાવવામાં આવ્યા અને કન્સ્ટ્રક્શન વર્કરોને ત્રણ ગણી હાજરી આપી બે હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું.
મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરી નાગરિકો સુધી કોરોના વિષે જાણકારી પહોંચાડવામાં આવવા લાગી ડોકટર રજા ઉપર હોય કે હોસ્પિટલમાંથી છૂટીને ઘરે પહોંચ્યા હોય નાગરિકોના સવાલોના જવાબો મોડી રાત સુધી ઓનલાઈન ચેટ દ્વારા આપવામાં કામે લાગી ગયા તેનાથી નાગરિકોને ઘરે બેઠા જાણકારી પ્રાપ્ત થવા લાગી કે પોતે કોરોના ગ્રસ્ત છે કે નહીં. જેથી નવી બનેલી કોરોના હોસ્પિટલમાં પેશન્ટ એજ આવતા જેઓને કોરોનાના લક્ષણો હતા.
સાર્સ (2003) વાયરસે હોંગકોંગ અને સિંગાપોરમાં કહેર વર્તવ્યો હતો જેના કારણે ચીની નાગરિકોને વાયરસ સામે કઈ રીતે લડવું તેનો અંદાજો હતો ગભરાયા વગર સ્કૂલ બંધ કરવી કામકાજ બંધ કરવા જેવા નિર્ણય લેવામાં તેઓએ પીછેહટ ન કરી. તેઓ છેલ્લા 16 વરસથી ત્યાંના નાગરિકો માટે સમયે સમયે ટ્રેનિંગ પણ આયોજિત કરી રહ્યા હતા વાયરસ સામે શુ કરવું, કઈ રીતે આયોજન કરવું બધા જ જવાબો ચીની નાગરિકો પાસે હતા તેઓ પહેલેથી તૈયાર હતા. તેમને તરત અંદાજો આવી ગયો હતો કે આ મહામારીમાંથી નીકળવા નાના હોસ્પિટલ કામ નહીં કરે એટલે તાત્કાલિક બે મોટી હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લેવાયો જે ફક્ત બે અઠવાડિયામાં જ નિર્માણ કરવામાં આવી.
ચીનમાં ફેલાયેલ સાર્સ વાયરસની જાણકારી મેળવવામાં દુનિયાને 4 મહિના લાગ્યા હતા ત્યારે પણ ચીન ઉપર જાણકારી છુપાવવાના આરોપ લાગ્યા હતા અને અત્યારે પણ આરોપ લાગી રહ્યા છે.  કેમકે ચીને કોરોના કોવિડ-19ની માહિતી દુનિયાને 1 મહિના પછી આપી હતી હવે જોવાનું એ રહે છે કે દુનિયા કોરોનામાંથી બહાર આવી શું નિર્ણય લે છે?

અત્યારે આપણે પડીશું, ફરી ઉભા થઈશું આ દરમિયાન કેટલાક યોદ્ધાઓ(ડોક્ટર) ,સંબંધી અને નજીકના સગાઓ ખોઈશું પણ દુનિયા આ ખોયેલા લોકોને યાદ કરીને કઈક શીખશે જરુર. આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેવા પ્રયત્નો કરીશું સાથે સાથે આપણે આભારી રહીશું ડોકટર,પોલીસ, સફાઈ કર્મચારીઓ અને હોસ્પિટલ સ્ટાફના જેમના પ્રયત્નો થકી આપણે કોરોના મુક્ત થઈશું.

- મનીષ ભારતીય