Showing posts with label Milan Kumar. Show all posts
Showing posts with label Milan Kumar. Show all posts

August 26, 2017

શ્રદ્ધા, અંધશ્રદ્ધા, અને અંધશ્રદ્ધા નો અતિરેક

By Milan Kumar || 21 Aug 2017 


નમસ્કાર મિત્રો, ગઇ કાલે નરેન્દ્ર દાભોલકર ની પુણ્યતિથિ હતી, નરેન્દ્ર દાભોલકર વ્યવસાયે ડૉક્ટર અને અંધશ્રદ્ધા સામે પ્રચંડ ચળવળ ચલાવનાર વ્યક્તિ હતા. તેમણે મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ ની સ્થાપના કરી હતી. જેમની પૂનામાં મોર્નિંગ વૉક દરમિયાન હત્યા કરવામાં આવી હતી. એમની સ્મૃતિમાં આજે આ લખવાનો વિચાર આવ્યો.



વર્ષોથી ચાલી આવેલી પણ હમણાં હમણાં પ્રસાર માધ્યમોના કારણે જાગૃતિ આવવાથી વધુ પ્રચંડ બનેલી વિચારોની આ લડત અનેક પ્રશ્નો ઊભા કરે છે. 



સૌ પ્રથમ વાત કરીએ શ્રધ્ધાની. 
શ્રદ્ધા એટલે શું??



તો બસ એમાં જલન માતરી નો આ એક શેર ઘણું બધું કહી જાય છે,


શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.


શ્રધ્ધા ના વિષય માં કંઈક એવું જ છે, એની સામે આપણે તર્ક થી લડવા જઈએ તો પણ શ્રદ્ધાળુઓ જેની જેની શ્રદ્ધા એમ કહીને છૂટી પડતા હોય છે. હું એવું માનું છું કે જ્યારે ઘરેથી બહાર નીકળતી વખતે તમે તમારા ઇષ્ટ દેવને પ્રણામ કરીને નીકળો છો,કો બધું સારું થાય તો એ તમારી શ્રદ્ધા છે. તમે પેપર લખતા પહેલાં જય માતાજી , જય શ્રી રામ, જય ભીમ, મનમાં બોલો છો કે પછી જીસસ, અલ્‍લાહ ને યાદ કરો છો એ તમારી શ્રદ્ધા છે. તમે કંઇક ખરાબ કરવા જાઓ ને કોઈ નું સ્મરણ તમને રોકી લે તો એ તમારી તેના પ્રત્યેની શ્રદ્ધા છે. આવી શ્રદ્ધા સામાજિક રીતે ખાસ અડચણરૂપ નથી, જો તે વ્યક્તિ ના મન અને ઘર પૂરતી સિમિત રહે તો.


હવે વાત કરીએ અંધશ્રદ્ધાની,
તો અંધશ્રદ્ધાનો જન્મ તો શ્રદ્ધામાંથી જ થાય છે, જ્યારે આપણે જરૂરી સમજણ નથી કેળવી શકતા અને કટ્ટર ધાર્મિકતા ને કારણે અમુક સત્યો નથી સ્વીકારતા. વ્યક્તિ ઇશ્વર માં માને છે,પણ એને અમુક ચોક્કસ ક્રિયાકાંડ કરશો તો જ પ્રસન્ન થશે, સાત પૂનમ ભરો તો જ નોકરી મળશે, ફલાણા વ્રત કરું તો જ ફલાણું સુખ મળશે આ આપણી અંધશ્રદ્ધા છે જેનો લાભ અનેક લોકો ઊઠાવે છે. તમે ફક્ત એની પૂજા કરો, ને એ તમારા કામ કરી દેશે. ઇશ્વર એટલો સ્વાર્થી છે?શ્રદ્ધા વર્તમાન પત્રો વાંચતા હશો તો લોકોની શ્રદ્ધા નો ફાયદો ઊઠાવતા ધૂતારાઓના કારનામા રોજ છપાતા હોય છે. શિક્ષિત કુટુંબો પણ એમાંથી બાકાત નથી જે લોકો અંધશ્રદ્ધા ને કારણે પોતાની જુવાન પુત્રી /વહુને પણ આવા ધુતારાઓની જાળમાં નાખી દેતા હોય છે, અનેક રૂપિયા નો વ્યય કરે છે ને અંતે પોલીસ ના શરણમાં જાય છે.આ તો સામાન્ય ઉદાહરણ છે, બાકી અત્યંત નિમ્ન કક્ષાની અંધશ્રદ્ધાઓ આપણા દેશમાં પ્રવર્તે છે, જેમાં મોટા ભાગે નિમ્ન ગણાતા અને ગરીબ લોકો ને જ નુકસાન થાય છે.બીજી એક વાત કે દેવી ને પૂજતા આપણા દેશમાં વિધવા સ્ત્રી ને અત્યંત અપવિત્ર માનવામાં આવે છે, એના હાથે શુભ પ્રસંગે કંઈ કરાવવામાં આવતું નથી. (આ પ્રથા ને પડકારવા અમે અમારા દરેક કાર્યક્રમ માં વિધવા મહિલાઓ ને હાથે અનેક સારા કામ કરાવીએ છીએ)આ પણ એક અંધશ્રદ્ધા જ છે ને આવી અનેકો અંધશ્રદ્ધાથી સ્ત્રી પણ અનેક પ્રકારની ગુલામી ભોગવે છે. 



હવે છેલ્લે અંધશ્રદ્ધા નો અતિરેક,
ગુગલમાં પશુ બલિ લખીને સર્ચ કરજો,ઇમેજસ જોજો અને માહિતી વાંચજો. ઇશ્વર ને નામે અનેક પ્રાણીઓ ની નિર્મમ હત્યા થઈ જાય છે, કેટલાક ઠેકાણે તો બાળકો ને બલિ ચઢાવી દેવાના પણ કિસ્સાઓ સામે આવે છે. ઇશ્વર ને અલ્‍લાહ માટે માસૂમ લોકોની હત્યાઓ નો પણ આમાં જ સમાવેશ થઈ શકે. તમને આ દોષ નડે છે, આટલું કરો તો હું એનું નિરાકરણ લાવી દઈશ. ને આપણા ભણેલા ગણેલા લોકો એ બધું કરે છે જે પેલો કહે છે. અમારા ફળિયામાં કેટલાક ઘર એવા છે જ્યાં છોકરાઓ ને પૂરતી સગવડ નથી મળતી પણ ફલાણા માતાજી ના વ્રત આવે એટલે એ જ લોકોમાં મોંઘી ને મોટી મૂર્તિ લાવવાની હરિફાઇ હોય છે, મોટી મૂર્તિ વધારે કૃપા કરે કે શું?


આપણે કહેવાને માટે આઝાદ થઈ ગયા પણ આજે પણ આપણું મન અનેક માન્યતાઓની ગુલામીમાં છે. અંધશ્રદ્ધા નો કારોબાર કોણ ચલાવે છે,એનાથી એમને શું ફાયદો છે એ બધી વાત જવા દઈને એક જ વાત વિચારીએ, કે કોઈ તમને ત્યારે જ મૂર્ખ બનાવી જાય છે જ્યારે તમે મૂર્ખ બનવા તૈયાર હોવ છો, 


ક્યાં સુધી બનશો??

એક લેખમાં મેં વાંચ્યું હતું કે,
શ્રદ્ધા ના સેલ્સમેનો જાણે છે કે પ્રજા આંધળી છે.!

મિલન કુમાર 

May 11, 2017

ધર્મના ગાંડપણ પાછળ ચાલતા ભયંકર શોષણ ને જોવા કે સમજવા માટે ની સક્ષમતા જ નથી દેખાતી : મિલન કુમાર

ક્યાંક ગૌ હત્યા ના વિરોધ સામે દલિત અત્યાચાર પણ નો વિરોધ કરશો તો એ કહેશે, તમે હિન્દુ ધર્મનો વિરોધ કરી રહ્યા છો.
ક્યાંક પૂજાપાઠ ની સત્યતા, અને એમાં કરવામાં આવતા વાયદા (ફલાણો યગ્ન કરો તો ફલાણું ફળ મળશે) પર સવાલ કરો તો, એ લોકો કહેશે,કે તમે હિન્દુ ધર્મનો વિરોધ કરી રહ્યા છો.
ક્યાંક મંદિરોમાં પણ ચાલતા આભડછેટ અને જાતિવાદ નો વિરોધ કરશો, તો એ લોકો કહેશે,કે તમે હિન્દુ ધર્મનો વિરોધ કરી રહ્યા છો.
ક્યાંક ભગવાન ના સ્વરૂપ ની ચર્ચા કરશો કે આટલા હાથ, અને આવું સ્વરૂપ કઈ રીતે હોઈ શકે? ક્યાંક એમના ચમત્કારી જન્મો વિશે પ્રશ્નો કરશો, તો એ લોકો કહેશે,કે તમે હિન્દુ ધર્મનો વિરોધ કરી રહ્યા છો.
કેટલાય પંડિતો પોતે ઉચ્ચ જાતિનું અભિમાન રાખી યજમાન ને ત્યાં પાણી સુધ્ધાં પીતા નથી, માણસ ના અસ્તિત્વ ને નકારતો એક મોટો વર્ગ , ઇશ્વર નું અસ્તિત્વ સાબિત કરવા તલવારો ખેંચી કાઢે છે.. એમના આ દંભ નો વિરોધ કરશો તો એ લોકો કહેશે,કે તમે હિન્દુ ધર્મનો વિરોધ કરી રહ્યા છો.
વાસ્તવમાં તમારો વિરોધ અન્યાય , અંધશ્રદ્ધા , આભડછેટ બ્રાહ્મણવાદ સામેનો છે, પણ એમણે પોતાની પાપી પરંપરાઓને ધર્માંધ પ્રજા રૂપી રક્ષા કવચ આપી દીધું છે.,તમે કોઈ પણ વાતનો વિરોધ કરશો તો એ ધર્માંધ લોકો તમને પાકિસ્તાન મોકલી દેવાની વાત કરશે. જાણે કે ભારત તો હિન્દુ..( એ પણ બ્રાહ્મણ વાદી) લોકોનો જ દેશ હોય..

આવા અનેક ઉદાહરણ છે, વાસ્તવમાં હિન્દુ લોકોને ધર્મનું એવું તો ઘેલું લગાડી દેવામાં આવ્યું છે કે એ લોકો એની પાછળ ચાલતા ભયંકર શોષણ ને જોવા માટે સક્ષમ નથી રહ્યા. એ જ કારણ થી અનેક લોકો ધર્મથી વિમુખ થઈ રહ્યા છે. કે જ્યાં સત્ય અને શંકા ને કોઈ સ્થાન નથી માત્ર ચૂપ રહીને સ્વીકાર કરો તો તમે સાચા હિન્દુ.....!!! શંકા કરવી હોય તો પાકિસ્તાન જતા રહો...!

મહારાજ...,
સદીઓ જૂની અકડ હવે છોડો, જે ગ્રહોની તમે બીક બતાવો છો ત્યાં તો માણસ જવા આવવા લાગ્યો છે..

અટકો હવે,
નહી તો ભવિષ્યમાં બધું છોડીને ફક્ત ઘરવાપસી ના કાર્યક્રમો કરવા પડશે...

-- ✍મિલન કુમાર

May 08, 2017

ફક્ત એક જ પાયા પર સામાજિક વિકાસ ની ઇમારત ચણી શકાય ખરી?? : મિલન કુમાર



સામાજિક વિકાસ માટે વૈચારિક ક્રાંતિ જરૂરી જ છે,  પણ સાથે સાથે પ્રેક્ટિકલ વર્ક પણ એટલું જ જરૂરી છે. દલિત સાહિત્ય પણ વર્ષોથી લખાય છે. પણ છતાં કેટલું પરિવર્તન આવ્યું ?? ફક્ત એક જ પાયા પર સામાજિક વિકાસ ની ઇમારત ચણી શકાય ખરી?? કેટલાય લોકો મૂકસેવક બનીને સમાજની સેવા કરી રહ્યા છે, આપણે પણ એ પ્રેક્ટિકલ વર્કમાં સહભાગી થવું જરૂરી છે. મેસેજ ફોરવર્ડ કરવાની સાથે સાથે નીચે મુજબ ના કામોમાં પણ સહભાગી બનો.


(૧) પોતાના ગામમાં સ્વૈચ્છિક રીતે સમાજ ની સેવા કરવા ઇચ્છતા લોકોનું એક ગ્રુપ બનાવો. શિક્ષણ વિશે સમાજ ના લોકોને માર્ગદર્શન આપો. જરૂર પડે આર્થિક મદદ પણ કરો. એ તમારી પહેલી ફરજ છે. 'હું તો મારી મહેનત થી લાગ્યો છું'', 'મારે તો કોઈની જરૂર નથી ' એવા વિચારો મનમાંથી કાઢી નાખો. 

(૨) દરેક વર્ષે શૈક્ષણિક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સેમિનાર કરો, સમાજના સમૃદ્ધ લોકો પાસેથી આર્થિક મદદ મેળવી વિદ્યાર્થીઓ ને મટેરીઅલ્સ આપો. પરીક્ષા પણ યોજી શકાય. સમાજ ના કેટલાય યુવક- યવતીઓ  યોગ્ય માર્ગદર્શન ના અભાવે પ્રતિભા હોવા છતાં સફળતાથી દૂર રહી જાય છે. સમાજની મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી રહી છે. કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપો.

(૩) અંધશ્રદ્ધા પણ હાલના સમયમાં સામાજિક વિકાસના મુખ્ય અવરોધક પરિબળોમાંનુ એક છે. અને એનો ભોગ સમાજના દરેક લોકો બને છે. અંધશ્રદ્ધા અનેક પ્રકારની છે જે આપણે સૌ જાણીએ છીએ. બસ, માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે, પૂનમો ભરવાથી કે માંડવડીઓ કરવાથી સુખ નથી મળતા, એ સમાજ ને સમજાવો. પોતે એના ઉદાહરણ બનો. કારણ કે આ વિષયમાં સૌથી પહેલી તમારા પર જ આંગળી થશે.

(૪) ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી દલિત વસાહતોમાં સાંજ પડે જઈએ તો જુગાર અને દારૂ ની મહેફિલો ચાલુ હોય છે એ પણ સમાજ નું એક મોટું દૂષણ છે. એવી વસાહતોના યુવા વર્ગને આ વિશે સજાગ કરો. સમજાવો. ધીમે ધીમે નવી પેઢીને આ બદીમાંથી બહાર લાવો. ઉતાવળીયા નિર્ણયોથી નહી ધીરજથી જ આ કામ પાર પડશે.

(૫) સમાજ જૂદા જૂદા સ્વરૂપે વિભાજીત છે, વિકાસ ને અવરોધતું આ પણ પરિબળ છે. પ્રથમ પેટા જાતિ, એમાં પછી પરગણા, એમાંય એક ગામમાં ચમારોની વસ્તીમાં પણ અનેક  ભાગ હોય, રાઠોડ, ચૌહાણ , સોલંકી બધાં અલગ અલગ ..એક ના લગ્નમાં બીજો ન આવે, ના તો મરણમાં ના તો સમસ્યાઓમાં.. આપણો સમાજ ખરેખર એક છે? અન્ય સમાજમાં આ દૂષણ હોય તો પણ જરૂર પડે બધા એક થઈ જાય છે. અહી આપણે એ વાડાઓને તોડવાના બનતા તમામ પ્રયત્નો કરો, અન્ય પેટાજાતિના દરેક સારા નરસા પ્રસંગોમાં ભળીને એકતા કાયમ કરો.

(૬) જે કુરિવાજોમાંથી સમાજે વહેલી તકે બહાર આવવાની જરૂર છે, એવા રીવાજો વધતા જ જાય છે. જે આવક સમાજ ના શૈક્ષણિક વિકાસ પાછળ વપરાવી જોઈએ તે આવા વ્યર્થ રીવાજોમાં વપરાઈ જાય છે. હા, કેટલાક મિત્રો હવે એમના સ્વજનો ના મૃત્યુ પ્રસંગે , કે સારા પ્રસંગે પણ વિદ્યાર્થીઓ ને બુક્સ વિતરણ કરી રહ્યા છે જે પ્રશંસનીય પગલું છે.

(૭)જે લોકો આ સમાજમાંથી અનેક ઊંચા હોદ્દા પર પહોંચ્યા છે અને બાબાસાહેબ ના સંદેશ ને અને સમાજ પ્રત્યે ના પોતાના કર્તવ્ય ને વિસરી ગયા છે એમના માં સમાજ ના લાચાર લોકો વિશે મમતા જગાવો. કારણ કે બીજા તમામ લોકો કરતા આવા લોકો સમાજ ના સૌથી મોટા ગુનેગાર છે. એમની પહેલી ફરજ છે સમાજ ને આગળ વધારવાની, સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાની.

(૮) જ્યાં સમાજ ની ઓછી અને અલ્પશિક્ષિત  વસ્તી હોય ત્યાં જ અત્યારોનું પ્રમાણ વધારે હોય છે, આવા લોકો આર્થિક રીતે પણ અન્ય સમાજ પર આધારિત છે. એ આપણી આ બધી ઓનલાઇન (☺) ક્રાંતિ થી અજાણ છે, એમની મુલાકાત કરો, એમનું આત્મસન્માન ની ભાવના જાગૃત કરો. એમના સંતાનો ને મહાપુરૂષોના સંઘર્ષ અને બલિદાન થી માહિતગાર કરો. એમને સમજાવો કે વર્તમાન માં આપણે ક્યાં છીએ ને ક્યાં જવુ જોઈએ.

(૯)એક સમજુ વ્યક્તિ ક્યારેય સમાજને અન્ય સમાજની સામે લડવા ઊભો નહી કરી દે, આવું બાબાસાહેબે પણ નહોતું કર્યું. દલિતો સાથે થતા અન્યાયથી અન્ય સમાજ પણ વાકેફ છે, જે લોકો તમારી વેદના સમજે છે એ બધાને સાથે લઇને ચાલવું પણ એટલું જ જરૂરી છે. દલિત ની સમસ્યાઓ દલિતો જ સમજી શકે એ માન્યતા પણ ભૂલ ભરેલી છે. સમાજ ના વિકાસ માટે અન્ય સમાજની પણ શક્ય હોય એ તમામ મદદ સહર્ષ સ્વીકારો.

કોઈ શું કહેશે? સફળ થઈશું કે નહી? હું એકલો કઈ રીતે કરું?? આ બધા વિચારો છોડી શરૂઆત કરો. ક્યાં સુધી બચાવપ્રયુક્તિ વાપરી અન્ય ને દોષ દેતા રહેશો???

-મિલન કુમાર.
અરવલ્લી. (૮/૫/૧૭)



May 05, 2017

મિણબત્તીઓ લઇને નીકળી પડવા વાળા નહી પણ એવી જરુર જ ન પડે એ માટે કર્મશીલ બનો : મિલન કુમાર


આપણે હંમેશા રાહ જોઈએ છીએ , કે કોઈ શરૂઆત કરે તો હું સપોર્ટ કરું, પણ શરૂઆત કોઈ નથી કરતું...

શિયાળાની સાંજનો સમય હતો. એટલે સ્વાભાવિક રીતે અંધારું વહેલું થઈ ગયુ હોય. એક યુવતી નોકરી એ થી પરત જવા માટે બસમાં બેઠી. તો બાજુમાં એક અંદાજે પિસ્તાળીસવર્ષના કાકા આવીને બેઠા. જેમ જેમ બસ ની ગતિ વધી એમ પેલાભાઈની ગતિવિધિ વધવા લાગી . અને એ કાકા યુવતી ને અડપલાં કરવા લાગ્યા. અકડાઈને યુવતી એ કહી દીધું કે કાકા સરખા બેસો. પણ કાકાના અડપલા ચાલુ રહ્યા.યુવતી ઊભી થઈ ગઈ. તો કાકા પણ ઊભા થઈ ગયાં. ને અન્ય એક યુવતી પાછળ ઊભા રહી ગયાં. ને અડપલાં કરવા લાગ્યા. યુવતી થી આ સહન ના થયું. ને કહ્યું કે તમારે આગળ ના સ્ટેન્ડે ઊતરવાનું હતું તો કેમ ઊભા થઈ ગયાં?તો પછી ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે એમ કાકા યુવતી ને બોલવા લાગ્યા કે 'તુ મને બદનામ કરે છે... ''યુવતી એ કંડ્કટર ને ફરિયાદ કરી પણ ત્યાં પણ નિરાશા સાંપડી. ને આ ઓછું હોય તેમ પાછળ બેસેલ એક વ્યક્તિ પણ યુવતી વિશે અપશબ્દો બોલવા લાગ્યો . યુવતી એ એને કહ્યું કે કાકા કેમ આમ બોલો છો? તો પણ બાજુ માંથી કોઈએ યુવતી ને સમર્થન ના આપ્યું . એ યુવતી રડી ગઈ.મિત્રો એ યુવતી ને ફક્ત 'એ યુવતી' તરીકે ના જુઓ'. એ યુવતી તમારી બહેન ,પત્ની, દિકરી , માતા,,કોઈ પણ હોઇ શકે છે. તમે જાણો છો પ્રોબ્લેમ ક્યાં છે? હું કહું. એક સિસ્ટમ ઊભી થઈ ગઈ છે નકારાત્મકતા ની. એમાં કંઈક હકારાત્મક જોવા મળે તો આપણને આશ્ચર્ય થાય છે.. 

એક વાર વડોદરા સયાજીબાગમાં સામુહિક જમણવાર બાદ હું પેપરડીશ થોડે દૂર મૂકેલ ડસ્ટબીનમાં ફેંકવા ગયો તો ત્યાં બેઠેલ યુગલે તાળી પાડીને મને બિરદાવ્યો.કારણ કે ડસ્ટબીન હોવાં છતાં લોકો કચરો બહાર ફેંકતા હતાં. એટલે મારું કામ સામાન્ય હોવાં છતાં અસામાન્ય બની ગયું.

યુવતી ના કિસ્સામાં પણ આવું જ બન્યું . એનું વર્તન યોગ્ય હતું, વિરોધ યોગ્ય હતો.પણ છેડતી ના કિસ્સાઓ ને સામાન્ય સમજતા લોકોને આ અસામાન્ય લાગ્યું . એટલે આખી રાત એ શિક્ષિત યુવતી પોતાની જાતને કોસતી રહી. કે આવું કેમ?? હું પણ વિચારું છું આવું કેમ????? 

એક નાનકડો વિચાર કરજો કે કાલે આપણી દિકરી પણ આવા કિસ્સામાં હશે ને આજુબાજુના લોકો પાસે આવુ વર્તન જોઈ નિરાશ થશે એ કેવો સમય હશે?? એ પણ વિચારશે કે કેમ આવું? આપણે આ જ ચલાવવું છે? આવી નાની નાની વાતો મોટા અપરાધો ને જન્મ આપે છે. ને ત્યારે આપણે જ મિણબત્તીઓ લઇને નીકળી પડીએ છીએ...

-મિલન કુમાર