June 30, 2017

બંધારણવાળો બાબો ભાગ ૪




By Raju Solanki

બંધારણના ઘડવૈયા કોને કહેવાય? સંવિધાનસભામાં 207 સભ્યો હતા. કેમ એ બધાને બંધારણના ઘડવૈયાનું બિરુદ ના મળ્યું? કેટલાક સભ્યો તો વાંધા વચકા કાઢનારા, પાણીમાંથી પોરા કાઢનારા ને માથાના વાળના બે ભાગ (hair-splitting) કરનારા હતા. એકમાત્ર બાબાસાહેબ એવા હતા કે જેમના શિરે એમણે લખેલા બંધારણના મુસદ્દાના એક એક શબ્દનો બચાવ કરવાની જવાબદારી આવી પડી હતી, જે તેમણે બખૂબી નિભાવી હતી. આનું સૌથી સચોટ ઉદાહરણ તમને લઘુમતીઓના બંધારણીય અધિકારો અંગેની ચર્ચામાં જોવા મળશે. 
પહેલી મે, 1947ના રોજ સરદાર પટેલે “અનુચ્છેદ 18 – સાંસ્કૃિતક અને શૈક્ષણિક અધિકારો”નો ઠરાવ રજુ કર્યો હતો. આ ઠરાવનો વિરોધ ક. મા. મુનશી અને ત્યાગી જેવા સભ્યોએ કર્યો હતો. ઠરાવના બચાવમાં બાબાસાહેબે જે શબ્દો ઉચ્ચાર્યા હતા તે આજે હિન્દુત્વના હિંસક વંટોળમાં કેટલા પ્રસ્તુત છે તે તમે ખુદ નક્કી કરજો. બાબાસાહેબે કહેલું, 
“(મુનશી અને ત્યાગી જેવા સભ્યોની) આ દરખાસ્તના સમર્થનમાં એક જ કારણ છે, જે સમજી શકાય છે, કે લઘુમતીઓના અધિકારો સાપેક્ષ હોવા જોઇએ. એટલે કે પાકિસ્તાનની સંવિધાનસભા ત્યાંના લઘુમતીઓને (હિન્દુઓને) શું અધિકારો આપે છે તેની રાહ જોવી જોઇએ અને પછી હિન્દુસ્તાનમાં લઘુમતીઓને (મુસ્લિમોને) અધિકારો આપવાનું નક્કી કરવું જોઇએ. હવે, અધ્યક્ષ મહોદય, તમામ મતભેદો સાથે, આવા કોઇપણ વિચારનો મારે વિરોધ કરવો જ જોઇએ. લઘુમતીઓના અધિકારો નિરપેક્ષ હોવા જોઇએ. આ અધિકારો એવી કોઇપણ વિચારણાને અધીન ના હોવા જોઇએ કે બીજો પક્ષકાર (પાકિસ્તાન) તેના અધિકારક્ષેત્રમાં લઘુમતીઓ જોડે શું કરવા ઇચ્છશે.”
(કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલી ડીબેટ્સ વોલ્યૂમ ત્રણ, પેઇજ ૫૦૩)
- રાજુ સોલંકી


Facebook Post:-

No comments:

Post a Comment