By Raju Solanki || 27 November 2017 at 12:10
સંવિધાનના સંરક્ષક; વાલજીભાઈ પટેલ (પાર્ટ ટુ)
આ એક ઐતિહાસિક તસવીર છે. 14 એપ્રિલ, 1997ના રોજ અમદાવાદમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના સાનિંધ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બાબાસાહેબના અંગ્રેજી વોલ્યુમના ગુજરાતી અનુવાદિત ગ્રંથનું જાહેર વિમોચન કર્યું હતું. તસવીરમાં વાઘેલા સાથે જમણી બાજુ ખુરસીમાં પ્રવિણ રાષ્ટ્રપાલ બેઠા છે, તેમની પાછળ તત્કાલીન આઈએએસ અધિકારી અને હવે ભૂતપૂર્વ બની ચૂકેલા ભાજપ ધારાસભ્ય રજનીકાંત પટેલ ઉભા છે. ડાબી બાજુ ખુરસીમાં પૂર્વ સાંસદ હિરાલાલ પરમાર બેઠા છે અને તેમની પાછળ વાલજીભાઈ પટેલ ઉભા છે.
બાબાસાહેબની સાક્ષીએ બાબાસાહેબની વર્ષગાંઠે રંગેચંગે એક સરકારી વિમોચન થઈ ગયું અને થોડાક સમય પછી મજુરીયા, ખજુરીયા અને હજુરીયા વચ્ચે ફાટી પડેલી ખુરસી માટેની વરવી લડાઈના અંતે શંકરસિંહે વિદાય લીધી અને નવા મુખ્યમંત્રી દિલીપ પરીખે ફરી પાછું બાબાસાહેબની મૃત્યુતિથિએ ફરી બીજું વિમોચન કર્યું. લોકો એમના કાર્યક્રમોમાં આવ્યા અને ઘરે જઇને ગોદડું ઓઢીને સૂઈ ગયા, પરંતુ જેમણે સમગ્ર જિંદગી બાબાસાહેબના મિશનને ગુજરાતમાં સાકાર કરવા કુરબાન કરી એવા વાલજીભાઈથી રહેવાયું નહીં. મિશન પરત્વેની પ્રતિબદ્ધતાના કારણે તેઓ ચુપચાપ સારંગપુરના સરકારી વિમોચનમાં ઉભા તો રહ્યા હતા, પરંતુ એમણે પછી રૂબરૂ ભદ્રના સરકારી ડેપો પર જઇને તેમ જ માહિતી અધિકારની અરજીઓ દ્વારા પૃચ્છા કરી કે બાબાસાહેબના ગ્રંથો બજારમાં આવ્યા છે કે નહીં. એમને જાણવા મળ્યું કે પેલા બે સરકારી વિમોચનો તો લોકોની આંખમાં ધૂળ નાંખવા માટે બે-ચાર કોપીઓ ગમે તેમ કરીને છાપીને કરી નાંખવામાં આવેલું અને જે થોડીઘણી કોપીઓ છાપેલી એ પણ વેચાણમાં મુકવામાં આવી ન હતી. ખરેખર તો ગુજરાત સરકારે છેક 1993માં કેન્દ્ર સરકારે આ ગ્રંથોના પ્રકાશન માટે ફાળવેલા રૂ. વીસ લાખ વાપર્યા જ ન હતા.
એટલે કર્મશીલે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરી હતી અને હાઇકોર્ટે બાબાસાહેબના તમામ ગ્રંથો તાત્કાલિક છાપીને રાજ્યના તમામ બુકસ્ટોલ પર વેચાણ અર્થે મુકવાનો હુકમ કર્યો હતો.
આ ઘટના એટલા માટે લખું છું કે નવી પેઢીના મિત્રોને ખબર પડે કે ગુજરાતમાં દલિત આંદોલનને કોણે જીવતું રાખ્યું છે. પોતાને મહાન માનતા લોકો ફેસબુક પર પોસ્ટો લખી લખીને મોટી ધાડ મારતા હોય છે, પરંતુ એમણે બાબાસાહેબના મિશનને આગળ ધપાવવા એક પૈસાનું નક્કર કામ કર્યું નથી.
- Raju Solanki
No comments:
Post a Comment