July 24, 2017

દલિત ચિંતન માટે ગંભીર પડકાર

By Mayur Vadher || 29 June at 22:15 


આંબેડકરે આપેલા મહાન વૈચારિક વારસાને પરીણામે અવતરીત દલિત ચિંતન પ્રતિરોધની લડાઈનુ નેતૃત્વ કરી રહ્યું છે. તેની સમાંતરે તે જાતિ ઉચ્છેદની ધીમી લડાઈ પણ લડી રહ્યું છે. દલિત ચિંતન હિન્દુ સમાજની જાતિઓ સામે તો તેનો જંગ માંડી રહ્યુ છે પણ હિન્દુ સમાજના હાડ-માસમાં વણાઈ ગયેલુ જાતિશ્રેષ્ઠતાનું ગુમાન જાતિ નિર્મૂલનની લડાઈ માટે પડકાર છે. આંબેડકરી ચિંતનની જાતિ નિર્મૂલનની લડાઈ જેટલી ધીમી છે એટલી સામે પક્ષે જાતિને મજબૂત રાખવાની લડાઈ પણ એટલી જ જડપી અને મજબૂત છે. છતા આવી નિરાશાજનક અવસ્થામા આંબેડકરી ચિંતકો જાતિ સામેના બળવામા હિન્દુ સમાજની જાતિ વ્યવસ્થાની ભોં ભાંગી રહ્યું છે. દલિતોમા માહોમાહ વિસ્તરતો જાતિવાદ પણ દલિત ચિંતન માટે ગંભીર પડકાર છે. આંબેડકરી ચિંતકોએ દલિતો વચ્ચે વિસ્તરી રહેલો વણકર, ચમાર, હાડી,સેનવા, ગરો વગેરે વાદની વરવી હકીકતો સ્વિકારી આત્મચિંતન કરવું પડશે. કારણ કે જ્યાં એકલવ્ય અને શંબુક જ પોતાની વર્ગીય ચેતનાનું ઐક્ય સાધી શકતા નથી તો બીજાની તો કલ્પના જ કરવી રહી. ડૉ. આંબેડકર જેવી બહુમુખી અને વ્યાપક પ્રતિભા બંધારણના પ્રમુખ ઘડવૈયા કરતા મુઠી ઉંચેરી છે. હકીકતે, આંબેડકરને ‘બંધારણના ઘડવૈયા’, ‘નારી અને મજૂર અધિકારોના પ્રણેતા’, ‘દલિત ઉદ્ધારક’ જેવી પ્રચલિત ઓળખની કેદમાથી બહાર કાઢવા પડશે. દલિતો જે આંબેડકરને ભાવુકતાથી જોઈ રહ્યાં છે તેને દલિતોએ બૌદ્ધિકતાની એરણે તપાસવા જોઈશે. આંબેડકર 1936મા જે ‘એન્હીલેશન ઓફ કાસ્ટ’મા કહી ગયા ત્યાં સુધી ન પહોંચી શકીયે તો પણ માનસિક જૂદાપણું તો ડામવુ જ રહ્યું. હા, બન્ને પક્ષે. 
-મયુર વાઢેર

લોકશાહી નો કાળો અધ્યાય : બહેનજી નુ રાજીનામુ

By Mayur Vadher   || 19 July at 01:49



સંસદમા અનેક દલિત સાંસદો છે પણ તેને સત્તા પક્ષે ફેકેલા ટુકડા એટલા ભાવી ગયા છે કે જે સમૂદાયને લીધે તેને સંસદમા પ્રવેશ મળ્યો છે તે સમૂદાયની પીડાના કડવા સ્વાદ જ ભૂલાઈ ગયા છે! જાતિવાદી સવર્ણોના અત્યાચારોની આગમા સળગી રહેલા દલિતોના ઝૂંપડા અને કપાઈ ગયેલા દલિતોના મડદાં ભારતીય સવર્ણ વર્ચસ્વવાદી રાજકારણને ધિક્કારી રહ્યા છે.સહારનપુર હિંસામા સળગેલા દલિતોના ઝૂંપડામા દિવસો સુધી ધૂમાડા નીકળતા રહ્યા પણ તેને વ્યક્ત કરવા માટે રાજ્યસભા ઉપસભાપતિએ બહેન માયાવતીને માત્ર ત્રણ જ મીનીટ આપી. એ બહેન માયાવતી જ હતી જેણે દલિતોની પીઠ પર પડેલા ભયાનક સટાક...સટાક અવાજ સંસદના ગૃહોમા ગુંજાવ્યા હતા. રાજ્યસભા સ્પીકરે સહારનપુર દલિત અત્યાચારની પીડાના અવાજને વ્યક્ત કરવા માટે માત્ર ત્રણ જ મીનીટ આપી ત્યારે બહેન માયાવતીએ રાજ્યસભાની સીટ વલોપાત સાથે ત્યાગી દીધી. બહુજન રાજકારણને પૈદા કરવા માટે માન્યવર કાંશીરામ સાહેબ અને તેના સાથીઓ સાથે બહેન માયાવતીએ પણ અકથ્ય ત્યાગ અને સમર્પણ આપ્યા છે. એ ત્યાગ અને સમર્પણ જ માયાવતીને ધ આયર્ન લેડી માયાવતી બનાવે છે, એ ત્યાગ અને સમર્પણને લીધે જ દેશના કરોડો શોષિતોના દિલમા 'બહેનજી' શબ્દ આદર સાથે ગાજે છે.
-મયુર વાઢેર

ઇતિહાસનો સબક

By Raju Solanki  || 22 July at 18:52

ઇતિહાસનો સબક
તમને કોઈ તકવાદી કે ચમચા કહે તો ખોટું ના લગાડો. જાહેર જીવન છે. ચાલ્યા કરે.
કહેવાતા તકવાદીઓ અને ચમચાઓએ પણ લાખો લોકોનું ભલુ કર્યું છે. બીલીવ મી.
કાંસીરામે જેમને મહાન ચમચાનું બિરુદ આપેલું એવા બાબુ જગજીવનરામની પ્રચંડ પ્રતિમા અમદાવાદમાં હજુ ઉભી છે તે જોઈ લેજો મારી વાત તમને સમજાઈ જશે. ‘રેલ્વેમાં બાબુજીએ આપણા લોકોને બહુ નોકરીઓ અપાવી,’ આવું કહેનારા બુઢ્ઢાઓ આજે પણ તમને નરોડા રોડની ચાલીઓમાં મળી જશે.
રામવિલાસ પાસવાને એટ્રોસિટી એક્ટના ગઠનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એક સમયે 125 સાંસદોને એકઠા કરીને રાષ્ટ્રપતિ ભવન સુધી કુચ કરી હતી. પાસવાનની દલિત સેનાની નિશાળમાં સમાજકારણનો એકડો ઘૂંટનારા દલિત કર્મશીલો તમને રાજપુરની ચાલીઓમાં આજે પણ મળી જશે. પાસવાને ઘણાનું ભલુ કર્યું.
ઉદિત રાજે બેંક કર્મચારીઓનું રાષ્ટ્રવ્યાપી સંગઠન બનાવેલું. મારા બેન્ક ઓફ ઇન્ડીયાના મિત્રો ઉદિતરાજના મહાન આશિક હતા. ઉદિતરાજે પણ ઘણાનું ભલુ કર્યું.
તકવાદીઓ ભૂતકાળમાં હતા. આજે પણ છે. જંગે મૈદાનમાં પણ છે. ક્યારેક ઇમિટેશન જ્વેલરી સાચા હિરાના હાર કરતા વધારે ઝગારા મારે છે. પહેરવાનું મન થાય છે. પહેરી લો.
કાલે બજારમાં એની કોઈ કિંમત નહીં હોય.
તકવાદીઓ તમને ક્યારેય શાસક જાતિ નહીં બનાવે.
ઇતિહાસનો સબક છે. શીખવો હોય તો શીખો. નહીંતર ભાડમાં જાવ.
- રાજુ સોલંકી