By Raju Solanki || 10 March 2018 at 8:31pm
સૌરાષ્ટ્રના ગામડાઓમાં દલિતો પર દિનપ્રતિદિન અત્યાચારો વધી રહ્યા છે. આવા સંજોગોમાં દલિતોએ શું કરવું? સૌરાષ્ટ્રના એક ગામમાં દલિત સૈનિકે જુગાર રમતાં લોકોને ઠપકો આપ્યો અને એની છાતી ચાળણી થઈ ગઈ. સૈનિકના માબાપ ગાંધીનગરમાં ધરણા પર બેઠા, ત્યારે એક ગુજરાતી અખબારે લખેલું કે સૈનિકે જુગારીઓ જોડે ઉદ્ધત વર્તન કરેલું. ખરી વાત છે. સૈનિકે શા માટે ઠપકો આપ્યો? એણે જુગારીઓને ઠંડુ પાણી પીવડાવવું જોઇતું હતું. એ પોતે મીલીટરીમાં હતો. કેન્ટોનમેન્ટમાંથી દારુ લાવીને જુગારીઓને પીવડાવવાનો હતો. જુગારીઓ બાપડાં પત્તા રમતા હતા. જન્માષ્ટમીએ તો આખો સમાજ પત્તા રમે છે. અને ભાજપ-કોંગ્રેસ તો વિધાનસભામાં દાયકાઓથી, મજેથી પત્તા જ રમે છે. દર પાંચ વર્ષે પત્તા ચીપાય છે. ટાઇમ્સ ઑફ ઇન્ડીયા એને લોકશાહીનું નૃત્ય (dance of democracy) કહે છે. હું એને લોકશાહીનો જુગાર (gambling of democracy) કહું છું. અહીં કોંગ્રેસ જીતે કે ભાજપ જીતે, હોડમાં પ્રજા જ મુકાય છે અને છેલ્લે પ્રજાની જ હાર થાય છે. લાસ વેગાસના કોઈપણ કાસિનો કરતા પણ મોટી હેરાફેરી અહીં થાય છે.
*
થાનગઢમાં આગલા દિવસે મેળામાં દલિતો અને ભરવાડના જુથો વચ્ચે મારામારી થયેલી. મેહુલના પોસ્ટમોર્ટમના રીપોર્ટમાં લખેલું કે એને છાતી પર ઇજા થઈ હતી. એણે ઘરે આવીને કોઇને કહેલું પણ નહીં. રાત્રે પંકજને પોલિસે ગોળી મારી. બીજા દિવસે દલિતો પોલિસની સામે ધસી ગયેલા, એમાં મેહુલ પણ હતો. પોલિસના હાથમાં એકે-47 અને દલિતોના હાથમાં બાવળીયાના ઝાંખરા. કેટલું ભયાનક ઝનુન. પરિણામ કેટલું વિકરાળ.
*
દલિતોને ક્યાંક મૂછો વધારવાથી માર પડે છે. મૂછો શા માટે રાખો છો? ‘વાણીયાભાઈની મૂછ નીચી’ કહેનારા વાણીયા આજે રાજ કરે છે અને મૂછો પર લીંબુ ઠેરવતા દરબારો પડીને પાધર થયા છે. દરબારોની નકલ કરવા કરતા વાણીયાની કરો. બંને વર્ણવ્યવસ્થાના જ પ્રતીકો છે. તમારે તો નકલ જ કરવી છે ને? તો મૂછ વિનાનું પ્રતીક શું ખોટું? નકલમાં તો અકલ રાખો.
*
ઉનામાં બાલુબાપાને માર પડ્યો. હજુ ઘરમાં માયાવતીનો ફોટો રાખે છે. શરમ નથી આવતી બાલુભાઈને. અરે ભાઈ, ઘરમાં નરેન્દ્ર મોદીનો ફોટો રાખો. મોદીનો ના રાખવો હોય તો રાહુલજીનો રાખો. તેઓ આવતી કાલે વડાપ્રધાન બનવાના છે. જાણીતા વિદ્વાન કટાર લેખકો, ઊંડા રાજકીય વિષ્લેષકો, લબ્ધ પ્રતિષ્ઠિત સમાજશાત્રીઓ એક અવાજે કહી રહ્યા છે. રાહુલબાબા ઉગતો સૂરજ છે. માયાવતી આથમતી અમાસ છે. કોનો ફોટો રાખવો કે ના રાખવો એ પણ તમને સમજાવવાનું? બેવકૂફ માણસો. સમજો. જીવતો નર ભદ્રા પામે. સર સલામત તો પઘડીયા બહોત. સમય પ્રમાણે સુકાન ફેરવો. સમજ ના પડતી હોય તો ફેસબુક પરની પોસ્ટો વાંચો.
*
ગામડાના દલિતોએ શહેરના દલિતોને એક વાત ખોંખારીને કહી દેવાની જરૂર છે. મહેરબાની કરીને લક્ઝરીઓ ભાડે કરીને અહીં દેકારો કરવા આવશો નહીં. તમે શહેરના અભયારણ્યમાં મજેથી રહો છો. જલસા કરો. અહીં ગામડામાં આવીને ક્રાંતિના નાટકો કરશો નહીં. અહીં ગામડામાં ગાંધી, સરદાર નેહરુ, રૂપાણી, ધનાણી, કાનાણી કોઈનીએ કોઈ શરમ ભરતું નથી, તો તમે કયા ખેતની મૂળી? આપણે બંદૂક ઉઠાવી શકીએ એમ નથી. આપણે પોતે સીક્યૂરિટી માંગીએ છીએ. બીજાને શું અભયદાન આપીશું? તમે શહેરવાળા તમારી ચિંતા કરો. અમે ગામડાવાળા અમારું ફોડી લઇશું.
*
અને છેલ્લે, ગામડાના દલિતોએ મીડીયા પર ભરોસો કરવો નહીં. મીડીયાને દલિતોમાં રસ નથી, દલિતોની લાશોમાં રસ છે. અખબારોને સરક્યુલેશન વધારવું છે અને ટીવી ચેનલોને એમની ટીઆરપી. મીડીયાના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે. હમણાં એક ટીવી ચેનલ પર એક ડીબેટમાં ભાગ લેવા ગયો ત્યારે મેં જોયું કે એન્કર ટીવી પર જાતિવાદી આંદોલનોને અને આંદોલનકારીઓને ભાંડતો હતો અને જેવી ડિબેટ પૂરી થઈ ત્યારે એની ચેમ્બરમાં “હવે મધ્યસત્ર ચૂંટણી આવવાની છે અને કોંગ્રેસ 120 બેઠકો લાવવાની છે,” એમ કહી રહ્યો હતો. સરવાળે જાતિવાદી તમે છો, ભાજપ અને કોંગ્રેસ તો દૂધે ધોયેલા છે. એ રાજ કરશે. તમારે તો ખહટાવવાનું જ છે.
- Raju Solanki
No comments:
Post a Comment