September 28, 2019

કોઈ સ્કિલ ઇન્ડિયા બોલે તો હરખપદુડાં નહી થવાનું..!

By Vijay Makwana  || 24 Sep 2019



વર્ષ 2009-10 માં ગુજરાતનાં યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટના નામે છેતરવામાં આવ્યાં. એલ એન્ડ ટી નામની કંપનીએ ગુજરાતનાં યુવાનોને હુન્નરબાજી શિખવવાનું સરકારી બીડું ઝડપ્યું. ગુજરાત સરકારની ભાગીદારીમાં તમામ આઈટીઆઇમાં કડીયાકામ,સુથારીકામ,સેન્ટીંગનાં વિગેરે..બે માસથી લઇને ત્રણ માસ સુધીનાં સ્કિલ ડેવલપીંગ ના કોર્સ શરુ કરવામાં આવેલાં. માત્ર મારા જિલ્લામાં જ 2000+ યુવાનોએ લાભ લીધેલ. પણ શિખવનાર ઇન્સ્ટ્રકટર પોતે જ તમામ માહિતીથી અનભિજ્ઞ હતાં. બસ હાજરી પુરાવો સ્ટાઇપેન્ડમાંથી અમુક રકમ ફાળવો. સર્ટીફિકેટ લઇ જાઓ. આશરે દસેક લાખનો સામાન બે વર્ષ નવો પેક પડ્યો રહ્યો હવે સડી ગયો છે.(એ દરમ્યાન સરકારમાં વપરાશના નવાનાં બીલ બનતાં જ હતાં) આખરે સંપૂર્ણ જિલ્લો હુન્નરવાળો થઇ ગયો. સરકારની આ હુન્નરબાજીના સુ-રિપોર્ટમાં મારો જિલ્લો પ્રથમ નંબરે છે.

આવું જ બીજુ એક કરતુત છે. ધો-12 પાસ તમામ યુવાનોને કોલસેન્ટરમા,હોટલોમાં પર્સનાલીટીના આધારે નોકરી મળી રહે તે માટે. પર્સનાલીટી ડેવલપમેન્ટ તથા બીપીઓ કોર્સ (બે માસના) ફ્રિ માં ચલાવવા રાજ્યભરમાં ગુજરાત સરકારે પાંચસોએક જેટલી ખાનગી એજન્સીઓને કોન્ટ્રેક્ટ આપેલાં. બધી એજન્સીઓ સંખ્યાંમાં રસ ધરાવતી. હજારો સર્ટીફિકેટનું વિતરણ થયું. યુવાન દિઠ સરકારે શો ચાર્જ ચૂકવ્યો તે ગોપનીય છે.

વચ્ચે સાહેબને અંગ્રેજી પ્રત્યે અનહદ પ્રેમ જાગ્યો..(મુળ સંસ્કૃતપ્રેમી). હું પણ ફ્લુએન્ટ અંગ્રેજી બોલું ગુજરાત પણ બોલે..!! સ્કોપ નામનો કોર્સ લઇ આવ્યા હોર્ડીંગ્સ લગાવ્યા..હજારો યુવાનોને હાકલ કરી..જોડવામાં આવ્યા. આખું ગુજરાત આજે ચોપડા ઉપર કડકડાક અંગ્રેજી બોલે છે. તમારે ન માનવું હોય તો સરકારી રિપોર્ટ જોઇ લો!

આ થઇ સ્કિલની વાતો..! હવે કોઈ #સ્કિલઇન્ડિયા બોલે તો હરખપદુડાં નહી થવાનું..!

-વિજય મકવાણા

( આ મોદી પીએમ થયાં પહેલાની પોસ્ટ છે. જે અક્ષરસ: આજે સાચી છે)