By Raju Solanki || 29 November 2017 at 17:56
આજકાલ કેટલાક નિષ્ણાત, વિદ્વાન મહાપુરુષો ફેસબુક પર દલિતોના આંતરીક જાતિવાદ વિષે એમના છીછરા જ્ઞાનનું વરવું પ્રદર્શન કરી રહ્યા છે. ખાસ કરીને ચૂંટણીમાં કોઈ હારી જાય તો એની હાર માટે તેઓ દલિતોના આંતરીક જાતિવાદને જવાબદાર ઠેરવે છે. ચૂંટણીઓમાં ઉમેદવારોની હારજીતમાં ઘણા પરિબળો નિર્ણાયક હોય છે. પક્ષની પ્રતિષ્ઠા, મતદારોની લાગણી અને ઉમેદવારની વ્યક્તિગત ઇમેજ જેવા અસંખ્ય કારણોથી હારજીત નક્કી થાય છે. આંતરીક જાતિવાદ તો આવા દસ પરિબળો પૈકીનું એક હોય છે, એકમાત્ર પરિબળ નથી હોતું.
1995માં અમદાવાદના શહેરકોટડા મતવિસ્તારમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર વાલજીભાઈ પટેલ રોહિત જાતિના હોવાથી વણકર મતદારોએ એમને મત આપ્યા નહીં એવો કુતર્ક આવા નિષ્ણાતો કરી રહ્યા છે. એમના રાજકીય અજ્ઞાનની દયા ખાવા જેવી છે. એમને ખબર જ નથી કે આ જ મતવિસ્તારમાં માત્ર ત્રણ વર્ષ પછી થયેલી નવમી વિધાનસભાની ચૂંટણીમાં જીતુ વાઘેલા નામના રોહિત જાતિના ઉમેદવારને લોકોએ ચૂંટી કાઢ્યા હતા. જે તે સમયે લોકો કઈ બાબતને અગ્રતા આપે છે એ મહત્વનું છે. 1998માં શહેરકોટડાના લોકોએ હિન્દુત્વની અપીલને વધારે સમર્થન આપ્યું હતું, જ્યારે 1995માં વાલજીભાઈ પટેલ સામેના કોંગ્રેસના ઉમેદવાર અને તત્કાલીન પ્રધાન મનુભાઈ પરમારની કાર્યશૈલીથી નારાજ થયેલા લોકોએ તેમને હરાવ્યા હતા. આવી સીધીસાદી વાતમાં પેટાજાતિવાદ ઘુસાડતા લોકો ખરેખર માનસિક રોગીઓ છે.
શંકરસિંહના પ્રીતિપાત્ર પ્રવિણ રાષ્ટ્રપાલ પાટણ મતવિસ્તારમાં મહેશ કનોડીયા જેવા લોકપ્રિય કલાકાર સામે ચૂંટણી લડ્યા ત્યારે કઈ રીતે જીત્યા હતા? રાષ્ટ્રપાલે મતદારોમાં ‘ગાયક જોઇએ કે લાયક જોઇએ?’ એવું સૂત્ર પ્રચલિત કર્યું હતું અને લોકોએ તેમનો મેસેજ સરસ રીતે ઝીલ્યો હતો. વણકરોની બહુમતિ ધરાવતા વિસ્તારોમાં રાષ્ટ્રપાલને સારો પ્રતિસાદ મળેલો અને વણકર જાતિના અને એ જ પંથકના વગદાર પાટણવાડા પરગણાના માનીતા એવા મહેશ કનોડીયા હારી ગયા હતા. પાંચ વર્ષ પછી રાષ્ટ્રપાલ ફરી આ જ મતવિસ્તારમાં ઉભા રહ્યા ત્યારે હારી ગયા હતા. લોકોને એમની કામગીરીમાં કોઈ ભલીવાર ના પણ લાગ્યો હોય કે પછી એમના જ પક્ષના કોંગ્રેસીઓએ (ત્યારે વાઘેલા કોંગ્રેસમાં ઘુસી ગયા હતા) તેમને હરાવ્યા હોય. ઘણા કારણો હશે. પેટાજાતિવાદથી બધું સંચાલિત થતું નથી.
કોંગ્રેસ અને ભાજપમાં પેટાજાતિવાદ ચાલે તો વાંધો નથી, પરંતુ બીએમપી કે બીએસપીમાં ચાલવો ના જોઇએ. આ આદર્શ તો સારો છે, પરંતુ સિત્તેર વર્ષથી મનુવાદી પક્ષોમાં કામ કરીને સવર્ણોની લાળ ચાટી ચાટીને પેટાજાતિવાદથી વિકૃત થયેલા દલિતો રાતોરાત થોડા સુધરવાના છે? થોડોક તો સમય આપો.
No comments:
Post a Comment