April 20, 2020

તમને શું લાગે છે? કોરોના રાહત ફંડમાં કૌભાંડ થશે?

By Vijay Makwana  || 30 March 2020

Contributions to PM CARES Fund qualify as CSR expenditure, but not ...
ડિઝાસ્ટર મેનજમેન્ટ એકટ -૨૦૦૫ ની કલમ 50, 60, અને કલમ 70 થી 76 વાંચી જાઓ! તે મુજબ કુદરતી આપદા માં સરકાર જે કોઈ પણ કદમ ઉઠાવે તેને કોઈ લોકલ ઓથોરિટીમાં લોકો ચેલેન્જ ન કરી શકે. માત્ર હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ જ તેને વાજબી અથવા ગેરવાજબી કહી શકે. એટલે કોઈ પણ પદાધિકારી સામે તમારે ગેરરીતિની ફરિયાદ કરવી હોય તો દરવાજા તમારે ઉચ્ચ ન્યાયાલય ના ખખડાવવાના ! આપદના સમય વખતે સરકાર દ્વારા જે રાહત ફંડ આપવામાં આવે છે તે ફંડ નું ઓડિટ પણ કોઈ સંસ્થા નથી કરી શકતી. રાજ્ય ઓથોરિટી જે ફંડ વાપરે તેનો રિપોર્ટ વિધાન સભામાં તથા લોકસભા માં વાર્ષિક રિપોર્ટ તરીકે રજૂ કરી શકે છે. અને એ વખતે કેન્દ્ર ની કે રાજ્યની સરકાર ને એમ લાગે કે રાજ્યો એ તે ભંડોળ નો દુરુપયોગ કર્યો છે તો જે તે રાજ્યની ડિઝાસ્ટર ઓથોરિટી નો કેન્દ્ર સરકારના આદેશથી અહેવાલ માંગવામાં આવશે. હવે રાજ્ય ઓથોરિટી ના વડા મુખ્યમંત્રી હોય છે! તેમને પોતાના તાબા માં રહેલ ઓથોરિટી નો અહેવાલ મોકલવાનો છે. કેન્દ્રમાં ડિઝાસ્ટર મેનજમેન્ટ ઓથોરિટી ના મુખિયા માત્ર વડાપ્રધાન રહેશે! જેમના હાથમાં તમામ સત્તા રહેશે..

કલમ 50 વાંચો તો એમાં સ્પષ્ટ લખ્યું છે. ઓથોરિટી જે રાહત કામ માટે જે ખરીદી કરે તેના માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા નથી કરવાની. ઓથોરિટી ને ઉચ્ચક ખર્ચના બિલ કે રજીસ્ટર સાચવવાથી મુક્તિ અપાઈ છે. તે એટલા માટે કે આપદા માં વિના સંકોચ આવશ્યક ચીજ વસ્તુઓ ઓથોરિટી તત્કાળ ખરીદી શકે.

હવે જોઈએ કોરોના રાહત ફંડના 1 લાખ 70 હજાર કરોડ કયા રાજ્યો કેવી રીતે વાપરે છે. અને કયા રાજ્યોના અહેવાલો ની ટીકા થાય છે. હજી સુધી લોકસભામાં આપદા વ્યવસ્થાપન અહેવાલ બાબતે પક્ષ કે વિપક્ષે બહુ વિરોધ કર્યો હોય તેવું બન્યું નથી. આ વખતે મોટી રકમ છે પણ નરેન્દ્ર મોદી સાહેબ મુખ્ય કર્તા હર્તા હોય તો મને ક્યાં કોઈ ચિંતા છે..?? પણ તમે જ ફરિયાદ કરશો સરકારે કોરોના કૌભાંડ કર્યું. તમારે ફરિયાદ કરવી છે પણ તમે ઉચ્ચ ન્યાયાલય સિવાય ફરિયાદ નહિ કરી શકો. કેમ કે, તમારે કોર્ટમાં ફરિયાદ કરતા પહેલા રાજ્ય સરકાર ની મંજુરી લેવી પડશે. તે મંજૂરી ન આપે તો તમારે 30 દિવસમાં કાનૂની નોટિસ આપવી પડશે. એ નોટિસ નો જવાબ ના મળે તો 15 દિવસની મુદતમાં ઉચ્ચ ન્યાયાલયમાં ફરિયાદ કરવાની. ઉચ્ચ ન્યાયાલય તમારી ફરિયાદ લેવી કે ના લેવી તેનો નિર્ણય લેવા બે માસ ની હિયરિંગ તારીખ નાખશે. આવું કલમ 60 માં જણાવેલ છે.

કોઈ ઓડિટ નહિ. કોઈ ઓડિટર નહિ. કોઈ ફરિયાદ લેનાર નહિ. સાંભળનાર નહિ.. અને 1 લાખ 70 હજાર કરોડ.. સરકારી બાબુઓ અને નેતાઓ ના હાથમાં! તમને શું લાગે છે? કૌભાંડ થશે?

શું તમને એવુ લાગે છે કે બહુજન મુદ્દા ખૂટી ગયા છે???

By Vijay Makwana  || 05 April 2020


એક પોસ્ટ પર એક દોસ્તે ટોણો માર્યો કે, મારી પાસે બહુજન મુદ્દા ખૂટી ગયા છે. મેં જવાબ આપ્યો કે, હું લખતો ન હોઉં એ તમારા માટે ચિંતા નો વિષય છે. કેમ કે જયારે એક બહુજન તરીકે હું લખતો નથી હોતો ત્યારે ફિલ્ડમાં હોઉં છું. અને ફિલ્ડમાં અમે બહુજનો બહુ ખતરનાક હોઈએ છીએ.. વચ્ચે વર્ષ ૨૦૧૭માં મેં લગભગ ૧૦ માસ નો અહીં વિરામ લીધો હતો. તે સમય નો એક મસ્ત કિસ્સો છે. તમને મઝા પડશે..

ઉનાકાંડ તમને યાદ હશે. મેં મારા સામાજિક કાર્યકર દોસ્ત નટુભાઈ ની પ્રશંસા કરેલી. સુરેન્દ્રનગરમાં લગભગ ૧૦૦ થી વધુ સામાજિક કાર્યકરો છે. બધા એકથી એક ચડિયાતા. લગભગની સાથે મારે ઘર જેવા સબંધો છે. હું એકવાર એક સિવિલ દાવો ટાઈપ કરાવી રહ્યો હતો. ત્યાં નટુભાઈ આવી ચડ્યા. મારો અને નટુભાઈ નો રોજ એકવાર તો ભેટો થાય જ..અને તેનું કારણ છે ટાઈપવાળો..મારો અને નટુભાઈનો ટાઈપવાળો એકજ છે. નટુભાઈ નિત્ય લડવાવાળો જુજારું સામાજિક કાર્યકર છે. એ ક્યારેય રજા રાખતા નથી. એમની પાસે અઢળક મુદ્દાઓ છે. લોકોની સમસ્યાઓ અને તેનું કેવી રીતે નિરાકરણ લાવવું એના હજાર આઈડિયા એમની પાસે છે. નટુભાઈ ગમે ત્યારે ટાઈપમાં આવે હું મારું કામ સાઈડ પર મૂકી દઉં છું. અને તેમને ડ્રાફટ તૈયાર કરવામાં મદદ કરી દઉં છું. તે દિવસે તેઓ રાજ્યપાલ શ્રી ને કોઈ સમસ્યા નું નિરાકરણ કરવા પત્ર લખવા આવેલા. અમે આંદોલનની ચર્ચા કરતા હતા. મેં નટુભાઈ ને તે દિવસનું તાજું અખબાર વંચાવ્યું.. એમાં એક કોર્નર પર યોગી આદિત્યનાથ ના સમાચાર હતા. જેમાં લખેલ કે ઉત્તરપ્રદેશ કુશીનગરમાં યોગી આદીત્યાનાથની વિસ્તાર મુલાકાતની યાત્રા હતી. અને કુશીનગર પ્રશાશને દલિતો ને સાબુ અને શેમ્પુ આપી ને કહ્યું કે, મુખ્યમંત્રી આવે છે. તમારે લોકોએ નાહીને આવવું મુખ્યમંત્રીને ગંદા ગોબર લોકો પસંદ નથી. મેં નટુભાઈ ને કહ્યું આ યોગી દલિતોને ન્હાવા ધોવાની સલાહ આપે છે. આનો કોઈક ઉપાય કરવો પડે નટુભાઈ! નટુભાઈ એ કહ્યું: બોલો સાહેબ ! આ યોગીના નાકમાં દમ લાવી દઈએ? એની પાસે માફી મંગાવવી જ છે? મેં કહ્યું: નટુભાઈ મારા શું ભોગ લાગ્યા છે?? અને યોગી ક્યાં મારો સગો છે?? હું શું કામ ના પાડું?? નટુભાઈ એ દિવસે ગયા.. અઠવાડિયા પછી મળ્યા.. આપણે તોડ ગોતી લીધો સાહેબ..!! યોગી માફી માંગશે.. ! એક મહિનામાં નટુભાઈ એ પોતાની જાતે ૧૨૫ કિલોનો સાબુ બનાવ્યો. સાબુ ની બનાવટ માં તથાગત બુદ્ધ ની ડાઈ બનાવી તેમની મૂર્તિ આકારનો સાબુ બનાવ્યો.. અને બીજી ૫૦૦ જેટલી સાબુ ની એવી જ મૂર્તિ સ્વરૂપની નાની નાની ગોટીઓ બનાવી..એક માસ બાદ સીધા ઉત્તરપ્રદેશ! આગોતરા આયોજન મુજબ ત્યાના લોકલ કાર્યકરો અહીં ગુજરાતથી ૩૦ જેટલા લોકો.. એમનું આયોજન હતું યોગી આદિત્યનાથ ને રૂબરૂ ૧૨૫ કિલો નો સાબુ આપવો અને કહેવાનું કે દલિતો ને નહાવાની સલાહ આપવા કરતા તમે આ તથાગત સ્વરૂપ સાબુથી નહાજો અને દલિતો પ્રત્યેની તમારી જે ગંદી માનસિકતા છે. તેને તથાગતના પ્રેરણાદાયક પવિત્ર વિચારોથી ધોઈ નાખજો..!! નટુભાઈ નું બધું કામ પરફેક્ટ હોય..!! આયોજનમાં કોઈ કચાશ ન હોય ન્યુયોર્ક ટાઈમ્સ, ગાર્ડિયન, બીબીસી, સીએનએન, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ધ હિન્દુ બધા ના પ્રતિનિધિઓ તેમને ઓળખે.. અઠવાડિયા આગાઉ તો ઉત્તરપ્રદેશના લોકલ કાર્યકરો દ્વારા લોકલ મીડિયામાં તથા આંતરરાષ્ટ્રીય મીડિયામાં નટુભાઈ એ પ્રચાર કરી દીધેલો. કે ગુજરાતના એક સંગઠનના કાર્યકરો યોગી ને સાબુ આપશે. પણ નટુભાઈ નો આ બાબત સંદર્ભે ગુજરાતમાં કોઈ પ્રચાર નહિ..!! નહિ તો અહીંથી જ યાત્રા અટકી જાય! આ આયોજન માટે નટુભાઈ એ તાત્કાલિક એક અલગ નામથી સંગઠન પણ કાગળ ઉપર બનાવી નાખ્યું..(આ સિક્રેટ રાખવાનો સ્પેશલ કેમિયો છે) હવે બન્યું એવું કે આખે આખો માંચડો લઇ નટુભાઈ ટ્રેન માં બેસી ગયા. બરાબર ઝાંસી સ્ટેશને પહોંચ્યા ઉત્તરપ્રદેશ પોલીસે અધવચ્ચે જ બધાને પકડી લીધા. ઝાંસીમાં જ નટુભાઈ એ ધારણા ચાલુ કર્યા. પોલીસ કોઈપણ સંજોગોમાં આગળ જવા દેવા માંગતી ન હતી. નટુભાઈ એટલે ખેલાડી માણસ! એમને તો ભાવતું હતું ને વૈદે કહ્યું જેવો ઘાટ થયો. તેમણે ઉત્તરપ્રદેશના કાર્યકરો ને કેટલીક માહિતી આપી દીધી. મીડિયા સુધી તે માહિતી પહોંચી ગઈ. અર્ધા કલાકમાં તો આખું મીડિયા ઝાંસીમાં નટુભાઈ પછી ઝાલ્યા ના રહ્યા.. યોગી ને સ્ક્રીન પર ચેલેન્જ આપી દીધી આવતીકાલે બરોબર વિધાનસભા આગળ તમને હાથોહાથ સાબુ આપીશ.. ઉત્તરપ્રદેશ ની લોકલ ચેનલવાળા લોકોએ નટુભાઈ ને સહકાર આપ્યો.. પ્રાઈમ ટાઈમ માં નટુભાઈ ચમક્યા. ઉત્તરપ્રદેશ વિધાનસભાનું સત્ર બીજા દિવસે શરુ થવાનું હતું. નટુભાઈ ઝાંસીમાં હતા લગભગ ઉત્તરપ્રદેશના ૧૦-૧૨ હજાર બહુજન લોકો એકઠા થઇ ગયા.. મોટો તાયફો થઇ ગયો. યોગીના અંગત સચિવ નટુભાઈ ને એ જ રાત્રે મળી ગયા.. કાર્યક્રમ મોકૂફ રાખવા વિનંતી કરી..પણ આ તો નટુભાઈ! કાર્યક્રમ બદલવાની ના પાડી વળતો જવાબ મોકલ્યો.. હું દેશ નો નાગરિક છું. મારા દેશના એક મોટા પ્રાંતના મુખ્યમંત્રી ને મોંઘેરી ભેટ આપવા આવ્યો છું.. હું કોઈ ગુન્હો તો નથી કરી રહ્યો.. તમે યોગીજી ને સમજાવો.. સાબુ લઇ લે..!! બીજે દિવસે યોગી આદિત્યનાથે વિધાનસભા સત્રમાં આ મુદ્દો ઉછળે નહિ ચર્ચા ન થાય તે બીક થી..પોતાના સચિવ મારફત સાબુ ભેટ સ્વીકાર્યો અને કબુલ કર્યું કે કુશીનગર પ્રશાસન ની આ ભૂલ છે. એક મુખ્યમંત્રી તરીકે હું સમાજની માફી માંગું છું. કુશીનગર પ્રશાસનના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનું વચન આપું છું..

કેટલાક ભગત ને યોગી એટલે તોપનો ગોળો એવું લાગે છે. પણ આવા તોપના ગોળાને અમે નાનકડા બહુજન કાર્યકરો બેઠા બેઠા પોતું મારી ભેજ લગાડી દઈએ છીએ.. ૨૦૧૪ થી ૨૦૨૦ સુધીમાં સાહેબ બહાદુર મંચ ઉપર સાત વખત રડ્યા છે એમાં ચાર વખત અમારા આવા નાના સામાજિક કાર્યકરો એ રડાવ્યા છે. એકવાર સાહેબે ગૌ રક્ષકોને રાત્રીના રખડતા આવારા તત્વો કહેલા! એ શબ્દો સાહેબ કઈ ઘટના ને કારણે બોલેલા તેની પણ એક વિસ્તૃત કથા છે. લોઢું ગરમ થાય ત્યારે હથોડો મારવો આ કહેવત મામુલી કહેવત છે. લોઢું ગરમ થાય ત્યાં સુધી કોણ રાહ જુએ? લોઢું હથોડાથી ટીપાવા સતત ગરમ જ રહે તેવી ટેકનીક દલિત સંગઠનો અને કાર્યકરોએ વિકસાવી છે! એ દલિતો સિવાય કોઈ જાણતું નથી! અંદોલન કેવી રીતે ચલાવવું તેને વિશાળ જન સમુહમાં કેવી રીતે તબદીલ કરવું. સંચાર માધ્યમો વિના લોકો સુધી સંદેશ કેમ પહોચાડવો. કયા મુદ્દામાં કેટલા લોકો ની જરૂર છે. કેટલાની નહિ. વાતાવરણ, પર્યાવરણ, આર્થિક શક્તિ, હેતુ..પ્રતિકુળ બાબતો તેનો અભ્યાસ કરવો..કેટલી સ્ટ્રેટેજી અપનાવવી કેટલી નહિ. ઉપરના નટુભાઈ ના આંદોલનમાં માત્ર ૨૩ વ્યક્તિઓએ હિસ્સો લીધેલો! જેમાં ઉત્તરપ્રદેશના ૯ લોકો હતા. બાકીના ઉત્તરપ્રદેશના ૧૦૦૦૦ લોકો તો મીડિયા લઇ આવેલું... ભાઈઓ! ભારતમાં સરકાર ને કોઈ આયોજન કરવું હોય કે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિને ક્યાંય મુલાકાત લેવી હોય તો મહિના અગાઉ અમારા સામાજિક કાર્યકરોની રેકી કરવી પડે છે..આ લોકોના જેટલા આંદોલન હોય તેનો નિકાલ કરો. નહિ તો બધું રફેદફે કરી નાખશે! બીક બીક માં તો સાહેબની સરકાર ચાલે છે.. નથી માનતા? ફિલ્ડ માંથી બીજા કિસ્સા લઇ આવું?



~ વિજયમકવાણા

જે બનવું હોય તે બનજે પણ સહુથી પહેલા ભારતીય બનજે...

By Vijay Makwana  || 07 April 2020


ઇસાપૂર્વ બીજી સદીમાં કુષાણ વંશમાં એક રાજા થઇ ગયો નામ એનું કનિષ્ક. જે એક બૌદ્ધ રાજા હતો. જેના સમયમાં તેણે બૌદ્ધ ધર્મનો ખુબ પ્રચાર કરેલો. પોતાના રાજ્યમાં તેણે પોતાના ચલણી સિક્કાઓ પર ભારતીય સંસ્કૃતિના તમામ ધર્મના પ્રતીકો અને દેવતાઓનું ચિત્રણ કરેલ. તેણે પોતાના રાજમાં ઘણા બોદ્ધ વિહારો બનાવ્યા હતા. ઘણા સ્તુપોની રચના કરી હતી. બુદ્ધચરિત નામના ગ્રંથની રચના કરનાર મહાન બૌદ્ધ દાર્શનિક અશ્વાઘોષ તેના માર્ગદર્શક હતા. કનિષ્ક મહાયાની બોદ્ધ હતો. તેના કાળ સુધી બુદ્ધની મૂર્તિઓ બનતી ન હતી. પણ તેની ઈચ્છા હતી કે ધમ્મ નો પોતાના સામ્રાજ્ય તથા તેના સામ્રાજ્ય સાથે વ્યાપારિક રીતે જોડાયેલા ગ્રીક, યુઆન, અને ચીન જેવા દેશોમાં પણ બોદ્ધ ધમ્મ નો પ્રચાર થાય તે માટે તેણે બુદ્ધની મૂર્તિ બનાવવા અશ્વાઘોષ પાસે પરામર્શ કરેલ. અશ્વાઘોષ જેણે ફોર્થ બુદ્ધિસ્ટ કાઉન્સિલ એટલે કે બુદ્ધ સંગતિ બોલાવી મૂર્તિ બનાવવા નો પરામર્શ કરવા સુચન કર્યું. ચોથી બુદ્ધ સંગતિ કાશ્મીરમાં કનિષ્કએ બોલાવી અને બુદ્ધની પ્રથમ મૂર્તિ બની..! કનિષ્ક એ બુદ્ધની આકૃતિ કંડારેલા ૮૪૦૦૦૦૦ સોનાના સિક્કા ચલણમાં મુક્યા. મ્યાનમાર થી ગ્રીસ સુધી જતા સિલ્ક રૂટ પર હજારો બુદ્ધ મૂર્તિ તથા વિહારોની સ્થાપના કરી.. કુષાણ આમ વિદેશી પ્રજા હતી પણ કનિષ્ક ચાર ચાર પેઢીથી ભારતમાં રહેતો હતો તેથી ભારત ને પોતાની માતૃભૂમિ કહેતો હતો..જીવન ના અંત સમયમાં મરણ પથારીએ રહેલા કનિષ્ક એ પોતાના પુત્ર હવીષ્ક ને જે સલાહ આપી તે આ મુજબ છે..

“પુત્ર.! ભારત ની આ ધરતી આપણી માતા છે. અને આપણે તેના સંતાનો. માતા અને સંતાન નો આ સબંધ સહુથી પવિત્ર સબંધ છે. આપણે સહુ માતાના ગર્ભમાંથી જન્મ લઈએ છીએ અને આ ધરતી માતાના ગર્ભમાં સમાઈ જઈએ છીએ. અને જ્યાં સુધી ધરતી પર શ્વાસ લઇએ છીએ આપણી દરેક જરૂરિયાત આ ધરતી માતા પૂરી કરે છે. એટલે આપણે તેની ઉપાસના કરીએ છીએ. સૂર્ય આપણને ઉર્જા આપે છે એટલે આપણે તેની ઉપાસના કરીએ છીએ. ચંદ્રમા આપણને શીતળતા આપે છે એટલે જ આપણે તેની ઉપાસના કરીએ છીએ. આપણને જીવન પ્રદાન કરવા માટે થઈને આપણે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. તું સિંધુ, ગંગા, યમુના, કુંભા વિગેરે ને પોતાની માતાઓ ગણજે. ક્યારેય વૈદિક, અવૈદિક, બ્રાહ્મણ, બૌદ્ધ માં ભેદભાવ ન કરતો. મારા પિતા શિવના ઉપાસક હતા પણ દરેક દેવતાઓનું સન્માન કરતા હતા. હું બુદ્ધનો ઉપાસક છું પણ મેં તમામ દેવતાઓનું સન્માન કર્યું છે. આજ ભારત છે! પોતપોતાના દેવતાઓમાં વિશ્વાસ કરવો એ વ્યક્તિગત ધર્મ છે. પણ એક ધર્મ એ પણ છે જે તમામ ધર્મોની ઉપર છે. અને તે છે રાષ્ટ્રધર્મ! આ ધર્મ રાજાઓને ચલાવે છે. અને પ્રજાનું પાલન કરે છે. એટેલે તું હમેશા એ યાદ રાખજે કે, રાષ્ટ્ર ધર્મથી મોટો કોઈપણ ધર્મ નથી હોતો.. આ જ ભારતની અસલી સંસ્કૃતિ છે..! ‘સા પ્રથમા સંસ્કૃતિવિશ્વવારા’ એવું યજુર્વેદમાં લખેલું છે. જેનો મતલબ છે ‘આ વિશ્વને ધારણ કરવાવાળી પોષણ કરવાવાળી સંસ્કૃતિ છે. એનો અનુયાયી બનજે. અને એનું રક્ષણ કરજે. તારે બૌદ્ધ બનવું હોય તો બૌદ્ધ બનજે ! જૈન બનવું હોય તો જૈન, શૈવ બનવું હોય તો શૈવ બનજે! જે બનવું હોય તે બનજે પણ સહુથી પહેલા ભારતીય બનજે..”

~ વિજયમકવાણા

વિજ્ઞાન વિશે એક મઝાની વાત...

By Vijay Makwana  || 16 April 2020

Science versus Religion

વિજ્ઞાન વિશે એક મઝાની વાત હોય તો એ છે કે, વિજ્ઞાન હંમેશા ટીકાઓ માટે
અને ચર્ચાઓ માટે તૈયાર રહે છે. એના માં ખુલ્લાપણું ખુબ છે. એ બંધિયાર
નથી. દુનિયામાં ઘણી શક્તિઓ એવી છે કે જે વિજ્ઞાન ને પણ ધર્મ બનાવવાની
મથામણ કરે છે. પણ વિજ્ઞાને પોતે પોતાના માટે એક નિયમ બનાવ્યો છે. પોતાના
નિયમો સાર્વજનિક હોવા જોઈએ અને તેની સાર્વજનિક ચર્ચા થવી જોઈએ. આપણે જોઈ શકીએ છીએ કે આપણે આઇન્સ્ટાઇન ના નિયમોમાં ત્રુટી છે તે જોઈ શકીએ છીએ. કારણ કે, આઇન્સ્ટાઇન ના નિયમને જૂઠા સાબિત કરતા બીજા સાયન્ટીફીક પેપર્સ આપણી પાસે હાલ મોજુદ છે. દરેક વ્યક્તિ અહીં ગણિત શીખી શકે છે. અને એ પણ બિલકુલ નવીનતમ ગણિત. તે મોનોગ્રાફ વાંચી શકે છે. આર્ટીકલ વાંચી શકે છે. વિજ્ઞાનસભાઓમાં જઈ શકે છે. બીજા વિજ્ઞાનીકો સાથે લાંબી લાંબી ચર્ચાઓ કરી શકે છે અને પોતાનું સત્ય તારવી શકે છે. આ ખુલ્લાપણું વિજ્ઞાનની અમોઘશક્તિ છે. જેની સામે ધર્મ વિકલાંગ બની જાય છે. ધર્મ હંમેશા બંધિયાર રહ્યો છે. તેમાં પરિવર્તનની કોઈ શક્યતા નથી. તેના નિયમો કેમ આવ્યા તે કાયમ રહસ્ય રહ્યાં છે. કેમ કે ધર્મના નિયમ વિષે સાર્વજનિક ચર્ચા થવાનો સંભવ શક્ય નથી. નિયમ સામે શંકાઓ નથી થઇ એટલે તે બદલાયા નથી. ધર્મના નિયમો અફર છે કેમ કે તેને એક પ્રકારે આદરથી જોવામાં આવે છે. કેમ કે તેના પર ઈશ્વરનો માર્કો લગાવવામાં આવે છે. જેથી તે નિયમ હંમેશને માટે એક રહસ્ય બની જાય છે. અને એટલે જ ધાર્મિક શિક્ષણ વિકૃત બની ગયું છે. ધર્મના સત્તાધીશો જે અનુયાયીને સમજાવે તે તેમના માટે આખરી શબ્દ હોય છે. કોઈ સામાન્ય વ્યક્તિ તે નિયમને પડકારી નથી શકતો કે તેનું સાચું અર્થઘટન નથી કરી શકતો..

~ વિજયમકવાણા

એક પદયાત્રા, ત્રણ તસવીર

By Raju Solanki  || 12 April 2020


આજે મારા એક કઝિનનું મૃત્યુ થયું. સવારે દસ કલાકે એની અંતિમક્રિયા દૂધેશ્વર સ્મશાગૃહમાં થઈ. કઝિન કોટના વિસ્તાર રહેતા. ત્યાંથી સ્વજનો શબવાહિનીમાં એમના મૃતદેહને લઇને નીકળ્યા. મારી પાસે વાહન નથી. એટલે હું ઘરેથી ચાલતો ચાલતો દૂધેશ્વર જવા નીકળ્યો. 5 કિમી. જવાના. 5 કિમી. આવવાના.

10 કિમીની આ પદયાત્રામાં મેં મારા મોબાઇલથી ત્રણ ફોટા પાડ્યા. પહેલો ફોટો દૂધેશ્વર વોટર વર્ક્સ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સઘન કચરાનો નિકાલ કરતા વાહનનો છે. બે સફાઈદૂત નગ્ન હાથે કચરો ભરેલી લારીમાંથી ડબ્બા ઉપાડી ઉપાડીને વાહનમાં ઠાલવતા હતા. મેં એમને પૂછ્યું, તમને ગ્લોવ્ઝ નથી આપ્યા?. પોતાની કામગીરીમાં મસ્ત એ લોકોએ મારા સવાલનો તુરંત જવાબ ના આપ્યો. હું ઉભો રહ્યો. પંદર સેકન્ડ પછી એકે કહ્યું કે ગ્લોવ્ઝ આપ્યા છે, પરંતુ એનાથી પક્કડ રહેતી નથી. કામ કરતા ફાવતું નથી. મેં કહ્યું એક ફોટો પાડું તમારો. એમને ફોટો પડાવવામાં રસ જ નહોતો. ફોટામાં આ જે માણસ ઝીલાયો છે, એનો સાથીદાર તો હું ક્લિક કરું એ પહેલા ફ્રેમની બહાર નીકળી ગયો.

આ કેવા માણસો છે. અહીં કોરોના-યુગમાં લોકો ઘરમાં બેસીને ગિટાર વગાડે, ડાન્સ કરે, પત્તા રમે, ગીત ગાય, અંતાક્ષરીઓ રમે, એના ફોટા પાડે, વીડીયો બનાવે, સોશીયલ મીડીયામા મૂકે અને ટીવી ચેનલો પર સ્ટે હોમ, સ્ટે હેપ્પીના સંદેશ સાથે દર્શાવાય અને અહીં આ સફાઈ કામદારોને ફોટા પડાવવામાં સહેજે રસ નથી.

બીજો ફોટો દૂધેશ્વર સ્મશાનમાં મૂકાયેલી #દધિચિ ઋષિની પ્રતિમાનો છે. આ પ્રતિમા અગાઉ સ્મશાનમાં નહોતી. પ્રતિમાની નીચે #દધિચિ ઋષિની કપોળ કલ્પિત કહાની છે. વૃત્રાસુરે દેવલોક પર આક્રમણ કર્યું. ઇન્દ્ર ભાગી ગયો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે ગયો. એમણે કહ્યું કે અમારી પાસે કોઈ શક્તિ નથી, પંરંતુ દધિચિ ઋષિ પાસે જા. એના હાડકા તપસ્યા કરીને કઠોર થઈ ગયા છે. ઇન્દ્ર દધિચિ પાસે ગયો. એના હાડકા માંગ્યા. એમાંથી વજ્ર બનાવ્યું અને વૃત્રાસુરનો નાશ કર્યો.

કહેવાય છે કે દધિચિએ માનવજાતિનું કલ્યાણ કર્યું. મને કાયમ એ સવાલ થાય છે કે દધિચિએ તો ટ્રમ્પ જેવા લબાડ, નાલાયક, ઐયાસ, હરામી ઇન્દ્રની ગાદી બચાવવા માટે એના હાડકા આપેલા. આમાં માનવજાતિનું કલ્યાણ ક્યાંથી આવ્યું?. હજારો હિન્દુઓ આવી વાર્તા સ્મશાનમાં વાંચે છે. મનુવાદની આ બૂનિયાદ છે.

ત્રીજી તસવીર શાહીબાગની પોલિસ કમિશનરની કચેરીની સામે ફુટપાથ પર બેઠેલી વૃદ્ધાની છે. એને ભારતમાતા જ કહોને. કોરોનાના કપરા કાળમાં આ ઘરવિહોણી મહિલા શહેરના પોલિસ કમિશનરની કચેરીની સામે જ બેસી રહે છે. જોડે એના મોંઘેરા અસબાબ જેવી પ્લાસ્ટિકની થેલીઓ છે. એને કોરોનાની લગીરે બીક નથી. આ તસવીર વિસ્થાપિત ભારતની છે.

ત્રણ તસવીરો. બે તસવીરો જીવાતા જીવનની છે. એક તસવીર દંતકથાની છે.. ત્રણેય તસવીરોને જોડનારો એક તંતુ છે. ભારત દધિચિની કપોળ કાલ્પનિક કહાનીમાં રાચતું રહેશે ત્યાં સુધી એના સફાઈદૂતોને, એના વિસ્થાપિતોને ન્યાય નહીં મળે.

બહુ દિવસે આવી પદયાત્રા કરી. ઘરે આવ્યો ત્યારે થાકી ગયો. પરંતુ ત્રણ તસવીરોની આ કથા લખવાથી મારો થાક ઉતરી ગયો.

- રાજુ સોલંકી

કોરોના-યુગની કઠણાઈ

By Raju Solanki  || 12 April 2020


India ranks below Pakistan, Lanka in Global Hunger Index, report ...
સરસપુર, પોલિસ ચોકીની બાજુમાં આવેલા કડીયાવાડમાં રહેતા રાજુ ભાવસાર રમકડાં, ફુગ્ગા વેચીને ગુજારો કરતા હતા. લોકડાઉનમાં એ પણ બંધ થઈ ગયું. 65 વર્ષના રાજુભાઈ એકલા જ રહે છે. પરીવારમાં બીજું કોઈ નથી. થોડાક દિવસો પહેલાં કડીયાવાડમાં પોલિસ સરવે કરવા આવેલી. રાજુભાઈ છેક અંદરના ભાગમાં કહે છે. કોઇએ એમનું નામ આપેલું નહીં. એટલે ફુડ પેકેટ પણ મળ્યા નહીં. હવે શું કરવું કોર્પોરેશનના અધિકારીઓ ફોન ઉઠાવતા નથી, એમ તેમણે જણાવ્યું હતું.

એસજી હાઇવે પર ગ્રાન્ડ ભગવતીની સામે આવેલી ધી ગ્રાન્ડ ઇડન હોટલના માલિક જયસુખ ભટ્ટ જણાવે છે કે એમણે છ છોકરાઓને એમની હોટલમાં આશરો આપ્યો છે. છેક કોલકાતા છે. અહીં મજુરી કરતા હતા. લોકડાઉનના કારણે વતનમાં પાછા ફરી શક્યા નથી.

વસ્ત્રાલ-ઓઢવવની વચ્ચે, પાંજરાપોળની પાછળ, તનમન ભાજીપાંઉની સામે ઔડાના ચાર માળીયા નામે સત્યમ આવાસ છે. અહીં અંદાજે 2000ની વસતી છે. છૂટક મજુરી કરતા આ લોકો હાલ ભૂખે મરે છે.

મધુરમ ફ્લોરા, ચાંદખેડાથી રમેશ પરમાર જણાવે છે કે, એમના ત્યાં બાંધકામની વિવિધ સાઇટો પર કામ કરતા 60 મજુરો તકલીફમાં છે. વારાણસી, બલીયા બાજુના આ મજુરો લોકડાઉનના કારણે ચાંદખેડામાં ફસાઈ ગયા છે અને હવે તેમને ખાવાના ફાંફા છે. રમેશભાઈ પોતે સીઝનલ ધંધો કરતા હતા. કાગળની થેલીઓ બનાવીને દુકાને દુકાને ફરીને વેચતા હતા. એમનો ધંધો પણ હવે બંધ થઈ ગયો છે.

ન્યૂ રાણીપ શિવદર્શન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા રોબર્ટ ક્રિશ્ચિયન સિક્યોરિટીમાં નોકરી કરતા હતા. હાલ બેકાર થઈ ગયા છે. એમને શ્વાસની તકલીફ છે અને ઉપરથી હવે ખાવાના ફાંફા છે.

ઓમનગર, ફાટકની જોડે, ક્વાટર્સની બાજુમાં ખાડાવાળી ચાલીમાંથી વિનોદ પરમાર જણાવે છે કે, અહીં છાપરામાં 75 પરીવારો વસે છે. તેઓ નરોડા ફ્રુટ માર્કેટમાં મજુરી કરતા હતા. હાલ માર્કેટ બંધ છે. તેઓ સૌરાષ્ટ્ર બાજુના છે. વિસ્તારના ધારાસભ્ય વલ્લભ કાકડીયાને ફોન કરતા તેમણે તેમના વોર્ડ પ્રમુખ ભાવિન જોડે વાત કરવા જણાવેલું. પણ કશું થયું નથી.

શાહપુર, મહેંદીકુવા, કાઝીમિયાંની ચાલીમાં વીસ પરીવારો ભાડાના મકાનોમાં રહે છે. તેઓ છૂટક મજુરી કરતા હતા. હાલ તકલીફમાં છે, એમ જગદીશભાઈ તુલસીભાઈ બોડાણા જણાવે છે.

- રાજુ સોલંકી