By Raju Solanki || 25 November 2017 at 12:57
Forbes listed Karsan Patel’s net worth as USD $3.6 Billion. This is the story of Ruppur, Karsan Patel’s village where Dalits fought to save their burial ground and tannery.
વાંચો, નિરમાના માલિક, 234 અબજ સંપત્તિના સ્વામી કરસન પટેલના ગામમાં દલિતોએ હાય રે કરસનીયા હાય હાયના સૂત્રો કેમ પોકાર્યા?
રૂપપુર: દલિતોની હિજરતનું જીવંત પ્રસારણ
નવમી માર્ચ, 2004નો દિવસ ગુજરાતના દલિત આંદોલનમાં રૂપપુરની હિજરતના નામે લખાઈ ગયો છે. નિરાલાએ લખેલું, “વિયોગી હોગા પહલા કવિ, આહ સે નીકલા હોગા ગાન.” પણ, એક દલિત કવિ માટે તો કહેવું પડશે, “હિજરતી હોગા પહલા દલિત-કવિ, દમન સે નીકલા હોગા ગાન.” રૂપપુરના દલિતોની ચીસ કેટલી બળુકી છે એ તો આવનારો સમય જ કહેશે, પરંતુ એમની લડતમાં ખભેખભો મીલાવી લડનારા અને નજરે નિહાળનારા એક સાક્ષી તરીકે કહું છું કે જો ગુજરાતનો દલિત સમાજ રૂપપુરની લડાઈને આગળ ધપાવવામાં નિષ્ફળ જશે તો આગામી દિવસોમાં ગુજરાતનું એક એક ગામ રૂપપુર બનવાની પૂરેપુરી સંભાવના છે.
નવમી માર્ચે અમે (એટલે વાલજીભાઈ પટેલ, નગીનભાઈ પરમાર, નિમેષ શેઠ અને રાજુ સોલંકી) રૂપપુર પહોંચ્યા ત્યારે માથે સૂરજ તપતો હતો. ગામના પટેલો ભરબપોરે પણ ઘેરી નિંદરમા પોઢ્યા હોય એમ લાગતું હતું. માત્ર પંચાવન ખોરડાં ધરાવતા ચમારવાસમાં થોડી ચહલ પહલ જણાતી હતી. વાસના નાકે ચાણસ્માથી આવેલી પોલિસવાન એટેશન્સની સ્થિતિમાં ઉભી હતી. દલિત યુવાનો ઊંટગાડીઓ પર બેનરો લગાવવામાં વ્યસ્ત હતા. અમારી સાથે આવેલા ‘ડેક્કન હેરાલ્ડ’ના ગુજરાત સંવાદદાતા નંદિની ઓઝાએ બહેનોને મળવાની ઇચ્છા વ્યક્ત કરી એટલે બહેનોએ વયોવૃદ્ધ પુરીમાને બોલાવ્યા હતા. પુરીમાને જોવાની મને પણ અદમ્ય ઇચ્છા હતી. હજી થોડાક દિવસો પહેલાં પટેલોને દલિતોની સ્મશાનભૂમિ પર બાંધકામ કરવા સામે ગુજરાત હાઇકોર્ટે મનાઈહુકમ ફરમાવ્યો અને વાલજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં જે થોડીક દલિત મહિલાઓએ હાથમાં કોદાળી પાવડા લઇને પટેલોએ બનાવેલી તારની વાડ તોડીફોડીને ફેંકી દીધી હતી એ સૌની મોખરે પંચ્યાસી વર્ષના પુરીમા હતા. દલિત નારી શક્તિના જીવંત પ્રતીક સમા પુરીમા નંદીની સમક્ષ વિસ્તારપૂર્વક રૂપપુરના દલિતોની વ્યથાકથા વર્ણવતા જ હતા ને એવામાં બે દિવસો પહેલાં જ જેની પર જીવલેણ હૂમલો કરવામાં આવેલો રાવળ યુવાન ઉપસ્થિત થયો હતો. એના મેલાઘેલા શર્ટ પર લોહીના ડાઘ હતા અને જમણા હાથની પહેલી ત્રણ આંગળીઓ પર પાટા બાંધ્યા હતા. ગામનાપટેલોએ એની આંગળીઓ પર છરીઓ મારી હતી.
એવામાં ઊંટગાડીઓ પર બેનરો લાગી જતાં તમામ લોકોએ પોતપોતાનો સામાન લઇને તૈયાર થઈ જવાની બૂમો પડી હતી. દલિતો ઉતાવળે પોતપોતાના ઘરે તાળા મારીને ઊંટગાડીઓમાં બેસવા માંડ્યા હતા. દસ ઊંટગાડીઓ પર લટકતાં બેનરોના સૂત્રો ગોકુળીયું ગામ જાહેર થયેલા રૂપપુરના વંચિતોની વેદનાને એસરકારક રીતે વ્યક્ત કરતા હતા. જેમ કે, “રામજન્મભૂમિ માટે લોહી રેડાય, પણ દલિતોની સ્મશાનભૂમિ છીનવાય તો કંઈ જ ના બોલાય?”, “જુઓ સમરસતાની પોકળતા, દલિતો બન્યા છે નોંધારા” , “રામરાજ્યની શરૂઆત થાય છે, દલિતોની સ્મશાનભૂમિ છીનવાય છે” જેવા સૂત્રો દલિતોની હિજરતને વૈચારિક સંદર્ભ આપતા હતા. પ્રથમ ઊંટગાડી પર ‘ગોકુળીયું ગામ રૂપપુરના દલિતો અને રાવળ સમાજની હિજરતી છાવણી’ નું બેનર હતું, જે પાટણની કલેક્ટર કચેરીએ હિજરતી છાવણી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું હતું.
બપોરે દોઢ વાગે હિજરતી કાફલાએ પાટણ જવા માટે પ્રસ્થાન કર્યું હતું. દલિતોના 55 અને રાવળોના 30 પરિવારોએ એક અસલામત અને અનિશ્ચિત ભાવિની દિશામાં મક્કમ ડગ માંડ્યા હતા. કેટલીક ઊંટગાડીઓમાં માત્ર બહેનોને જ બેસાડવામાં આવી હતી. ચમારવાસમાંથી ગામમાં જેવી રેલી પહોંચી કે બહેનોએ સૂત્રો પોકાર્યા, ‘જઉમાની જે’, ‘વાલજીબાપાની જે’. થોડેક આગળ જઇને મેં ‘બોલો રે બોલો જય ભીમ બોલો,’ સૂત્ર બોલાવ્યું, પછી ખબર પડી કે બહેનોને સાંભળવામાં ભૂલ થઈ હતી. તેઓ ‘બોલો રે બોલો જય હિન્દ બોલો’ સૂત્ર બોલાવતા હતા. એમને જય ભીમના બદલે જય હિન્દ સંભળાયું હતું. મેં એમને ફરી જય ભીમ બોલવાનું કહ્યું અને એમણે હસતા હસતા જય ભીમ બોલવાનું શરૂ કર્યું હતું.
હિજરતીઓની કૂચ ગામ બહાર નીકળી અને ચાણસ્મા-પાટણ હાઇવે સાથે ગામને જોડતા એપ્રોચ રોડ પર આવી હતી. અહીંથી છેક હાઇવે સુધીની ગૌચરની જમીન પટેલોના ખાનગી ટ્રસ્ટને કલેક્ટરે માત્ર એક રૂપિયાના ટોકન ભાડે નવાણું વર્ષના ભાડા પટ્ટે આપી દીધી હતી. તેની સાથે દલિતોની સ્મશાનભૂમિ અને ચર્મકુંડની જમીન પણ પધરાવી દીધી હતી. જેવી આ જગ્યાએ દલિતોની કૂચ આવી કે દબાયેલો આક્રોશ લાવાની જેમ ફાટી પડ્યો હતો. ‘હાય રે કરસનીયા હાય હાય,’ ‘કરસનીયા તારું નખ્ખોદ જજો’ બોલાં બહેનોએ દલિતોની સ્મશાનભૂમિ અને વાડાની જમીનો આંચકી લેનારા ખાનગી ટ્રસ્ટના પડદા પાછળના સૂત્રધાર નિરમા કંપનીના માલિક કરસન પટેલના વિરુદ્ધમાં સૂત્રો પોકારવા માંડ્યા હતા.
(લખ્યા તારીખ 10 માર્ચ, 2004)
- Raju Solanki