By Dinesh Makwana || 26 July at 09:00
(Photo From Dr. BR Ambedkar's Caravan)
સામાજિક રીત રિવાજો પર જ્યારે વાત ચાલતી હોય કે તેના વિશે લખાયુ હોય તેનો મતલબ તે નથી આપણા વડીલોએ જે નિયમ બનાવ્યા છે તે ખોટા છે. પણ સમયની સાથે તેમાં જે સુધારો આવવો જોઇતો હતો તે આવવો જોઇએ. સક્ષમ અને અસક્ષમ બન્ને ને ધ્યાનમાં રાખીને આજની પરિસ્થિતિ ને અનુરુપ રિતરિવાજો નું સ્વાગત કરવું જોઇએ. કેટલીક જગ્યાએ આવા સુધારા થઇ રહ્યા છે, ૬૩૬ પરગણાની અંદર આવેલા પેટા પરગણાએ પણ આવા સુધારા કર્યા છે તે આવકારદાયક છે. પણ આ સંવેદનશીલ મુદો હોઇ દરેક તેનાથી દુર ભાગે છે. જે ચાલે છે તે ચાલવા દો.
બાબા સાહેબે હિન્દુ કોડ પાસ ના થઇ શક્યુ ત્યારે તેમણે કાનુનમંત્રી તરીકે રાજીનામું આપ્યું. હિન્દુ કોડના બીજા મુદાઓની સાથે તેમાં સ્ત્રીઓને કયા અધિકાર મળે તે મહત્વનું હતું. પણ તે સમયના સમાજમાં હજુ શાસ્ત્રો અને બીજા ગ્રંથોની અસર વધુ હતી. તેથી દરેકે તેનો વિરોધ કર્યો. દીકરી મિલકતમાં ભાગીદાર બની શકે નહી. આ પરિસ્થિતિ કહેવાતા સવર્ણોની હોય તો આપણી શુ વિસાત?
પણ આપણા વડીલોએ આ પરિસ્થિતિ બહુ વર્ષો પહેલા સમજી ગયા હોય તેમ દેખાય છે. કારણ કે તે સમયે લગભગ દરેકની આર્થિક સ્થિતિ સરખી હતી. તેથી દીકરી દેવા તળે આવી ના જાય અને તેથી દરેક પ્રસંગે દીકરીના ઘેર મદદ કરવી તેવો સ્પષ્ટ અભિગમ આ બધા રિવાજોમાં જોવા મળે છે. આનાથી શ્રેષ્ઠ અને ઉમદા હેતુ બીજો હોઇ શકે જ નહી. દરેક નું ઘર માંડ ચાલતુ હોય ત્યાં આવા પ્રસંગો પર જો આર્થિક મદદ મળે તો પ્રસંગ પાર પાડી શકાતા. અપવાદો હોઇ શકે.
હિન્દુ કોડ બની ના શક્યો તેથી તેના કેટલાય ભાગો જુદા જુદા કાયદા સ્વરૂપે આપણને મળ્યા. સુપ્રિમ કોર્ટે તાજેતરના એક ચુકાદામાં કહ્યુ છે કે દીકરી પણતમારી મિલકતમાં ભાગીદાર છે. આ વાત હમણા કહી પણ આપણા વડીલોએ દરેક પ્રસંગે કશુ આપીને દીકરીને પોતાની મિલકતની ભાગીદાર વર્ષો પહેલા બનાવી દીધી હતી. કેટલા દુરદંશી આપણા વડીલો હતા!
ગઇ કાલે બે ત્રણ મિત્રોએ બહુ સરસ વાત કરી કે જો દીકરીને મિલકતમાં ભાગીદાર ગણીને તેને કશુ આપતા રહીયે તો વાંધો શુ છે. ખરેખર તો કોઇને વાંધો હોવા ના જોઇએ. હુ પોતે દીકરીનો બાપ છુ. મિલકતની ભાગીદાર દીકરી હોવી જ જોઇએ, પણ દેવાની નહી.
અત્યારે આપણે નોકરી અને ધંધાને કારણે સંપન્ન બન્યા પણ ગામડામાં રહીને મજુરી કરતો વર્ગ હજુ બેહાલીમા જીવે છે. પોતાની મિલકત કોને અને કયા આપવી તે દરેકનો અબાધિત અધિકાર છે. આ લેખમાળાનો હેતુ તેમના અધિકાર પર તરાપ મારવાનો નથી પણ સમાજના બીજા વર્ગના આપણા જ સમાજના માણસોને અન્યાય ના થાય તે જોવાનો છે. માત્ર બે ઉદાહરણ આપું.
એક સક્ષમ વ્યકિતની ચાર બહેનો. ચારમાંથી માત્ર એક બહેન થોડાક આર્થિક મજબુત, બાકીની ત્રણ બહેનો મજુરી કરીને જ ઘર ચલાવે. આ સક્ષમે દરેક સમયે જે તે રિવાજ મુજબ તેમના ઘેર જઇને મામેરું કે પાઘડી તે સમયની સ્થિતિ મુજબ આપ્યું છે. પણ જ્યારે બાપીકી મિલકત વેચી ત્યારે લાખો રુપિયા આવ્યા ત્યારે તેમાથી કશુ આપ્યું નહી. સક્ષમ સંપન્ન થયા અને બહેનો તેજ દશામાં જીવી રહી છે.
એક વ્યકિતને સાત દીકરીઓ. બહુ સરસ માણસ, દીકરીઓ માટે જ તેનું જીવન સર્જ્યું હતું. દરેક દીકરીના સીમંત સમયે દરેકને લગભગ એક લાખ રુપિયાનુ મામેરું આપ્યું. મૃત્યુ પામ્યા ત્યારે બે લાખ રુપિયાનુ દેવું મુકીને ગયા હતા. દેવું દીકરો એકલો ભરી રહ્યો છે. કારણ કે દીકરી મિલકતની ભાગીદાર છે, દેવાની નહી.
આ બંને ઉદાહરણો બિલકુલ સાચા છે. આવા કેટલાય ઉદાહરણો આપણા સમાજમાં છે. તેનાથી આપણે સમજી શકીયે કે કયા ખોટું થઇ રહ્યું છે. આપણી દીકરીઓ એટલી ખાનદાન છે અને તેના સાસરી પક્ષના પણ તેટલા જ સારા છે કે આપણે ત્યાં મિલકતની ભાગીદારી માટે કોઇ કોર્ટ કેસ નથી કર્યા. જેણે આવુ કશુ કર્યુ તેને ભાગ આપીને તમામ સંબંધો કપાઇ ગયા છે.
તમારી મિલકત ની ભાગીદાર બનાવો જ તેને કોઇને વાંધો હોઇ શકે નહી. પણ રત રિવાજોના ઓઠા હેઠળ બનાવશો તો ગરીબ માર્યો જશે કારણ કે સમાજના નિયમો તેને પણ લાગુ પડે છે.
હમણા જ મારા નજીકના મિત્રની બહેનના સસરાનું મૃત્યુ થયુ. બહેને સીધું કહી દીધું. તમે જીજાજી માટે સોનાની સારી વીંટી લઇને આવજો. બહેન ની આર્થિક બહુ સારી છે. પણ બહેનની જેઠાણીના પિયરની આર્થિક સ્થિતિ સારી નથી. મિત્ર તો પોતાની બહેન માટે વીંટી લઇને ગયા અને જેઠાણીના પિયર વાળાને વીંટી માટે જમીન ગીરવે મુકવી પડી.
રિવાજો વ્યવહારિક અને છેડે રહેલા વ્યકિતઓને નજરમાં રાખીને બનાવેલા હોવા જોઈએ. વર્ષો પહેલા દરેકની સ્થિતિ લગભગ સરખી હતી ત્યારે આ પ્રશ્ન નહોતો પણ અત્યારે તેમાં ઘણો તફાવત આવી ગયો થે. એક જ ઘરમા એક ભાઇ અધિકારી છે અને તેથી આર્થિક રીતે મજબુત છે, બીજો ભાઇ હજુ ગામડામાં મજુરી કરે છે. આવી સ્થિતિને આપણે સમજવી પડશે.
વિશેષ નોંધ: આ માત્ર નિરિક્ષણ છે. જે ઉદાહરણો આપ્યા છે તેને પોતાની પર લેવાની જરુર નથી. આવુ કેટલીય જગ્યાએ બીજા સમાજમાં પણ છે. આપણે શૈક્ષણિક અને આર્થિક મજબુત થઇ રહ્યા છે ત્યારે સામાજિક રીતે મજબુત થઇ શકીયે તે માટેનો આ નમ્ર પ્રયાસ છે. સમાજના બધા વડીલો આ સમજે અને આ દિશામાં નક્કર પગલા ભરે તે ઇચ્છનીય છે અને તેમને નમ્ર વિનંતી પણ છે. માફી સાથે
દિનેશ મકવાણા
૨૬/૭/૨૦૧૭ સવારે ૯.૦૦
અજમેર રાજસ્થાન