March 13, 2018

કાલે ગુજરાતી ભાષા શંકર પેન્ટરને ચોક્કસ કહેશે, થેંક્યુ દલિત કવિ

By Raju Solanki  || 7 March 2018 at 8:55am



“ચ્યમ ’લ્યા આટલું ફાટ્ટી જ્યું સ
મારા હોમું હેંડત હાળા 
લગીર તન બીક ના લાજી.
પૂછજે તારા વાહમ જઇન
હું કુણ સુ તન કેહ એ તો
લેમડે બોંધી બાપન તારા 
ધોક્કે ધોક્કે ધધડાયો’તો
મેલ્લામથી ડોસીયો આઈ
ખોળા પાથરી સોડાયો’તો
દુણી લઇન સાસ લેવા 
આવજે અવ ગોંમમ દીયોર
હોદ પડાવું ઓઈંથી જઇન
બંધ કરી દો દાડીયાઓન
પોલિસ પટલ સરપંચ મારો
તલાટી ન મંતરી મારો
ગામનો આખો ચોરો મોરો
તાલુકાનો ફોજદાર મારો
જોઇ લે આખો જીલ્લો મારો
મોટ્ટામ મોટ્ટો પરધોન મારો
દીલ્લી હુધી વટ્ટ સ મારો
કુણ સ તારુ? કુણ સ તારુ?
ધારું તો ’લ્યા ઠેર મારું.”

કલમના એક જ લસરકે શંકર પેન્ટરે સદીઓથી લાચાર, હાથ જોડીને કગરતા, બીતા, માર ખાતા દલિતનું અને તેને પ્રતાડતા આતંકી સવર્ણ દબંગીઓની લોંઠકી માનસિકતાનું અદ્ભૂત ચિત્ર અહીં દોરી નાંખ્યું. આ ગીત તો ઘણાએ સાંભળેલું, પરંતુ એની સીક્વલ, જેમાં આ ગભરુ દલિત પલટવાર કરીને કહે છે, “તું શું મારે ઠેર અમોને, બકવા તારો બંધ કરી દે” બહુ ઓછા લોકોએ સાંભળી છે. તેમાં પ્રતિ-આક્રમણ (retaliation) કરતો કાળઝાળ દલિત કહે છે,

“તું શું મારે ઠેર અમોને
બકવા તારો બંધ કરી દે.”
જરા તારા દિદાર તો જો,
”એન્ટેના જેવી ચોટીવાળા,
બલુન જેવી ફાંદવાળા, 
સંકર-આચાર્યના કોઠા બીલ્લાં.”

અને પછી મૂછો પર વારંવાર હાથ ફેરવતા સામંતી અડીયલ ટટ્ટુઓને એમની કાયરતાના શરમજનક ઇતિહાસના પાના ખોલીને બતાવે છે, 
યાદ કરો ઇતિહાસ.

“તૈમૂર અને તુગલગ આયા, તાર ઘાઘરામ ચ્યમ લપઈ જ્યા’તા.
અકબર જેવા બાદશાહો તમારી બૂન ન છોડી પૈણી જ્યા’તા
ન ઔરંગઝેબના દાબથી તો દીયોર ઉભા ન ઉભા મૂતરી જ્યા’તા.”

*
1983 પછી અમદાવાદના મજુરગામ, રાજપુર-ગોમતીપુર, રાયખડ સહિતની દલિત વસતીઓમાં કવિ શંકર પેન્ટર અમારી સાથે જાતિ નિર્મૂલન સમિતિના સતત ચાલતા અભિયાનમાં ફરેલા, ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરની બેવડી બિમારીઓ વળગેલી તોય જાત ઘસીને લોકજાગૃતિનો જુવાળ પ્રગટાવેલો. આવા અનોખા કવિ હાલ માંદગીના બિછાને છે. એમને ન્યૂમોનીયા થયો છે. નિષ્ણાત તબીબોએ નિદાન કર્યું છે કે ઓએનજીસીમાં સ્પ્રે કલર કરતી વેળાએ હવામાં તરતા કલર કેમિકલના સૂક્ષ્મ કણો એમના ફેફસામાં ભરાયેલા એ હવે ઢળતી ઉંમરે પરેશાન કરી રહ્યા છે. બહુ ઓછા લોકોને ખબર છે કે શંકર કલમ સાથે પીંછી પણ એટલી જ નૈસર્ગિક સાહજિકતાથી ચલાવી શકે છે. વ્યવસાયે પેન્ટર એવા શંકરની પહેલી ઓળખાણ પણ એવી જ યાદગાર રીતે થયેલી.

1982માં બબલદાસ ચાવડાએ વીસનગરના સયાજીરાવ છાત્રાલયમાં દલિત કવિ સંમેલન રાખેલું. અમે સૌ એમાં ગયેલા. રેલવે ટ્રેકને ઓળંગીએ એટલે સામે છાત્રાલય આવે. છાત્રાલયના કંપાઉન્ડમાં સૌ કવિમિત્રો બેઠા પછી બધા પોતપોતાનો પરિચય આપતા હતા. બધાનો પરિચય પૂરો થયો પછી છેલ્લે આકાશવાણી થઈ હોય એમ ઉપરથી એક અવાજ આવ્યો, “મારું નામ શંકર પેન્ટર. હું પણ કવિ છું.” અમે ડોક ઉંચી કરીને જોયું તો છાત્રાલયની દિવાલે એક પાળી પર એક જાડો, બેઠી દડીનો માણસ એક હાથમાં કૂચડો અને બીજા હાથમાં ડબલું લઇને ઉભો હતો. એની બાંયવાળી સફેદ બંડી પર ઠેર ઠેર કલરના ડાઘા પડેલા. કાળા સીસમ જેવા એના ચહેરા પર પણ રંગના છાંટણા થયેલા. એને જોઇને સૌ હેરતમાં પડી ગયેલા. આ તે કેવો કવિ, સૌને મનોમન પ્રશ્ન પણ થયેલો, પરંતુ બપોરે ભોજન પછીના સત્રમાં પેન્ટરે જ્યારે એમની આગવી અદામાં કવિતાઓ સંભળાવી ત્યારે સૌ એમના પર વારી ગયેલા. હું તો ત્યારથી એમની કવિતાઓનો ચાહક બની ગયેલો.

એ કવિ સંમેલન પછી કવિ મારા ઘરે અમદાવાદ આવેલા એમની કવિતાઓની હસ્તપ્રત લઇને. મેં કાળજીપૂર્વક એમની સંઘેડા ઉતાર કવિતાઓની કોપી કરીને પ્રેસમાં છપાવવા આપેલી. 1982માં મારા પિતાનું બ્રેઇન ટ્યૂમરના જીવલેણ રોગને કારણ મૃત્યુ થયેલું. પિતાના મૃત્યુ પાછળ આપણે કોઈ સામાજિક કે ધાર્મિક વિધિવિધાનમાં પૈસા ખર્ચ્યા નથી, તો એમના સ્મરણાર્થે પેન્ટરનો કાવ્યસંગ્રહ છપાવવો ઉચિત રહેશે એવી સમજ સાથે શંકર પેન્ટરના પ્રથમ કાવ્ય સંગ્રહ ‘બૂંગિયો વાગે”નું પ્રકાશન થયું. એક સરસ મજાના દલિત કવિની રચનાઓની પ્રસિદ્ધિમાં અંગત રીતે નિમિત્ત બન્યાનો આનંદ અને ગૌરવ હજુ મારા હૈયે છે.

શંકર પેન્ટર ન માત્ર દલિત કવિતાના, બલ્કે સમગ્ર ગુજરાતી સાહિત્યની રળિયાત ઉપલબ્ધિ છે. ગુજરાતી સાહિત્ય પરિષદે પેન્ટરને રણજિતરામ સુવર્ણચંદ્રક આપવો જોઇએ. હમણાં મીડીયામાં, છાપામાં ને ટીવી ચેનલોમાં આપણા મૂર્ધન્ય સાહિત્યકારોને ગુજરાતી ભાષાની ચિંતા કરતા જોયા. છેક અમેરિકામાં વસતો ગુજરાતી કેવો જબરજસ્ત ભાષાપ્રેમી છે અને અહીં ઘર આંગણે ગુજરાતી ભાષાનું નખ્ખોદ વળી ગયું છે એવી એમની લવારી પણ આપણે સાંભળી. અરે સાક્ષરો, ગુજરાતી ભાષાને તમારા લૂખ્ખા, લોભીયા એનઆરઆઈ ટણપાઓ જીવતી નહીં રાખે. ગુજરાતી ભાષાને ધબકતી રાખશે ગામડાના પેલા અભણ દલિતો, કહેવાતા પછાતો, દેવીપૂજકો, રબારીઓ, ભરવાડો, તૂરી, તરગાળાઓ અને એમની તળપદી બાનીમાં લખતા શંકર પેન્ટર જેવા કવિઓ. આજે મહેસાણાનો અને ગુજરાતનો દલિત ‘સંસારે મુજ મુગ્ધ ભ્રમણ, પાંશુ મલિન વેશે,’ લખનારા તમારા સંસ્કૃત પદાવલી પંડિત રાજેન્દ્ર શાહને કે ‘હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકે વાત તમારી કે મારી કરવા આવ્યો છું,’ કહેનારા વિદ્વાન, લબ્ધ પ્રતિષ્ઠિત પ્રાધ્યાપક નિરંજન ભગતને નથી ઓળખતો. એ ઓળખે છે ‘ઢોલ ઓશિકે વડલા હેઠળ ઉંઘતા’ કાળીયા ઢોલીની વાત માંડતા ને કાળીયા ઢોલી જેવા જ અદના કવિ શંકર પેન્ટરને. ગુજરાતી ભાષા દાતેડાના દેવતાની કવિતાઓમાં જીવતી રહેશે.

કાલે ગુજરાતી ભાષા શંકર પેન્ટરને ચોક્કસ કહેશે, થેંક્યુ દલિત કવિ.

- Raju Solanki

No comments:

Post a Comment