Showing posts with label Anti Reservation Riots. Show all posts
Showing posts with label Anti Reservation Riots. Show all posts

March 13, 2018

કાલે ગુજરાતી ભાષા શંકર પેન્ટરને ચોક્કસ કહેશે, થેંક્યુ દલિત કવિ

By Raju Solanki  || 7 March 2018 at 8:55am



“ચ્યમ ’લ્યા આટલું ફાટ્ટી જ્યું સ
મારા હોમું હેંડત હાળા 
લગીર તન બીક ના લાજી.
પૂછજે તારા વાહમ જઇન
હું કુણ સુ તન કેહ એ તો
લેમડે બોંધી બાપન તારા 
ધોક્કે ધોક્કે ધધડાયો’તો
મેલ્લામથી ડોસીયો આઈ
ખોળા પાથરી સોડાયો’તો
દુણી લઇન સાસ લેવા 
આવજે અવ ગોંમમ દીયોર
હોદ પડાવું ઓઈંથી જઇન
બંધ કરી દો દાડીયાઓન
પોલિસ પટલ સરપંચ મારો
તલાટી ન મંતરી મારો
ગામનો આખો ચોરો મોરો
તાલુકાનો ફોજદાર મારો
જોઇ લે આખો જીલ્લો મારો
મોટ્ટામ મોટ્ટો પરધોન મારો
દીલ્લી હુધી વટ્ટ સ મારો
કુણ સ તારુ? કુણ સ તારુ?
ધારું તો ’લ્યા ઠેર મારું.”

કલમના એક જ લસરકે શંકર પેન્ટરે સદીઓથી લાચાર, હાથ જોડીને કગરતા, બીતા, માર ખાતા દલિતનું અને તેને પ્રતાડતા આતંકી સવર્ણ દબંગીઓની લોંઠકી માનસિકતાનું અદ્ભૂત ચિત્ર અહીં દોરી નાંખ્યું. આ ગીત તો ઘણાએ સાંભળેલું, પરંતુ એની સીક્વલ, જેમાં આ ગભરુ દલિત પલટવાર કરીને કહે છે, “તું શું મારે ઠેર અમોને, બકવા તારો બંધ કરી દે” બહુ ઓછા લોકોએ સાંભળી છે. તેમાં પ્રતિ-આક્રમણ (retaliation) કરતો કાળઝાળ દલિત કહે છે,

“તું શું મારે ઠેર અમોને
બકવા તારો બંધ કરી દે.”
જરા તારા દિદાર તો જો,
”એન્ટેના જેવી ચોટીવાળા,
બલુન જેવી ફાંદવાળા, 
સંકર-આચાર્યના કોઠા બીલ્લાં.”

અને પછી મૂછો પર વારંવાર હાથ ફેરવતા સામંતી અડીયલ ટટ્ટુઓને એમની કાયરતાના શરમજનક ઇતિહાસના પાના ખોલીને બતાવે છે, 
યાદ કરો ઇતિહાસ.

“તૈમૂર અને તુગલગ આયા, તાર ઘાઘરામ ચ્યમ લપઈ જ્યા’તા.
અકબર જેવા બાદશાહો તમારી બૂન ન છોડી પૈણી જ્યા’તા
ન ઔરંગઝેબના દાબથી તો દીયોર ઉભા ન ઉભા મૂતરી જ્યા’તા.”

*
1983 પછી અમદાવાદના મજુરગામ, રાજપુર-ગોમતીપુર, રાયખડ સહિતની દલિત વસતીઓમાં કવિ શંકર પેન્ટર અમારી સાથે જાતિ નિર્મૂલન સમિતિના સતત ચાલતા અભિયાનમાં ફરેલા, ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરની બેવડી બિમારીઓ વળગેલી તોય જાત ઘસીને લોકજાગૃતિનો જુવાળ પ્રગટાવેલો. આવા અનોખા કવિ હાલ માંદગીના બિછાને છે. એમને ન્યૂમોનીયા થયો છે. નિષ્ણાત તબીબોએ નિદાન કર્યું છે કે ઓએનજીસીમાં સ્પ્રે કલર કરતી વેળાએ હવામાં તરતા કલર કેમિકલના સૂક્ષ્મ કણો એમના ફેફસામાં ભરાયેલા એ હવે ઢળતી ઉંમરે પરેશાન કરી રહ્યા છે. બહુ ઓછા લોકોને ખબર છે કે શંકર કલમ સાથે પીંછી પણ એટલી જ નૈસર્ગિક સાહજિકતાથી ચલાવી શકે છે. વ્યવસાયે પેન્ટર એવા શંકરની પહેલી ઓળખાણ પણ એવી જ યાદગાર રીતે થયેલી.

1982માં બબલદાસ ચાવડાએ વીસનગરના સયાજીરાવ છાત્રાલયમાં દલિત કવિ સંમેલન રાખેલું. અમે સૌ એમાં ગયેલા. રેલવે ટ્રેકને ઓળંગીએ એટલે સામે છાત્રાલય આવે. છાત્રાલયના કંપાઉન્ડમાં સૌ કવિમિત્રો બેઠા પછી બધા પોતપોતાનો પરિચય આપતા હતા. બધાનો પરિચય પૂરો થયો પછી છેલ્લે આકાશવાણી થઈ હોય એમ ઉપરથી એક અવાજ આવ્યો, “મારું નામ શંકર પેન્ટર. હું પણ કવિ છું.” અમે ડોક ઉંચી કરીને જોયું તો છાત્રાલયની દિવાલે એક પાળી પર એક જાડો, બેઠી દડીનો માણસ એક હાથમાં કૂચડો અને બીજા હાથમાં ડબલું લઇને ઉભો હતો. એની બાંયવાળી સફેદ બંડી પર ઠેર ઠેર કલરના ડાઘા પડેલા. કાળા સીસમ જેવા એના ચહેરા પર પણ રંગના છાંટણા થયેલા. એને જોઇને સૌ હેરતમાં પડી ગયેલા. આ તે કેવો કવિ, સૌને મનોમન પ્રશ્ન પણ થયેલો, પરંતુ બપોરે ભોજન પછીના સત્રમાં પેન્ટરે જ્યારે એમની આગવી અદામાં કવિતાઓ સંભળાવી ત્યારે સૌ એમના પર વારી ગયેલા. હું તો ત્યારથી એમની કવિતાઓનો ચાહક બની ગયેલો.

એ કવિ સંમેલન પછી કવિ મારા ઘરે અમદાવાદ આવેલા એમની કવિતાઓની હસ્તપ્રત લઇને. મેં કાળજીપૂર્વક એમની સંઘેડા ઉતાર કવિતાઓની કોપી કરીને પ્રેસમાં છપાવવા આપેલી. 1982માં મારા પિતાનું બ્રેઇન ટ્યૂમરના જીવલેણ રોગને કારણ મૃત્યુ થયેલું. પિતાના મૃત્યુ પાછળ આપણે કોઈ સામાજિક કે ધાર્મિક વિધિવિધાનમાં પૈસા ખર્ચ્યા નથી, તો એમના સ્મરણાર્થે પેન્ટરનો કાવ્યસંગ્રહ છપાવવો ઉચિત રહેશે એવી સમજ સાથે શંકર પેન્ટરના પ્રથમ કાવ્ય સંગ્રહ ‘બૂંગિયો વાગે”નું પ્રકાશન થયું. એક સરસ મજાના દલિત કવિની રચનાઓની પ્રસિદ્ધિમાં અંગત રીતે નિમિત્ત બન્યાનો આનંદ અને ગૌરવ હજુ મારા હૈયે છે.

શંકર પેન્ટર ન માત્ર દલિત કવિતાના, બલ્કે સમગ્ર ગુજરાતી સાહિત્યની રળિયાત ઉપલબ્ધિ છે. ગુજરાતી સાહિત્ય પરિષદે પેન્ટરને રણજિતરામ સુવર્ણચંદ્રક આપવો જોઇએ. હમણાં મીડીયામાં, છાપામાં ને ટીવી ચેનલોમાં આપણા મૂર્ધન્ય સાહિત્યકારોને ગુજરાતી ભાષાની ચિંતા કરતા જોયા. છેક અમેરિકામાં વસતો ગુજરાતી કેવો જબરજસ્ત ભાષાપ્રેમી છે અને અહીં ઘર આંગણે ગુજરાતી ભાષાનું નખ્ખોદ વળી ગયું છે એવી એમની લવારી પણ આપણે સાંભળી. અરે સાક્ષરો, ગુજરાતી ભાષાને તમારા લૂખ્ખા, લોભીયા એનઆરઆઈ ટણપાઓ જીવતી નહીં રાખે. ગુજરાતી ભાષાને ધબકતી રાખશે ગામડાના પેલા અભણ દલિતો, કહેવાતા પછાતો, દેવીપૂજકો, રબારીઓ, ભરવાડો, તૂરી, તરગાળાઓ અને એમની તળપદી બાનીમાં લખતા શંકર પેન્ટર જેવા કવિઓ. આજે મહેસાણાનો અને ગુજરાતનો દલિત ‘સંસારે મુજ મુગ્ધ ભ્રમણ, પાંશુ મલિન વેશે,’ લખનારા તમારા સંસ્કૃત પદાવલી પંડિત રાજેન્દ્ર શાહને કે ‘હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકે વાત તમારી કે મારી કરવા આવ્યો છું,’ કહેનારા વિદ્વાન, લબ્ધ પ્રતિષ્ઠિત પ્રાધ્યાપક નિરંજન ભગતને નથી ઓળખતો. એ ઓળખે છે ‘ઢોલ ઓશિકે વડલા હેઠળ ઉંઘતા’ કાળીયા ઢોલીની વાત માંડતા ને કાળીયા ઢોલી જેવા જ અદના કવિ શંકર પેન્ટરને. ગુજરાતી ભાષા દાતેડાના દેવતાની કવિતાઓમાં જીવતી રહેશે.

કાલે ગુજરાતી ભાષા શંકર પેન્ટરને ચોક્કસ કહેશે, થેંક્યુ દલિત કવિ.

- Raju Solanki

March 03, 2018

સાંથણીની જમીન કોંગ્રેસનો લોલીપોપ હવે ભાજપ આપશે

By Raju Solanki  || 20 February 2018 at 21:13




જમીનના મુદ્દે અમે બહુ મોટા આંદોલન કરીએ છીએ એવી ડંફાશો મારતા કહેવાતા દલિત કોંગ્રેસી આંદોલનકારીઓની જાણ સારુ અહીં છેક 1982માં કોગ્રેસની સરકારે બહાર પાડેલો પરીપત્ર મુક્યો છે.





આ પરીપત્રનું શીર્ષક છે - સરકારી પડતર જમીન સાંથણીમાં મેળવતી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વ્યક્તિને જમીનના વિકાસ માટે આર્થિક સહાયની યોજના. પરીપત્રનો ક્રમાક છે જમમ-3981-9839-અ-29-4-1982. આ પરીપત્ર તમને હાલ ઑનલાઇન પણ મળી શકશે.

36 વર્ષ પહેલાં મહેસૂલ વિભાગના સેક્શન અધિકારી છગનભાઈ પટેલની સહીથી બહાર પડેલા આ પરીત્રમાં બહુ જ વિસ્તૃત રીતે છણાવટ કરવામાં આવી છે કે સાંથણીની જમીન મેળવતા એસસી-એસટીને કઈ રીતે સરકારી રાહે સહાય કરવી. પરીપત્ર તો બહુ મજાનો છે. જો આનો પ્રમાણિકતાથી અમલ થયો હોત તો આજે દલિતોને સડકો પર ઉતરવાની હાકલો કોંગ્રેસને કરવી પડી ના હોત. એટલું જ નહીં ખામના નામે સૂંડલા ભરી ભરીને દલિતોના વોટો લઇને સત્તા ભોગવનારા અને મહાલનારા કોંગ્રેસીઓને ગામડાના ગરીબ, અભણ દલિતોએ આશીર્વાદ આપ્યા હોત અને ભાજપ જેવા નાલાયક પક્ષને સત્તા પર આવવાના કમનસીબ સંજોગો ઉભા જ થયા ના હોત.

જો અને તોની આ કરમકહાણી અત્રે મારે દોહરાવવી પડે છે, કેમ કે 1982માં આ પરીપત્રનો અમલ નહીં કરનારા કોંગ્રેસીઓના દીકરાઓ અત્યારે ફરી સત્તા પર આવવા માટે દલિતોને આત્મવિલોપનનો માર્ગ બતાવી રહ્યા છે. મારે તો લેખિત નિવેદન આ કોંગ્રેસીઓ જોડેથી લેવું છે કે નાલાયકો તમે સત્તા પર આવશો તો તમારા બાપાઓ પાંત્રીસ વર્ષ પહેલા જે નહોતું કરી શક્યા તે હવે આ વૈશ્વિકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણની દુનિયામાં કઈ રીતે કરશો.

એને છેલ્લે બીજી મહત્વની વાત. જય ભીમ જય સરદાર બોલતા દલિત ક્રાંતિકારીઓ માટે. જ્યારે આ પરીપત્ર બહાર પડ્યો ત્યારે દલિતો જમીન મેળવવાનું તો દૂર પોતાની અનામતો બચાવવા માટે જીવ સટોસટનો જંગ ખેલી રહ્યા હતા અને તમારા પરમ મિત્ર હાર્દિક પટેલના કાકા-મામાઓ અનામત હટાવવા ગુજરાતને બાનમાં લઈ રહ્યા હતા.

જય ભીમ.