October 26, 2017

ડાયપર બદલો

By Raju Solanki  || 24 October at 14:11



ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીનું પરીણામ ગમે તે આવે, ચારે તરફ અત્યારે એની ચર્ચા છે. ખાસ કરીને સોશલ મીડીયા પર કેટલાક મુદ્દાઓ આવી રહ્યા છે, જેના વિષે બોલવું અત્યંત જરૂરી છે.


મુદ્દો એક. આગામી ચૂંટણી નિર્ણાયક છે.

આમ તો લોકશાહીમાં દરેક ચૂંટણી નિર્ણાયક જ હોય છે. સમજુ માબાપ જેમ બાળકોના ડાયપર બીજા દિવસે બદલી નાંખે એમ સમજુ મતદારોએ દર પાંચ વર્ષે સરકારો બદલી નાંખવાની હોય. પરંતુ, આપણા દેશમાં બાબાસાહેબ આંબેડકરે કહ્યું એમ લોકશાહીનો છોડ બહારથી લાવીને વાવ્યો છે. પ્રજા એટલી પરિપક્વ નથી. વીસ વીસ વર્ષથી એકના એક પક્ષને કારણ વગર સત્તા ભોગવવાની તક આપીએ છીએ. સમય હવે ડાયપર બદલવાનો પાકી ગયો છે.


મુદ્દો બે. બીએસપી, એનસીપી જેવા નાના પક્ષોને કારણે ગુજરાતમાં કોંગ્રેસ જીતતી નથી.

આ એક વાહિયાત તર્ક છે. ગુજરાતમાં ક્યારેય ઉત્તર પ્રદેશની જેમ કોઈ ત્રીજો કે ચોથો પક્ષ એટલો મજ્બૂત બન્યો નથી કે એના કારણે કોંગ્રેસ હારે. ગુજરાતમાં કોંગ્રેસને કોંગ્રેસીઓ જ હરાવતા આવ્યા છે. બીજેપીનો વોટ શેર 43 ટકા હોય અને કોંગ્રેસનો 35 ટકા હોય ત્યારે હારનારા તમામ પક્ષોના મત એકઠા થાય તો પણ ગુજરાતમાં બીજેપી જીતતી આવી છે.

મુદ્દો ત્રણ. બીએસપી જેવા દલિત પક્ષો યુપીમાં ચાલ્યા નથી, ગુજરાતમાં તો નહીં જ ચાલે

પહેલી વાત તો એ કે બીએસપી કે બીએમપીનો ઝંડો લઇને ફરતો માણસ પોતાના ખર્ચે અને જોખમે કામ કરે છે. એને કોઈ અદાણી કે અંબાણી પૈસા આપતા નથી. લોકશાહીમાં માણસને આટલો હક્ક તો હોવો જોઇએ. રહી વાત ગુજરાતની તો ગુજરાતમાં બીએસપીને કારણે ભાજપ જીતે છે અને કોંગ્રેસ હારે છે એવું અત્યાર સુધી ક્યારેય બન્યું નથી. બીએસપી જેવા દલિત-બહુજન પક્ષો જે દિવસે મજબૂત થશે તે દિવસે બીજેપી-કોંગ્રેસ બંનેની હવા નીકળી જશે એ લખી રાખો. એ દિવસ હજુ આવ્યો નથી.

મુદ્દો ચાર. આ વખતે તો બીજેપી જવાની જ.

ગુજરાતમાં 1981માં ભયંકર જાતિ-દ્વેષી અનામત-વિરોધી આંદોલન થયું ત્યારથી બીજેપીના આગમનના ભણકારા વાગતા હતા. દલિત આંદોલને તો ત્યારથી સંઘ પરિવારના ફાસીવાદને પહેચાની લીધો હતો. હાલ એ ફાસીવાદ બધાના માથે બેસીને ખીલા ઠોકે છે એટલે પટેલોથી માંડીને ઠાકોરો, બધા રાડારાડ કરે છે. પરંતુ, પટેલો અને ઠાકોરો-દલિતોનું અનામત મુદ્દે થયેલું પોસ્ચરિંગ બીજેપીનો પ્લસ પોઇન્ટ છે.

મુદ્દો પાંચ. પટેલ, ઠાકોર, દલિત આંદોલનોને કારણે બીજેપી હારશે.

જરા ટેપ રીવાઇન્ડ કરો. જ્યારે પટેલ આંદોલન શરૂ થયું ત્યારે એસસી, એસટી, ઓબીસીની એકતાના નારા હવામાં ગૂંજ્યા હતા. ઘણા લોકો ગેલમાં આવી ગયા હતા કે ગુજરાતમાં હવે ખામ લોબી ફરી જીવિત થવાની છે. વરસ પછી ઉના-દમન થયું અને મીડીયાએ ત્રણ જાતિના ત્રણ લીડરો પ્રોજેક્ટ કર્યા. કોઇને ખબર જ ના પડી કે આ સમગ્ર મીડીયાગીરી એસસીએસટીઓબીસીના ધ્રૂવીકરણને તોડવા માટે થઈ હતી. હાલ ગુજરાતમાં ચૂંટણી માથે હોવા છતાં મીડીયામાં શિક્ષણના ખાનગીકરણ જેવા અત્યંત ગંભીર અને મહત્વના મુદ્દાઓ ચર્ચાતા જ નથી. ફલાણો, ઢીંકણો કે લોંકણો કઈ પાર્ટીમાં જશે એની પર જ ફોકસ થઈ રહ્યું છે. આવું વ્યક્તિવાદી રાજકારણ રમાયા પછી પણ બીજેપી હારવાની હોય તો હું એને ચમત્કાર જ કહીશ.

મુદ્દો છ. કોંગ્રેસને વોટ આપવો કે નહીં તે લોકો નક્કી કરશે.

હાલની ચૂંટણીનું આ સૌથી મોટું તકવાદી વિધાન છે. ભલા માણસ, અમારા તો બાપદાદા કોંગ્રેસી હતા. કોંગ્રેસને વોટ આપવા માટે અમારે તમારી સલાહ લેવાની જરૂર નથી. અને આવું જ કરવું હતું તો તમારી શું જરૂર છે? લોકશાહી છે. બે પક્ષો છે. લોકો વાઘ કે સિંહની કોઈની પણ પસંદગી કરવાના જ છે. (ફાડી ખાવા માટે)

મુદ્દો સાત. કોંગ્રેસને બિનશરતે વોટ આપવો જોઇએ.

આ સૌથી ભયાનક બાબત છે. તમારે કોંગ્રેસના બાપ બનીને વોટ આપવો છે કે હાથ જોડીને વોટ આપવો છે? કોંગ્રેસ સત્તા પર આવે પછી તમારી સામે જોવાની નથી એમ સમજીને અત્યારે જ તેની જોડેથી શક્ય તેટલી માંગણીઓ પર લેખિત વચન લેવાનો આ જ સમય છે.

મુદ્દો આઠ.આ વખતે બીજેપી સત્તા પર આવશે તો તમે મરી જ ગયા સમજો

ના દોસ્ત. મને આ રીતે ડરાવવાની જરૂર નથી. દસ વરસ પહેલાં આપણે જે દહેશતો સેવેલી એ આજે સાચી પડી છે. એમાં ના નહીં. બીજેપી કેન્દ્રમાં સત્તા પર આવી છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. આજે મોદી પીએમ છે. મોદી શું ઉખાડી લેશે આ દેશના દલિત-બહુજનોનું? સવા અબજનો દેશ છે. કરોડો યુવાઓ છે. મોદીનો બાપ આવે તો પણ આ દેશમાં કટોકટી લાદી નહીં શકે અને લાદશે તો ઇદી અમીન જેવા સરમુખત્યારોની જેમ એ પણ ઇતિહાસની કચરા ટોપલીમાં ફેંકાઈ જશે.

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જે કોઈ આવે. જનતા જનાર્દનનો જુવાળ તો હજુ આવવાનો બાકી છે.
તીસરી આઝાદીની લડાઈ હજુ બાકી છે.
વો સુબહ જરૂર આયેગી. તા ઉમ્ર ઇંતજાર કિયા થા. ઔર ભી કરેંગે.

જય ભીમ. જય ભારત.