By Dinesh Makwana || 09 Nov 2017
વર્ષો પહેલા સ્વામી સચ્ચિદાનંદ નું પુસ્તક ‘વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો’ વાંચ્યું હતું. વિદેશમાં યાત્રા દરમિયાન સ્વામીને વિદેશી નાગરિકો તરફથી જે વ્યવહાર થાય છે તેના વિશે આખા પુસ્તકમાં છણાવટ કરી છે. વિદેશ જે લોકો નથી ગયા તેઓના મનમાં ઘણી અસમંજસ છે. ત્યાં કોઇ લાગણી નહી, પ્રેમ નહી, વાત કરવાનો સમય, બધુ જ કુત્રિમ. પણ ખરેખર ત્યાં એવું નથી. ત્યાં લોકોની પાસે ફાલતુ ટાઇમ નથી. તેથી આપણી પ્રજા બહુ ગેરસમજ કરતી રહેતી હોય છે.
આપણે ત્યાં Export Quality કરતા Imported quality ની કિંમત હંમેશા વધારે રહી છે. તેથી પશ્ચિમના દેશોનું આંધળું અનુકરણ થઇ રહ્યુ છે. ભાઇનુ Bro અને બહેનનું Sis થઇ ગયું છે. પપ્પા ડેડ થઇ ગયા છે મમ્મી મોમ થઇ ગઇ છે. હિન્દી ભાષી રાજ્યોમાં પત્ની ને આજે પણ શ્રીમતી કહે છે પણ નવી પેઢી પત્નીને બેબી કહેતા થઇ ગઇ છે. પરિવર્તન જરુરી છે. દરેક પેઢી પોતાના વિચારો લઇને આવતી હોય છે જેને કારણે પરિવર્તન આવતુ હોય છે.
નાના પાટેકર અને શાહીદ કપુરની ફિલ્મના અંતે લખેલું આવે છે. Every Generation has its own hero.
પરિવર્તનનો સ્વીકાર કરવો પડશે પણ પરિવર્તનના નામે આપણે આજે સંસ્કાર ભુલી રહ્યા છે.
તે પહેલા હુ સ્વામીની ઉપરના પુસ્તક ના અંત વિશે કહુ. આખા પુસ્તક મા માત્ર સ્વામીના અનુભવો છે જ્યારે છેલ્લે એક યુવાનનો અનુભવ છે.
એક ભારતીય યુવાન અમેરિકા ના કોઇ શહેરમાં એકલો રહીને નોકરી કરતો હતો. બાજુમાં એક વૃદ્ધ રહે તેને આ યુવાન રોજ સવાર સાંજ નમસ્કાર કરે. વૃદ્ધ એકલા જ હતા તેથી ક્યારેક આ યુવાન તેમની પાસે બેસે વાતો કરે. એક દિવસ આ વૃદ્ધ દેખાયા નહી તેથી પેલા યુવાનને નવાઇ લાગી. સાંજે નોકરી પર થી પાછો ફર્યા બાદ યુવાન પેલા વૃદ્ધ ને ઘેર જાય છે. વૃધ્ધ મરણ પથારીએ છે, કોઇ પાસે નથી. પેલો યુવાન તેમની પાસે બેસે છે અને તેમને બાઇબલ વાંચીને સંભળાવે છે. બે દિવસ પછી વૃદ્ધ નું મૃત્યુ થાય છે.
આપણ ત્યાં પરિવર્તનના નામે ફેશન આવી છે. હવે કોઇ પણ બનાવ બને છે કે અકસ્માત થાય છે ત્યારે તેમને મદદ કરવાને બદલે આપણે વીડીયો બનાવીને સૌથી પહેલા વોટ્સ અપ પર જુદા જુદા ગ્રુપ પર મુકીયે છીએ. એકે મોકલ્યો તો હુ રહી જઇશ તેની હરીફાઈ ચાલતી રહે છે અને આવા મેસેજ જોયા વિના કે વાંચ્યા વિના કે તે ચકાસ્યા વિના કે આ મેસેજ પહેલા કોઇએ મુક્યો છે આપણે સતત મુર્ખામીનુ પ્રદર્શન કરતા રહીયે છે. કેટલાક અકસ્માત તાજા જ બન્યાહોય છે, જો કોઇ મદદ મળે તો કશુ બચાવી શકાય પણ દરેકને વીડીયો ઉતારવો છે, પોતાના ગ્રુપ પર વધામણી ખાવી છે. નવી પેઢી કયા જઇ રહી છે. આ સંસ્કારો પર ભારતીય સંસ્કુૃતીને મહાન કહીયે છે તો ખરેખર શરમની વાત છે.
રિલાયન્સના જિયોએ ડાટ વાળી નાંખ્યો છે. ડાટાની ચિંતા જ નથી, મને લાગે છે આપણે સસ્તી ચીજવસ્તુઓને લાયક જ નથી.
ચંદ્રકાંત બક્ષી એક ઇન્ટરવ્યુ મા કહે છે. આપણે લુખુ સુકુ શા માટે ખાવું જોઇએ? તે કહે છે જે દેશમાં મોંઘવારી છે તે દેશ વધુ પ્રગતિ કરે છે. પશ્ચિમના દેશો તેથી વધુ સમૃદ્ધ છે.
આપણી સમૃદ્ધિ કેટલા મોબાઇલ ગ્રાહકો વધ્યા છે તેની પર આંકવામા આવે છે. પણ મોબાઇલ કેવી રીતે વાપરવો તેના વિશે કોઇને ખબર નથી. બસમાં કે રેલવે મા આપણે ઘાંટા પાડીને વાત કરીયે છે. બીજાની તકલીફ આપણને દેખાતી નથી.
વોટ્સ અપ રાષ્ટ્રીય સમસ્યા બનતી જાય છે. રેલવે ને નિયમ કરવો પડ્યો છે. ફરજ દરમિયાન વોટ્સ અપ પર ચેટીગ કરતા પકડાશે તો કાર્યવાહી થશે. અનલિમિટિડ ડાટાનો નો ગેરઉપયોગ દરેક કાર્યાલયમાં થઇ રહ્યો છે અને કોઇને આમાં નવાઇ લાગતી નથી.
દુરગામી પરિણામો ઘાતક દેખાઇ રહેયા છે. તે આવતી પેઢીને ખતમ કરી નાંખે તે પહેલા સાવચેતી જરુરી છે. દરેક માતા પિતા આના વિશે ગંભીરતાથી વિચારે તે બહુ જરુરી છે, નહીતર.........
દિનેશ મકવાણા
વિજયનગર રાજસ્થાન
૯/૧૧/૨૦૧૭