April 19, 2020

બાબાસાહેબના ચાહક: અભિનેતા દિલીપકુમાર

By Raju Solanki  || 19 April 2020



બોલીવુડના અભિનેતા દિલીપકુમાર ડો. બાબાસાહેબ આંબેડકરના મહાન ચાહક હતા. એકવાર દિલીપકુમાર ઔરંગાબાદમાં એક ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા. તેમને ખબર પડી કે બાબાસાહેબ બાજુના સુભેદરી ગેસ્ટ હાઉસમાં ઉતર્યા છે, તો તુરન્ત એમના શુટિંગના અત્યંત વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને દિલીપકુમાર બાબાસાહેબને મળવા ધસી ગયા હતા. ગેસ્ટહાઉસમાં બંને વચ્ચે બહુ લાંબી ચર્ચા થઈ હતી. વાતચીત દરમિયાન બાબાસાહેબે દિલીપકુમારને જણાવ્યું કે તમે મુસ્લિમ સમુદાયના ગરીબો માટે કશુંક કરવાનું વિચારો. બાબાસાહેબની વાત દિલીપકુમારના દિલમાં ઉતરી ગઈ હતી. એ વખતે તો તાત્કાલિક તેમણે કશું નહોતું કર્યું. પરંતુ, વર્ષો સુધી આ વાત એમના દિમાગમાં ઘોળાયા કરી હશે અને તે પાછળથી પસમાંદા મુસ્લિમો (ઓબીસી મુસ્લિમો)ના મંચ સુધી દિલીપકુમારને દોરી ગઈ હતી.

બહુ ઓછા લોકોને આ વાતની ખબર છે કે દિલીપકુમાર બોલીવુડની એક સર્વકાલીન મહાન સેલીબ્રીટી અને ઉચ્ચ વર્ગીય મુસલમાન હોવા છતાં મહારાષ્ટ્રમાં પછાત (પસમાંદા) મુસલમાનોના અધિકારો માટે ઓલ ઇન્ડીયા મુસ્લિમ ઓબીસી ઓર્ગેનાઇઝેશન (એઆઈએમઓબીસીઓ)ના કર્મશીલો સાથે કામ કર્યું હતું.

પસમાંદા મુસ્લિમો માટે કામ કરતા શબીર અન્સારી અને વિલાસરાવ સોનવણે દિલીપકુમારને સૌ પ્રથમવાર મુંબઈના ઇસ્લામ જીમખાનામાં મળ્યા હતા. દિલીપકુમારે તેમને શાંતિથી સાંભળ્યા હતા. દિલીપકુમાર સામાજિક રીતે અત્યંત સંવેદનશીલ હતા. દેશમાં દુકાળ, પુર જેવી આફતો આવે કે ઇન્ડીયન આર્મી નો કોઇપણ મુદ્દો હોય દિલીપકુમાર હંમેશાં આગલી હરોળમાં રહેતા. તેએ કહેતા હતા કે कोई भी फिल्मी हस्ती अगर सोशीयल इश्यूझ में सोसायटी के साथ नहीं रहेती तो लोग उसे स्क्रीन से उतरते ही भूला देंगे. ये सिर्फ सोशीयल एक्टीवीझम है जो उसे जिंदा रखेगा. શબીરભાઈ અને વિલાસભાઈએ દિલીપકુમારે મંડલ પંચની ભલામણો અંગે જણાવ્યું. અને તેમને કહ્યું કે મુસલમાનોના 85 ટકા પસમાંદા છે અને ઓલ ઇન્ડીયા મુસ્લિમ ઓબીસી સંગઠન આ દિશામાં કામ કરશે. 

1990માં દિલીપકુમાર ઓલ ઇન્ડીયા મુસ્લિમ ઓબીસી સંગઠનમાં સત્તાવાર રીતે જોડાયા અને પછી તો તેમણે સંગઠનની રોજબરોજની પ્રવૃત્તિમાં દિલ દઇને સાથ આપ્યો. દિલીપકુમારે સમગ્ર દેશમાં સંગઠનની સોથી વધારે રેલીઓમાં હાજરી આપી અને સંબોધન કર્યું. ઔરંગાબાદ અને લખનૌની તેમની રેલીઓએ તે સમયે રાજકીય ભૂકંપ પેદા કર્યો હતો. એમના સેલિબ્રિટી સ્ટેટસને કારણે હજારો લોકો સંગઠનની સભાઓમાં આવતા હતા અને રાજકીય વર્ગને પણ તેની નોંધ લેવાની ફરજ પડતી હતી. આ તમામ સભાઓમાં દિલીપકુમાર એક વાત ખાસ જણાવતા હતા કે અનામત પછાત મુસલમાનનો માટે ધાર્મિક મુદ્દો નથી, પરંતુ તેમના આર્થિક ઉત્કર્ષ માટેનું સામાજિક માધ્યમ છે. દિલીપકુમાર પસમાંદાનો પાવરફુલ અવાજ બન્યા હતા. દિલીપકુમારના પ્રયત્નોને કારણે મહારાષ્ટ્ર સરકારને 1990માં પસમાંદા મુસલમાનોને ઓબીસીમાં સમાવવાની ફરજ પડી હતી.

મહાન અભિનેતા દિલીપકુમાર વિષે હજુ ઘણું લખાય એમ છે. આ તો માત્ર શરુઆત છે. હાલ તો એટલું કહી દઉં કે આ પોસ્ટ લખવાની પ્રેરણા દિલીપકુમાર વિષે લખાયેલા એક ગંદા લેખમાંથી મને મળી છે. તમે આ ગંદો લેખ વાંચ્યો હશે. જેમાં બાબાસાહેબે દિલીપકુમારને ગાળો બોલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સત્ય એનાથી તદ્દન વિપરીત છે. હકીકતમાં, દિલીપકુમાર અને બાબાસાહેબના સંબંધો બહુજન ઇતિહાસનું એક મહત્વનું પ્રકરણ છે.

- રાજુસોલંકી

Image may contain: 4 people, people standing and indoor

Image may contain: 7 people

Image may contain: 3 people, people standing and child

1 comment: