By Raju Solanki || 7 December 2017 at 12:31
ગઈ કાલે વાડજના તુલસીનગરમાં ડો. બાબાસાહેબ મહાનિર્વાણ શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં મને વક્તા તરીકે બોલાવવામાં આવ્યો હતો. “1981માં તમારી બાજુમાં આવેલી રૂબી સોસાયટી સાથે તમારે માથાકૂટ થયેલી એ કેટલા લોકોને યાદ છે?”, એવો પ્રશ્ન મેં પૂછ્યો ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે ઘણી બહેનો અને ભાઈઓએ હાથ ઉંચા કર્યા અને કહ્યું કે, “હા, અમને યાદ છે.”
1981માં વાડજની રૂબી સોસાયટીમાં નજીકના વિસ્તારના દલિતો ઘૂસી ગયા હતા અને લૂંટફાટ કરી હતી, એવા સમાચાર દૈનિક જનસત્તામાં છપાયા એના બીજા દિવસે અમે કેટલાક મિત્રો, હું, સાહિલ પરમાર, હરીશ મંગલમ અને જયંતી ચૌહાણ તે વખતે ખાનપુરમાં આવેલા જનસત્તા અખબારની કચેરીએ તંત્રીને મળવા ગયા હતા. અમારી ફરિયાદ એવી હતી કે અખબારો દેત્રોજ અને ઉત્તરસંડામાં દલિતોના ઝુંપડા સળગાવી દેવાયા તેના સમાચાર છાપતા નહોતા અને ક્યાંક દલિતો નાનકડું છમકલું કરે અથવા ના કરે તો પણ પહેલા પાને મોટી હેડલાઇનો બનાવતા હતા. મિત્ર સાહિલ પરમારે એમની આગવી અદામાં માનનીય પ્રકાશ શાહને સવાલ કર્યો કે, “હેં પ્રકાશભાઈ, જનસત્તાનું ખાતમૂહૂર્ત શંકરાચાર્યએ કરેલું?.” પ્રકાશભાઈ ચીડાઈ ગયા હતા. એમણે એક ફુટપટ્ટી હાથમાં લીધી અને દલિતો પર થયેલા દમનના એક કોલમના એક સમાચાર પર ફુટપટ્ટી મુકીને બોલ્યા હતા, “દલિત સમાજને ત્રણ ઇંચ જગ્યા આપી છે, આટલી જગ્યા ઓછી છે?”
ત્યારે માનનીય પ્રકાશભાઈ શાહ એકલા જ નહીં ગુજરાતનો કહેવાતો સમગ્ર નાગરિક સમાજ ઓછા યા વત્તા અંશે દલિતોની વિરુદ્ધમાં અને દલિતો એટલે કોંગ્રેસ એવું સમીકરણ હોવાથી કોંગ્રેસની વિરુદ્ધમાં હતો. આજે કહેવાતો નાગરિક સમાજ ભાજપની વિરુદ્ધમાં છે અને કોંગ્રેસને વોટ આપવાની અપીલો પર અપીલો કરી રહ્યો છે, ત્યારે આ તો અમસ્તું. 1981 પછી જન્મેલા યુવા દલિતોની જાણ સારું.
No comments:
Post a Comment