By Raju Solanki || 26 November 2017 at 15:43
આજે 26 નવેમ્બર સંવિધાન દિવસ છે. સંવિધાનના સિદ્ધાંતો કાગળ પર સુંદર છે. એનો અમલ કરવો, કરાવવો એ જ મોટો પડકાર છે. અને સંવિધાનનો અમલ સરકાર ના કરે ત્યારે એનો કાન પકડીને અમલ કરાવનાર માણસ સાચા અર્થમાં બાબાસાહેબના મિશનને આગળ ધપાવે છે. ગુજરાતમાં આપણી વચ્ચે એક કર્મશીલે ખંતથી અને પ્રમાણિકતાથી આ કામ કર્યું હતું. એમનું નામ છે વાલજીભાઈ પટેલ, જેમણે ગુજરાત હાઇકોર્ટમાં એમની સંસ્થા કાઉન્સિલ ફોર સોશીયલ જસ્ટિસના માધ્યમથી જાહેર હિતની બેસુમાર અરજીઓ કરીને એસસી, એસટી, ઓબોસીના બંધારણીય અધિકારોનું જતન કર્યું હતું.
નવી પેઢીના યુવાનો માટે વાલજીભાઈનું નામ સાવ અજાણ્યું હોઈ શકે છે. કેમ કે તેઓ અખબારી નિવેદનો અને ટીવી ડીબેટોમાં જોવા મળતા નથી. ફેસબુક પર પોસ્ટો લખી લખીને લોકસેવા થાય એવી કોઈ સમજણ વાલજીભાઈ ધરાવતા નથી..
પ્રસ્તુત છે એમના કામની એક નાનકડી રૂપરેખા
- એકતાનગરના ઝુંપડાઓનુ જતન
1999માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના દાણીલીમડાના એકતાનગરના 300 ઝુંપડાઓ તોડી પાડવાનું નક્કી કર્યું હતું. એકતાનગરમાં હિન્દુ, મુસ્લિમ, દલિતો દાયકાઓથી સાથે રહેતા હતા. કાઉન્સિલ ફોર સોશીયલ જસ્ટિશે હાઇકોર્ટમાં જઇને કોર્પોરેશનના આદેશ સામે મનાઈ હુકમ મેળવ્યો હતો.
- મેરિટમાં આવતા એસસી, એસટી, ઓબીસી માટે પીટિશન
વર્ષ 2000માં રાજ્યની મેડિકલ કોલેજોએ અનામત કેટેગરીના મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જનરલમાં પ્રવેશ આપવાના રાજ્ય સરકારના પરિપત્રનો ધરાર ભંગ કરીને અનામતની યાદીમાં નાંખ્યા ત્યારે કાઉન્સિલે હાઇકોર્ટમાં પીઆઈએલ કરીને મનાઈહૂકમ મેળવ્યો હતો.
- ગુજરાત જાહેર સેવા આયોગ સામે પીટિશન
વર્ષ 2000માં ગુજરાત જાહેર સેવા આયોગે લેખિત પરીક્ષા પાસ કરનારા એસસી ઉમેદવારોના ઇન્ટરવ્યૂ કેન્સલ કર્યા હતા. આયોગે અનામત કેટેગરીને અપાયેલા પાંચ વર્ષના એક્સટેન્શનને રદ કરવાના સરકારના પરિપત્રનો હવાલો આપ્યો હતો. કાઉન્સિલે હાઇકોર્ટમાં આયોગના નિર્ણયને પડકાર્યો હતો અને રદ કરાવ્યો હતો.
- બિન-અનામત ઉમેદવારોથી અનામત બેઠકો ભરવા સામે મનાઈ હૂકમ
વર્ષ 1990માં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક પરિપત્ર બહાર પાડીને અનામત કેટેગરીમાં બિન-અનામત ઉમેદવારોની નિમણૂંક કરવાની છૂટ આપી હતી. કાઉન્સિલે હાઇકોર્ટમાં રજુઆત કરી કે અનામત કેટેગરીના ઉમેદવારો ઉપલબ્ધ હોવા છતાં અનામત બેઠકો પર બિન-અનામત ઉમેદવારોની જાણીબૂઝીને નિમણૂંક કરવામાં આવે છે. હાઇકોર્ટે સરકારના પરિપત્રને રદ કર્યો હતો.
- અનૂસૂચિત જાતિ વિકાસ નિગમમાં ભ્રષ્ટાચાર
અનુસૂચિત જાતિઓના 1300 અરજદારોમાંથી 300ને રીક્ષાઓ ફાળવવાની અનુસૂચિત જાતિ વિકાસ નિગમની મનસ્વી પદ્ધતિ સામે કાઉન્સિલે હાઇકોર્ટમાં પીટિશન કરી હતી અને સરકારને નવેસરથી ફાળવણી કરવાનો હુકમ થયો હતો.
- બાબાસાહેબના ગ્રંથો માટે હાઇકોર્ટમાં ધા
1998માં સરકારે ડો. બાબાસાહેબ આંબેડકરના ગ્રંથોને ગુજરાતીમાં પ્રગટ કરવા માટે રૂ. 20 લાખ ફાળવ્યા હતા. પહેલો ખંડ 1993માં પ્રગટ થયો હતો. શંકરસિંહ વાઘેલા અને દિલિપ પરીખ, બબ્બે મુખ્યમંત્રીઓએ વારાફરતી જાહેર કાર્યક્રમોમાં માત્ર દેખાવ ખાતર લોકોને ઉલ્લુ બનાવવા થોડીક કોપીઓ છાપીને વિમોચન કરી નાંખ્યું હતું. પછી છેક 1998 સુધી એક પણ સરકારી ડેપોમાં એક પણ કોપી ઉપલબ્ધ થઈ ન હતી. કાઉન્સિલે હાઇકોર્ટમાં જઈ દાદ માંગી હતી અને કોર્ટે સરકારને તમામ ગ્રંથો અગ્રતાના ધોરણે છાપવા તેમ જ તમામ વોલ્યુમ સરકારી બુકસ્ટોલ્સ પર મુકવા આદેશ કર્યો હતો.
(to be continued.....
No comments:
Post a Comment