ભારતમાં હિન્દુ ધર્મમાં મનુસ્મૃતિ આધારીત રચાયેલ ચાતુર્વર્ણીય વ્યવસ્થામાં અસ્પૃશ્યો તથા પછાતોએ સદીઓ સુધી શારીરીક,માનસીક યાતનાઓ અને જાતિગત અપમાન સહન કર્યા. જો કે એ વાત ખાસ વિચારવા જેવી છે કે કુલ જન સંખ્યામાં અસ્પૃશ્યો તથા પછાતોની સંખ્યા 75 થી 80% હોવા છતાં માંડ 5 થી 8% જન સંખ્યા ધરાવતા લોકો અસ્પૃશ્યો તથા પછાતોને સદીઓ સુધી ગુલામ બનાવી રાખી શોષણ કરતા રહ્યા. એની પાછળનું કારણ અસ્પૃશ્યતા તથા જાતીવ્યવસ્થા ને મળેલ ધર્મનું સમર્થન.
ભારતમાં જ ભક્તિ આંદોલન, સતિપ્રથા વિરોધ, વિધવા પુનર્લગ્ન અને બાળલગ્નો જેવા વિવિધ વિષયો પર સમયાંતરે આંદોલનો થયા પરંતું સદીઓથી હિન્દુ ધર્મમાં નરકની યાતના ભોગવી રહેલા અસ્પૃશ્યો તથા પછાતોને સમાજની મુખ્યધારામાં લાવવા કે તેમના માનવીય અધિકારની પ્રાપ્તિ થાય એ માટે કોઈ આંદોલન કરવામાં આવ્યુ હોય તેવુ બન્યું નથી.
હિન્દુ ધર્મમાં અસ્પૃશ્યતા અને વર્ણ વ્યવસ્થાને ધર્મનું સજ્જડ પીઠબળ આપવામાં આવેલ હતું એટલે ધર્મની આજ્ઞા જ એવી હતી કે અસ્પૃશ્યો પીડાતા રહે.
ભારતમાં અસ્પૃશ્યતા નિવારણ માટેનો ખરો Do or Die વાળો જંગ બાબા સાહેબના સંકલ્પ પછી જ શરુ થયો હતો એ કહેવામાં સહેજે અતિશયોક્તિ નથી.
વચ્ચે વચ્ચે ગાંધીજીની હરિજન ઉધ્ધારની પ્રવૃત્તિઓ દેખા દેતી હતી. જે કામ ઓછું પણ દેખાડો વધુ જેવી હતી. ગાંધીજી પોતે વર્ણ વ્યવસ્થાનાં ચુસ્ત હિમાયતી હતા. એ પોતે વર્ણ વ્યવસ્થાને ઈશ્વરીય વ્યવસ્થા ઓળખાવતા હતા. ગાંધી અસ્પૃશ્યોના ઉધ્ધાર કરવાની વાતો કરતા હતા પણ....વર્ણ વ્યવસ્થામાં કોઈ પણ જાતનો હસ્તક્ષેપ કર્યા વગર. જે કદીય શક્ય ન હતું.
બાબા સાહેબ વર્ણ વ્યવસ્થાને પડકારી કોઈ પણ જાતની દયા ખાધા વિના સાહજિક રીતે અસ્પૃશ્યો તથા પછાતો સમાજની મુખ્ય ધારામાં સામેલ થાય અને અન્ય લોકો જેવા અધિકારો મેળવે તેનાં પક્ષમાં હતા.
સાવ સાચા શબ્દોમાં કહીએ તો ગાંધીજી અસ્પૃશ્યોને હરિજન બનાવી આઝાદીની લડાઈમાં જનસમર્થન વધારવા માટે અસ્પૃશ્યોને માત્ર ભીડ તરીકે ઉપયોગ કરવા માંગતા હતા.
કારણ અસ્પૃશ્યતા નિવારણ એ ગાંધીજી માટે માત્ર Part time business હતો...જ્યારે બાબા સાહેબ માટે Full time Aim.
જિગર શ્યામલનનાં જયભીમ.................