April 20, 2020

એક પદયાત્રા, ત્રણ તસવીર

By Raju Solanki  || 12 April 2020


આજે મારા એક કઝિનનું મૃત્યુ થયું. સવારે દસ કલાકે એની અંતિમક્રિયા દૂધેશ્વર સ્મશાગૃહમાં થઈ. કઝિન કોટના વિસ્તાર રહેતા. ત્યાંથી સ્વજનો શબવાહિનીમાં એમના મૃતદેહને લઇને નીકળ્યા. મારી પાસે વાહન નથી. એટલે હું ઘરેથી ચાલતો ચાલતો દૂધેશ્વર જવા નીકળ્યો. 5 કિમી. જવાના. 5 કિમી. આવવાના.

10 કિમીની આ પદયાત્રામાં મેં મારા મોબાઇલથી ત્રણ ફોટા પાડ્યા. પહેલો ફોટો દૂધેશ્વર વોટર વર્ક્સ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સઘન કચરાનો નિકાલ કરતા વાહનનો છે. બે સફાઈદૂત નગ્ન હાથે કચરો ભરેલી લારીમાંથી ડબ્બા ઉપાડી ઉપાડીને વાહનમાં ઠાલવતા હતા. મેં એમને પૂછ્યું, તમને ગ્લોવ્ઝ નથી આપ્યા?. પોતાની કામગીરીમાં મસ્ત એ લોકોએ મારા સવાલનો તુરંત જવાબ ના આપ્યો. હું ઉભો રહ્યો. પંદર સેકન્ડ પછી એકે કહ્યું કે ગ્લોવ્ઝ આપ્યા છે, પરંતુ એનાથી પક્કડ રહેતી નથી. કામ કરતા ફાવતું નથી. મેં કહ્યું એક ફોટો પાડું તમારો. એમને ફોટો પડાવવામાં રસ જ નહોતો. ફોટામાં આ જે માણસ ઝીલાયો છે, એનો સાથીદાર તો હું ક્લિક કરું એ પહેલા ફ્રેમની બહાર નીકળી ગયો.

આ કેવા માણસો છે. અહીં કોરોના-યુગમાં લોકો ઘરમાં બેસીને ગિટાર વગાડે, ડાન્સ કરે, પત્તા રમે, ગીત ગાય, અંતાક્ષરીઓ રમે, એના ફોટા પાડે, વીડીયો બનાવે, સોશીયલ મીડીયામા મૂકે અને ટીવી ચેનલો પર સ્ટે હોમ, સ્ટે હેપ્પીના સંદેશ સાથે દર્શાવાય અને અહીં આ સફાઈ કામદારોને ફોટા પડાવવામાં સહેજે રસ નથી.

બીજો ફોટો દૂધેશ્વર સ્મશાનમાં મૂકાયેલી #દધિચિ ઋષિની પ્રતિમાનો છે. આ પ્રતિમા અગાઉ સ્મશાનમાં નહોતી. પ્રતિમાની નીચે #દધિચિ ઋષિની કપોળ કલ્પિત કહાની છે. વૃત્રાસુરે દેવલોક પર આક્રમણ કર્યું. ઇન્દ્ર ભાગી ગયો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે ગયો. એમણે કહ્યું કે અમારી પાસે કોઈ શક્તિ નથી, પંરંતુ દધિચિ ઋષિ પાસે જા. એના હાડકા તપસ્યા કરીને કઠોર થઈ ગયા છે. ઇન્દ્ર દધિચિ પાસે ગયો. એના હાડકા માંગ્યા. એમાંથી વજ્ર બનાવ્યું અને વૃત્રાસુરનો નાશ કર્યો.

કહેવાય છે કે દધિચિએ માનવજાતિનું કલ્યાણ કર્યું. મને કાયમ એ સવાલ થાય છે કે દધિચિએ તો ટ્રમ્પ જેવા લબાડ, નાલાયક, ઐયાસ, હરામી ઇન્દ્રની ગાદી બચાવવા માટે એના હાડકા આપેલા. આમાં માનવજાતિનું કલ્યાણ ક્યાંથી આવ્યું?. હજારો હિન્દુઓ આવી વાર્તા સ્મશાનમાં વાંચે છે. મનુવાદની આ બૂનિયાદ છે.

ત્રીજી તસવીર શાહીબાગની પોલિસ કમિશનરની કચેરીની સામે ફુટપાથ પર બેઠેલી વૃદ્ધાની છે. એને ભારતમાતા જ કહોને. કોરોનાના કપરા કાળમાં આ ઘરવિહોણી મહિલા શહેરના પોલિસ કમિશનરની કચેરીની સામે જ બેસી રહે છે. જોડે એના મોંઘેરા અસબાબ જેવી પ્લાસ્ટિકની થેલીઓ છે. એને કોરોનાની લગીરે બીક નથી. આ તસવીર વિસ્થાપિત ભારતની છે.

ત્રણ તસવીરો. બે તસવીરો જીવાતા જીવનની છે. એક તસવીર દંતકથાની છે.. ત્રણેય તસવીરોને જોડનારો એક તંતુ છે. ભારત દધિચિની કપોળ કાલ્પનિક કહાનીમાં રાચતું રહેશે ત્યાં સુધી એના સફાઈદૂતોને, એના વિસ્થાપિતોને ન્યાય નહીં મળે.

બહુ દિવસે આવી પદયાત્રા કરી. ઘરે આવ્યો ત્યારે થાકી ગયો. પરંતુ ત્રણ તસવીરોની આ કથા લખવાથી મારો થાક ઉતરી ગયો.

- રાજુ સોલંકી

No comments:

Post a Comment