June 30, 2017

બંધારણવાળો બાબો ભાગ ૪




By Raju Solanki

બંધારણના ઘડવૈયા કોને કહેવાય? સંવિધાનસભામાં 207 સભ્યો હતા. કેમ એ બધાને બંધારણના ઘડવૈયાનું બિરુદ ના મળ્યું? કેટલાક સભ્યો તો વાંધા વચકા કાઢનારા, પાણીમાંથી પોરા કાઢનારા ને માથાના વાળના બે ભાગ (hair-splitting) કરનારા હતા. એકમાત્ર બાબાસાહેબ એવા હતા કે જેમના શિરે એમણે લખેલા બંધારણના મુસદ્દાના એક એક શબ્દનો બચાવ કરવાની જવાબદારી આવી પડી હતી, જે તેમણે બખૂબી નિભાવી હતી. આનું સૌથી સચોટ ઉદાહરણ તમને લઘુમતીઓના બંધારણીય અધિકારો અંગેની ચર્ચામાં જોવા મળશે. 
પહેલી મે, 1947ના રોજ સરદાર પટેલે “અનુચ્છેદ 18 – સાંસ્કૃિતક અને શૈક્ષણિક અધિકારો”નો ઠરાવ રજુ કર્યો હતો. આ ઠરાવનો વિરોધ ક. મા. મુનશી અને ત્યાગી જેવા સભ્યોએ કર્યો હતો. ઠરાવના બચાવમાં બાબાસાહેબે જે શબ્દો ઉચ્ચાર્યા હતા તે આજે હિન્દુત્વના હિંસક વંટોળમાં કેટલા પ્રસ્તુત છે તે તમે ખુદ નક્કી કરજો. બાબાસાહેબે કહેલું, 
“(મુનશી અને ત્યાગી જેવા સભ્યોની) આ દરખાસ્તના સમર્થનમાં એક જ કારણ છે, જે સમજી શકાય છે, કે લઘુમતીઓના અધિકારો સાપેક્ષ હોવા જોઇએ. એટલે કે પાકિસ્તાનની સંવિધાનસભા ત્યાંના લઘુમતીઓને (હિન્દુઓને) શું અધિકારો આપે છે તેની રાહ જોવી જોઇએ અને પછી હિન્દુસ્તાનમાં લઘુમતીઓને (મુસ્લિમોને) અધિકારો આપવાનું નક્કી કરવું જોઇએ. હવે, અધ્યક્ષ મહોદય, તમામ મતભેદો સાથે, આવા કોઇપણ વિચારનો મારે વિરોધ કરવો જ જોઇએ. લઘુમતીઓના અધિકારો નિરપેક્ષ હોવા જોઇએ. આ અધિકારો એવી કોઇપણ વિચારણાને અધીન ના હોવા જોઇએ કે બીજો પક્ષકાર (પાકિસ્તાન) તેના અધિકારક્ષેત્રમાં લઘુમતીઓ જોડે શું કરવા ઇચ્છશે.”
(કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી ડીબેટ્સ વોલ્યૂમ ત્રણ, પેઇજ ૫૦૩)
- રાજુ સોલંકી


Facebook Post:-

બંધારણવાળો બાબો ભાગ ૩



By Raju Solanki

ડો. બાબાસાહેબ આંબેડકર મહાન હતા, પરંતુ એ કઈ ઘડી હતી જ્યારે એમની મહાનતાનો સમગ્ર દેશને પરિચય થયો? એ કયો પ્રસંગ હતો, જ્યારે બાબાસાહેબે એમની વિલક્ષણ વિદ્વતા, પારદર્શક પ્રતિબદ્ધતા અને અદમ્ય દેશભક્તિથી તે સમયના દેશનેતાઓના મન હરી લીધાં હતા? એમના દુશ્મન સમા કોંગ્રેસીઓને નતમસ્તક કરી દીધા હતાં?
17 ડિસેમ્બર, 1946નો એ દિવસ હતો. એ દિવસે બાબાસાહેબ સંવિધાનસભામાં ડો. એમ. આર. જયકરે મુકેલા પ્રસ્તાવ અંગે પોતાનો પ્રતિભાવ આપવા ઉભા થયા હતા. જયકરે જવાહરલાલ નેહરુએ રજુ કરેલા ઠરાવમાં સુધારો સૂચવ્યો હતો. મુસ્લિમ લીગ સંવિધાન સભાનો બહિષ્કાર કરી ચૂકી હતી. મુસ્લિમ લીગ બંધારણના ઘડતરની પ્રક્રિયામાં જોડાય નહીં ત્યાં સુધી ઠરાવ પસાર ના થાય તેવું જયકર સૂચવી રહ્યા હતા. 
બાબાસાહેબ જયકરના પ્રસ્તાવ અંગે બોલવા ઉભા થયા ત્યારે સંવિધાનસભામાં ઉપસ્થિત કોંગ્રેસીઓને એવી અપેક્ષા હતી કે ડો. આંબેડકર જયકરને સમર્થન આપવાની મેલી રમત રમશે અને એવું ધારીને ડો. આંબેડકરને ભોંય ભેગા કરવાનો મનસૂબો કોંગ્રેસીઓ હૈયામાં ધરીને બેઠા હતા. પરંતુ, સૌના આશ્ચર્ય વચ્ચે બાબાસાહેબે તેમના સમગ્ર જીવનના અર્ક સમું, તેમની પ્રતિભાને અનુરૂપ એવું ઓજસ્વી વક્તવ્ય આપ્યું કે સમગ્ર સંવિધાન સભાએ ઉભા થઈને તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધાં હતાં. 
બાબાસાહેબના એ વક્તવ્ય વિષે હું તમને અહીં વિસ્તારપૂર્વક જણાવીશ, પરંતુ અત્યારે તો એટલું જ કહીશ કે એ ઘડીથી બંધારણના ઘડવૈયા તરીકેની બાબાસાહેબની ભૂમિકાની શરૂઆત થઈ હતી.
- રાજુ સોલંકી

Facebook Post:-

શહેરી જાતીવાદ : સમય સાથે જાતીવાદ સ્વરુપ બદલતો રહે છે

By Prashant Leuva

અમારા વિસ્તારમાં ત્રણ દુકાન છે. પહેલી દુકાન પટેલ ભાઈની, વચ્ચેની અમારી અને ત્રીજી બીજા એક પટેલ ભાઈની. ૧૫ વર્ષથી કોઈ જાતનો કશો ભેદભાવ નહિ, રોજ બેસવા ઊઠવાનું સાથે. ખરો કિસ્સો હવે થયો. ઘણા વર્ષો પછી મહેનત કરી મારા પપ્પાએ નવું સરસ ડુપ્લેક્ષ લીધું. સ્વાભાવિક રીતે બંને દુકાનદાર પડોશીઓ હરખાયા. સોસાયટી નવી બની હતી એટલે સોસાયટી તરફથી જમણવાર રાખવામાં આવ્યો. દરેક સભ્યોને જોઈએ એટલા પાસ આપવામાં આવ્યા. અમે પણ પાસ લઇ બંને દુકાનદાર પડોશીઓને આપ્યા. પહેલી દુકાન વાળા પાડોશીએ ફટાક કરતો પાસ લીધો અને કહ્યું અમે ચોક્કસ આવશું .ત્રીજી દુકાન વાળા તૈયાર ના થયા આવવા, કહે કે તમારામાં અમે ના આવીએ. મારું છટકયું, ઘણું બોલ્યો પપ્પાને કે શું લેવા આપવા પડે પાસ આમને ? આપણે પણ નહી જઈએ એમના ત્યાં પ્રસંગમાં. મેં પણ આ વાતનો જડબાતોડ જવાબ આપવાનું નક્કી કરી રાખ્યું હતું.
આ બધું પત્યાંને પંદર દિવસ થયા હશે. ત્રીજી દુકાન વાળા માસી આવ્યા એમની દુકાને. હું મારી દુકાને ઉભો હતો. મને કહે કે નવા ડુપ્લેક્ષની પાર્ટી ક્યારે ? કઈ હોટેલમાં જવું છે જમવા ?
મોકો મળી ગયો પછી મને, મેં કહ્યું ઘરે હોટલને પણ ટક્કર મારે એવી વાનગીઓ બનાવીએ, તમે તૈયાર થઇને આવો ફેમીલી. એમણે કહ્યું ના ઘરે તો ના આવીએ.
મેં કહ્યું અચ્છા એમ ? ઘરે આવવું હોય તો આવજો બાકી હોટેલ ફોટેલ માં કોઈ દિવસ નહિ...અને હા તમારા ઘરે અમે આવીશું એવી કોઈ ખોટી આશા ના રાખતાં હવે...ભૂલી જજો કે અમે આવીશું...
માસી ત્યારના હજુ ચુપ જ છે એ બાબતે....
આ પોસ્ટ લખાય છે ને ત્રણ દુકાન વાળા અમે જોડે બેઠા છીએ !!

- અશાંત