August 02, 2017

મૃત્યુ બાદનુ ભોજન- પહેલા અને અત્યારે

By Dinesh Makwana  || 24 July at 15:00

(Photo Source Google)

આ એક એવો વિવાદિત વિષય છે જેમાં મોટા ક્રાંતિવીરો પણ પોતાના વડીલોને નારાજ કરવાની હિંમત બતાવતા નથી. જવા દો, મારે શુ, ની ભાવના કુરિવાજોને પોષણ આપે છે.

ખાસ કરીને દલિત કે કચડાયેલા વર્ગમાં આ પધ્ધતિ છે અને કેટલાક બ્રાહ્મણોમાં પણ આ પ્રકારની વ્યવસ્થા કરેલી છે. આપણી વાત કરીયે તો આજથી ૭૦ કે તેથી વધુ વર્ષ પહેલા મૃત્યુ બાદ સુકા સીધું આપવાની વ્યવસ્થા હતી. વાહનવ્યવહાર ની સગવડ ના હોય ત્યારે મૃત્યુના સમાચાર સાંભળીને તરત નીકળવું પડે, તેથી જેમના ઘેર મૃત્યુ થયુ હોય ત્યાં પહોંચતા જ રાત પડી જતી કે ઘણો સમય લાગતો, તે મોટે ભાગે કેટલે દુર જવાનું છે તેની પર આધાર રહે છે. જયા સુધી દરેક લૌકિક ક્રિયા પતે નહી ત્યાં સુધી ભુખ્યા રહેવું પડે. હવે આ ક્રિયા પુર્ણ થાય તેથી પાછા ફરતી વખતે આ સુકુ સીધું રસ્તામાં કામ લાગે અને તેમાથી ભોજન બનાવીને જમી શકાય.

થોડાક વાહનવ્યવહાર ની સગવડ થઇ એટલે તેમાં આપણે સુધારો કર્યો. આપણે હવે ઘરે જ ભોજન બનાવીને જમાડવાનું શરુ કર્યુ. વાત શોકની છે તેથી ભોજન સાદું હોવું જોઇએ પણ કેટલાક સક્ષમોએ તેમાં સુધારો કરીને થોડુક સારુ ભોજન બનાવવાની ચેષ્ટા કરી અને તે બહાને આપણે ત્યાં લાડવા આવ્યા. કેટલાય ઘરોમાં આખુ વરસ કે વરસો સુધી લાડવા નહોતા બનતા તેમના ઘરમા મૃત્યુ સમયે લાડવા બનવાની શરુઆત થઇ. આ જ મોટી મોકાણ છે. રિવાજ સમાજની સુરક્ષા માટે છે. રિવાજોના ડર થી કોઇ પણ વ્યકિત ગમે તે પગલું ના ભરે અને સમાજના બંધનમાં રહે તે માટે હતા. પણ રિવાજોમાં સુધારો મનમાની રીતે થયો અને તે ખાસ કરીને ગરીબ વર્ગને ભારે પડ્યો. પાછી આ વટવાળી પ્રજાએ દેવું કરીને બધાને લાડવાનું ભોજન કરાવ્યુ અને તે દેવું તેનો દીકરો પણ કેટલીક વાર ઉતારી ના શક્યો. દરેક કિસ્સાની વાત જુદી હોઇ શકે પણ સામાન્ય નિરિક્ષણ ના આધારે લખું છુ.

દીકરી આવે એટલે તેને જમાડીને કે કઇંક આપીને જ મોકલવી પડે. ભાવના ખોટી નહી પરંતુ તેનો સમય ખોટો છે. દરેક સમયે માતા અને પિતા મૃત્યુ પામે એટલે આ વ્યર્થ ખર્ચ આપણને કરવા માટે આપણા સગા સંબંધી કે આડોશી પાડોશી તેટલા જ જવાબદાર છે. આમાં કેટલાય બાધાને કારણે આ ભોજન ના કરે, તેમના માટે બીજાના ઘેર વ્યવસ્થા કરવી પડે.
ઓહ, આપણે આવુ કરતા? પણ હા.

જમાનો બદલાતો હયો, શિક્ષણ વધતું ગયું વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર પણ ઝડપી થયો. હવે માત્ર એક કલાકમાં તમામ સગા સંબંધીઓને મેસેજ થી જાણ કરી શકાય છે અને હવે લોકો ઝડપથી પહોંચી શકે છે અને આ ક્રિયા પતાવીને તે જ દિવસે પાછા ફરી શકે છે. હવે દરેકની પાસે ઓછો સમય છે, બીજી જવાબદારીઓ ઘણી છે. નાની નાની બાબતમાં નોકરીમાં રજા મળતી નથી. તેથી આ મૃતભોજન હવે માત્ર ફારસ થઇને રહી ગયું છે. કેમ રવિવારે બેસણુ ના રાખી શકાય. આ બધા પાખંડોમાંથી છુટવુ પડશે, નકામા રીતરિવાજો ને તોડવા પડશે. આ રિવાજ તમને ખોટા દેવું કરાવે તેને ફગાવી દેવા પડશે.

તમને તમારા માતા પિતા પ્રત્યે પ્રેમ હોય તો જીવતા હોય ત્યારે તેમની તમામ ઇચ્છાઓ પુરી કરો. બાકી તેમના ગયા પછી તમારા કાર્યોની કોઇ કિંમત નથી.

કેટલાક હિંમત કરી રહ્યા છે. કેટલાકે કોઇ બીજા જ સ્થળે માત્ર બેસણું રાખીને અને તે પણ ચોક્કસ સમય પુરતુ રાખીને રિવાજ બદલવાનો પ્રયાસ કર્યો છે. આવા વીરો વંદનને પાત્ર છે.

આની પહેલા લગભગ જાન્યુઆરી મા જ મે આવો લેખ લખ્યો હતો. બે જણાએ ફોન કરીને ગાળો આપી હતી, કેટલાકે સંબધ તોડી નાંખ્યા છે. કેટલાકે કડક ભાષામાં ઠપકો આપ્યો છે. પણ આ બધુ સહન કરીને પણ આજે ફરીથી મારી વાત લખી છે.

જે લોકો મૃતભોજન નથી કરતા તેઓ પણ વંદનને પાત્ર છે. કારણ કે બીજી રીતે આમાથી બહાર નીકળવાની પ્રેરણા આપે છે.

અમે જે ના કરી શક્યા તે નવી પેઢીએ કરવાનું છે તેથી નવી પેઢીને સમર્પિત

દિનેશ મકવાણા
૨૪/૭/૨૦૧૭ બપોરે ૩.૦૦
અજમેર

No comments:

Post a Comment