May 08, 2017

ફક્ત એક જ પાયા પર સામાજિક વિકાસ ની ઇમારત ચણી શકાય ખરી?? : મિલન કુમાર



સામાજિક વિકાસ માટે વૈચારિક ક્રાંતિ જરૂરી જ છે,  પણ સાથે સાથે પ્રેક્ટિકલ વર્ક પણ એટલું જ જરૂરી છે. દલિત સાહિત્ય પણ વર્ષોથી લખાય છે. પણ છતાં કેટલું પરિવર્તન આવ્યું ?? ફક્ત એક જ પાયા પર સામાજિક વિકાસ ની ઇમારત ચણી શકાય ખરી?? કેટલાય લોકો મૂકસેવક બનીને સમાજની સેવા કરી રહ્યા છે, આપણે પણ એ પ્રેક્ટિકલ વર્કમાં સહભાગી થવું જરૂરી છે. મેસેજ ફોરવર્ડ કરવાની સાથે સાથે નીચે મુજબ ના કામોમાં પણ સહભાગી બનો.


(૧) પોતાના ગામમાં સ્વૈચ્છિક રીતે સમાજ ની સેવા કરવા ઇચ્છતા લોકોનું એક ગ્રુપ બનાવો. શિક્ષણ વિશે સમાજ ના લોકોને માર્ગદર્શન આપો. જરૂર પડે આર્થિક મદદ પણ કરો. એ તમારી પહેલી ફરજ છે. 'હું તો મારી મહેનત થી લાગ્યો છું'', 'મારે તો કોઈની જરૂર નથી ' એવા વિચારો મનમાંથી કાઢી નાખો. 

(૨) દરેક વર્ષે શૈક્ષણિક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સેમિનાર કરો, સમાજના સમૃદ્ધ લોકો પાસેથી આર્થિક મદદ મેળવી વિદ્યાર્થીઓ ને મટેરીઅલ્સ આપો. પરીક્ષા પણ યોજી શકાય. સમાજ ના કેટલાય યુવક- યવતીઓ  યોગ્ય માર્ગદર્શન ના અભાવે પ્રતિભા હોવા છતાં સફળતાથી દૂર રહી જાય છે. સમાજની મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી રહી છે. કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપો.

(૩) અંધશ્રદ્ધા પણ હાલના સમયમાં સામાજિક વિકાસના મુખ્ય અવરોધક પરિબળોમાંનુ એક છે. અને એનો ભોગ સમાજના દરેક લોકો બને છે. અંધશ્રદ્ધા અનેક પ્રકારની છે જે આપણે સૌ જાણીએ છીએ. બસ, માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે, પૂનમો ભરવાથી કે માંડવડીઓ કરવાથી સુખ નથી મળતા, એ સમાજ ને સમજાવો. પોતે એના ઉદાહરણ બનો. કારણ કે આ વિષયમાં સૌથી પહેલી તમારા પર જ આંગળી થશે.

(૪) ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી દલિત વસાહતોમાં સાંજ પડે જઈએ તો જુગાર અને દારૂ ની મહેફિલો ચાલુ હોય છે એ પણ સમાજ નું એક મોટું દૂષણ છે. એવી વસાહતોના યુવા વર્ગને આ વિશે સજાગ કરો. સમજાવો. ધીમે ધીમે નવી પેઢીને આ બદીમાંથી બહાર લાવો. ઉતાવળીયા નિર્ણયોથી નહી ધીરજથી જ આ કામ પાર પડશે.

(૫) સમાજ જૂદા જૂદા સ્વરૂપે વિભાજીત છે, વિકાસ ને અવરોધતું આ પણ પરિબળ છે. પ્રથમ પેટા જાતિ, એમાં પછી પરગણા, એમાંય એક ગામમાં ચમારોની વસ્તીમાં પણ અનેક  ભાગ હોય, રાઠોડ, ચૌહાણ , સોલંકી બધાં અલગ અલગ ..એક ના લગ્નમાં બીજો ન આવે, ના તો મરણમાં ના તો સમસ્યાઓમાં.. આપણો સમાજ ખરેખર એક છે? અન્ય સમાજમાં આ દૂષણ હોય તો પણ જરૂર પડે બધા એક થઈ જાય છે. અહી આપણે એ વાડાઓને તોડવાના બનતા તમામ પ્રયત્નો કરો, અન્ય પેટાજાતિના દરેક સારા નરસા પ્રસંગોમાં ભળીને એકતા કાયમ કરો.

(૬) જે કુરિવાજોમાંથી સમાજે વહેલી તકે બહાર આવવાની જરૂર છે, એવા રીવાજો વધતા જ જાય છે. જે આવક સમાજ ના શૈક્ષણિક વિકાસ પાછળ વપરાવી જોઈએ તે આવા વ્યર્થ રીવાજોમાં વપરાઈ જાય છે. હા, કેટલાક મિત્રો હવે એમના સ્વજનો ના મૃત્યુ પ્રસંગે , કે સારા પ્રસંગે પણ વિદ્યાર્થીઓ ને બુક્સ વિતરણ કરી રહ્યા છે જે પ્રશંસનીય પગલું છે.

(૭)જે લોકો આ સમાજમાંથી અનેક ઊંચા હોદ્દા પર પહોંચ્યા છે અને બાબાસાહેબ ના સંદેશ ને અને સમાજ પ્રત્યે ના પોતાના કર્તવ્ય ને વિસરી ગયા છે એમના માં સમાજ ના લાચાર લોકો વિશે મમતા જગાવો. કારણ કે બીજા તમામ લોકો કરતા આવા લોકો સમાજ ના સૌથી મોટા ગુનેગાર છે. એમની પહેલી ફરજ છે સમાજ ને આગળ વધારવાની, સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાની.

(૮) જ્યાં સમાજ ની ઓછી અને અલ્પશિક્ષિત  વસ્તી હોય ત્યાં જ અત્યારોનું પ્રમાણ વધારે હોય છે, આવા લોકો આર્થિક રીતે પણ અન્ય સમાજ પર આધારિત છે. એ આપણી આ બધી ઓનલાઇન (☺) ક્રાંતિ થી અજાણ છે, એમની મુલાકાત કરો, એમનું આત્મસન્માન ની ભાવના જાગૃત કરો. એમના સંતાનો ને મહાપુરૂષોના સંઘર્ષ અને બલિદાન થી માહિતગાર કરો. એમને સમજાવો કે વર્તમાન માં આપણે ક્યાં છીએ ને ક્યાં જવુ જોઈએ.

(૯)એક સમજુ વ્યક્તિ ક્યારેય સમાજને અન્ય સમાજની સામે લડવા ઊભો નહી કરી દે, આવું બાબાસાહેબે પણ નહોતું કર્યું. દલિતો સાથે થતા અન્યાયથી અન્ય સમાજ પણ વાકેફ છે, જે લોકો તમારી વેદના સમજે છે એ બધાને સાથે લઇને ચાલવું પણ એટલું જ જરૂરી છે. દલિત ની સમસ્યાઓ દલિતો જ સમજી શકે એ માન્યતા પણ ભૂલ ભરેલી છે. સમાજ ના વિકાસ માટે અન્ય સમાજની પણ શક્ય હોય એ તમામ મદદ સહર્ષ સ્વીકારો.

કોઈ શું કહેશે? સફળ થઈશું કે નહી? હું એકલો કઈ રીતે કરું?? આ બધા વિચારો છોડી શરૂઆત કરો. ક્યાં સુધી બચાવપ્રયુક્તિ વાપરી અન્ય ને દોષ દેતા રહેશો???

-મિલન કુમાર.
અરવલ્લી. (૮/૫/૧૭)



No comments:

Post a Comment