December 14, 2017

માયાવતીને દલિત ઝરીનાનું સંબોધન કેમ?

By Raju Solanki  || 2 December at 2017 08:54



મીડીયા ધારે તો મંકોડાને મહામાનવ અને મહામાનવને મગતરું બનાવી શકે છે. બાબાસાહેબે ચોથી જાગીરને નેતાઓનું ઉત્પાદન કરતા કારખાના જોડે સરખાવી હતી. માયાવતીનો કેસ સ્ટડી આ બાબતમાં માર્ગદર્શક છે.

માયાવતી આ દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યપ્રધાનપદે બિરાજી ચૂક્યા છે અને એમનો બહુજન સમાજ પક્ષ 2014ની સંસદની ચૂંટણીમાં વોટની ટકાવારી પ્રમાણે કોંગ્રેસ, ભાજપ પછી ત્રીજા નંબરનો રાષ્ટ્રીય પક્ષ છે. આવા માયાવતી વિષે મીડીયા હંમેશા વિકૃત, જુઠ્ઠા સમાચારો છાપતું હોય છે, કેમ કે તેઓ એક દલિત તરીકે એક રાજકીય પક્ષનું સંચાલન કરી રહ્યા છે.

તમે ગુગલમાં દલિત ઝરીના dalit zarina શબ્દ લખીને સર્ચ કરો. 1,34,000 રીઝલ્ટ મળશે. એમાં ‘ઇમેજીઝ ઓફ દલિત ઝરીના’માં તમને બહેન માયાવતીના ફોટો જોવા મળશે. આવું કેમ બન્યું? બહેન માયાવતીને દલિત ઝરીનાનું બિરુદ કોણે આપ્યું? ઝરીના એટલે કોણ? આવું બિરુદ આપનારા લોકો શું સાબિત કરવા માંગે છે?

રશિયાનો ઇતિહાસ વાંચો. વીકીપીડીયા પર આસાનીથી ઉપલબ્ધ છે. ઝાર એટલે રશિયાનો સમ્રાટ. ઝારના ઉત્તરાધિકારીને પણ ઝાર કહેતા. ઝારની પત્ની, રશિયાની મહારાણી, સામ્રાજ્ઞી એટલે ઝરીના. એક ઉદ્દંડ, ઉદ્ધત, મનસ્વી રાજા માટેનું વિશેષણ એટલે ઝાર. ‘ઇવાન ધી ટેરિબલ’ના નામે ઓળખાતા ઝારે સોળમી સદીમાં રશિયાને મોટું સામ્રાજ્ય બનાવ્યું, સાઇબેરીયા જેવા અફાટ પ્રદેશો રશિયામાં જોડ્યા. હવે છેક તેરમીથી સત્તરમી સદીના રશિયામાં શાસન કરનારા પાગલ, ગાંડા, નાલાયક, સામંતી મૂલ્યોથી ખદબદતા ઝાર અને ઝરીનાના સંદર્ભો આધૂનિક ભારતમાં એક રાજકીય પક્ષના નેતા સાથે કઈ રીતે જોડાય? મીડીયામાં ક્યારેય મોદી માટે હિન્દુ ઝાર કે જયલલિતા માટે બામણ ઝરીના શબ્દો પ્રયોજાયા નથી, તેઓ એને માટે લાયક છે તો પણ.

ટાઇમ્સ ઓફ ઇન્ડીયા વર્ષોથી બેધડક માયાવતી માટે દલિત ઝરીના શબ્દ વાપરે છે. માયાવતીએ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનું શું બગાડ્યું છે? ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનો માલિક જૈન છે. માયાવતીએ જૈનોનું શું અહિત કર્યું છે? આ બધા પ્રશ્નોના જવાબ તમારી ઉપર છોડું છું. અત્યારે તો એટલું જ કહીશ કે આપણા પૈકીના ઘણા લોકોનું અંગ્રેજી અત્યંત સુંદર છે. એમને વિનંતી કરીએ કે તેઓ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના માલિકને એક સરસ પત્ર વિનયપૂર્વક અંગ્રેજીમાં લખે અને તેમને જણાવે કે માયાવતી માટે આવા શબ્દનો ઉપયોગ ના કરો. તમે યોગી જેવા નાગા બાવાઓને સાંખી લો છો, તો બહેનજી એમના કરતા હજારગણા બહેતર છે.

No comments:

Post a Comment